IPL 2019ના લીગ સ્ટેજની આ છેલ્લી મેચ એકદમ સ્પષ્ટ મેન્ડેટ લઈને આવી હતી. જો મુંબઈ ઇન્ડિયન્સ જીતે તો તેઓ ટેબલ ટોપ ટીમ બને, કોલકાતા નાઈટ રાઈડર્સ જીતે તો તમને પ્લેઓફ્સમાં સ્થાન મળે અને જો તેઓ હારે તો સન રાઈઝર્સ હૈદરાબાદ પ્લેઓફ્સ માટે ક્વોલિફાય થઇ જાય!

જ્યારે IPLના પ્લેઓફ્સમાં રમવા માટે તમને છેક છેલ્લી મેચ સુધી મોકો મળતો હોય ત્યારે તમારે તેનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ. આ મેચ તમારે યેનકેન પ્રકારેણ જીતવા માટે ખાસ રણનીતિ બનાવવી જોઈએ, પરંતુ તેનાથી ઉલટ કોલકાતા નાઈટ રાઈડર્સ આ મેચમાં તદ્દન આઉટ ઓફ ફોકસ લાગ્યા. તેમની બેટિંગ શરૂઆતથી જ ભટકી ગઈ હોય એવું લાગ્યું. ક્રિસ લીન એક માત્ર એવો બેટ્સમેન રહ્યો જેણે KKR મોટો સ્કોર બનાવી શકે તેની કોશિશ કરી હતી.
બાકી, રોબિન ઉથપ્પાને બેટિંગ કરતા જોઇને કોઇપણ ક્રિકેટ ફેનને દુઃખ થયું હશે. એક સમયે RCB અને બાદમાં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે છૂટથી ઢગલાબંધ રન બનાવી શકનાર ઉથપ્પાની આ સિઝન અમસ્તી પણ ભૂલવા લાયક હતી પરંતુ ગઈકાલની તેની પીડાદાયક બેટીંગે તો તેના માટે આ સિઝન તેના મનના કોઈ અંધારા ઓરડામાં પાંચસો ફૂટ ઊંડે દાટી દેવા લાયક બનાવી દીધી હતી. તેના સિવાય પણ KKRના અન્ય બેટ્સમેનો જાણેકે સાવ રંગ ઉડી ગયો હોય એવી બેટિંગ કરીને માત્ર 133 રન બનાવી શક્યા હતા.
આ મેચ શરુ થઇ એ અગાઉ કોલકાતા નાઈટ રાઈડર્સના કપ્તાન દિનેશ કાર્તિક અને ટીમના ખેલાડીઓ વચ્ચે કોઈ મનભેદ થયો હોવાના સમાચાર પણ આવ્યા હતા. જો આ સમાચાર સાચા હોય તો તેની ટીમના ગઈકાલના પ્રદર્શન પર અસર પડી હોય એ શક્ય છે. ડગ આઉટમાં કોચ જાક કાલિસ પણ નિરાશ અને દુઃખી હોય એવું સતત લાગી રહ્યું હતું. આશા કરીએ કે ટીમના ખેલાડીઓ વચ્ચેના મનભેદ બહુ ઊંડા ન હોય.
મુંબઈ ઇન્ડિયન્સની પ્રોફેશનલ બેટીંગે એ સાબિત કરી દીધું હતું કે તેમને પોઈન્ટ્સ ટેબલ પર પહેલા સ્થાન સિવાય બીજું કશુંજ નહોતું ખપતું અને આથી જ પહેલા ક્વિન્ટન ડી કોક અને બાદમાં કેપ્ટન રોહિત શર્મા અને આ રિવ્યુ સિરીઝમાં જેને વારંવાર MIનો unsung hero કહેવામાં આવ્યો છે તે સૂર્યકુમાર યાદવે ઝડપી બેટિંગ કરીને મુંબઈ ઇન્ડિયન્સને સમય કરતા બહુ પહેલા જ લક્ષ્ય સિદ્ધ કરી આપ્યું હતું.
આ વિજય સાથે મુંબઈ ઇન્ડિયન્સ હવે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ચેન્નાઈમાં મંગળવારે પહેલી ક્વોલિફાયર રમશે. તો દિલ્હી કેપિટલ્સ અને સન રાઈઝર્સ હૈદરાબાદ વિશાખાપટ્ટનમમાં બુધવારે પહેલી એલિમિનેટર રમશે. IPL 2019 પ્લેઓફ્સમાં આગળ શું થઇ શકે છે તેની જાણકારી આપ નીચે આપેલી તસ્વીર દ્વારા આસાનીથી મેળવી શકો છો.
આ સિઝનની તમામ લીગ મેચો પત્યા બાદ જો અત્યારસુધીની ટુર્નામેન્ટનો એક ફટાફટ રિવ્યુ કરવો હોય તો એમ કહી શકાય કે, પ્લેઓફ્સમાં એ જ ટીમો આવી છે જેની અહીં હાજરી હોવાની આશા પહેલેથી કરવામાં આવી હતી, પરંતુ હા તેમાં દિલ્હી કેપિટલ્સ એક આશ્ચર્યજનક એન્ટ્રી જરૂર છે. છેલ્લી અમુક સિઝનથી છેલ્લા બે સ્થાનો શોભાવતી આ ટીમે આ સિઝનમાં નામ તો બદલ્યું જ પરંતુ ટીમના માલિકોએ શ્રેયસ ઐયર પર કપ્તાનીનો વિશ્વાસ મૂક્યો, રિકી પોન્ટિંગને કોચ અને સૌરવ ગાંગુલીને મેન્ટર બનાવીને ટીમની આખી સિકલ ફેરવી નાખી છે એ તેના પ્લેઓફ્સ સુધીના સફરથી સાબિત થઇ ચૂક્યું છે.
છેલ્લે છેલ્લે દિલ્હી કેપિટલ્સના ઉદાહરણ પરથી પ્લેઓફ્સમાં ક્વોલીફાય ન થનારી બાકીની ચારેય ટીમો ઘણું શીખી શકે તેમ છે એવી નોંધ કરવાનું મન પણ થાય છે.
ટૂંકું સ્કોરકાર્ડ
IPL 2019 | મેચ 56 | મુંબઈ ઇન્ડિયન્સ વિ. કોલકાતા નાઈટ રાઈડર્સ
વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ
ટોસ: મુંબઈ ઇન્ડિયન્સ (બોલિંગ)
કોલકાતા નાઈટ રાઈડર્સ 133/7 (20) રન રેટ: 6.65
ક્રિસ લીન 41 (29)
રોબિન ઉથપ્પા 40 (47)
લસિથ મલિંગા 3/35 (4)
હાર્દિક પંડ્યા 2/20 (3.0)
મુંબઈ ઇન્ડિયન્સ 134/1 (16.1) રન રેટ: 8.32
રોહિત શર્મા 55* (48)
સૂર્યકુમાર યાદવ 46* (27)
ક્વિન્ટન ડી કોક 30 (23)
પ્રસિદ્ધ ક્રિશ્ના 1/22 (3.0)
પરિણામ: મુંબઈ ઇન્ડિયન્સ 9 વિકેટે જીત્યા
મેન ઓફ ધ મેચ: હાર્દિક પંડ્યા
અમ્પાયરો: નંદન અને નંદકિશોર | એસ રવિ (થર્ડ અમ્પાયર)
મેચ રેફરી: મનુ નૈયર
પોઈન્ટ્સ ટેબલ
eછાપું