સમગ્ર વિશ્વના રાજકારણનું લેફ્ટ, રાઈટ અને સેન્ટર

0
209
Photo Courtesy: siasat.com

વાહ ગુજરાત!! રંગ રાખ્યો બાકી આપણે. છેલ્લા 52 વર્ષનો રેકોર્ડ તોડી 2019ની લોકસભા ચૂંટણીમાં આપણે રેકોર્ડ બ્રેકીંગ 64.11% મતદાન કર્યું!!!. એના માટે આપણે સહુ અભિનંદન અને શાબાશીના અધિકારીઓ છીએ. ચાલો પહેલા એક કામ કરીએ, આપણા માંથી જેણે જેણે મતદાન કર્યું છે એ બધા પોતાનો ખભો થાબડી પોતાનેજ અભિનંદન આપીએ. આ સાથે હૃદયથી અભિનંદનના અધિકારી એ ચૂંટણી અધિકારીઓ છે જેણે આટલી ગરમીમાં પણ મતદાન કરવાની આપણી ફરજ પુરી કરવામાં આપણને મદદ કરી હોય. વહાલા ચૂંટણી અધિકારી મિત્રો, તમે એરકંડીશન રૂમમાં હો, કે બહાર તપતી ગરમીમાં, અમે  તમારો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અને આ ચૂંટણીમાં તમને ફાળવાયેલી કામગીરી સુપેરે પાર પાડવા માટે અમને તમારા પર ગર્વ છે. 

આપણે છેલ્લા એકાદ બે મહિનાથી આ કોલમમાં સતત પોલિટિક્સ વિષે ચર્ચા કરી રહ્યા છીએ. ટ્વીટર અને રેડ્ડિટના પોલિટિક્સ થી શરુ કરી આપણે અમુક સેલિબ્રિટીના બેવડા ધોરણો, ભારતમાં ડાબેરીઓનો ઇતિહાસ, ડાબેરીઓ જેના જાની દુશ્મન છે એવા હિન્દુત્વ વિષે, અને ડાબેરીઓમાંથી ઘણાનો ફેવરિટ ધર્મ એવા બૌદ્ધ ધર્મનો ઇતિહાસ વિષે ચર્ચા કરી.  બાલાકોટ એરસ્ટ્રાઇક અને એને લગતા પ્રચાર યુદ્ધ વિષે ચર્ચા કરી. આ બધા મુદ્દાઓ લોકસભાની ચૂંટણી માટે અગત્યના થઇ ગયા છે. લેફ્ટ અને રાઈટ બંને તરફી પક્ષો (મૂળ તો કોંગ્રેસ + ગઠબંધન અને ભાજપ) આ મુદ્દે જોરશોરથી પ્રચાર કરી રહ્યું છે. અને આ બધા લેખોમાં આપણે લેફ્ટ વિંગ અને રાઈટ વિંગ વિષે ઘણું બોલ્યા, વાંચ્યું. આજે આ લેફ્ટ અને રાઈટ વિંગ્સ વિષે થોડું વિસ્તાર થી જાણીશું.

લેફ્ટ અને રાઈટ વિંગ્સ દેશ અને દુનિયામાં બધે પથરાયેલી છે. અહીંયા ભાજપ રાઈટ વિન્ગર કહેવાય છે, અને કોંગ્રેસ અને સામ્યવાદીઓ લેફ્ટ વિન્ગર. અમેરિકામાં ઓબામા અને હિલેરી ક્લિન્ટન લિબરલ (જે એક રીતે લેફ્ટ વિંગનું જ બીજું નામ છે) અને ટ્રમ્પ કોન્ઝર્વેટીવ(જે એક રીતે રાઈટ વિંગનું બીજું નામ છે), કેનેડામાં ટ્રુડો લિબરલ જર્મનીમાં એન્જેલા મર્કેલ રાઈટ વીંગર અને ફ્રાન્સમાં ઈમાન્યુએલ માર્કોન લેફ્ટ વીંગર અને એના હરીફ મેરિન લિ પેન રાઈટ વીંગર કહેવાય છે. રાજકારણની આ બધી વિંગ ની શરૂઆત માર્કોન અને લિ પેનનાં ફ્રાન્સમાં થઇ.

