હિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે (9): રાજકારણમાં પ્રવેશના કારણો

0
190
Photo Courtesy: quora.com

શિવસેનાની સ્થાપના વખતે તે કોઈ રાજકીય કાર્ય નહીં કરે તેમ બાળાસાહેબ ઠાકરે એ કહ્યું હતું, પરંતુ ત્યારબાદ એવા સંજોગો ઉભા થયા કે તેમણે શિવસેનાને રાજકારણમાં પ્રવેશ આપવા અંગે ગંભીરતાથી વિચારવાનું શરુ કર્યું.

Photo Courtesy: quora.com

શિવસેનાનો જન્મ થયો પછી એક વર્ષની અંદર જ તેમની પ્રવૃત્તિઓની વણઝાર લાગી. અન્ય રાજકીય પક્ષો શિવસેનાના ઉદભવ અને વિકાસ વિશે વાતો કરવા લાગ્યા. શિવસેના ચર્ચા માટેનો ‘હોટ ટોપિક’ બની ગયો. અને તે જ સમયે શિવસેનાની કાયદા વિરુદ્ધની પ્રવૃત્તિઓ પણ વધવા લાગી. ફેબ્રુઆરી 1967માં મધ્ય મુંબઈની કાલાચૌકીમાં એક સાઉથ ઈન્ડિયન હોટેલ પર એક હુમલો થયો. શિવસૈનિકો દ્વારા પથ્થર ફેંકવાની એ ઘટનામાં બત્રીસ લોકો ઘાયલ થયા અને ચાર શિવસેના કાર્યકરોની ધરપકડ કરવામાં આવી. જોકે, બાળ ઠાકરેએ હુમલામાં સામેલ શિવસૈનિકોની પ્રશંસા કરી. શરૂઆતથી જ, તેમણે આ પ્રકારની હિંસાની હિમાયત કરી છે કારણ કે શિવસેના અને ‘યન્ડુગુન્ડુ’ લોકો વચ્ચે બાપે માર્યાં વેર હતાં.

1968 ની શરૂઆતમાં જ્યારે મદ્રાસના સિનેમાઘરોએ હિંદી ફિલ્મોને ન દર્શાવવાનો નિર્ણય લીધો ત્યારથી ઠાકરેએ દક્ષિણ ભારતીયો સામેની ઝુંબેશ શરૂ કરી હતી. જો કે ઠાકરે દક્ષિણ ભારતીયોને તેમની બોલી અને ભાષાને કારણે ‘યન્ડુગુન્ડુ’ કહીને બોલાવતા. મુંબઇમાં શિવસેનાના વડાએ દક્ષિણ ભારતના આવા વ્યવહારને કારણે મુંબઇના થિયેટર માલિકોને અરજી કરી કે દક્ષિણમાં શૂટીંગ થઈ હોય તેવી ફિલ્મોની મુંબઈમાં સ્ક્રિનિંગ કરવી નહીં. જ્યારે એ અરજીથી કામ ન થયું ત્યારે શિવસેનાએ કડક પગલાં લેવાના શરૂ કર્યાં.

ફેબ્રુઆરી 1968 માં, શિવસેનાના કાર્યકર્તાઓએ લાલબાગ સ્થિત ગણેશ ટોકીઝ પર હુમલો કર્યો અને ‘આદમી’ ફિલ્મનું સ્ક્રીનિંગ અટકાવ્યું. ઠાકરેની દલીલ હતી કે દક્ષિણ ભારતીય ફિલ્મ નિર્માતાઓ મુંબઇમાં પૈસા કમાઈને દક્ષિણ તરફ લઇ જાય છે. આ સંદર્ભે મદ્રાસ સ્થિત નિર્માતા એવી. મયપ્પન 2 માર્ચ, 1968 ના રોજ બાળાસાહેબ ઠાકરેને મળ્યા. તેમને મુંબઈમાં તેમની ફિલ્મની રિલીઝ કરવાની મંજૂરી જોઈતી હતી. ત્યારે ઠાકરેએ કહ્યું કે જો અમારી ત્રણ શરતો પૂરી થાય તો જ સ્ક્રીનિંગની મંજૂરી આપી શકાય. એ શરતો હતી:

