કોંગ્રેસની ફરિયાદ બાદ વર્ધા ભાષણ મામલે મોદીને ક્લીન ચીટ આપતું ચૂંટણી પંચ

0
73
Photo Courtesy: indiatvnews.com

કોંગ્રેસના સંસદ સભ્ય સુષ્મિતા દેબ દ્વારા કરવામાં આવેલી ફરિયાદ પર કાર્યવાહી કરતા ચૂંટણી પંચ એ નિષ્કર્ષ પર પહોંચ્યું છે કે વર્ધા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા ભાષણમાં આદર્શ આચારસંહિતાનો ભંગ નથી થયો.

Photo Courtesy: indiatvnews.com

ગત 1 એપ્રિલે મહારાષ્ટ્રના વર્ધામાં આયોજિત એક ચૂંટણી સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલું ભાષણ એ આદર્શ આચારસંહિતાનો ભંગ ન હોવાનું ચૂંટણી પંચે જાહેર કર્યું છે. કોંગ્રેસના સંસદ સભ્ય સુષ્મિતા દેબ દ્વારા કરવામાં આવેલી ફરિયાદ બાદ ચૂંટણી પંચે તેના પર તપાસ કરી હતી અને પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. જો કે સુષ્મિતા દેબે આ માટે સુપ્રિમ કોર્ટમાં પણ ફરિયાદ નોંધાવી હતી અને કહ્યું હતું કે ચૂંટણી પંચે તેમની ફરિયાદ પર કોઈજ ધ્યાન નથી આપ્યું.

ત્યારબાદ સુપ્રિમ કોર્ટના કહેવાથી ચૂંટણી પંચે તપાસ શરુ કરી હતી અને ગઈ રાત્રે આપેલા પોતાના નિર્ણય અનુસાર આયોગે કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ધા ખાતેના ભાષણની આદર્શ આચારસંહિતાના નિયમો અને જન પ્રતિનિધિ કાયદા હેઠળ તપાસ કરવામાં આવી છે અને આયોગ એ નિષ્કર્ષ પર પહોંચ્યું છે કે વડાપ્રધાને આ બંનેમાંથી એક પણ નિયમ અથવાતો કાયદાનો ભંગ નથી કર્યો.

વર્ધા ખાતે 1 એપ્રિલના દિવસે આયોજીત એક ચૂંટણી સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ તેમજ તેના પ્રમુખ રાહુલ ગાંધી પર લક્ષ્ય સાધતા કહ્યું હતું કે, “કોંગ્રેસે હિંદુઓને અપમાનિત કરવાનું કામ કર્યું છે. સમગ્ર વિશ્વને પોતાનું પરિવાર માનનારા હિંદુઓને તેણે આતંકવાદી જાહેર કરી દીધા હતા. આ રીતે હિંદુઓને આતંકવાદી કહેવાની સજા એમને મળી ગઈ છે કારણકે તેઓ (રાહુલ ગાંધી) જ્યાં લઘુમતિ બહુમતિમાં છે ત્યાં શરણું લેવા માટે મજબૂર થઇ ગયા છે.

આમ કહીને વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના કેરળના વાયનાડ પરથી ચૂંટણી લડવા તરફ ઈશારો કર્યો હતો. સુષ્મિતા દેબ દ્વારા માત્ર નરેન્દ્ર મોદી જ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ વિરુદ્ધ પણ સુપ્રિમ કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી.

ત્યારબાદ ચૂંટણી પંચે સુપ્રિમ કોર્ટને આ મામલે કાર્યવાહી કરવાનું વચન આપ્યું હતું. સુપ્રિમ કોર્ટમાં આજે આ મામલે આગળ સુનાવણી થવાની છે.

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here