IPL 2019 | મેચ 54 | RCBએ SRHની બાજી બગાડી દીધી

0
85
Photo Courtesy: twitter.com/IPL

IPL 2019નું આ છેલ્લું અઠવાડિયું આખી ટુર્નામેન્ટના ભવિષ્ય માટે અત્યંત મહત્ત્વનું રહ્યું હતું. ઓલરેડી ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગયેલા રોયલ ચેલેન્જર્સ બેંગલોરે સન રાઈઝર્સ હૈદરાબાદને હરાવીને તેની તકલીફ વધારી દીધી છે.

Photo Courtesy: twitter.com/IPL

પેલી ઉક્તિ છે ને કે “કહેવાય પણ નહીં અને સહેવાય પણ નહીં!” સન રાઈઝર્સ હૈદરાબાદ માટે આજનો આખો દિવસ આવો જ જવાનો છે. પરંતુ તેમની આ પરિસ્થિતિ માટે તેઓ ખુદ જવાબદાર છે. જો તેમણે સારી બેટિંગ કરીને મોટો સ્કોર ઉભો કયો હોત તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની આ મેચ જીતી ગયા હોત અને પ્લેઓફ્સમાં પોતાનું સ્થાન તેમણે મોટેભાગે પાક્કું કરી દીધું હોત.

પરંતુ માર્ટિન ગપ્તિલ અને કેન વિલિયમ્સનના ભરપૂર પ્રયાસો છતાં અન્ય બેટ્સમેનો ખાસકરીને મનીષ પાંડે અને વિજય શંકરનો ખાસ સાથ ન મળતા SRH જેણે છેવટે 175 રન બનાવ્યા હતા તે હજી પણ બીજા 10-15 રન વધુ બનાવી શક્યું હોત અને RCBને સતત દબાણમાં રાખીને આ મેચનું પરિણામ બદલી શક્યું હોત. વિજય શંકર જે ઘણા સમય બાદ ફોર્મમાં દેખાતો હતો અને તેણે ત્રણ સિક્સર મારીને થોડી ધીરજ ધરી હોત તો એ પણ મોટો સ્કોર બનાવી શક્યો હોત પરંતુ વોશિંગ્ટન સુંદરના એક બોલ પર તેણે ખરાબ શોટ માર્યો અને આઉટ થઇ ગયો. આખી ટુર્નામેન્ટ તેની આ પ્રમાણેની બેટિંગ તેને આવનારા વર્લ્ડ કપની શરૂઆતની મેચોમાં રમવાથી દૂર રાખી શકે છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની શરૂઆત ઘણી નબળી રહી હતી, પરંતુ છેવટે શિમરોન હેટમાયર જેની તોફાની બેટિંગ વિષે અત્યારસુધી ફક્ત સાંભળ્યું જ હતું અને IPLની શરૂઆતની મેચોમાં તેની નિષ્ફળતા જ જોઈ હતી, તેણે આજે છેવટે પોતાની વિખ્યાત બેટિંગ દેખાડી અને ગુરકીરત સિંગ સાથે મળીને તેણે લગભગ 14 ઓવરમાં 144 રનની પાર્ટનરશીપ બનાવી જેણે RCBના વિજયનો પાયો નાખ્યો હતો. તેમ છતાં હેટમાયર અને ગુરકીરત સહીત અન્ય બેટ્સમેનો વહેલી જીત મેળવવાના પ્રયાસમાં તરત આઉટ થવા લાગ્યા હતા અને સન રાઈઝર્સ હૈદરાબાદને આશાનું કિરણ દેખાયું હતું.

પરંતુ જે ઉમેશ યાદવે આજે અત્યંત ખરાબ બોલિંગ કરીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ફેન્સને નિરાશ કરી દીધા હતા તેણે જ બે ચોગ્ગા મારીને ચાર બોલ બાકી રહેતા જ ટીમને જીતાડી દીધી હતી.

પ્લેઓફ્સની પરીસ્થિતિ હવે વધુ સ્પષ્ટ થઇ છે. જો આજે MI સામે KKR જીતી જશે તો તેઓ બાકી રહેલું ચોથું સ્થાન મેળવી લેશે. પરંતુ જો તેઓ હારી જશે તો SRHનો નેટ રન રેટ તેમનાથી બહેતર હોવાથી પ્લેઓફ્સમાં તેમની એન્ટ્રી અઘરી બનશે.

કિંગ્સ ઈલેવન પંજાબ અને ચેન્નાઈ સુપર કિંગ્સની આજની પહેલી મેચમાં KXIP એ CSKને બહુ મોટા માર્જીનથી હરાવીને 12 પોઈન્ટ્સ અંકે કરવા પડે તો જ તેઓને હજી પણ પ્લેઓફ્સમાં ચાન્સ છે કારણકે SRHના પણ 12 પોઈન્ટ્સ છે. જો એવું થશે તો KXIP એ પણ MI અને KKRની મેચના પરિણામની રાહ જોવી પડશે. તો બીજી તરફ CSK આ મેચ જીતીને પહેલા સ્થાને પોતાનું નામ કન્ફર્મ કરાવવા જરૂર કોશિશ કરશે અથવાતો KXIPને જેની જરૂર છે એવા મોટા માર્જીનના વિજયથી તેને દૂર રાખીને પણ પરાજય મેળવે તો પણ તેના માટે પૂરતું હશે.

આની પાછળનું કારણ એ છે કે MIનો નેટ રન રેટ CSK કરતા બહેતર છે અને જો CSK KXIP સામે બહુ મોટા અંતરે હારે અને તેનો નેટ રન રેટ DCથી પણ ઓછો થઇ જાય તો તેણે ચેન્નાઈની બહાર પોતાની પ્રથમ પ્લેઓફ્સ ગેમ રમવી પડે અને ફાઈનલમાં પહોંચવા માટે વધુ સંઘર્ષ કરવો પડે. ટૂંકમાં આ વખતે IPL પ્લેઓફ્સમાં ચોથી ટીમ કઈ રહેશે તેનો ફેંસલો લીગ રાઉન્ડની સહુથી છેલ્લી મેચમાં જ થશે.

ટૂંકું સ્કોરકાર્ડ

IPL 2019 | મેચ 54 | રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિ. સન રાઈઝર્સ હૈદરાબાદ

એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગ્લોર

ટોસ: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (બોલિંગ)

સન રાઈઝર્સ હૈદરાબાદ 175/7 (20) રન રેટ: 8.75

કેન વિલિયમ્સન 70* (43)

માર્ટિન ગપ્તિલ 30 (23)

વોશિંગ્ટન સુંદર 3/24 (3.0)

નવદીપ સૈની 2/39 (4)

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 178/6 (19.2)  રન રેટ: 9.27

શિમરોન હેટમાયર 75 (47)

ગુરકીરત સિંગ માન 65 (48)

ખલીલ અહમદ 3/37 (4)

ભુવનેશ્વર કુમાર 2/24 (4)

પરિણામ: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 5 વિકેટે જીત્યા

મેન ઓફ ધ મેચ: શિમરોન હેટમાયર (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર)

અમ્પાયરો: અનિલ ચૌધરી અને નાઈજલ લોંગ | ઉલ્હાસ ગંધે (થર્ડ અમ્પાયર)

મેચ રેફરી: વેન્ગાલીલ નારાયણ કુટ્ટી

પોઈન્ટ્સ ટેબલ

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here