લેફ્ટ અને રાઈટ વિંગ શબ્દનો પ્રયોગ અને શરૂઆત ફ્રેન્ચ ક્રાંતિ વખતથી ચલણમાં આવ્યો. ક્રાંતિ દરમ્યાન ફ્રેન્ચ સભા, જેના વડા તરીકે ફ્રેન્ચ રાજા હતા. એ દરમ્યાન ફ્રેન્ચ ક્રાંતિ ની તરફેણ કરનારા અને રાજાશાહીનો વિરોધ કરનારા લોકો રાજાની ડાબી બાજુ બેસતાં, આ લોકો સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાનાં લિબરલ વિચારોમાં માનતા, અને એટલે રાજાની ડાબી બાજુએ બેસનારા લેફ્ટ વીંગર્સ ને લિબરલ પણ કહેવામાં આવતા. 

આ તરફ રાજાની જમણી બાજુએ બેસનારા લોકો રાજાશાહીની તરફેણ કરતાં. આ લોકો માત્ર રાજાશાહી જ નહિ પણ એ સમયે ચાલી આવતી દરેક પરંપરા ની પણ તરફેણ કરતાં. એ સમયે નવીનતા લાવવા મથતી ફ્રેન્ચ ક્રાંતિ સામે આ લોકોના વિચારો રૂઢિચુસ્ત ગણાતા, અને એટલેજ રાજાની જમણી બાજુએ બેસનારા રાઈટ વીંગર્સ ને કન્ઝર્વેટિવ પણ કહેવામાં આવતા. 

આ રાઈટ વિંગ અને લેફ્ટ વિંગ અને એની વચ્ચે ની જગ્યા જ્યાં બંને વિચારોનું સરખું મહત્વ હોય એ સેન્ટ્રિસ્ટ પાર્ટીઓ કહેવાય છે. ભારતમાં ભાજપ એ રાઈટ સેન્ટ્રિસ્ટ પાર્ટી છે, એ રાઈટ વિંગ નું સમર્થન કરે છે પણ સાથે સાથે લેફ્ટ વિંગના પણ મુદ્દાઓને સ્પર્શતા કામ કરે છે. સામે કોંગ્રેસ, આપણે આ કોલમમાં જોયું એમ સમાજવાદી લેફ્ટ છે, પણ સાથે સાથે અમુક રાઈટ વિંગ ને સ્પર્શતા કન્ઝર્વેટિવ મુદ્દાઓને પણ હાથમાં લે છે. ભાજપ સિવાય રાઈટ વીંગર કહી શકાય એવી પાર્ટીમાં અસદુદ્દીન ઓવૈસી ની AIMIM પણ એક રીતે રાઈટ વિંગમાં આવે જે મુસ્લિમોના કન્ઝર્વેટિવ હક્ક માટે લડત આપે છે. આ સિવાય લેફ્ટમાં લોહિયાના સમાજવાદ પ્રેરિત રિજનલ પાર્ટીઓ જે મહાઠગબંધનમાં સામેલ છે અને “લગભગ” કેજરીવાલ ની “લગભગ” આમ આદમી પાર્ટી પણ આવે. આ બધા પોતપોતાના લેફ્ટ અને રાઈટના ગ્રાફમાં સેન્ટરની વધારે નજીક કે વધારે દૂર છે.

left-and-right-wing
ભારતમાં લેફ્ટ અને રાઈટ પાર્ટીઓ અને એના વલણ નો ચિતાર આપતો એક ગ્રાફ

ઉપર આ પાર્ટીઓના વલણનો એક ગ્રાફ આપ્યો છે, જોકે એમાં એક વાત ખોટી છે. સંઘ અને બજરંગદળ ની પોતાની કોઈ રાજકીય પાર્ટી નથી. જયારે ભાજપ અને AIMIM બંને કાયદેસર પાર્ટીઓ છે અને બંનેના બેનર હેઠળ નેતાઓ ચૂંટણી લડે છે. લેફ્ટ અને રાઈટ બંને વિંગ્સ પાસે  પોતાના મુદ્દાઓ છે અને દેશની લોકસભા, રાજ્યસભા અને રાજ્યોની વિધાનસભા જેવી સિવિક બોડીમાં આ પાર્ટીઓ અને એના નેતાઓ પોતપોતાના એજન્ડા પ્રમાણે ચર્ચાઓ કરે છે, કાયદાઓ પસાર કરે છે અને દેશની નીતિઓ ઘડે છે.

