રાજીવ ગાંધીએ યુદ્ધ જહાજ INS વિરાટનો ઉપયોગ પ્રાઈવેટ ટેક્સી તરીકે કર્યો હતો?

0
206
Photo Courtesy: ndtv.com

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી પર ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લક્ષદ્વિપમાં પીકનીક મનાવવા અંગે એક મોટો આરોપ મૂક્યો હતો, જાણીએ શું હતી એ ઘટના!

ગઈકાલે દિલ્હીના પ્રખ્યાત રામલીલા મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક જાહેરસભા સંબોધતા આરોપ લગાવ્યો હતો કે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ ભારતના યુદ્ધ જહાજ INS વિરાટનો ઉપયોગ પોતાની પિકનિક માટે કર્યો હતો. વડાપ્રધાન મોદીનો આ આરોપ બે કારણોસર અતિશય મહત્ત્વનો બની જાય છે.

પહેલું કારણ તો એ કે વડાપ્રધાને હજી થોડા દિવસો અગાઉ જ રાજીવ ગાંધીને ભ્રષ્ટાચારી નંબર 1 કહ્યા હતા. આમ કહેવા પાછળ તેમનો ઈશારો બોફોર્સ કાંડ પર હતો. બીજું કારણ એ છે કે હાલના કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પણ થોડા દિવસ અગાઉ વડાપ્રધાન મોદીને લક્ષ્યમાં લઈને “સેના કોઈની પ્રાઈવેટ પ્રોપર્ટી નથી” એવું વિધાન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેઓ પોતાની કુશળ ચુનાવી રણનીતિ ઘડવા માટે જાણીતા છે તેમણે INS વિરાટનો મુદ્દો ગઈકાલે જાહેરમાં લાવીને એક કાંકરે બે પક્ષી મારવાનું કામ કર્યું હતું.

પહેલું તો એ કે તેમણે રાજીવ ગાંધીને ભ્રષ્ટાચારી નંબર 1 કહ્યા હતા તે ચર્ચાને આગળ વધારવા માટે INS વિરાટને પોતાની પ્રાઈવેટ ટેક્સી ગણીને લક્ષદ્વિપની યાત્રા પોતાના પરિવાર અને મિત્રો સાથે કરનારા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની એક વધારાની નિયમ ભંગ કરતી ઘટનાને સામે લાવ્યા હતા. બીજું પક્ષી એ હતું કે તેમણે આ મુદ્દો ઉભો કરીને રાહુલ ગાંધીને પણ ચૂપ કરી દીધા હતા કે તેમના પિતાએ સેનાનો ઉપયોગ ખરેખર પોતાની પ્રાઈવેટ પ્રોપર્ટી તરીકે કર્યો હતો અને તેના દસ્તાવેજી પૂરાવા પણ હાજર છે જ.

વડાપ્રધાનના આરોપ પર આગળ વાત કરીએ તો આ ઘટના 1987ની છે જ્યારે સમગ્ર ગાંધી પરિવાર પોતાના મિત્રો અને પરિવાર સાથે લક્ષદ્વિપના પ્રવાસે દસ દિવસ માટે ગયું હતું. આ કાફલામાં રાજીવ ગાંધી ઉપરાંત, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધીના માતા, તેમના ભાઈ અને મામા સામેલ હતા. તો રાજીવ ગાંધી તરફથી તેમના ખાસ મિત્ર અને તે સમયે સંસદ સભ્ય રહેલા અમિતાભ બચ્ચન, તેમના પત્ની જયા બચ્ચન અને તેમના બંને સંતાનો, ઉપરાંત અમિતાભના ભાઈ અજીતાભના પુત્રી, મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અર્જુન સિંગના ભાઈ બિજેન્દ્ર સિંગના પત્ની પણ સામેલ હતા.

Photo Courtesy: opindia.com

આ પિકનિક દસ દિવસ માટે લક્ષદ્વિપ ટાપુઓમાં આવેલા એક નિર્જન ટાપુ બંગારામ પર આયોજીત થઇ હતી. રાજીવ ગાંધી અને તેમના કાફલાને અહીં લઇ જવા માટે અને પરત લાવવા માટે INS વિરાટ જે ભારતનું યુદ્ધ જહાજ હતું અને તેની હાજરી કાયમ માટે અરબી સમુદ્રમાં હોવી જરૂરી હતી તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેને સમગ્ર સમય માટે લક્ષદ્વિપમાં જ રાખવામાં આવ્યું હતું.

આટલું જ નહીં, પરંતુ INS વિરાટ સાથે અન્ય નાના વોર શિપ્સ તેમજ એક સબમરિન પણ ગાંધી પરિવાર અને ‘મિત્રોની સેવામાં’ તૈનાત હતી. આ ઉપરાંત ભારતીય સેનાનું એક  હેલિકોપ્ટર તેમજ ભારતીય નેવીના જવાનોએ મનેકમને પણ ગાંધી પરિવારની દસ દિવસ સુધી સતત ખાતિર બર્દાશ્ત કરી હતી. લક્ષદ્વિપ શાસને ટાપુ નિર્જન હોવાથી ભારતના મેઈન લેન્ડ પરથી એક લક્ઝરી વેકેશન ગાળવા માટે જેટલી સામગ્રીની જરૂર હોય તે તમામને પોતાના ખર્ચે ત્યાં પહોંચાડી હતી.

