લોકસભાની ચૂંટણીમાં મતદાન ન કરી શકવાને મુદ્દો બનાવીને કેટલાક દ્વેષભાવના ધરાવતા લોકોએ અક્ષય કુમારને ટ્રોલ કર્યો હતો, પરંતુ તેની પાછળનું ખરું કારણ તો બીજું જ છે.

લોકસભાની ચૂંટણીઓના મતદાનના ચોથા તબક્કામાં મુંબઈમાં પણ મતદાન હતું, ઓવરઓલ આ મતદાન સંતોષકારક ન હતું, પરંતુ ગયા વખત કરતા તે વધુ હોવાથી પરાણે સંતોષ માનવો પડે એવું જરૂર રહ્યું હતું. મતદાનના દિવસે Twitter પર મુંબઈમાં રહેતી તમામ સેલિબ્રિટીઝ મતદાન કરવા પહોંચી ગઈ છે તેવા ફોટાઓ વાયરલ થયા હતા, પરંતુ છેક છેલ્લી ઘડી સુધી અક્ષય કુમાર મતદાન કરવા આવ્યો હોય તેવો ફોટો ન દેખાયો.
દેખાય પણ ક્યાંથી? કારણકે અક્ષય કુમાર કેનેડાનો નાગરિક છે. કદાચ ઘણા લોકોને આ હકીકતની માહિતી નથી. પરંતુ જેમને આ માહિતીની ઘણા લાંબા સમયથી જાણ હતી તેમણે Twitter પર અને અન્ય સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર અક્ષય કુમારને ટ્રોલ કરવાનું ચાલુ કરી દીધું અને એ પણ લગભગ બે થી ત્રણ દિવસ સુધી. ગઈકાલે સાંજે છેવટે અક્ષય કુમારની ધીરજનો બાંઘ તૂટ્યો અને તેણે આ તમામ ટ્રોલિંગનો જવાબ આપતી Tweet પણ કરી.
અક્ષય કુમારની Tweet અનુસાર જ્યારે તે ભારતમાં રહીને કામ કરે છે અને ભારત સરકાર દ્વારા લાગુ થતા તમામ કરવેરા ભરે છે તો લોકોને પ્રોબ્લેમ શું છે? પરંતુ તે તેની રીતે તેના નાના નાના પ્રદાનથી દેશને વધુને વધુ મજબૂત બનાવવાની કોશિશ આગળ પણ ચાલુ રાખશે.
— Akshay Kumar (@akshaykumar) May 3, 2019
અક્ષય કુમારે પોતાની રીતે જવાબ તો આપી દીધો, પરંતુ કદાચ તેને પણ ખબર હશે કે તેને ટ્રોલ કરવા પાછળનું મૂળ કારણ તેનું મતદાન ન કરી શકવાનું ન હતું, પરંતુ બીજું હતું. એ બીજા કારણોમાંથી મુખ્ય કારણ તેના દેશભક્તિ અથવાતો દેશની ભલાઈ માટેના સંદેશ આપતી ફિલ્મો કરવાનું છે અને બીજું કારણ તેણે હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લીધેલો બિનરાજકીય ઇન્ટરવ્યુ છે જે ખૂબ લોકપ્રિય થયો હતો.
અક્ષય કુમાર આજકાલ ભારોભાર દેશભક્તિ ધરાવતી ફિલ્મો કરી રહ્યો છે તેની સાથે સાથે ભારત સરકારની શૌચાલય બાંધવાની યોજનાને પ્રમોટ કરતી અથવાતો પેડમેન દ્વારા સ્ત્રીઓમાં જાગૃતિ લાવતી ફિલ્મો પણ તેણે કરી છે. આ તમામ ફિલ્મો લોકોને ખૂબ પસંદ પડી છે પરંતુ પોતાની જાતને તટસ્થ ગણાવવા માટેની ખરજ પોતાની સાથે જ લઈને ફરતા અમુક તત્વોને આ વાત બિલકુલ નથી ગમતી.
સહુથી મોટી તકલીફ એ છે કે આ લોકો જે અક્ષય કુમારને તેની ફિલ્મોના વિષયોને કારણે મોદીનો ભક્ત ગણાવે છે તેમની પહોંચ મિડિયામાં ઘણી છે અને આથી તેઓ તેમનો એજન્ડા સારી રીતે ચલાવી શકે છે. આ જ લોકોએ અક્ષય કુમારના મત ન આપી શકવાના સ્વાભાવિક અને બિનમહત્ત્વના મુદ્દાને પોતાના જ મળતિયાઓ દ્વારા સોશિયલ મિડીયામાં ખૂબ ચગાવ્યો અને એટલો ચગાવ્યો કે અમુક લોકોને અક્ષય કુમારની દેશભક્તિ વિષે શંકા થવા લાગી.
