આ મેચ ઉપરાંત IPL 2019ની લીગ મેચોના છેલ્લા વિકેન્ડ ની ચારેય મેચો આવતા અઠવાડિયે રમાનારા પ્લેઓફ્સનું ભાવી નક્કી કરવાની છે. આ મેચના પરિણામે એ દ્રશ્ય વધારે સ્પષ્ટ કર્યું છે.

કિંગ્સ ઈલેવન પંજાબે હવે તેની બાકીની મેચો મોહાલીમાં જ રમવાની હતી આથી તેને ઘરની પીચ અને વાતાવરણનો લાભ મળવાનો હતો. પરંતુ જ્યારે ટીમનું કોમ્બિનેશન જ યોગ્ય ન હોય ત્યારે કોઇપણ પ્રકારની સગવડ મદદ નથી કરી શકતી. KXIPના નબળા બેટિંગ ઓર્ડર વિષે આ રિવ્યુ સિરીઝમાં અગાઉ પણ ટીકા થઇ ચૂકી છે, પરંતુ આ મેચમાં પણ જ્યારે વિજય સિવાય ઓછું કશું જ ખપતું ન હોવા છતાં કિંગ્સ ઇલેવને પોતાના લોઅર ઓર્ડરને મજબૂત કરવાની જરાય કોશિશ ન કરી.
એ તો ભલું થજો રીંકુ સિંગનું જેણે સેમ કરનનો કેચ એ જ્યારે માત્ર 13 રન પર હતો ત્યારે ડ્રોપ કર્યો નહીં તો KXIP 183ના સ્કોર સુધી તો શું કદાચ પૂરી 20 ઓવર પણ ન રમી શક્યું હોત. છેલ્લા બે વર્ષથી આ ટીમની આ જ વાર્તા આકાર લઇ રહી છે. KXIPની સિઝનની શરૂઆત ખૂબ સારી હોય છે પરંતુ મધ્ય અને અંત તેના બેટિંગ ઓર્ડરની જેમ જ સાવ ભૂલી જવા જેવો હોય છે.
તો સામે પક્ષે કોલકાતા નાઈટ રાઈડર્સ તો જાણે જીતવા માટે જ રમતા હોય એવું એટલીસ્ટ તેમની બેટિંગ પરથી લાગ્યું, ખાસકરીને શુભમન ગીલની બેટિંગ જોઇને. આ બેટ્સમેન આક્રમક બેટ્સમેન ખરો પરંતુ આ સિઝનમાં તેની બેટિંગ જોતા એ સ્પષ્ટ જરૂર થાય છે કે તેની આક્રમકતા શાસ્ત્રીય છે નહીં કે ખતરનાક કે પછી અમુક શોટ્સ મારીને બેજવાબદારીભર્યો શોટ રમીને આઉટ થઇ જવાની એની આદત છે. તે રિષભ પંતથી સાવ વિરુદ્ધ ટીમને મેચ જીતાડ્યા પછી જ દમ લે છે.
KKRની બેટિંગમાં ટાર્ગેટ એચીવ કરવા ઉપરાંત નેટ રન રેટનું ધ્યાન રાખવાની મહત્ત્વની રણનીતિ પણ સાફ દેખાઈ આવી હતી અને આ જ કારણ છે કે તેમણે શુભમન ગીલ અને ક્રિસ લીને આપેલી ઝડપી શરૂઆત બાદ આન્દ્રે રસલને ચોથા ક્રમે મોકલ્યો હતો. મેચને બે ઓવર પહેલા જ જીતી જવાથી કોલકાતા નાઈટ રાઈડર્સ હજી પણ એક મેચ હાથમાં હોવાથી પ્લેઓફ્સમાં બાકી રહેલા એક સ્થાન માટે દાવો રજૂ કરવાની પોઝિશનમાં છે.
તો સામે પક્ષે કિંગ્સ ઈલેવન પંજાબે પોતાના કરેલા કર્મો જ ભોગવવાના છે અને આથી તેણે હવે અન્ય ટીમો હારે એની પ્રાર્થના કરવાની છે જે શક્ય નથી, જો કે તેણે પણ CSK સામે રવિવારે મેચ રમવાની બાકી છે, પરંતુ CSKને ટોપ બે સ્થાનોમાં પોતાનું સ્થાન મજબૂત કરવાનું હોવાથી તે આ મેચને હળવાશથી બિલકુલ નહીં લે એ નક્કી છે.
ચોથા સ્થાન માટે અન્ય દાવેદારોમાં SRH અને RR પણ છે. RR માટે મેન્ડેટ સ્પષ્ટ છે. આજની DC સામેની મેચ તો સારા માર્જીનથી જીતવાની જ છે અને જો એ જીતશે તો તે બાકીની ટીમોની હારની આશા રાખી શકશે. જ્યારે SRHએ હવે RCBને કોઇપણ હિસાબે હરાવવું જ રહ્યું, તો RCB હમ તો ડૂબે હૈ સનમ તુમકો ભી લે ડુંબેંગેની સ્થિતિમાં છે, એટલે જો તે સિઝનની છેલ્લી મેચ જીતીને પોતાના હોમ ક્રાઉડને સાંત્વના આપવા માંગતું હશે તો SRHની પાર્ટી બગડી શકે છે!
ટૂંકું સ્કોરકાર્ડ
IPL 2019 | મેચ 52 | કિંગ્સ ઈલેવન પંજાબ વિ. કોલકાતા નાઈટ રાઈડર્સ
આઈ એસ બિન્દ્રા સ્ટેડિયમ, મોહાલી (ચંડીગઢ)
ટોસ: કોલકાતા નાઈટ રાઈડર્સ (બેટિંગ)
કિંગ્સ ઈલેવન પંજાબ 183/6 (20) રન રેટ: 9.15
સેમ કરન 55* (24)
નિકોલસ પૂરન 48 (27)
સંદિપ વોરિયર 2/31 (4)
નિતીશ રાણા 1/8 (1.0)
કોલકાતા નાઈટ રાઈડર્સ 185/3 (18.0) રન રેટ: 10.27
શુભમન ગીલ 65* (49)
ક્રિસ લીન 46 (22)
મોહમ્મદ શમી 1/15 (3.0)
પરિણામ: કોલકાતા નાઈટ રાઈડર્સ 7 વિકેટે જીત્યા
મેન ઓફ ધ મેચ: શુભમન ગીલ (કોલકાતા નાઈટ રાઈડર્સ)
અમ્પાયરો: સી શમ્સુદ્દીન અને બ્રુસ ઓક્સેનફર્ડ | કે એન અનંત પદ્મનાભન (થર્ડ અમ્પાયર)
મેચ રેફરી: જવાગલ શ્રીનાથ
પોઈન્ટ્સ ટેબલ
eછાપું