IPL 2019 | મેચ 49 | શ્રેયસ ગોપાલની હેટ્રિક પરંતુ મેચ ધોવાઈ ગઈ

0
338
Photo Courtesy: hindustantimes.com

ચક્રવાત ફાનીને લીધે પડેલા જબરદસ્ત વરસાદને કારણે પાંચ-પાંચ ઓવરની કરવામાં આવેલી આ મેચનું પરિણામ શક્ય બન્યું ન હતું, પરંતુ તેમ છતાં શ્રેયસ ઐયરની હેટ્રિક જરૂર જોવા મળી હતી.

Photo Courtesy: hindustantimes.com

દક્ષિણ ભારતમાં ચક્રવાત ફાની અત્યારે ભયજનક વર્તારા લાવી રહ્યું છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની આ મેચ પણ ચક્રવાત ફાનીને કારણે પડેલા ભારે વરસાદની ભેટ ચડી ગઈ હતી. ટોસ ઉછાળ્યા બાદ તરતજ પડેલા હલકા વરસાદને કારણે મેચ મોડી શરુ થશે એ તો નક્કી થઇ જ ગયું હતું. હળવો વરસાદ થોડા થોડા સમયે ભારે પણ થતો હતો અને જેમ જેમ સમય વીતી રહ્યો હતો તેમ તેમ મેચ રમવાની સંભાવના ઓછી થઇ રહી હતી.

રાત્રે 11.20નો સમય કટ ઓફ હતો અને આ સમય પહેલાં જો મેચ શરુ થાય તો જ નિયમ અનુસાર ઓછામાં ઓછી 5 ઓવરની મેચ શક્ય હતી. સદનસીબે બરોબર એ સમયે જ વરસાદ બંધ પડતા 5-5 ઓવરની મેચ શક્ય બની. પહેલી બેટિંગ કરતા RCBએ પહેલા જ બોલથી આક્રમક બેટિંગ શરુ કરી દીધી હતી અને વિરાટ કોહલી અને એ બી ડી વિલિયર્સે પહેલા 10 બોલમાં જ 35 રન ઝૂડી નાખ્યા. પરંતુ આ જ સમયે RRના શ્રેયસ ગોપાલે આ બંને બેટ્સમેનો ઉપરાંત માર્કસ સ્ટોઈનીસને સળંગ ત્રણ બોલમાં આઉટ કરતા હેટ્રિક લીધી હતી.

ત્યારબાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ઇનિંગ પાટેથી ઉતરવા લાગી હતી અને 5 ઓવર પત્યા બાદ તેમણે 62 રન તો બનાવ્યા પરંતુ તેમની 7 વિકેટ પડી ગઈ હતી.

રાજસ્થાન રોયલ્સ તરફથી સંજુ સેમસને આક્રમક શરૂઆત કરી હતી. તેણે પોતાની ટૂંકી ઇનિંગ દરમ્યાન કેટલાક અદભુત શોટ્સ લગાવ્યા હતા. લિયામ લિવિંગસ્ટને પણ સામે છેડે કેટલાક શોટ્સ લગાવ્યા હતા. પરંતુ ત્યારે જ સંજુ સેમસનની વિકેટ પડી હતી. હજી તો આ વિકેટની વ્યવસ્થિત ઉજવણી RCBના ખેલાડીઓ કરે તે પહેલા જ વરસાદ અને એ પણ ભારે વરસાદ ફરીથી આવ્યો હતો અને છેવટે મેચને રદ્દ કરવામાં આવી હતી.

આમ આ મેચ રદ્દ થવાથી બંને ટીમોને 1 પોઈન્ટ વહેંચી દેવામાં આવ્યો હતો. RCBતો પહેલેથી જ ટુર્નામેન્ટમાંથી બહાર છે પરંતુ RRને આ એક પોઈન્ટ કદાચ ખૂબ વહાલો લાગ્યો હશે. જો કે આ એક પોઈન્ટ મળવાના ફાયદાથી તે પ્લેઓફ્સમાં પહોંચશે જ તેની કોઈજ ગેરંટી નથી પરંતુ તેણે પોતાના ચાન્સીઝ ઉજળા જરૂર રાખ્યા છે. હવે રાજસ્થાન રોયલ્સે તેની છેલ્લી મેચ જીતવી જ રહી.

ટૂંકું સ્કોરકાર્ડ

IPL 2019 | મેચ 49 | રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિ. રાજસ્થાન રોયલ્સ

એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગ્લોર

ટોસ: રાજસ્થાન રોયલ્સ (બોલિંગ)

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 62/7 (5) રન રેટ: 12.4

વિરાટ કોહલી 25 (7)

શ્રેયસ ગોપાલ 3/12 (1)

રાજસ્થાન રોયલ્સ 41/1 (3.2) રન રેટ: 12.81

સંજુ સેમસન 28 (13)

યુઝવેન્દ્ર ચાહલ 0/1 (0.2)

પરિણામ: વરસાદને કારણે મેચ રદ્દ

અમ્પાયરો:  નાઈજલ લોંગ અને ઉલ્હાસ ગંધે | અનિલ ચૌધરી (થર્ડ અમ્પાયર)

મેચ રેફરી: વેન્ગાલીલ નારાયણ કુટ્ટી

પોઈન્ટ્સ ટેબલ

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here