(1) હિન્દી ફિલ્મો મદ્રાસના સિનેમાઘરોમાં બતાવવી ફરજિયાત રહેશે. અને એ માટે મયપ્પને ત્યાંના મુખ્ય પ્રધાનને મળવું પડશે (2) જો મુખ્ય પ્રધાન સહમત ન થાય, તો મયપ્પને પોતાના સ્ટુડિયોને મુંબઈ શિફ્ટ કરવો પડશે (3) અને જ્યારે તેઓ મુંબઈમાં પોતાના સ્ટુડિયોની સ્થાપના કરે, ત્યારે મુંબઈના ટેકનિશિયનો અને કામદારોને રોજગારી આપવી અને દક્ષિણથી માણસો લાવવા નહીં.

મયપ્પન પાછા મદ્રાસ ગયા અને મુખ્યમંત્રીને મળ્યા અને ઠાકરેને સંદેશો મોકલ્યો કે મુખ્યમંત્રીએ ખાતરી આપી છે કે હિન્દી ફિલ્મો પરનો પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવશે. આ પછી, દાદરના કોહિનૂર સિનેમામાં ‘આદમી’ ફિલ્મને રિલીઝ કરવામાં આવી. થિયેટરમાં ફિલ્મના પોસ્ટરની નીચે મોટા બેનરમાં લખવામાં આવ્યું કે ‘આ ફિલ્મ શિવસેનાના આશિર્વાદથી રિલીઝ થઈ છે.’

થોડા દિવસમાં ખબર પડી કે દક્ષિણ ભારત તરફથી આપવામાં આવેલી ખાતરી ખોટી હતી અને મદ્રાસ થિયેટરોએ તેમણે અગાઉ કહેલી વાત પાળવાની ના પાડી. આ કારણે શિવસેનાએ 11 માર્ચ, 1968 ના રોજ મુંબઇના 17 થિયેટરો પર એક સાથે હુમલો કર્યો અને દક્ષિણમાં બનેલી બધી જ હિન્દી ફિલ્મોની સ્ક્રિનીંગ બંધ કરી દીધી.

તે જ સમયે, દક્ષિણના ટોચના અભિનેતા શિવાજી ગણેશન તેમની એક ફિલ્મની શૂટિંગ માટે મુંબઇ આવ્યા. શિવસૈનિકોએ ગોરેગાંવમાં ચાલુ શૂટિંગ રોકવાની તૈયારી શરૂ કરી પણ બાળાસાહેબે તેમને વિરોધ ન કરવાનો આદેશ આપ્યો. છેવટે એ આંદોલન રદ કર્યું. શિવસૈનિકોને ગણેશન માટેનો આવો સ્પેશિયલ પ્રેમ સમજાયો નહીં. ત્યારે ઠાકરેએ સ્પષ્ટીકરણ આપતા કહ્યું:

“શિવાજી ગણેશને શિવાજી પાર્કમાં છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિના નિર્માણ માટે કેટલુંક ફંડ આપેલું. તે જ પ્રમાણે મરાઠી થિયેટરના મોટા માથા એવા બાલ ગંધર્વને શિવાજી પાર્કમાં સન્માનિત કરવામાં આવેલા ત્યારે શિવાજી ગણેશને તેમને બે મોટા ચાંદીના દીવા આપ્યા હતા. તેમણે થિયેટર ક્ષેત્રમાં બાલ ગંધર્વ પ્રત્યેની તેમની કૃતજ્ઞતાને સાર્વજનિક સ્વરૂપે સ્વીકારી હતી. અને તેમને ગંભીરતાપૂર્વક ગુરુ માનતા હતા. આવા માણસને દુઃખ પહોંચાડવાથી આપણને શું મળશે?”

તેમ છતાં દક્ષિણ ભારતમાં બનાવવામાં આવેલી ફિલ્મો વિરુદ્ધની ઝુંબેશને મજબૂતી મળી, અને 16 માર્ચના રોજ ટોટલ બંધ અનુસરવામાં આવ્યો. આ બંધનું સ્વાગત કરતાં, મુંબઇ ફિલ્મ ઉદ્યોગના એક વિભાગે તે જ મહિને ઠાકરેને જાહેરમાં સન્માનિત કર્યા. દાદરના રણજીત સ્ટુડિયોમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ઘણા નિર્માતાઓ, દિગ્દર્શકો, અભિનેતાઓ અને ટેકનિશિયનો હાજર હતા. એ પ્રસંગે નિર્માતા નિર્દેશક-દિગ્દર્શક આદર્શ સાથે મંચ પર નિર્માતા બક્ષી જંગબહાદુર, મંડાલોઈ, ગોવિંદ ઘાણેકર, ગજાનન જાગીરદાર, અનવર હુસૈન, તિવારી અને પંડિત એમ. જેવા કલાકારો પણ હતા.

