આ મેચ IPL 2019ની બીજી dead rubber મેચ હતી કારણકે તેના પરિણામની ટુર્નામેન્ટના ભવિષ્ય પર કોઈ ખાસ ફરક પડવાનો ન હતો, પરંતુ તેમ છતાં કિંગ્સ ઈલેવન પંજાબે સન્માનજનક દેખાવ કર્યો હતો.

પોતાના ઘર ચંડીગઢ પાસે આવેલા મોહાલીમાં તેમજ આ સિઝનની છેલ્લી મેચ રમી રહેલા કિંગ્સ ઈલેવન પંજાબ આજે સન્માન માટે રમી રહ્યા હતા, કારણકે જો આ મેચ પણ તેઓ હારી જાય તો પોઈન્ટ્સ ટેબલ પર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર કરતા પણ નીચે એટલેકે સાવ તળીયે તેમની સફર પૂરી થવાની હતી.
KXIP જો ચેન્નાઈ સુપર કિંગ્સને મોટા અંતરથી હરાવી દે તો તેઓ કદાચ પ્લેઓફ્સ માટે દાવો પણ પેશ કરી શકે તેમ હતા, પરંતુ તેમણે CSK દ્વારા ઉભો કરેલો કોઇપણ સ્કોર 12.4 ઓવરમાં એચીવ કરવાનો હતો. એક વખત ચેન્નાઈ સુપર કિંગ્સે 170 રન કર્યા ત્યારે એ શક્યતાઓ લગભગ બારીની બહાર જતી રહી હતી. તેમ છતાં લોકેશ રાહુલે પોતાનાથી બનતા તમામ પ્રયાસ કર્યા હતા અને આ સિઝનની શ્રેષ્ઠ ઇનિંગ્સમાંથી એક રમી હતી.
છેવટે તો રાહુલના આઉટ થયા બાદ થોડી વધુ વિકેટો પણ પડી જતા KXIP માટે પેલો 12.4નો આંકડો તો ભૂલી જવા જેવો જ હતો તેમ છતાં CSK જેવી ટીમને બે ઓવરો બાકી રહેતા હરાવવી એ કોઈ ઓછી સિદ્ધિ ન હતી. આમ જતા જતા કિંગ્સ ઈલેવન પંજાબને થોડી ખુશી જરૂર મળી હશે.
તો સામે પક્ષે CSKની બેટિંગ આજે સારી રહી હતી. ફાફ દુ પ્લેસીએ ઇનિંગને એક છેડેથી સંભાળી હતી તો સુરેશ રૈનાએ આક્રમક બેટિંગ કરીને તેના IPLના જૂના દિવસો યાદ કરાવી દીધા હતા. તેમ છતાં આ બંનેના આઉટ થવા બાદ રાયડુ, જાધવ અને ધોની કોઈ ખાસ ગતિ ન દેખાડી શક્યા અને પરિણામે ચેન્નાઈ સુપર કિંગ્સ કદાચ 10 થી 15 રન ઓછા કરી શક્યા હતા.
પરંતુ આજે જે રીતે કે એલ રાહુલે બેટિંગ કરી હતી તેને જોતા 180+નો સ્કોર પણ KXIPને જીત મેળવતા રોકી ન શકત. કિંગ્સ ઈલેવન પંજાબના હાથે આવી રીતે ધોલાઈ થવા છતાં પણ CSKએ ટોચના બે સ્થાનોમાં પોતાનું સ્થાન પાક્કું કરવામાં વાંધો નથી આવ્યો. આમ હવે તેઓ પોતાના જ હોમ ગ્રાઉન્ડ ચેપોક પર પહેલી ક્વોલિફાયર મેચ રમશે.
KXIPની આ જીતે એક બીજું ગણિત સાવ સરળ કરી આપ્યું છે. અત્યારે જ્યારે આ લખાઈ રહ્યું છે ત્યારે મુંબઈ ઇન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની મેચ પણ વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. MIની જીત તેને ટેબલમાં ટોચનું સ્થાન અપાવશે અને સન રાઈઝર્સ હૈદરાબાદને ચોથું સ્થાન અપાવશે. જ્યારે KKRની જીત તેને ચોથું સ્થાન અપાવશે અને દિલ્હી કેપિટલ્સને બીજું સ્થાન અપાવશે. આમ અત્યારે સમગ્ર હૈદરાબાદ મુંબઈને સમર્થન કરતું હોય તો નવાઈ નહીં!
ટૂંકું સ્કોરકાર્ડ
IPL 2019 | મેચ 55 | કિંગ્સ ઈલેવન પંજાબ વિ. ચેન્નાઈ સુપર કિંગ્સ
આઈ એસ બિન્દ્રા સ્ટેડિયમ, મોહાલી (ચંડીગઢ)
ટોસ: કિંગ્સ ઈલેવન પંજાબ (બોલિંગ)
ચેન્નાઈ સુપર કિંગ્સ 170/5 (20) રન રેટ: 8.5
ફાફ દુ પ્લેસી 96 (55)
સુરેશ રૈના 53 (38)
સેમ કરન 3/35 (4)
મોહમ્મદ શમી 2/17 (3)
કિંગ્સ ઈલેવન પંજાબ 173/4 (18.0) રન રેટ: 9.61
લોકેશ રાહુલ 71 (36)
નિકોલસ પૂરન 36 (22)
હરભજન સિંગ 3/57 (4)
રવિન્દ્ર જાડેજા 1/16 (2)
પરિણામ: કિંગ્સ ઈલેવન પંજાબ 6 વિકેટે જીત્યા
મેન ઓફ ધ મેચ: લોકેશ રાહુલ (કિંગ્સ ઈલેવન પંજાબ)
અમ્પાયરો: સી શમ્સુદ્દીન અને કે એન અનંત પદ્મનાભન | બ્રુસ ઓક્સેનફર્ડ (થર્ડ અમ્પાયર)
મેચ રેફરી: જવાગલ શ્રીનાથ
પોઈન્ટ્સ ટેબલ
eછાપું