હિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે (10): શિવસેનાએ પહેલું ગઠબંધન કોની સાથે કર્યું?

0
198
Photo Courtesy: inmarathi.com

રાજકારણમાં પ્રવેશ કર્યા બાદ શિવસેના અને બાળાસાહેબ ઠાકરે જેમની ઈમેજ મરાઠાવાદી અને રાષ્ટ્રવાદીની હતી તેમણે કોની સાથે સહુથી પહેલું ચૂંટણી ગઠબંધન કઈ પાર્ટી સાથે કર્યું એ જાણીને કદાચ બધાને નવાઈ લાગશે.

Photo Courtesy: inmarathi.com

ગયા અઠવાડિયે આપણે વાંચ્યું કે શિવસેનાએ કઈ રીતે રાજકારણમાં પદાર્પણ કર્યું. ઠાણેમાં સફળતા પછી હવે શિવસેનાએ મુંબઈમાં પોતાની અસર જમાવવાના પેંતરા શરૂ કર્યાં. રાજકીય ખેલાડી તરીકે પોતાની તાકાત બતાવવાનો સમય આવી ગયો હતો.

27 ડિસેમ્બર 1967 ના રોજ, શિવસૈનિકોએ પરેલમાં કમ્યુનિસ્ટ પાર્ટીની ઓફિસ (દળવી બિલ્ડીંગ) પર હુમલો કર્યો, તેમાં બધી ફાઇલોને બાળી નાખી અને રસ્તા પર ઓફિસનું ફર્નિચર ફેંકી દીધું. શિવસૈનિકોએ ખૂબ ગુસ્સે થઈને ઓફિસના ટાઈપરાઈટરને પણ બારીમાંથી બહાર ફેંકી દીધા. હકીકતમાં, તેઓને આખી દળવી બિલ્ડીંગ બાળી નાખવી હતી, પણ શિવસેનાના કેટલાક મતદારો પણ એ બિલ્ડીંગમાં રહેતા હતા. તેથી માત્ર ઓફિસને લક્ષ્યાંક બનાવ્યું.

આવી બધી હિંસાઓ ચાલુ હતી ત્યારે દરેક લોકોના કૌતુક વચ્ચે BMCની ચૂંટણી માટે શિવસેનાએ પ્રજા સમાજવાદી પક્ષ (Praja Socialist Party – PSP) સાથે ગઠબંધન કર્યું. આ શિવસેનાનું પ્રથમ સત્તાવાર જોડાણ હતું. પી.એસ.પી. ‘સંપૂર્ણ મહારાષ્ટ્ર સમિતિ’માં જોડાયેલી પાર્ટી ન હતી અને રાજકીય શયનખંડમાં પોતાના શૈયાસંગાથીને શોધતી હતી જેનાથી મુંબઈ જેવા મહાનગરમાં તેને કોઈનો સપોર્ટ મળી રહે. પી.એસ.પી.ના નેતા મધુ દંડવટેએ પહેલ કરીને ઠાકરેની મુલાકાત કરી. ઠાકરેને મળ્યા પછી PSPએ એટલી જ બેઠકો ચૂંટણી લડવાની તૈયારી બતાવી જેટલી શિવસેના નક્કી કરે. ઠાકરે સાથેની થોડા વાટાઘાટો પછી PSP-સેના ગઠબંધનને માન્યતા મળી.

શિવસેના આ ગઠબંધનમાં વરિષ્ઠ ભાગીદાર હતું. ભલે PSP એક રાષ્ટ્રીય પાર્ટી હતી પણ મુંબઈમાં તેની હાજરી નગણ્ય એવી હતી. ઠાકરેની પાર્ટી સાથે જોડાઈ ત્યારે તેમને ખબર હતી કે પોતે સેકન્ડરી બની જશે (એટલે કે શિવસેનાનો હાથ હંમેશા ઉપર રહેશે) પણ PSPને તો ભારતની નાણાંકીય રાજધાનીમાં રાજકીય સ્થાન પ્રાપ્ત કરવામાં જ રસ હતો. બીજી તરફ, શિવસેનાને પીએસપી સાથેના જોડાણ દ્વારા શહેરમાં કોઈ નક્કર લાભ મળી શકવાનો નહોતો. તો પછી દંડવટેની પાર્ટી સાથે ગઠબંધન કર્યું જ શા માટે?

શિવસેનાના નેતાઓને એક વાત હંમેશા ખૂંચતી કે સંસદમાં તેમનો પોતાનો કોઈ પ્રતિનિધિ નહોતો. દિલ્હીમાં મુંબઈના ઈશ્યુઓ ઉછાળવા અને તેમની તરફેણમાં બોલનાર કોઈ તો જોઈએ ને? સંસદમાં શિવસેનાની આલોચના થાય તો ઠાકરે ઇચ્છતા હતા કે તેમના બચાવમાં કોઈ હોવું જોઈએ. આ ઉદ્દેશ્ય ધ્યાનમાં રાખીને, ઠાકરે PSP સાથેના જોડાણ માટે સંમત થયા.

