મોદીની લાહોર યાત્રા પરની નિરર્થક ચર્ચાઓ પર હવે પૂર્ણવિરામ લાગવું જોઈએ

0
299
Photo Courtesy: rediff.com

આજથી લગભગ ત્રણ વર્ષ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્રિસમસની સાંજે કાબુલથી દિલ્હી આવતા રસ્તે અચાનક જ લાહોર પહોંચી ગયા હતા. તેમની આ બે કલાકની લાહોર યાત્રા પર અત્યારસુધી ચાલતી અફવાઓનો અંત હવે તેમણે જ આણી દીધો છે.

Photo Courtesy: rediff.com

2015ની ક્રિસમસની સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અચાનક જ લાહોરના અલામા ઇકબાલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરાણ કર્યું હતું. જો કે આ ઉતરાણ સાવ અચાનક ન હતું, આ ઘટના ઘટવાની છે તેના બ્રેકિંગ ન્યૂઝ તે દિવસે બપોરથી જ ન્યૂઝ ચેનલો દેખાડી રહી હતી, પરંતુ લાહોર જવાનો નિર્ણય અચાનક જરૂર થયો હતો.

આ પ્રકારનો મહત્ત્વનો નિર્ણય પણ અચાનક કેમ લેવામાં આવ્યો તેનો ખુલાસો શનિવારે રાત્રે ઇન્ડિયા ટીવીના એડિટર ઇન ચીફ રજત શર્માને આપેલા એક ઇન્ટરવ્યુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો હતો. આ ખુલાસો જાણીએ એ પહેલા આ મુલાકાત બાદ તુરંત થયેલી પઠાનકોટ આતંકવાદી હુમલાની ઘટનાને લીધે મોદી દ્વેષીઓ અને તેમના ટીકાકારોએ મુલાકાતને કેવા રંગે રંગી દીધી હતી તે જાણવું પણ ખૂબ જરૂરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાહોરમાં એ સમયના પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફની ભત્રીજીના લગ્ન જ્યાં હતા તે લાહોરથી થોડે દૂર રાયવિંડ ખાતે આવેલા શરીફના ફાર્મહાઉસમાં તેમને મળ્યા હતા. સ્વાભાવિક છે કે લગ્નનું વાતાવરણ જે ઘરમાં હોય તે ઘરમાં શરીફનો સમગ્ર પરિવાર પણ હોય અને લગ્નની વાનગીઓ પણ બની રહી હોય અથવાતો પીરસાઈ રહી હોય. પરંતુ જેમણે દ્વેષ અને નફરતના ચશ્માં ચડાવ્યા છે તેમને માટે એક સામાન્ય ઘટના પણ ઝેરીલી લાગતી હોય છે અથવાતો તેને ઝેરીલી બનાવીને અન્યોને દેખાડતા હોય છે.

આથી મોદી દ્વેષીઓએ ત્યારબાદ લગાતાર, અત્યારે જ્યારે 2019ની લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે ત્યાં સુધી મોદીની એ લાહોર યાત્રાની કેટલીક ઘટનાઓ જે બની જ ન હતી તેને તેમણે વિકૃત રીતે પેશ કરી છે. જેમાંથી એક અફવા એ હતી કે મોદી નવાઝ શરીફના માતાને પગે લાગ્યા હતા અને બીજી વાત એ  હતી કે મોદીએ ત્યાં નવાઝ શરીફ સાથે બેસીને બિરયાની ખાધી હતી!

હવે જાણીએ કે નરેન્દ્ર મોદીએ ખુદ ઇન્ડિયા ટીવીના ઇન્ટરવ્યુમાં શનિવારે શું કહ્યું હતું. મોદીએ કહ્યું હતું કે તે દિવસે અટલજીનો પણ જન્મ દિવસ હતો અને સવારે તેઓ કાબુલમાં હતા અને આથી સાંજે તેમણે દિલ્હી પહોંચીને અટલજીના આશિર્વાદ લેવાના હતા. ક્રિસમસને દિવસે અટલ બિહારી વાજપેયી સાથે નવાઝ શરીફનો પણ જન્મ દિવસ હતો અને આથી તેમણે કાબુલથી નવાઝ શરીફને કોલ કરીને તેમને શુભેચ્છાઓ પાઠવી.