આ પ્રતિબંધને યોગ્ય રીતે લાગુ કરવામાં આવ્યો છે કે કેમ તે જોવા માટે શિવસૈનિકોએ અચાનક કેટલાક સિનેમા ઘરોની મુલાકાત લીધી, પરંતુ થિયેટરોના માલિકોએ કહ્યું કે તેઓએ પોતે જ એ ફિલ્મો બતાવવાનું બંધ કરી દીધું છે. જ્યારે મદ્રાસ થિયેટરોએ પોતાની વૃત્તિ બદલી ત્યારે જ ઠાકરેની ઝુંબેશ સમાપ્ત થઇ, અને મદ્રાસમાં બનેલી ફિલ્મોની રિલીઝ મુંબઈના થિયેટરોમાં ફરી શરૂ થઈ.

મુંબઇના ફિલ્મ ઉદ્યોગમાં ઠાકરેના પ્રભાવની આ તો ફક્ત શરૂઆત હતી. ઇસ્ટર્ન ઇકોનોમિસ્ટમાં પ્રકાશિત ‘ધ મૂવિંગ હેન્ડ રાઇટ્સ’ નામના લેખમાં એ વખતે નોંધવામાં આવેલું કે સેલ્યુલોઇડના અર્થશાસ્ત્રે ડી.એમ.કે.ના રાજકારણ પર વિજય મેળવ્યો છે. મદ્રાસ રાજ્યમાં હિન્દી ફિલ્મોનું સ્ક્રીનીંગ ફરીથી શરૂ કરવામાં આવ્યું છે, કારણ કે જો આ કરવામાં ન આવે તો, શિવસેના મદ્રાસ સ્ટુડિયોમાં બનેલી હિન્દી ફિલ્મોમાં પ્રદર્શનની મંજૂરી આપશે નહીં. દુનિયાના અન્નાદુરાઈઓ માટે બાળ ઠાકરે એક સણસણતો તમાચો છે. જો કે આ રીત ખોટી છે પણ બીજું શું કરી શકાય, એ અત્યારે કહેવું મુશ્કેલ છે.

મદ્રાસ ફિલ્મો સામેની આ ઝુંબેશ 26 મી માર્ચ, 1968 ના રોજ યોજાયેલી બૃહદમુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (બી.એમ.સી.) ચૂંટણીઓ માટે ફાયદાકારક રહી.

હિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે: ભાગ 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 

હવે પવનની દિશા બદલતી જોવા મળી. પ્રાદેશિક રાજકારણમાં શિવસેના પોતાને પ્રસ્થાપિત કરવા ફાંફાં મારવા લાગી. ઠાણે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં બાળાસાહેબે નક્કી કર્યું કે શિવસેના પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારશે. એક વર્ષમાં સંગઠનાત્મક તાકાત વધી હતી, અને વિસ્તૃત થઈ રહેલા કાર્યકરોની એક ટીમ બનવામાં આવી. ઠાણેમાં, શિવસેનાએ તેની પ્રવૃત્તિઓ 1 જાન્યુઆરી 1967 ના રોજ શરૂ કરી હતી, જેમાં એક ડૉ. ઢવળે ઠાણેની પ્રથમ શાખાના વડા હતા.

ઠાકરેએ શિવસેનાની સ્થાપના વખતે કહેલું કે તેઓનો કોઈ રાજકીય ઉદ્દેશ નથી તો પછી રાજકારણમાં ઝંપલાવ્યું જ શા માટે? ઠાકરેનો ઉદ્દેશ હતો મરાઠી માણૂસને પોતાના હક્કો પાછા મેળવી આપવાનો. પણ પોલિટિકલ પાવર વગર ઘણી જગ્યાએ તેઓ અટકી જતા. કેટલીક વખત ફંડની અછત તો ક્યારેક પરવાનગીઓની જરૂર.