PSPએ પણ પોતાની ભૂમિકા ઓળખી અને તેને દિલ્હીમાં શિવસેનાને સારી રીતે રજૂ કરી. ફેબ્રુઆરી 1968 માં એ.પી. ચેટર્જી, ભૂપેશ ગુપ્તા અને ચિત્તા બાસુ જેવા કમ્યુનિસ્ટ નેતાઓએ મધ્ય મુંબઇમાં કોમ્યુનિસ્ટ પાર્ટીના મુખ્યમથક દળવી બિલ્ડીંગ પર શિવસૈનિકો દ્વારા થયેલા હુમલાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તે સમયે, PSPના બાંકે બિહારી દાસે સંસદમાં શિવસેનાનો બચાવ કર્યો હતો. આશ્ચર્યજનક વાત એ છે કે, તત્કાલીન કેન્દ્રીય ગૃહપ્રધાન વાય.બી. ચવ્હાણે સાંસદોને કહ્યું હતું કે રાજકીય પાર્ટીના કાર્યાલય પર હુમલો થયો હોવાનું દુર્ભાગ્યપૂર્ણ હતું પણ કમ્યુનિસ્ટ પાર્ટીના સભ્યોએ ‘દળવી બિલ્ડીંગ ઘટના’ પહેલા શિવસૈનિકો પર પણ હુમલા કર્યાં હતાં. જ્યારે શિવસેનાના વિરોધીઓએ એવી દલીલ કરી કે સેનાને ઉદ્યોગપતિઓ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું ત્યારે ચવ્હાણે નોંધ્યું કે ઉદ્યોગપતિઓએ તમામ રાજકીય પક્ષોને તેમનો ટેકો આપ્યો છે, એ તો એમની ફરજ છે.

શિવસેનાના ઉત્સુક મહારાષ્ટ્રવાદે મુંબઈમાં તમામ પક્ષોના રાજકીય વર્તનમાં ફેરફાર કર્યો. મતદાનની સીઝન વખતે, તેમાંના મોટાભાગના રાજકીય લોકો શિવસેનાની ભાષા જ બોલતાં. 1967 માં માર્મિકની સાતમી વર્ષગાંઠના પ્રસંગે, મુખ્યમંત્રી વસંતરાવ નાઈકે પોતાના ભાષણમાં જણાવ્યું કે ‘મરાઠી માણૂસની એક નબળાઈ છે કે તે બિન મહારાષ્ટ્રીયનોની પ્રગતિને ઉત્તેજન આપે છે અને પોતાના લોકોના માર્ગમાં અવરોધો ઊભા કરે છે. જ્યાં સુધી આ સુધરશે નહીં, ત્યાં સુધી મરાઠી લોકો પ્રગતિ કરી શકશે નહીં.’

શિવસેનાએ કોંગ્રેસ અને ખાસ કરીને એસ. કે. પાટીલ પર એવો આરોપ કરેલો કે કોંગ્રેસે મુંબઇને બિન-મહારાષ્ટ્રીયન લોકો અને ખાસ કરીને ગુજરાતીઓને વેચી મારી છે. આવું થતાં પોતાની વોટબેંકને બચાવવા માટે કૉંગ્રેસે BMCની ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ સૂચિ જાહેર કરી જેમાં અભૂતપૂર્વ સંખ્યામાં મરાઠી ઉમેદવારોના નામ નાખ્યાં – ટોટલ 34!

BMCની ચૂંટણીની જાહેરાત થયા પછી, ખેડૂતો અને કામદારોના પક્ષના બાપુસાહેબ લાડે ‘યુવા માટેનો કાર્યક્રમ’ જાહેર કર્યો, જે મુખ્યત્વે શિવસેના દ્વારા મહારાષ્ટ્રવાસીઓની માગણીઓનું પુનરાવર્તન હતું. દરેક પાર્ટી મરાઠી મત મેળવવાનો પ્રયાસ કરી રહી હતી.

શિવસેનાએ પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કર્યો અને શિવસેના-PSP ગઠબંધનની પ્રથમ જાહેર રેલી 28 જાન્યુઆરી, 1968 ના રોજ મધ્ય મુંબઈના કામદાર મેદાન (પરેલ) ખાતે યોજાઇ. ખૂબ મોટી ભીડ ભેગી થયેલી અને દંડવટે પોતે લોકોની આવી પ્રતિક્રિયાથી આશ્ચર્યચકિત થઈ ગયા.

