Make In India: બોઇંગ સુપર હોર્નેટ ફાઈટર જેટ્સ હવે ભારતમાં બનાવશે

0
268
Photo Courtesy: financialexpress.com

અમેરિકન એરોસ્પેસ જાયન્ટ બોઇંગે ભારતમાં તેના સુપર હોર્નેટ ફાઈટર જેટ્સ ભારતમાં બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જો આમ બન્યું તો મેઇક ઇન ઇન્ડિયા પહેલને એક મોટું બળ મળશે.

Photo Courtesy: financialexpress.com

ભારત સરકારના મેઇક ઇન ઇન્ડિયા કાર્યક્રમને હવે વધુ બળ મળવા જઈ રહ્યું છે. અમેરિકાની એરોસ્પેસ જાયન્ટ બોઇંગ ભારતમાં બહુ જલ્દીથી તેના સુપર હોર્નેટ ફાઈટર જેટ્સ બનાવવા માટે એક વિશાળ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ઉભો કરવા જઈ રહ્યું છે. જો કે બોઇંગના કહેવા અનુસાર તે ભારતીય વાયુસેના દ્વારા આપવામાં આવનાર એક મોટા ઓર્ડરની રાહ જોઈ રહ્યું છે. એક વખત આ ઓર્ડર તેને મળી જશે પછી તે ભારતમાં જ આ ફાઈટર જેટ્સનું ઉત્પાદન કરવાની સુવિધા ઉભી કરશે.

ભારત અને અમેરિકાના સંબંધો ત્યારે એક ખાસ બિંદુ પર ઉભા છે અને અમે ભારતમાં નેક્સ્ટ જનરેશન એરક્રાફ્ટ્સ હવે ભારતમાં જ ઉત્પાદિત કરવા માટે તૈયાર છીએ.

–  બોઇંગના F/A-18 અને E/A -18 કાર્યક્રમોના વાઈસ પ્રેસીડેન્ટ ડેન જીલીયાન

જીલીયાને કહ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચેના રક્ષા સંબંધો હાલમાં ખૂબ મજબૂત છે અને આથી જ કંપનીને ટ્રાન્સફર ઓફ ટેક્નોલોજી એટલેકે ToT કરવામાં પણ કોઈ વાંધો આવે તેવી શક્યતાઓ દેખાતી નથી.

સુપર હોર્નેટ એ ભારત માટે અત્યાધુનિક ફાઈટર જેટ્સ બની જશે, અને જો તેને ભારતમાં જ બનાવવાની મંજૂરી મળી જશે તો તે ભારતને AMCA એટલેકે એડવાન્સ્ડ મિડીયમ કોમ્બેટ એરક્રાફ્ટ બનાવવા માટે પણ સરળતા ઉપલબ્ધ કરાવશે.

આ AMCA ફિફ્થ જનરેશનના પ્લેન હશે જેને સરકાર હસ્તકની હિન્દુસ્તાન એરોનોટીક્સ ઉત્પાદિત કરે તેવી સંભાવનાઓ છે. એ નોંધપાત્ર હકીકત છે કે જ્યારથી અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પનું શાસન સત્તા પર આવ્યું છે ત્યારથી ભારતને અમેરિકા ટેક્નોલોજી ટ્રાન્સફર બાબતે અત્યંત વિશ્વાસુ સાથી ગણતું આવ્યું છે.

સુપર હોર્નેટ ફાઈટર જેટ્સની ખાસ વાત એ છે કે એક જ ડિઝાઈન ધરાવતા આ ફાઈટર જેટ્સ ઇન્ડિયન નેવી પણ સરળતાથી ઉપયોગમાં લાવી શકે છે અને તેના વપરાશ માટે તેનામાં કોઇપણ પ્રકારનો ફેરફાર કરવાની બિલકુલ જરૂર નથી પડતી.

હાલમાં ભારતીય નેવી પણ કોમ્બેટ એરક્રાફ્ટની ખરીદીની યોજના બનાવી રહી છે જેને મેળવવા માટે રફેલની ઉત્પાદક કંપની દેસ્સો એવિએશન, બોઇંગ, મિગ, લોકહિડ માર્ટિન અને ગ્રીપન પણ રેસમાં છે.

ડેન જીલીયાનના કહેવા અનુસાર હાલમાં સુપર હોર્નેટ ઉત્પાદિત કરતું બોઇંગ ઇન્ડિયન એરફોર્સ દ્વારા 114 ફાઈટર એરક્રાફ્ટની જરૂરિયાત માટે પણ આશાવાદી છે. બોઇંગ ભારતમાં જ એરોસ્પેસ અને ડિફેન્સ મેન્યુફેક્ચરિંગની એક ઈકોસિસ્ટમ ઉભી કરવા માંગે છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મેઇક ઇન ઇન્ડિયા પહેલ સાથે પણ તાલ મેળવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રક્ષા ક્ષેત્રમાં પણ મેઇક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવાની અને તેને સફળ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

હાલમાં બોઇંગ પાસે ભારતમાં જ 160થી પણ વધુ સપ્લાયર્સ છે જેઓ હેલિકોપ્ટર અને એરક્રાફ્ટના પાર્ટ્સ ભારતમાં બનાવી જ રહ્યા છે અને આથી જો બોઇંગ પોતાનું ઉત્પાદન ભારતમાં શરુ કરશે તો તે વધુને વધુ સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન આપી શકશે તેમ ડેન જીલીયાને અંતમાં કહ્યું હતું.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here