વારાણસી લોકસભા બેઠક પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે સમાજવાદી પાર્ટીએ ઉભા કરેલા નિષ્કાષિત BSF જવાન તેજ બહાદુર યાદવનું ઉમેદવારી પત્ર આજે રદ્દ કરવામાં આવ્યું છે.

વારાણસીથી લોકસભા ચૂંટણી લડી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે અચાનક જ સમાજવાદી પાર્ટી તરફથી ઉભા રાખવામાં આવેલા ભૂતપૂર્વ નિષ્કાષિત BSF જવાન તેજ બહાદુર યાદવનું નામાંકન પત્ર આજે ચૂંટણી પંચે રદ્દ કરી દીધું છે. તેજ બહાદુર યાદવે ભરેલા બે નામાંકન પત્રોમાં મોટો ટેક્નિકલ તફાવત જોવા મળ્યો હતો. અગાઉ તેજ બહાદુરે અપક્ષ ઉમેદવાર તરીકે પણ ઉમેદવારી પત્ર ભર્યું હતું.
તેજ બહાદુર દ્વારા અપક્ષ ઉમેદવાર તરીકે ભરવામાં આવેલા ઉમેદવારી પત્રમાં તેમણે પોતાને BSFમાંથી નિષ્કાષિત કરવાના કારણ અને સપાના ઉમેદવાર તરીકે ભરવામાં આવેલા ઉમેદવારી પત્રમાં અલગ કારણ આપ્યું છે તેને જોતા ચૂંટણી અધિકારીએ આ નિર્ણય લીધો હતો.
તેજ બહાદુરે પોતાના અપક્ષ તરીકેના ઉમેદવારી પત્રના શપથ પત્રની કોલમ 3 (ક) ના ક્રમાંક 6 માં પૂછવામાં આવેલા સવાલ કે શું ઉમેદવારને ભારત સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા કોઈ પદ પરથી ભ્રષ્ટાચાર અથવાતો કૃતઘ્નતાના કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે? ના જવાબમાં તેમણે લખ્યું હતું ‘હા’ 19 એપ્રિલ 2017.
પરંતુ, સમાજવાદી પાર્ટી તરફથી ભરવામાં આવેલા ઉમેદવારી પત્રમાં તેજ બહાદુરે આ જ કોલમમાં જવાબ ‘ના’ આપ્યો હતો. ત્યારબાદ ચૂંટણી પંચે તેમને આજે સવારે 11 વાગ્યા સુધી સ્પષ્ટીકરણ આપવાનું કહ્યું હતું. તેજ બહાદુર યાદવ દ્વારા આપવામાં આવેલા જવાબમાં તેણે લખ્યું હતું કે અપક્ષ ઉમેદવાર તરીકેના ઉમેદવારી પત્રમાં તેમણે ભૂલથી ના ની જગ્યાએ હા લખ્યું હતું.
ચૂંટણી પંચ તેજ બહાદુરના આ જવાબથી સંતુષ્ટ નહોતું થયું અને આથી તેણે તેજ બહાદુર યાદવની ઉમેદવારી રદ્દ કરી દીધી હતી.
ચૂંટણી પંચના આ પગલાંને તેજ બહાદુરે સરમુખત્યારશાહી હેઠળ લેવામાં આવેલું પગલું કહ્યું છે અને ઉમેર્યું હતું કે કેટલાક અધિકારીઓ હું ચૂંટણી ન લડું એ માટે ભાજપ તરફથી કાર્ય કરી રહ્યા છે. તેજ બહાદુરના વકીલે ચૂંટણી પંચના આ નિર્ણયના વિરોધમાં સુપ્રિમ કોર્ટના દરવાજા ખખડાવવાનું કહ્યું છે.
તો બીજી તરફ વારાણસીના DMનું કહેવું છે કે નિયમ અનુસાર કોઇપણ ઉમેદવાર જે સરકારી નોકરી કર્યા બાદ ઉમેદવારી કરતો હોય તેણે એ પ્રકારનું સર્ટીફીકેટ લાવવું જરૂરી છે કે તે છેલ્લા પાંચ વર્ષમાં કેન્દ્ર અથવાતો રાજ્ય સરકારમાં કામ કરતા પોતાની ડ્યુટી પરથી ભ્રષ્ટાચાર કે પછી કૃતઘ્નતાને લીધે સસ્પેન્ડ નથી થયો. તેજ બહાદુર યાદવને આ સર્ટીફીકેટ BSF તરફથી લાવવા માટે આજે સવારે 11 વાગ્યા અગાઉ રજૂ કરવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ તેણે તેમ ન કરતા તેનું ઉમેદવારી પત્ર રદ્દ કરવામાં આવ્યું છે.
હવે વારાણસીની બેઠક પરથી સમાજવાદી પાર્ટીએ અગાઉ જેમને ટીકીટ આપી હતી તે શાલીની યાદવ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે મહાગઠબંધનના ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે.
eછાપું