Photo Courtesy: indiatvnews.com

શુભેચ્છાઓ પાઠવીને મોદીએ શરીફને પૂછ્યું કે, “મિયાંજી ક્યા કર રહે હો?” તો શરીફે કહ્યું કે તેઓ લાહોરમાં પોતાની ભત્રીજીના લગ્નમાં આવ્યા છે. સાથેસાથે શરીફે આઈડિયા આપ્યો કે મોદી પણ કાબુલથી દિલ્હી જતા લાહોરમાં થોડો સમય ઉતરે અને તેમને મળે! નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમણે બાદમાં વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને કોલ કરીને તેમનું મંતવ્ય માંગ્યું, તો સ્વરાજે નિર્ણય મોદી પર છોડી દીધો.

ત્યારબાદ SPG અને ઇન્ટેલિજન્સના અધિકારીઓનું મંતવ્ય મોદીએ માંગ્યું. આ તમામે લાહોર ઉતરવા માટે તેમની પાસે પાસપોર્ટ ન હોવાથી તેમજ ત્યાં ઉતરીને સુરક્ષાનું મોટું જોખમ હોવાની વાત કરીને લાહોર જવાની ના પાડી. પરંતુ મોદીએ તેમના સ્વભાવ અનુસાર, ‘જો હોગા દેખા જાયેગા’ કહીને લાહોર જવાનું નક્કી કર્યું.

આગળ વાત કરતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે લાહોર એરપોર્ટ ઉતરીને નવાઝ શરીફના હેલિકોપ્ટરમાં તેઓ રાયવિંડ ગયા હતા જે ખતરાથી જરાય ઓછું ન હતું. પરંતુ તેમ છતાં તેઓ ત્યાં ગયા અને એક કલાક અનૌપચારિક વાતચીત કરી અને ‘ચા-પાણી’ કર્યા!

બસ! વાત આટલી જ હતી અને ચા પાણીથી વધુ ત્યાં તેમણે શું ખાધું અથવાતો નવાઝ શરીફના કયા પરિવારજનોને મળ્યા તેની કોઈજ વાત નરેન્દ્ર મોદીએ એ ઇન્ટરવ્યુમાં નહોતી કહી. પરંતુ મોદીદ્વેષીઓ સતત છેલ્લા ત્રણ વર્ષથી શરીફની માતાને પગે લાગવાની કે પછી બિરિયાની ખાવાની વાતો ફેલાવી રહ્યા છે.

જો વાત માતાને પગે લાગવાની જ હોય તો હિંદુ સંસ્કૃતિ દરેક વડીલને સન્માન આપવાનું શીખવે છે અને સ્વાભાવિક છે કે નવાઝ શરીફના માતા નરેન્દ્ર મોદીના વડીલ કહેવાય તો એમને હિંદુ પરંપરા અનુસાર પગે લાગ્યા પણ હોય તો પણ શું વાંધો છે? ખરેખર તો આ વાત દ્વેષીઓ ત્યાંથી પકડી લાવ્યા છે જ્યારે વડાપ્રધાન મોદીના શપથ ગ્રહણ સમારોહના બીજા દિવસે નવાઝ શરીફ સાથે તેમની મુલાકાત થઇ ત્યારે તેમણે તેમની માતા માટે શાલ ભેટમાં આપી હતી. હવે નરેન્દ્ર મોદીના આ વર્તન સાથે પગે લાગવાનું જોડીને દ્વેષીઓ છેલ્લા ત્રણ વર્ષથી ગપગોળા ફેલાવી રહ્યા છે.

જ્યાં સુધી બિરિયાનીની વાત છે તો, 2013ના જાન્યુઆરી મહિનામાં LoC પર પાકિસ્તાની સૈનિકોએ ભારતના બે જવાનોના માથા કલમ કરી દીધા હતા. આ ઘટના બાદ સમગ્ર રાષ્ટ્ર આક્રોશિત હતું પરંતુ માર્ચ મહિનામાં તે સમયના પાકિસ્તાની વડાપ્રધાન રાજા પરવેઝ અશરફ પ્રાઈવેટ વિઝીટ પર અજમેર શરીફની દરગાહ પર આવ્યા હતા. તે સમયે વિદેશમંત્રી સલમાન ખુરશીદે જયપુરની રામબાગ પેલેસ હોટલમાં તેમના માટે ખાસ લંચ આયોજીત કર્યું હતું જેમાં બિરિયાની ખાસ વાનગી તરીકે પીરસવામાં આવી હતી.

