બાલાકોટ એરસ્ટ્રાઈકના સબૂત મારી પાસે છે: ઈટાલીયન પત્રકાર

2
313
Photo Courtesy: indiatoday.in

અત્યાર સુધી બાલાકોટ એરસ્ટ્રાઈક અંગે વિદેશી પત્રકારો પાસેથી પૂરાવા માંગતા ભારતના વિપક્ષોને એક ઈટાલીયન પત્રકારે પૂરાવા આપ્યા છે જેમાં બાલાકોટ એરસ્ટ્રાઈકની વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

Photo Courtesy: indiatoday.in

પુલવામા હુમલાના બદલા રૂપે ભારતીય વાયુ સેનાએ પાકિસ્તાનના ખૈબર પખ્તુન્ખવા વિસ્તારમાં આવેલા બાલાકોટમાં એરસ્ટ્રાઈક કરીને જૈશ એ મોહમ્મદ, જેણે પુલવામા હુમલાની જવાબદારી લીધી હતી તેના એક મોટા આતંકવાદી ટ્રેઈનીંગ કેમ્પને ધ્વસ્ત કરી દીધો હતો.

આ ઘટના બાદ ભારતના વિપક્ષો તેમજ ભારતીય મિડિયાના એક મોટા હિસ્સાએ આ એરસ્ટ્રાઈક ખરેખર થઇ હતી કે કેમ તેના પૂરાવા માંગ્યા હતા. કોંગ્રેસના નેતા સેમ પિત્રોડાએ તો ત્યાં સુધી કહી દીધું હતું કે આ વાતને ભારતીય મિડીયાએ જ ચગાવી છે બાકી એક પણ વિદેશી પત્રકારે આવી કોઈ એરસ્ટ્રાઈક થઇ હોય એવું કહ્યું નથી.

હવે એક ઈટાલીયન પત્રકાર ફ્રાન્સિસ્કા મારીનોએ stringerasia.it નામની વેબસાઈટ પર પ્રકાશિત પોતાના આર્ટિકલમાં એવો દાવો કર્યો છે કે બાલાકોટમાં ખરેખર ભારતીય વાયુ સેના દ્વારા એરસ્ટ્રાઈક થઇ હતી અને તેમાં ઓછામાં ઓછા 130 અને વધુમાં વધુ 170 આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ આર્ટિકલમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે માર્યા ગયેલા આતંકવાદીઓમાં ટ્રેઈનીંગ આપનારાઓ તેમજ બોમ્બ બનાવનારાઓ પણ સામેલ છે.

ફ્રાન્સિસ્કાના રિપોર્ટ અનુસાર માર્યા ગયેલા આતંકવાદીઓમાંથી મોટા ભાગનાઓ હુમલાના સમયે જ માર્યા ગયા હતા જ્યારે 45 જેટલા આતંકવાદીઓ અત્યારે પણ સારવાર હેઠળ છે. 20 જેટલા આતંકવાદીઓ સારવાર દરમ્યાન મૃત્યુ પામ્યા હતા. જે આતંકવાદીઓને મામૂલી ઈજા થઇ હતી અથવાતો ઈજાગ્રસ્ત થયા બાદ સારવાર મળવાથી સાજા થઇ ગયા છે તેઓ હજી પણ પાકિસ્તાની સેનાની કસ્ટડીમાં છે અને તેમને મુક્ત કરવામાં આવ્યા નથી.

ફ્રાન્સિસ્કાના લખવા અનુસાર આવું એટલા માટે કરવામાં આવ્યું છે કે સાજા થયેલા આતંકવાદીઓ જો ઘરે જઈને પોતાના પરિવારને હકીકત કહી દે તો અત્યારસુધી ગુપ્ત રાખવામાં આવેલી માહિતી લીક થઇ શકે છે. હુમલા બાદ થોડા જ દિવસોમાં જૈશ એ મોહમ્મદના સભ્યોનું એક ગ્રુપ ભારતીય વાયુ સેનાની એરસ્ટ્રાઈકમાં માર્યા ગયેલા આતંકવાદીઓના પરિવારોને મળ્યું હતું અને તેમને કેશ રૂપે વળતર પણ ચૂકવ્યું હતું.

ફ્રાન્સિસ્કા મારિનોએ પણ પોતાના આર્ટિકલમાં લખ્યું છે કે 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાની સમય અનુસાર સવારે લગભગ 3.30 વાગ્યે ભારતીય વાયુ સેનાના મિરાજ અને અન્ય ફાઈટર જેટ્સ દ્વારા બાલાકોટના આ વિસ્તારમાં બોમ્બમારો કરવામાં આવ્યો હતો જેમાં તેણે ઉપર કહેલી સંખ્યામાં આતંકવાદીઓ માર્યા ગયા હતા. હુમલામાં ઈજાગ્રસ્ત થયેલાઓને પાકિસ્તાન આર્મીના એક  યુનિટ દ્વારા બાલાકોટથી 20 કિલોમીટર દૂર આવેલા શીન્કીયારીમાં આવેલા હરકત ઉલ મુજાહિદીનના કેમ્પમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા જ્યાં પાકિસ્તાની આર્મીના ડોક્ટરો તેમના ઇલાજમાં લાગ્યા હતા.

ભારતીય ઇન્ટેલિજન્સને મળેલી માહિતી અનુસાર બાલાકોટ એરસ્ટ્રાઈકના સમયે જૈશ એ મોહમ્મદના બાલાકોટના આતંકવાદી કેમ્પમાં લગભગ 270 થી 400 જેટલા આતંકવાદીઓ ટ્રેઈનીંગ લઇ રહ્યા હતા.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here