લેફ્ટ અને રાઈટ વીંગની નીતિઓ પણ અમુક સુનિશ્ચિત નિયમો પ્રમાણે ચાલે છે. ઉપર કહ્યું એમ, રાઈટ વીંગર્સ કે કન્ઝર્વેટિવ્સ દેશને પહેલેથી ચાલી આવતી નીતિ રીતિ પ્રમાણે આગળ લઇ જવા માંગતા હોય છે. જયારે લેફ્ટ વીંગર્સ કે લિબરલ લોકો માટે સમાનતા, સ્વતંત્રતા અને બંધુતા ના સિદ્ધાંતો જ બધું હોય છે. એ લોકો માટે પછાત વર્ગનો વિકાસ જ મુખ્ય મિશન હોય છે. લેફ્ટ અને રાઈટ, આ બંને પાર્ટીઓની નીતિઓના બે મુખ્ય પાસા છે, વ્યક્તિ લક્ષી(Individualism) અને સમાજ લક્ષી(Collectivism). વ્યક્તિ લક્ષી મુદ્દાઓ એટલે એવા મુદ્દાઓ જે જે-તે લોકોને અને એના રોજિંદા જીવનને સ્પર્શે છે. અને સમાજ લક્ષી મુદ્દાઓ એટલે એવા મુદ્દાઓ જેની અસર કોઈ સમાજ કે કોઈ ગ્રુપ પર થાય છે. વ્યક્તિ લક્ષી અને સમાજ લક્ષી નીતિઓ માટે લેફ્ટ અને રાઈટ બંનેનું  એક ચોક્કસમાળખું છે, અને બંને આખા વિશ્વમાં આ નીતિનું આ માળખું અનુસરે છે.

લેફ્ટ વિંગ ની વ્યક્તિગત નીતિમાં સ્વતંત્રતા આવે છે. કાગળ પર લેફ્ટ વિંગ માટે દરેક વ્યક્તિ સ્વતંત્ર છે. એને જે ધર્મ પાળવો હોય, જે વ્યક્તિ સાથે સંસાર માંડવો હોય, પોતાની જે જતી, લિંગ ધર્મ હોય એ બધું પાળવા કે એને બદલવા માટે વ્યક્તિ સ્વતંત્ર છે.  દરેક વ્યક્તિને બીજા વ્યક્તિ સાથે બંધુતા જાળવવી એ દરેક વ્યક્તિની ફરજમાં આવે છે. અને એના માટે સમાનતા હોવી જરૂરી છે. અને આ સમાનતા જળવાઈ રહે એટલે લેફ્ટ વિંગ ઈકોનોમી પર જાતજાતના રિસ્ટ્રિક્શન લગાવે છે. કયો બિઝનેસ કરવો, કેવી રીતે કરવો અને કેટલો કરવો એ સરકાર નક્કી કરે છે. લગભગ બધેજ લેફ્ટ વીંગની સરકારો લાયસન્સ રાજ કે ઊંચા ટેક્સ થી ઈકોનોમી પર નિયંત્રણ લગાવે છે. વ્યક્તિગત સ્વતંત્રતા અને નિયંત્રિત અર્થવ્યવસ્થા એ લેફ્ટ વીંગની ઓળખ છે. 

લાગતું વળગતું: બેજવાબદાર નેતાઓ પર પ્રતિબંધ યોગ્ય પરંતુ ભેદભાવ નહીં!

સામે રાઈટ વિંગ ની વ્યક્તિગત નીતિમાં બહુમતી અને જે-તે રાષ્ટ્રના બહુમતી લોકોની પરંપરાનો આદર કરવો એ મુખ્ય નીતિ છે. સેન્ટ્રિસ્ટ રાઈટ વિંગ પોતાના રાષ્ટ્રોની બહુમતી અને એની નીતિઓ તરફી હોય છે. અને એ નીતિઓને આદર આપે છે. જયારે રાઈટ વિંગ ઈકોનોમી પર કોઈ રિસ્ટ્રિક્શન આપવામાં માનતી નથી. હા, રાઈટ વિંગ એ જરૂર આગ્રહ રાખે છે કે કોઈ પણ બિઝનેસ કરો તમે બહુમતી લોકો, રાષ્ટ્રના રિસોર્સ અને રાષ્ટ્ર પ્રત્યે સન્માનની લાગણી રાખો, અને એના કાયદાઓ પાળો.