મુંબઈના મ્યુનિસિપલ કર્મચારીઓને સંરક્ષણ અને નોકરીઓ માટે એક અલગ પાવર મળતો. રાજકારણમાં શિવસેનાનો પ્રવેશ એટલો અનિવાર્ય હતો કે, તેના પ્રભાવના વિસ્તરણમાં તેના વગર આગળ વધવું મુશ્કેલ હતું. શિવસેનાની ચૂંટણીની પહેલી પરીક્ષામાં અનપેક્ષિત પરિણામો આવ્યા. તેની રાજકીય શરૂઆતમાં, તે પણ ઉપનગરીય ઠાણેમાં, સેનાએ 40 માંથી 17 બેઠક જીતી અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સૌથી મોટી પાર્ટી તરીકે લોકો સમક્ષ ઉભરી.

શિવસેનાએ જ્યારે આ રીતે જીત હાસિલ કરી ત્યારે અંગ્રેજી માધ્યમોએ તેને અવગણવાનું શરૂ કર્યું અને બિન-મહારાષ્ટ્રીયન લોકોનો ભય અને અવિશ્વાસ વધ્યો. અંગ્રેજી બોલતા વર્ગોમાં શિવસેનાની રાજકીય ફિલસૂફીને સમજાવવા માટે, શિવસેનાએ અંગ્રેજીમાં ‘શિવસેના સ્પિક્સ’ પુસ્તકના રૂપમાં સત્તાવાર નિવેદન પ્રકાશિત કર્યું. બેરિસ્ટર અચ્યુત ચાફેકર તે સમયે મુંબઈના અગ્રણી વકીલોમાંના એક બૅરિસ્ટર એચ.આર. પારડીવાલાના જુનિયર તરીકે કામ કરતા હતા.

પારડીવાલાના ચેમ્બરમાં, મોટાભાગના વકીલો મહારાષ્ટ્રની બહારના હતા, અને તેઓ ગંભીર રીતે શિવસેનાની ટીકા કરતા. ચાફેકરે તેમને કહ્યું કે શિવસેના પાસે કેટલાક સારા મુદ્દાઓ છે, અને ‘શિવસેના સ્પિક્સ’ વાંચો. પારડીવાલાએ ચાફેકરને એક દિવસ પૂછ્યું: “શું તમે મને એ પુસ્તકની 25 નકલો મેળવીને આપી શકો?” દોઢ રૂપિયાની એ પુસ્તકની 25 નકલો ચાફેકરે ઠાકરે પાસેથી મેળવી અને પારડીવાલાને સોંપી. એ વાંચી તેમણે તેમના મિત્રો સાથે આ વિષય પર લાંબી ચર્ચાઓ કરી અને પછી તેમણે એક પુસ્તક લખ્યું – “ધ શિવસેના – વ્હાય એન્ડ વ્હાય નોટ?” જેમાં તેમણે શિવસેનાને સમર્થન આપ્યું.

અગાઉના વર્ષમાં ઠાણેમાં સફળતા મેળવ્યા પછી શિવસેનાને બી.એમ.સી. પર પોતાની પકડ મજબૂત કરવાની આતુરતા હતી.

પડઘોઃ

બાલ ગંધર્વ (26 જૂન 1888 – 15 જુલાઈ 1967) એ એક મહાન મરાઠી ગાયક અને સ્ટેજ અભિનેતા હતા. તેમનું સાચું નામ નારાયણ શ્રીપાદ રાજહંસ હતું.  મરાઠી નાટકોમાં તેઓ મહિલાઓના પાત્રમાં તેમની ભૂમિકા માટે પ્રસિદ્ધ હતા, કારણ કે તે સમયમાં મહિલાઓને સ્ટેજ પર કામ કરવાની મંજૂરી નહોતી. પૂણેમાં એક ગાયન પ્રદર્શન પછી લોકમાન્ય ટિળકે તેમને ‘બાલ ગંધર્વ’ નામ આપેલું. (ગંધર્વ એટલે સ્વર્ગનો ગવૈયો)

eછાપું 

તમને ગમશે: ટ્રિપલ તલાક અંગેના કાયદાના ડ્રાફ્ટના આ રહ્યા મહત્ત્વના મુદ્દાઓ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here