IPL 2019 | મેચ 45 | રાજસ્થાનને ઓછું લક્ષ્ય આપવું હૈદરાબાદને ભારે પડ્યું

0
345
Photo Courtesy: dnaindia.com

ઘણીવાર માત્ર 10 થી 12 રનનું લક્ષ્ય વિરોધી ટીમને આપવું ભારે પડી જતું હોય છે. મધ્ય ઓવરોમાં સારી બેટિંગ કરી હોવા છતાં હૈદરાબાદ છેવટે રાજસ્થાનને લગભગ 10-12 રનનું લક્ષ્ય ઓછું આપી શક્યું હતું.

Photo Courtesy: dnaindia.com

આ મેચ એ રાજસ્થાન રોયલ્સની પોતાના ઘર જયપુરમાં આ સિઝનની છેલ્લી મેચ હતી. આ સિઝનમાં તેઓ મોડામોડા જાગ્યા છે પરંતુ હોમ ક્રાઉડની વિદાય લેતા અગાઉ તેમને જીતની મીઠાઈ વહેંચીને જવાનું તેમના પર દબાણ તો હતું જ. સનરાઈઝર્સ હૈદરાબાદે આજે જોની બેરસ્ટોની ગેરહાજરીમાં પણ પોતે એટલી જ સારી બેટિંગ કરી શકે છે એ પણ દેખાડી દેવાનું હતું.

સમગ્ર સિરીઝમાં આવ-જા કરતા SRHના કપ્તાન કેન વિલ્યમ્સનના વહેલા આઉટ થયા બાદ મનિષ પાંડે જે છેવટે ફોર્મમાં આવ્યો છે તેણે અને ડેવિડ વોર્નરે એક લાંબી, તેજ અને મજબૂત પાર્ટનરશીપ ઉભી તો કરી પરંતુ જેમ અગાઉ થતું આવે છે તેમ સન રાઈઝર્સ હૈદરાબાદના બાકીના બેટ્સમેનો એ રન ગતિ જાળવી રાખવામાં આજે પણ નિષ્ફળ રહ્યા હતા.

ખાસ કરીને વિજય શંકર જે અનેક ટેલેન્ટેડ બેટ્સમેનોની અવગણના કરીને ભારતની વર્લ્ડ કપ ટીમમાં પસંદ થયો છે તેના ખરાબ ફોર્મ કરતા તે જે ખરાબ રીતે શોટ્સ મારીને આઉટ થાય છે તે ચિંતાજનક છે. લાગતું નથી કે વિજય શંકર વર્લ્ડ કપની શરૂઆતની મેચોમાં ભારત તરફથી રમે! જ્યારે મધ્યમ ક્રમના બેટ્સમેનો નિષ્ફળ જાય ત્યારે સારી પીચ ઉપર પણ મોટો સ્કોર કરવામાં સફળતા નથી મળતી. છેલ્લી ઓવરમાં રશીદ ખાને એક ફોર અને એક સિક્સ મારી પરંતુ આ પીચ પર 160 રનનો બચાવ કરવો ક્યારેય સરળ રહેવાનું ન હતું.

અધૂરામાં પૂરું અજીન્ક્ય રહાણે અને લિયામ લિવિંગસ્ટને રાજસ્થાન રોયલ્સને અત્યંત સુંદર શરૂઆત આપી હતી. 6 ઓવર્સના પાવરપ્લેમાં જ આ બંનેએ 60 રન ભેગા કરી લીધા હતા. ત્યારબાદ RR માટે આગળ સંભાળીને જ બેટિંગ કરવાનું બાકી રહેતું હતું જે તેમણે કર્યું. લિવિંગસ્ટનના મોટાભાગના શોટ્સ લેગ સાઈડમાં જ મારવામાં આવ્યા હતા એ જોવા છતાં સન રાઈઝર્સ હૈદરાબાદના બોલરોએ તેમની લેન્થ અને લાઈનમાં કોઈજ પરિવર્તન ન લાવ્યા.

બાકી હતું તે સંજુ સેમસને પૂરું કર્યું. આ અત્યંત ટેલેન્ટેડ બેટ્સમેન અને વિકેટકીપરે આ મેચમાં રાજસ્થાન રોયલ્સને પોતાની બેટિંગ દ્વારા જીત તો અપાવી જ હતી પરંતુ મનિષ પાંડેનું અદભુત સ્ટમ્પીંગ કરીને SRHને 160 સુધી રોકી દેવામાં પોતાનો મહત્ત્વનો ફાળો પણ આપ્યો હતો. આ મેચના મેન ઓફ ધ મેચ જયદેવ  ઉનડકટ માટે પણ આ મેચ યાદગાર રહી હતી કારણકે તેણે ત્રણ કેચ કર્યા અને બે વિકેટો પણ લીધી હતી.

હવે સન રાઈઝર્સ હૈદરાબાદ, કિંગ્સ ઈલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ચોથા સ્થાનની લડાઈ થઇ છે. રાજસ્થાન રોયલ્સ પાસે હવે બે મેચ બચી છે જ્યારે બાકીની બંને ટીમો પાસે 3-3 મેચો બાકી રહી છે. રોયલ્સની આ મેચની જીત બાદ હવે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે ક્વોલિફાય થવાની રહી સહી તમામ આશાઓ પર પાણી ફરી વળ્યું છે એમ કહી શકાય.

ટૂંકું સ્કોરકાર્ડ

IPL 2019 | મેચ 45 | રાજસ્થાન રોયલ્સ વિ. સન રાઈઝર્સ હૈદરાબાદ

સવાઈ માનસિંગ સ્ટેડિયમ, જયપુર

ટોસ: રાજસ્થાન રોયલ્સ (બોલિંગ)

સન રાઈઝર્સ હૈદરાબાદ 160/8 (20) રન રેટ: 8.0

મનીષ પાંડે 61 (36)

ડેવિડ વોર્નર 37 (32)

જયદેવ ઉનડકટ 2/26 (4)

ઓશાને થોમસ 2/28 (4)

રાજસ્થાન રોયલ્સ 161/3 (19.1) રન રેટ: 8.42

સંજુ સેમસન 48* (32)

લિયામ લિવિંગસ્ટન 44 (26)

સ્ટિવ સ્મિથ 22 (16)

રશીદ ખાન 1/30 (4)

પરિણામ: રાજસ્થાન રોયલ્સ 7 વિકેટે જીત્યા

મેન ઓફ ધ મેચ: જયદેવ ઉનડકટ (રાજસ્થાન રોયલ્સ)

અમ્પાયરો: યશવંત બારડે અને નંદકિશોર | એસ રવિ (થર્ડ અમ્પાયર)

મેચ રેફરી: મનુ નૈયર

પોઈન્ટ્સ ટેબલ

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here