એક રાઈટ વીંગર સરકાર પોતાની બહુમતી અને એની પરંપરાનો આદર કરવા માટે પરંપરા નો વિરોધ કરતા પરિબળો પાર કાયદાકીય નિયંત્રણ પણ નાખી શકે છે. પોતાના દેશમાં આવતા શરણાર્થીઓ અને પોતાનો ધર્મ ન પાળતા લોકોને પોતાના ધર્મનો, કાયદાઓ અને પરંપરાઓનો આદર કરવાની ફરજ પાડી શકે છે. પરંપરાગત રાઈટ સમાજમાં સ્ત્રીઓનું સ્થાન એક હોમ-મેકર અને એક આદર્શ માતાનું છે. અને આ સ્થાન જાળવવા માટે રાઈટ વીંગર સરકાર સ્ત્રીઓને નોકરી ન કરવા માટે પ્રેરણા આપશે અને સ્ત્રીઓ એક આદર્શ ગૃહિણી બની રહે એ માટે ની શિક્ષણ નીતિઓ ઘડશે. એક રાઈટ વીંગર સરકાર પરંપરાગત લગ્ન સંસ્થા બચાવવા માટે LGBT પ્રવૃત્તિઓ પર કાયદાકીય રોક લગાવશે. પણ આ જ રાઈટ વીંગર સરકાર સ્ત્રીઓને ઘરેથી ઓફિસ સુધી લેવા મુકવા માટેની સ્પેશિયલ ટેક્સી સર્વિસ ચાલવા દેશે, કે LGBT લોકોની સેક્સ્યુઅલ હેલ્થ જાળવી શકતા બિઝનેસ ને ચાલવા દેશે. કારણકે રાઈટ વિંગ ફ્રી ઇકોનોમીમાં માને છે. અને જ્યાં સુધી નોકરી કરતી કોઈ સ્ત્રી કે કોઈ LGBT પરંપરાગત રૂઢિ કે સમાજનો આદર કરશે ત્યાં સુધી રાઈટ વિંગને આવા લોકો સામે કોઈ વાંધો નહિ આવે.

પણ એક લેફ્ટ વીંગર સરકાર ધાર્મિક લઘુમતી, આર્થિક લઘુમતી (એટલેકે ગરીબ લોકો) અને સેક્સ્યુઅલ લઘુમતીને સંપૂર્ણ સ્વતંત્રતા આપે છે. લેફ્ટ વીંગરમાં પરંપરાગત જેવું કઈ હોતું નથી. લેફ્ટ વીંગર માટે સમાજ ના કોઈ રોલ કે કોઈ હદ લાગુ નથી પડતી. લેફ્ટ વીંગર સરકાર માટે નોકરી કરતી સ્ત્રી, એક હોમ-મેકર પુરુષ અને કોઈ LGBT બધા સરખા છે. પણ આ બધા માટે કેવા અને કેટલા ઘર બનાવવા, કેવા ધંધા ચાલવા દેવા અને કેવા નહિ એ લેફ્ટ વીંગર સરકાર નક્કી કરે છે. અને આવા ધંધામાં લેફ્ટ વીંગર સરકાર ની લગભગ મોનોપોલી હોય છે. અને એટલેજ ક્વોલિટી કે સ્પર્ધાની ચિંતા કર્યા વગર સરકારશ્રી એની મુક્ત પ્રજાને ગમે તેવું પધરાવી દે છે. અને કોઈ વિકલ્પના અભાવે આપણે સરકારશ્રી દ્વારા આપેલી ખેરાતો અને ખુદ સરકારશ્રીને જેવી હોય તેવી સ્વીકારવી પડે છે. કારણકે અર્થ વ્યવસ્થા હોય કે રાજકારણ, લેફ્ટ વીંગર્સને હરીફાઈ પસંદ નથી.

