IPL 2019 | 1st Qualifier | સૂર્યકુમારની ધીરજથી MI પાંચમી ફાઈનલમાં

0
129
Photo Courtesy: twitter.com/IPL

IPL 2019ની પહેલી ક્વોલિફાયરમાં ટોચની બે ટીમો વચ્ચેનો મુકાબલો હોવાથી તે રસપ્રદ રહેવાની આશા હતી, પરંતુ આ આશા વિરુદ્ધ તે મોટેભાગે એકતરફી રહ્યો હતો જેને માટે સૂર્યકુમાર યાદવ જવાબદાર રહ્યો હતો.

Photo Courtesy: twitter.com/IPL

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ચેપોક પર જ્યારે IPL 2019ની પહેલી મેચ રમાઈ હતી ત્યારે એ મેચ લો સ્કોરિંગ રહી હતી અને ચેન્નાઈ સુપર કિંગ્સ તે મેચ જીતી ગયા હતા. પરંતુ મેચ પૂર્ણ થયા બાદ પ્રેઝન્ટેશન દરમ્યાન CSKના કપ્તાન મહેન્દ્ર સિંગ ધોનીએ પીચની ટીકા કરતા કહ્યું હતું કે ટ્વેન્ટી20 ફોરમેટમાં કોઇપણ પીચ આટલો બધો ટર્ન લેતી ન હોવી જોઈએ, કોઈકવાર આ પીચ પર અમારી પણ પહેલી બેટિંગ આવી શકે છે અને અમે પણ આવી જ પીચ પર બહુ મોટો સ્કોર ન પણ બનાવી શકીએ એવી શક્યતાઓ પણ છે.

ધોનીના એ દિવસના શબ્દોને જાણેકે સાચા પાડતી હોય એવી જ રીતે ચેપોકની આ મેચની પીચ પણ લગભગ એવી જ રહી હતી જેવી આગાહી તેણે કરી હતી અને પરિણામ પણ એ અનુસારનું જ રહ્યું હતું. ચેન્નાઈ સુપર કિંગ્સની શરૂઆત અને મધ્ય બંને આ ટર્ન લેતી પીચ પર ખૂબ ખરાબ રહ્યા હતા. આ તો કપ્તાન ધોની અને અંબાતી રાયુડુની બેટિંગ હતી જેણે CSKને 131ના સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યું હતું. પરંતુ તેમ છતાં કોઈ સેમીફાઈનલ કક્ષાની મેચ હોય અને એમાં આવી પીચ જો પીરસવામાં આવતી હોય તો પછી એ મેદાનના કર્તાહર્તાઓને BCCI દ્વારા ચેતવણી તો અપાવવી જ જોઈએ.

મુંબઈ ઇન્ડિયન્સને ફાયદો એ હતો કે તેમને ખબર હતી કે તેમણે કેટલા રન બનાવવાના છે, આથી તેમણે પૂરતી ધીરજ રાખીને પૂરેપૂરી 20 ઓવર રમવાની હતી અને જો એમ થાય તો તેમનો વિજય નિશ્ચિત હતો. આથી રોહિત શર્માના વહેલા આઉટ થવા છતાં સૂર્યકુમાર યાદવે એ જરૂરી ધીરજ દેખાડી અને સ્પિનરોને રમવામાં તેની કુશળતા તેણે દેખાડતા MIને છેક છેલ્લે સુધી હારની કોઇપણ પ્રકારની ચિંતાથી દૂર રાખ્યું હતું. જો કે સામે છેડે કેટલીક વિકેટો પડી હતી પરંતુ સૂર્યકુમાર  યાદવને તેનાથી કોઈજ તકલીફ પડી ન હતી અને તેણે એ સુનિશ્ચિત કર્યું કે તેની ટીમ જીતે અને સીધેસીધી ફાઈનલમાં પ્રવેશ મેળવે.

આ રિવ્યુ સિરીઝમાં કાયમ સૂર્યકુમાર  યાદવને IPLનો Unsung Hero કહેવાયો છે જેણે ચૂપચાપ પોતાનું કામ કર્યું છે અને અત્યંત મહત્ત્વનું કામ કર્યું છે પરંતુ તેમ છતાં અન્ય ખેલાડીઓની જેમ તેના જોઈએ એટલા વખાણ સાંભળવા મળ્યા નથી.

મુંબઈ ઇન્ડિયન્સ આ વિજય સાથે તેમની પાંચમી IPL ફાઈનલ્સમાં પહોંચ્યા હતા. અત્યારસુધીની ચાર ફાઈનલ્સમાંથી ત્રણમાં તેમણે વિજય મેળવ્યો છે અને આ વર્ષનું તેમનું ફોર્મ જોતા તેમને ચોથી વખત ટ્રોફી જીતવા માટેના પ્રબળ દાવેદાર જરૂર કહી શકાય. તો સામે છેડે ચેન્નાઈ સુપર કિંગ્સ છેક છેલ્લે સુધી સાતત્યપૂર્ણ ફોર્મ દેખાડી રહ્યા હતા પરંતુ પ્લેઓફ્સ પહેલા અમુક મેચોથી જ તેમનું ફોર્મ ક્યાંકને ક્યાંક લય ચૂકી જતું હોય એવું દેખાઈ રહ્યું છે.

પરંતુ હજી પણ તેમની પાસે એક ચાન્સ છે અને શુક્રવારના એલીમીનેટરમાં તેઓ વિજય મેળવીને ફરીથી રવિવારે ફાઈનલ્સમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે રમીને આ મેચની હારનો બદલો પણ લઇ શકે છે અને IPLની ટ્રોફી પણ પોતાના કબજામાં રાખી શકે છે.

ટૂંકું સ્કોરકાર્ડ

IPL 2019 | 1st Qualifier | ચેન્નાઈ સુપર કિંગ્સ વિ. મુંબઈ ઇન્ડિયન્સ

એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેપોક, ચેન્નાઈ

ટોસ: ચેન્નાઈ સુપર કિંગ્સ (બેટિંગ)

ચેન્નાઈ સુપર કિંગ્સ 131/4 (20) રન રેટ: 6.55

અંબાતી રાયુડુ 42* (37)

મહેન્દ્ર સિંગ ધોની 37* (29)

રાહુલ ચાહર 2/14 (4)

કૃણાલ પંડ્યા 1/21 (4)

મુંબઈ ઇન્ડિયન્સ 132/4 (18.3)  રન રેટ: 7.21

સૂર્યકુમાર યાદવ 71* (54)

ઇશાન કિશન 28 (31)

ઇમરાન તાહિર 2/33 (4)

હરભજન સિંગ 1/25 (4)

પરિણામ: મુંબઈ ઇન્ડિયન્સ 6 વિકેટે જીત્યા અને IPL 2019 ફાઈનલ માટે ક્વોલિફાય થયા

મેન ઓફ ધ મેચ: સૂર્યકુમાર યાદવ (મુંબઈ ઇન્ડિયન્સ)

અમ્પાયરો: નાઈજલ લોંગ અને નિતીન મેનન | ઇયાન ગુલ્ડ (થર્ડ અમ્પાયર)

મેચ રેફરી: જવાગલ શ્રીનાથ

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here