મેચમાં રમનારી બંને ટીમો IPL 2019ના પ્લેઓફ્સ માટે ક્વોલીફાય થઇ ગઈ હતી, પરંતુ આ બંને ટીમોએ પહેલું અથવા બીજું સ્થાન જાળવી રાખવા માટે તેને જીતવું જરૂરી હતું. આ જીત મેળવવા કોણ વધુ ગંભીર હતું તે મેચના પ્રદર્શનને જોઇનેજ ખબર પડી જાય છે.

જ્યારે કોઈ મેચનું પરિણામ સિરીઝના પરિણામ પર કોઈ અસર ન કરે ત્યારે ક્રિકેટની ભાષામાં તેને Dead Rubber કહેવામાં આવે છે. આમ તો આ મેચના પરિણામથી પણ પોઈન્ટ્સ ટેબલ પડનારી અસરથી પ્લેઓફ્સ ક્વોલિફિકેશનમાં ફેરફાર નહોતો થવાનો તેમ છતાં બંને ટીમ મોટી હારથી બચવા કરતા જીતીને પહેલા બે સ્થાનમાંથી એક નિશ્ચિત કરવા જરૂર માંગતી હતી.
કારણ સ્પષ્ટ છે કે તમામ રાઉન્ડ મેચો સમાપ્ત થયા બાદ પોઈન્ટ્સ ટેબલ પર પહેલી બે ટીમો વચ્ચે રમાનારી પહેલી ક્વોલીફાયર મેચ જીતનારને IPL 2019ની ફાઈનલમાં સીધું સ્થાન મળતું હોય છે. આથી આ મેચ જીતવા માટે માનસિક રીતે કોણ વધુ તૈયાર છે એ જ અહીં જોવાનું હતું. જે રીતે ચેન્નાઈ સુપર કિંગ્સ રમ્યા અને જે રીતે દિલ્હી કેપિટલ્સ રમ્યા તેનાથી સરળતાથી એ ખબર પડી ગઈ કે CSK આ મેચ જીતવા માટે વધુ મજબૂત મનોબળ ધરાવતું હતું.
પહેલા તો મહેન્દ્ર સિંગ ધોનીની કમાલ બેટિંગ જેને સુરેશ રૈના અને રવિન્દ્ર જાડેજાનો સાથ મળ્યો અને ત્યારબાદ ઇમરાન તાહિરની જબરદસ્ત બોલિંગ અને ધોનીનું દૈવી વિકેટકીપિંગ, આ તમામે DCને મેચ જીતવાનો વિચાર પણ કરવા ન દીધો. જો કે તે માટે દિલ્હી કેપિટલ્સ ખુદ પણ એટલા જ જવાબદાર કહી શકાય. ફિલ્ડીંગ કરતી વખતે તેમણે બે એવા મહત્ત્વના કેચ તેમણે છોડ્યા હતા જે જો પકડી લેવામાં આવ્યા હોત તો ચેન્નાઈ સુપર કિંગ્સને મોટા સ્કોર બનાવવાથી રોકી શક્યા હોત. છોડવામાં આવેલા આ બંને કેચો છેવટે સિક્સરમાં પરિણમ્યા હતા.
ત્યારબાદ આવી દિલ્હી કેપિટલ્સની બેજવાબદાર બેટિંગ. કેટલાક શોટ્સ જે પીચ ટર્ન લેતી હોવા છતાં રમવામાં આવ્યા તેણે તેમની હોડી મઝધારે ડૂબાડી દીધી હતી. અહીં ઇમરાન તાહિરની સ્પિન બોલિંગની પણ પ્રશંસા જરૂર કરવી પડે. આ ઉંમરે પણ ઇમરાન તાહિર જે જોશથી અને ખંતથી પોતાની રમત રમે છે તેના પરથી ઘણા યુવાન ખેલાડીઓએ ધડો લેવાની જરૂર છે.
વળી, મહેન્દ્ર સિંગ ધોનીના બે સ્ટમ્પીંગોએ પણ કમાલ કર્યો હતો. આ બંને સ્ટમ્પીંગ ધોનીની ઈમેજ અનુસાર એકદમ ફાસ્ટ હતા પરંતુ તેમાંથી ક્રિસ મોરીસનું સ્ટમ્પીંગ તો એટલું ઝડપી હતું કે કોઈને પણ એમ લાગે કે તે ક્લીન બોલ્ડ થયો છે.
હવે ચેન્નાઈ સુપર કિંગ્સનું પહેલા કે બીજા સ્થાને રહેવું નિશ્ચિત થઇ ગયું છે અને આથી તેઓ પહેલી ક્વોલીફાયર મેચ પોતાના જ હોમ ગ્રાઉન્ડ પર રમશે જેનાથી તેમને મજબૂત સપોર્ટ પણ મળી રહેશે. જ્યાં સુધી દિલ્હી કેપિટલ્સનો સવાલ છે તો તેમણે હવે રાજસ્થાન રોયલ્સને હરાવવું જ પડશે અને તે પણ મોટા માર્જીનથી જેથી મુંબઈ ઇન્ડિયન્સ, સન રાઈઝર્સ હૈદરાબાદ કે પછી કોઈ અન્ય ટીમ બીજા સ્થાને ન આવી શકે.
પરંતુ, રાજસ્થાન રોયલ્સ માટે પણ એક મોટી જીત એટલીજ જરૂરી છે જેના થકી તે એટલીસ્ટ ચોથા સ્થાનનો દાવો કરીને પ્લેઓફ્સમાં પોતાનું સ્થાન કન્ફર્મ કરી શકે. આથી શનિવારે ફિરોઝશાહ કોટલા ગ્રાઉન્ડ પર DC અને RR વચ્ચેની મેચ અત્યંત રસપ્રદ બની રહેશે.
ટૂંકું સ્કોરકાર્ડ
IPL 2019 | મેચ 50 | ચેન્નાઈ સુપર કિંગ્સ વિ. દિલ્હી કેપિટલ્સ
એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેપોક, ચેન્નાઈ
ટોસ: દિલ્હી કેપિટલ્સ (બોલિંગ)
ચેન્નાઈ સુપર કિંગ્સ 179/4 (20) રન રેટ: 8.95
સુરેશ રૈના 59 (37)
મહેન્દ્ર સિંગ ધોની 44* (22)
રવિન્દ્ર જાડેજા 25 (10)
જગદીશા સૂચિત 2/28 (4)
દિલ્હી કેપિટલ્સ 99 – ઓલ આઉટ (16.2) રન રેટ: 6.11
શ્રેયસ ઐયર 44 (31)
ઇમરાન તાહિર 4/12 (3.3)
રવિન્દ્ર જાડેજા 3/9 (3.0)
પરિણામ: ચેન્નાઈ સુપર કિંગ્સ 80 રને જીત્યા
મેન ઓફ ધ મેચ: મહેન્દ્ર સિંગ ધોની (ચેન્નાઈ સુપર કિંગ્સ)
અમ્પાયરો: અનીલ દાંડેકર અને નિતીન મેનન | ઇયાન ગુલ્ડ (થર્ડ અમ્પાયર)
મેચ રેફરી: એન્ડી પાયક્રોફ્ટ
પોઈન્ટ્સ ટેબલ
eછાપું