કેટલાક લોકો તો એમ પણ કહેવા લાગ્યા કે હવે એક કેનેડાનો નાગરિક આપણને ભારત વિષે સલાહો આપશે એ આપણે માની લેવાની? પણ આવું કહેનારાઓએ એ વાતની પણ નોંધ લેવી જોઈએ કે અક્ષય કુમાર કે તેના જેવા અન્ય અસંખ્ય NRIs જે અન્ય દેશોના નાગરિક હોવા છતાં પણ દેશનું ભલું ઈચ્છે છે અને પોતપોતાની રીતે તેમાં પ્રદાન આપે છે.
બાકી, ફેસબુક પર એવા NRIs હજારોની સંખ્યામાં મળશે જે આપણા આ ભારત દેશમાં જ 15-25 વર્ષ વિતાવીને અમેરિકા, કેનેડા, યુકે કે પછી ઓસ્ટ્રેલિયા જઈને જાણેકે ત્યાં તેઓ ક્રિસ્ટોફર કોલંબસના સમયથી જ સ્થાઈ થઇ ગયા હોય એટલી હદે ભારતને પોતાના દિલથી દૂર કરી દઈને ભારતની જ બદબોઈ કરતા વાક્યો, “અમારે ત્યાં તો આમ અને તેમ… અને તમારે ભારતમાં તો…” લખીને શરુ કરતા હોય છે. આ લોકોને ભારત માટે પાઈની પેદાશ કરવી ન હોય પણ ભારત વિષે, હિંદુ ધર્મ વિષે ફક્ત અને ફક્ત ખરાબ જ લખવું હોય.
ભારતમાં આતંકવાદી હુમલા વખતે સરકારની ટીકા કરનારમાં આ પ્રકારના જ NRI પહેલા હોય જે લોકો અમેરિકામાં વારંવાર થતા શૂટ આઉટ્સ વખતે 24 કલાક બિલોરી કાચ લઈને શોધો તો પણ નથી જડતા હોતા.
પરંતુ, નસીબજોગે અક્ષય કુમાર જેવા NRIs હજી સુધી તો બહુમતિમાં છે જેઓ ભલે ભારતના નાગરિક રહ્યા નથી પરંતુ તેમ છતાં ભારતના સારા માટે જાતે સમય ખર્ચીને પોતાનું પ્રદાન આપે છે. આ લોકોને ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલો કર ભરવામાં પણ કોઈજ પ્રોબ્લેમ નથી હોતો જે પેલા સો કોલ્ડ NRIsને હોય છે જેમને ભારતમાં રહેલી તેમની ફિક્સ્ડ ડિપોઝીટમાં એક ટકા વ્યાજ વધે તો પણ આનંદ થઇ જતો હોય છે પરંતુ દેશને બદનામ કરવામાં પાછી પાની નથી કરતા હોતા.
નરેન્દ્ર મોદીનો બિનરાજકીય ઇન્ટરવ્યુ પણ અક્ષય કુમારને ટ્રોલ કરવા માટે જવાબદાર હતો જ કારણકે એ ઇન્ટરવ્યુ બાદ નરેન્દ્ર મોદીની જેટલી નિમ્ન કક્ષાની મશ્કરી તેમના દ્વેષીઓ દ્વારા કરવામાં આવી એટલીજ અક્ષય કુમારની પણ કરવામાં આવી હતી. નરેન્દ્ર મોદીનો ઇન્ટરવ્યુ લેવાને કારણે અચાનક જ બોલિવુડનો આ સહુથી લોકપ્રિય અદાકાર તેમને માટે થર્ડ રેટ નાટકના ફોર્થ ગ્રેડ અદાકારો કરતા પણ નીચલી કક્ષાનો લાગવા લાગ્યો હતો
દ્વેષ છે જ ખરાબ લાગણી, જે તમારા મનના દ્વાર સજ્જડ બંધ કરી દેતી હોય છે અને તમને સારા-ખરાબનું ભાન નથી રહેતું. તમારી ન્યાયિક રીતે વિચારવાની શક્તિ તે ક્ષીણ કરી નાખે છે. નરેન્દ્ર મોદીની લોકકલ્યાણ કરતી યોજનાઓના સંદેશને પોતાની ફિલ્મો દ્વારા આગળ લઇ જનાર કે તેમનો આટલો સારો ઇન્ટરવ્યુ લેનાર અક્ષય કુમાર સારો વ્યક્તિ કે અદાકાર હોઈજ કેમ શકે એ પ્રકારના દ્વેષની લાગણીએ આ લોકોને અક્ષયને ટ્રોલ કરવા માટે મજબૂર કરી દીધો હતો જે હકીકત છે.
eછાપું