VIDEO: વાજપેયી અને રાજીવ વિષે ‘મહાન’ પત્રકાર વિનોદ દુઆના બેવડા ધોરણો

0
131
Photo Courtesy: thewire.in

કોઇપણ વ્યક્તિ કે નેતાના મૃત્યુ બાદ તેની ટીકા થવી જોઈએ કે નહીં? આ મુદ્દે The Wireના પ્રતિષ્ઠિત અને જેમના ફેન્સ જેમને  મહાન ગણે છે તેવા વિનોદ દુઆનો દંભ અને બેવડા ધોરણો એક સાથે ખુલ્લા પડી ગયા હતા.

Photo Courtesy: thewire.in

1980ના દાયકાના બીજા હિસ્સામાં દૂરદર્શન પર ‘જનવાણી’ નામના કાર્યક્રમથી અત્યંત લોકપ્રિય થઇ ચૂકેલા વિનોદ દુઆએ બાદમાં તેમને માફક આવે એવી NDTV સાથે રહીને ઘણા વર્ષો સુધી કામ કર્યું હતું. સાંભળવા પ્રમાણે વિનોદ દુઆ અને NDTVના સર્વેસર્વા એવા પ્રનોય રોય વચ્ચે મોટા મતભેદો સર્જાતા તેમણે ભારે હૈયે NDTV છોડી દીધું હતું.

આજકાલ વિનોદ દુઆ The Wire નામની વેબસાઈટ પર પોતાનો વિડીયો કાર્યક્રમ લઈને રેગ્યુલર જોવા મળે છે. જો કે વચ્ચે જ્યારે MeToo ખૂબ ચાલ્યું હતું ત્યારે દુઆ પર તેમની પૂર્વ મહિલા સહયોગીએ જાતિય સતામણીના આરોપ મૂક્યા હતા પરંતુ જેમ બને છે એમ વામપંથી પત્રકારો ક્યારેય આવા મામલે જવાબદાર હોતા જ નથી અને એવી જ રીતે દુઆ પર લાગેલા આરોપો પણ સમય જતાં ભુલાઈ ગયા હતા.

હવે આ વિનોદ દુઆને તેમના પ્રશંસકો રવિશ કુમારની જેમ જ ભજતા હોય છે અને દરેકને એક વખત વિનોદ દુઆના વિડીયો કાર્યક્રમ જરૂર જોવાની ભલામણ જરૂર કરતા હોય છે. આવા જ એક વિડીયો કાર્યક્રમમાં વિનોદ દુઆનો દંભ અને બેવડા ધોરણો સામે આવી ગયા હતા.

બન્યું એવું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા દિવસો અગાઉ રાજીવ ગાંધીને ભ્રષ્ટાચારી નંબર 1 ગણાવ્યા હતા. વડાપ્રધાનની આ ટિપ્પણી પર વિનોદ દુઆએ પોતાના કાર્યક્રમમાં ટીકાનો મારો વરસાવતા કહ્યું હતું કે, “સત્તા પામવાની લાલસા વ્યક્તિને કેટલી હદ સુધી નીચે લઇ જાય છે તેનું ઉદાહરણ પ્રધાન સેવક નરેન્દ્ર મોદીએ રાજીવ ગાંધી માટે કેટલાક એવા શબ્દોનો પ્રયોગ કરીને પૂરું પાડ્યું હતું જે શબ્દો કોઈ મૃત વ્યક્તિ માટે ઉપયોગમાં લેવા આપણે ત્યાં સારું નથી ગણાતું.”

હવે આ જ વિનોદ દુઆએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના અવસાન બાદ પોતાના જ વિડીયો કાર્યક્રમમાં ફરમાવ્યું હતું કે, “આપણે ત્યાં એક પાખંડ વર્ષોથી ચાલ્યો આવે છે કે જે વ્યક્તિ દિવંગત થઇ જાય પછી તેને મોટો અને મહાન બનાવી દેવામાં આવે અને તેમના વિષે સારી સારી બાબતો જ જણાવવામાં આવે. ખરેખર તો વ્યક્તિને સાચી શ્રદ્ધાંજલિ એ છે કે તેના મૃત્યુ બાદ તેના સારા કાર્યો ઉપરાંત તેના ખરાબ કાર્યોની પણ વાત કરવામાં આવે જેને કારણે સમાજ પર અસર પડે છે!”

મુદ્દો સ્પષ્ટ છે કે ભાજપ કે પછી ભાજપના આગેવાનો માટે વિનોદ દુઆ અને તેમના જેવા અસંખ્ય લુટીયન્સ વામપંથી અને કોંગ્રેસ તરફી તટસ્થ પત્રકારોના કાટલાં જુદા છે અને કોંગ્રેસ અને તેની ઈકોસિસ્ટમમાં આવતા પક્ષોના નેતાઓ વિષે તેમના ધારાધોરણો સાવ અલગ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજીવ ગાંધી વિષે જે શબ્દ વાપર્યો તે બોલતા પણ વિનોદ દુઆની જાણેકે જીભ પણ નથી ઉપડતી એવું આ વિડીયોમાં જોવા મળે છે, પરંતુ એક સમયે આ જ વિનોદ દુઆ અટલ બિહારી વાજપેયીની તેમના અવસાન બાદ આકરામાં આકરી ટીકા કરવા માટે તત્પર હતા તે પણ તમે નીચે આપેલા વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકો છો.

અહીં મુદ્દો ફક્ત મહાન બનાવી દેવામાં આવેલા પત્રકારોના દંભ અને બેવડા ધોરણો ખુલ્લા પાડવા માત્રનો જ છે. આ એક એવો અરીસો છે જેમાં વિનોદ દુઆ જેવા અસંખ્ય પત્રકારો પોતાનો ચહેરો ખુલ્લો પાડી ચૂક્યા છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here