મુદ્દો સત્તાનો દુરુપયોગ કરવાનો તો છે જ પરંતુ તેની સાથે સાથે દેશની સુરક્ષાને એક પરિવારના અમન ચમન માટે સળંગ દસ દિવસ માટે ભયમાં મૂકી દેવામાં આવી હતી તે પણ છે. તે સમયે INS વિરાટ એ ભારતનું એક માત્ર યુદ્ધ જહાજ હતું અને આપણે જાણીએ છીએ કે પાકિસ્તાન તરફથી હંમેશા ભારતની જળ, સ્થળ અને આકાશની સીમાઓથી ભય રહેતો હોય છે. આ રીતે માત્ર અંગત મોજમજા માટે સમગ્ર ભારતની સુરક્ષા સાથે સમજૂતી કરવામાં આવી હોય એ પાર્ટીના અને એ પરિવારના સભ્યને જે ખુદ આ પિકનિકમાં સામેલ હોય તેને દેશની સુરક્ષા શું કહેવાય તેની સમજ ક્યાંથી હોય?

આટલું હજી તો ઓછું છે. વિચાર કરો ભારતની સુરક્ષા કરતા જહાજ પર સામાન્ય માણસને પ્રવેશવાનો તો શું તેની આસપાસ જવાનો પણ મોકો નથી મળતો એવામાં તેમાં ઓછામાં ઓછા ત્રણ વિદેશી નાગરિકોએ સફર કરી હતી. જ્યારે સમગ્ર યુદ્ધ જહાજમાં તમે દસ-દસ દિવસ સુધી આરામથી ફરી શકતા હોવ ત્યારે તેમાં રહેલી કેટલીક ટેક્નોલોજી અથવાતો વ્યવસ્થા જેને સદાય ખાનગી રાખવાની હોય છે ત્યાં સુધી પણ એ વિદેશી નાગરિકો નહીં પહોંચ્યા હોય તેની શી ગેરંટી?

આજકાલ ગરીબો માટે ‘ન્યાય’ આપવાની વાત કરતા રાહુલ ગાંધી જરા વિચાર કરે કે આ રીતે દેશની સુરક્ષા ભયમાં મુકીને અને એ સમયમાં કદાચ લાખો નહીં પરંતુ કરોડોનો ખર્ચ ભારતની ગરીબ જનતાના માથે મૂકીને પિકનિક કરવા ઉપડી ગયેલા તેમના પિતાએ જે કર્યું હતું એ યોગ્ય હતું કે નહીં?

આ આર્ટીકલ લખાઈ ગયા બાદ બે મંતવ્યો સામે આવ્યા છે. એક નિષ્ણાતનું કહેવું છે કે વડાપ્રધાન આ પ્રકારે નેવીના યુદ્ધ જહાજને પોતાના પર્સનલ ઉપયોગ માટે લઇ જઈ શકે છે અને કાયદામાં તેનું પ્રાવધાન છે. બીજો અભિપ્રાય એ છે કે રાજીવ ગાંધી દસ નહીં પરંતુ ત્રણ દિવસ માટે લક્ષદ્વિપની યાત્રાએ ગયા હતા. તો કોંગ્રેસી સમર્થકોનું કહેવું છે કે રાજીવ ગાંધીએ આ સમગ્ર પ્રવાસનો ખર્ચ ચૂકવી દીધો હતો.

મૂળ મુદ્દો એ છે કે માત્ર INS વિરાટ જ નહીં પરંતુ તેની સાથેના તમામ નાના યુદ્ધ જહાજો અને સબમરીન પણ તેની સાથે લક્ષદ્વિપ ગઈ હતી જેને લીધે ભારતની આખી જળ સીમા ખુલ્લી પડી ગઈ હતી. આવું મોટું રિસ્ક દસ દિવસ કે ત્રણ દિવસ તો શું ત્રણ મિનીટ માટે પણ ન લેવું જોઈએ પછી તેની ગમે તેટલી કિંમત ચૂકવાઈ હોય. અને બીજું, જો વડાપ્રધાનોને આમ કરવાનો હક્ક છે તો કેમ માત્ર રાજીવ ગાંધી અને  જવાહરલાલ નહેરુ એ જ તેનો ઉપયોગ વ્યક્તિગત જરૂરિયાત માટે કર્યો હતો અને અન્ય કોઈ વડાપ્રધાનોએ કેમ નહીં? દેશની સુરક્ષાના મામલે માત્ર સામાન્ય બુદ્ધિનો જ ઉપયોગ કરવાનો હોય છે જે આપણી પાસે હોય છે અને વડાપ્રધાન પાસે પણ હોય છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here