ઠાકરેના બચાવમાં પોતાના ભાષણમાં તેમણે કહ્યું કે સમગ્ર ભારતમાં પ્રાદેશિક લાગણીઓ અને મહત્વાકાંક્ષાઓ ઉભી થઈ રહી છે, અને આ ભાવનાઓની નિંદા કરવા કરતા તેને સમજવાની કોશિશ કરવી જોઈએ. શિવસેના એ રાષ્ટ્રવાદ પ્રત્યે સંપૂર્ણ પ્રતિબદ્ધ પક્ષ છે. PSPને સેનાના રાષ્ટ્રવાદમાં વિશ્વાસ હતો એટલે જ તેમની સાથે જોડાયો છે. મરાઠી બોલતા લોકો સંયુક્ત મહારાષ્ટ્રની રચના પછી વિસ્થાપિત થઈ ગયા હતા, અને કોંગ્રેસના કારણે, તેમના સપના અને આશાઓને કચડી નાખવામાં આવ્યા હતા.

પોતાના પક્ષના કાર્યકરો માટે ચૂંટણી દરમિયાન ઠાકરેએ કેટલાક નિયમો નક્કી કરેલા. એ નિયમોથી ઠાકરેની ચૂંટણી પ્રત્યેની શિસ્ત દેખાઈ આવે છેઃ

  1. દરેક એરિયાના શાખા પ્રમુખોએ ચૂંટણીના વક્તાને તેમના સંબંધિત વિસ્તારોમાં સુનિશ્ચિત મીટિંગ્સમાં લાવવા અને તેમના ઘરે પરત આવવાની વ્યવસ્થા પણ કરવી.
  2. એક બેઠક માટે ઘણા બધા સ્પીકર્સની જરૂર નથી. મિટીંગમાં મુખ્ય સ્પીકરને પ્રોત્સાહન આપવું જોઈએ.
  3. વક્તાઓએ એક દિવસમાં એક કરતાં વધુ રેલીઓને સંબોધિત કરવી પડે છે, તેથી ધ્યાન રાખો કે બધી મીટિંગ્સ ચોક્કસ સમયથી શરૂ થાય.
  4. સમયની પાબંદિને કારણે, એક સાથે બે-ત્રણ મ્યુનિસિપલ વૉર્ડમાં સંયુક્ત રેલીઓનું આયોજન કરવું. દરેક મીટિંગમાં અધ્યક્ષ હોવા જરૂરી નથી.
  5. મુખ્ય સ્પીકર તેમના ભાષણ શરૂ કરે તે પહેલાં જ આભારવિધિ સમારંભ યોજાવો જોઈએ. અને તેમના ભાષણ પછી, ફક્ત રાષ્ટ્રગીત જ ગાવું.
  6. સ્પીકરના નામની તેમની પૂર્વ પરવાનગી વિના જાહેરાત કરવી નહીં.

શિવસેના-PSPના આ સુઘડ અને શિસ્તપૂર્વક અભિયાનની અસર ચૂંટણીના પરિણામો પર પડી. મુંબઈ ચૂંટણીમાં શિવસેનાએ 42 બેઠકો જીતી, અને પી.એસ.પી.એ 11 બેઠકો જીતી. 65 બેઠકો સાથે કૉંગ્રેસ એકમાત્ર સૌથી મોટી પાર્ટી હતી અને શિવસેના બીજા ક્રમે હતી.

રસપ્રદ વાત એ છે કે, 1961 ની BMCની ચૂંટણીમાં કૉંગ્રેસે કુલ 45 ટકા સાથે 59 બેઠકો મેળવી હતી અને સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિ, જે બીજા ક્રમનું જૂથ હતું, તેને 34 બેઠક મળી હતી. 1968 માં, 65 બેઠકો તેની તરફેણમાં હોવા છતાં, કોંગ્રેસ માટે કુલ મતદાન ટકાવારી માત્ર એક ટકા વધી એટલે કે 46% થઈ હતી; અને શિવસેના 42 બેઠકો સાથે 1961 માં સમિતિ દ્વારા મેળવેલી મતદાન ટકાવારીને પોતે લઈ ગયા.

શિવસેનાએ મુંબઇના લગભગ તમામ મુખ્ય મરાઠી મધ્યમ વર્ગના મતવિસ્તારોમાંથી અને ગિરગામ-દાદરની મરાઠી ઉચ્ચ મધ્યમ વર્ગના સમાજો વચ્ચે જીત મેળવી હતી.

પડઘોઃ

પ્રજા સમાજવાદી પાર્ટી (PSP)ની સ્થાપના જયપ્રકાશ નારાયણ, આચાર્ય નરેન્દ્ર દેવ અને બસાવન સિંહ (સિન્હા) ની આગેવાની હેઠળ કરવામાં આવી હતી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ અને જવાહરલાલ નેહરુના નજીકના સાથી જે.બી. ક્રિપલાનીની આગેવાની હેઠળ કિશન મઝદુર પ્રજા પાર્ટી સાથે પણ પી.એસ.પી.નું ગઠબંધન થયેલું.

eછાપું

હિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે સિરીઝ: ભાગ 1 | ભાગ 2 | ભાગ 3 | ભાગ 4 | ભાગ 5 | ભાગ 6 | ભાગ 7 | ભાગ 8 | ભાગ 9

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here