સરદાર ઉધમ સિંગ માટે વિકી કૌશલનો નવો લૂક સામે આવ્યો

0
277
Photo Courtesy: Universal Communications

ભારતના કેટલાય નામી અનામી શહીદોમાં સરદાર ઉધમ સિંગનું નામ પણ સામેલ છે. સરદાર ઉધમ સિંગે જલિયાંવાલા બાગ હત્યાકાંડનો બદલો લીધો હતો અને હવે તેમના જીવન પર એક બાયોપિક બની રહી છે.

Photo Courtesy: Universal Communications

ગત એપ્રિલ મહિનામાં જલિયાંવાલા હત્યાકાંડને 100 વર્ષ પૂર્ણ થયા હતા. આ ઉપલક્ષમાં જાણિતા બોલિવુડ ડિરેક્ટર શુજીત સરકારે ભારતના કેટલાક બહાદુર સ્વતંત્રતા સેનાનીઓમાંથી એક એવા સરદાર ઉધમ સિંગના જીવન પર બની રહેલી બાયોપિકમાં શિર્ષક ભૂમિકા ભજવી રહેલા વિકી કૌશલનો ફર્સ્ટ લૂક જાહેર કર્યો હતો.

શુજીત સરકાર ‘મદ્રાસ કેફે’, ‘વિકી ડોનર’ અને ‘પિકુ’ જેવી સુપરહિટ પરંતુ એકબીજાથી સાવ અલગ અલગ વિષયો પર બનેલી ફિલ્મો ડીરેક્ટ કરવા માટે જાણીતા છે અને આ વખતે તેઓએ પિરીયડ ફિલ્મ પર હાથ અજમાવ્યો છે. સરદાર ઉધમ સિંગ દેશના મહાન શહિદોમાં સામેલ થાય છે જેમણે જલિયાંવાલા બાગ હત્યાકાંડ માટે જવાબદાર જનરલ માઈકલ ઓ ડાયરની હત્યા કરી હતી.

‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’ ફિલ્મથી વાહવાહી મેળવનાર વિકી કૌશલ આ ફિલ્મમાં સરદાર ઉધમ સિંગની મુખ્ય ભૂમિકા ભજવતા જોવા મળશે અને ફિલ્મનું શુટિંગ મોટા પાયા પર વિશ્વના અલગ અલગ હિસ્સાઓમાં કરવામાં આવશે. હાલમાં આ ફિલ્મનું પ્રથમ શેડ્યુલ યુરોપમાં ફિલ્માવવામાં આવી રહ્યું છે. આ ફિલ્મ આવતે વર્ષે રિલીઝ કરવામાં આવશે.

Photo Courtesy: Universal Communications

શુજીત સરકારનું આ પ્રકારના અલગ વિષય પર ફિલ્મ બનાવવા અંગે કહે છે કે, “મેં આ વિષય પર ફિલ્મ બનાવવાનું એટલા માટે વિચાર્યું કારણકે ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં આ ક્રાંતિકારીનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે અને તેમછતાં આજની પેઢીને તેમના વિષે બિલકુલ જ્ઞાન નથી. ઉધમ સિંગના સંઘર્ષ અને બલીદાનની વાર્તા જાણવી આજની પેઢી માટે અત્યંત જરૂરી છે. આટલા મહાન અને બહાદુર સ્વતંત્રતા સેનાનીની વાર્તા દર્શાવવા માટે મેં મારા લેખકો રિતેશ શાહ અને શુભેંદુ ભટ્ટાચાર્ય તેમજ મારા મિત્ર પ્રોડ્યુસર રોની લાહિરીની સાથે ફરીથી ટીમ બનાવીને કામ શરુ કરી દીધું છે. આજની જનરેશનમાં સૌથી પ્રતિભાશાળી અદાકારોમાંથી એક એવા વિકી કૌશલ સાથે મળીને અમે બધાં આટલા મહાન સ્વતંત્રતા સેનાનીની પ્રભાવશાળી વાર્તાને ન્યાય આપી શકીશું તેવી અમારી અપેક્ષા છે.”

શુજીત સરકારના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ સરદાર ઉધમ સિંગ રાઈઝીંગ સનના બેનર હેઠળ બની રહી છે જેના પ્રોડ્યુસર્સ રોની લાહિરી અને શીલ કુમાર છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here