ભારતમાં આ લેફ્ટ અને રાઈટ વિંગનું ચિત્ર કૈક અલગજ છાપ ઉભી કરે છે. ઉપર કહ્યા એ લેફ્ટ વિંગના સ્વતંત્રતા સમાનતા અને બંધુતાના નિયમો હિન્દુત્વ હજારો વર્ષોથી પાળે છે. પણ આ હિન્દુત્વ અને એને સપોર્ટ આપનારી પાર્ટી ભાજપ રાઈટ વીંગર પાર્ટી છે. સામે લેફ્ટ વીંગર પાર્ટી પોતાની ટેવ પ્રમાણે બહુમતી અને પરંપરાની વિરુદ્ધમાં ગઈ છે અને એટલે લેફ્ટના સિદ્ધાંતોની વિપરીત એવા રિગ્રેસીવ અને જડ એવા ઇસ્લામી અને માઓવાદી આતંકીઓ સાથે જઈને બેઠી છે. અહીંયા જે લિબરલ છે એ જડ છે અને જે લોકોને જડ મનુવાદી હોવાનું લેબલ માર્યું છે એ જ લોકો લિબરલ છે. પશ્ચિમી સંસ્કૃતિ હેઠળ વિકસેલા લેફ્ટ અને રાઈટના જડ લેબલ આપણા પોલિટિક્સને લાગુ પડતા જ નથી, અને જે પડે છે એ બહુ ખોટી અને ખરાબ રીતે પડે છે.

અને આની એક સાબિતી છે નેશનાલિઝ્મ અથવા રાષ્ટ્રવાદ. મધ્યયુગીન યુરોપ મધ્યયુગીન ભારતની જેમજ નાના નાના રાજ્યો અને પરગણામાં વહેચાયેલું હતું અને એમાંથી ભેગા થયેલા રાષ્ટ્રોને એક ઓળખ આપવી અને એ જાળવવી જરૂરી હતી. યુરોપિયન રાષ્ટ્રોને આ ઓળખ આપવાનું અને જાળવવાનું કામ રાઈટ વીંગર પાર્ટીઓએ કર્યું. અને અત્યારે આખા વિશ્વમાં આ રાષ્ટ્રવાદને પ્રોત્સાહન આપવાનું કામ રાઈટ વીંગર નેતાઓ જેમકે ડોનાલ્ડ ટ્રમ્પ, વ્લાદિમીર પુતિન, થેરેસા મે જેવા લોકો કરે છે. સામે લેફટીસ્ટ લોકો એક કોમ અને એક વર્ગના હિત માટે રાષ્ટ્ર અને રાષ્ટ્રવાદને અવગણવાનું પસંદ કરે છે. અને રાષ્ટ્રવાદીઓને જિંગોઈસ્ટિક અને ઝનૂની કહીને ઉતારી પાડે છે. ભારતમાં પણ છેલ્લા પાંચ વર્ષથી ભાજપ અને એના સમર્થકોને જિંગોઈસ્ટિક કહીને ઉતારી પાડે છે. અને ભાજપે ભારતની એકતા અને અખંડિતતાને જાળવી રાખવાનું બીડું ઉપાડ્યું છે.

કદાચ કાયદાકીય રીતે ભાજપે આના ઉપર ઘણું કામ કરવું પડશે. પણ સામાજિક રીતે એક રાષ્ટ્ર તરીકેની એકતા અને અખંડિતતાને જાળવવામાં ભાજપ કે કોઈ પાર્ટીએ એટલી બધી મહેનત કરવાની જરૂર નથી. કારણકે આપણી સંસ્કૃતિ ને અને હિંદુત્વને જાળવી રાખનારા આપણા જીનિયસ ઋષિમુનિઓ અને આચાર્યોએ એક એવું જીનિયસ પગલું લીધું છે જેના લીધે એક રાષ્ટ્ર તરીકે ભારતનો વિચાર છેલ્લા હજારો વર્ષોથી આપણા અને આપણા પૂર્વજોના મનમાં છાપી દીધો છે. એ વિચાર અને એના જીનિયસ અમલ વિષે આપણે આવતા અંકમાં જોઈશું.

ત્યાં સુધી

મે ધ શક્તિ બી વિથ યુ…….

eછાપું 

તમને ગમશે: બની બેઠેલી યુનિવર્સીટીઓમાં એક પત્ર દ્વારા UGC લાવ્યું ભૂકંપ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here