Photo Courtesy: dailymail.co.uk

આ ઘટનાની મિડિયા તેમજ સોશિયલ મિડીયામાં ખૂબ ટીકા થઇ હતી અને ટીકા કરવામાં એ સમયના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ સામેલ હતા. આમ નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના વિદેશમંત્રી એટલેકે છેવટે તો કોંગ્રેસની સરકારની જ ટીકા બિરિયાની મામલે કરી એટલે અમે પણ એમને ભલે કોઈ પૂરાવા ન હોય તો પણ ટ્રોલ કરીશું એ ન્યાયે મોદી દ્વેષીઓએ મોદીએ લાહોરમાં નવાઝ શરીફ સાથે બિરિયાની ખાધી એવી અફવા ઉડાવવાની શરુ કરી હતી.

નરેન્દ્ર મોદીએ લાહોરના સમગ્ર ઘટનાક્રમનું વર્ણન કર્યા બાદ જે કહ્યું તે ઘણું મહત્ત્વનું છે. તેમણે કહ્યું કે જો તેમણે તેમના શપથવિધિ સમારોહમાં નવાઝ શરીફને આમંત્રણ ન આપ્યું હોત, અથવાતો તેઓ ખુદ નવાઝ શરીફના આમંત્રણને માન આપીને લાહોર બે કલાક માટે ન ગયા હોત તો પઠાનકોટ, ઉરી કે પછી પુલવામા બાદ સમગ્ર વિશ્વ ભારતની પડખે ન ઉભું રહ્યું હોત.

કારણકે આ  બંને ઘટનાઓથી વિશ્વમાં એવો સંદેશ ગયો કે ભારત તો પાકિસ્તાનીઓનું ભલું ઈચ્છે છે પરંતુ પાકિસ્તાન જ એવું છે કે જેને ભારતની શુભેચ્છાનો બદલો આતંકવાદ થી આપવો છે. બીજું કોઇપણ રાષ્ટ્રાધ્યક્ષ કોઈના પણ પ્રાઈવેટ હેલિકોપ્ટરમાં વગર ચકાસણીએ બેસવાની હિંમત પણ ન કરે, પરંતુ મોદીએ એ રિસ્ક લીધું અને એ પણ પાકિસ્તાન જેવા દેશમાં, તો ત્યારે ભારતની છાપ વિશ્વમાં શાંતિ માટે પ્રયાસ કરતા દેશ તરીકેની પડી અને તો અત્યારે આપણને આતંકવાદના મામલે સમગ્ર દુનિયાનું સમર્થન મળી રહ્યું છે. આવું રિસ્ક પાકિસ્તાનમાં લેવું એ કોઈ નાનીસૂની વાત નથી જેટલી જણાય છે.

નરેન્દ્ર મોદીએ એક બીજી મહત્ત્વની વાત એ પણ કરી કે વર્ષોથી બધા લોકો જાણે છે અને તેમણે અમેરિકા, રશિયા અને અન્ય મોટા દેશોના આગેવાનો સાથે પણ ચર્ચા કરતા એ ખ્યાલ આવે છે કે પાકિસ્તાન સાથે વાત કરવામાં તો વાંધો નથી, પરંતુ વાતનો યોગ્ય નિષ્કર્ષ આવે તે માટે વાત કરવી કોની સાથે? કારણકે લોકશાહી પદ્ધતિથી ચૂંટાયેલી પાકિસ્તાની સરકાર ખરેખર તો પાકિસ્તાની આર્મી અને ISIની જ કઠપુતળી છે. અને આથી જ નવાઝ શરીફ જે મોદીને જેન્યુઈન વ્યક્તિ લાગ્યા હતા તેમને તેઓ લાહોરમાં મળ્યા અને અઠવાડિયામાં જ કદાચ ગુસ્સે ભરાયેલી પાકિસ્તાની આર્મી અને ISIએ પઠાનકોટનો હુમલો કરાવી દીધો જેથી ભારત વાતચીતના દ્વાર બંધ કરી દે.

પરંતુ, ઇન્ડિયા ટીવીને આપેલા ઇન્ટરવ્યુ બાદ હવે પેલી બંને અફવાઓ પર પૂર્ણવિરામ લાગી જવું જોઈએ. ખરેખર તો જે લોકોમાં થોડી પણ અક્કલ હોય તેમણે હવે આ પ્રકારની અફવા પર ફરીથી ધ્યાન આપવાની જરૂર પણ નથી, ભલે પછી તે વ્યક્તિ કોઇપણ પક્ષનો સમર્થક કેમ ન હોય? કારણકે પૂરાવા વગરની અને માત્ર દ્વેષથી ભરેલી અફવાને માની, તેને આગળ ફેલાવીને આપણે બીજાઓ સમક્ષ અજાણતામાં આપણી જ અક્કલનું પ્રદર્શન કરી નાખતા હોઈએ છીએ.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here