IPL 2019 | એલીમિનેટર 1 | હાથે કરીને જીત રોમાંચક બનાવતા કેપિટલ્સ

0
132
Photo Courtesy: twitter.com/IPL

દિલ્હી કેપિટલ્સે એક સમયે સાવ હાથમાં આવી ગયેલી મેચને અંતિમ ઓવરોમાં વિકેટો ફેંકી દઈને રોમાંચક બનાવી દીધી હતી પરંતુ છેવટે તેઓ સન રાઈઝર્સ હૈદરાબાદને IPLની બહાર કરવામાં સફળ રહ્યા હતા.

Photo Courtesy: twitter.com/IPL

ઘણીવાર વિજય આસાન લાગતો હોય છે અને ખરેખર તો જો રણનીતિને યોગ્ય રીતે અને ધીરજથી અપનાવવામાં આવે તો આવા વિજય આસાનીથી  હાંસલ પણ કરી શકાતા હોય છે. પરંતુ હાથે કરીને જ્યારે વિકેટો ફેંકી દેવામાં આવે ત્યારે મેચમાં અચાનક જ રોમાંચ તો પરત આવે છે, પણ વિજય મળશે કે નહીં તે અંગે શંકા ઉભી થઇ જતી હોય છે. સન રાઈઝર્સ હૈદરાબાદના આ પીચ પર આસાન લાગતા 162 રનના સ્કોરનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સે કઈક આવી જ રમત રમી હતી.

SRHને માર્ટિન ગપ્તિલે શરૂઆત તો સારી આપી હતી, પરંતુ બાકીના બેટ્સમેનોએ સારી શરૂઆતને મોટા સ્કોરમાં પરિવર્તિત કરવામાં નિષ્ફળતા મેળવી હતી. સામે પક્ષે DCના પૃથ્વી શૉ અને ઋષભ પંતે પોતાની સારી શરૂઆતને મોટા સ્કોરમાં પરિવર્તિત કરી તો તેમની ટીમ ભલે માંડમાંડ પણ જીતી ખરી. આ રિવ્યુ સિરીઝમાં સન રાઈઝર્સની નબળા મિડલ ઓર્ડર હોવાની કાયમ ટીકા કરવામાં આવી છે.

જ્યારે ડેવિડ વોર્નર અને જ્હોની બેરસ્ટો ટીમને અદભૂત શરૂઆત આપી રહ્યા હતા ત્યારે પણ કેટલીક મેચોમાં ટીમના નબળા મિડલ ઓર્ડરે SRH માટે તકલીફ ઉભી કરી હતી. બાદમાં અમુક મેચોમાં મનિષ પાંડેએ ફોર્મ દેખાડ્યું પરંતુ બાકીના બેટ્સમેનોએ જોઈતી બેટિંગ નહોતી કરી. આ મેચમાં તો વોર્નર અને બેરસ્ટો પણ ન હતા અને જ્યારે માત્ર ગપ્તિલ જ તમને સારી શરૂઆત આપતો હોય અને પાંડે મળેલી શરૂઆત પર મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ જાય ત્યારે તમારી હાલત એક મોટી અને કરો યા મરો મેચમાં આવી જ થાય જેવી સન રાઈઝર્સની આ મેચમાં થઇ હતી.

જો કે દિલ્હી કેપિટલ્સ માટે આ જીત મહત્ત્વની ખરી કારણકે તેઓ બીજા એલીમિનેટરમાં પહોંચી ગયા છે પરંતુ તેમણે પણ બેટિંગમાં ભૂલો તો કરી જ છે. ઋષભ પંતને આ મેચમાં મેન ઓફ ધ મેચ જરૂર મળ્યો છે તેમ છતાં તેણે ટીમને વિજયની નજીક લાવીને આઉટ થઇ જવાની તેની આદત બદલવી પડશે જ, અને કેવા શોટ પર એ આઉટ થાય છે એ પણ તેણે ધ્યાનમાં લેવું પડશે. જ્યારે સિક્સર મારવા માટે બંને હાથની જરૂર હોય છે ત્યારે વારંવાર તેનો એક હાથ બેટ પરથી છૂટી જાય અને કાયમ ડીપમાં કેચ આઉટ થઇ જાય એ આદત તેણે છોડવી જ પડશે.

પરંતુ, જો જીતા વોહી સિકંદરના ન્યાયે દિલ્હી કેપિટલ્સના આ વિજયને પણ વધાવવો જ રહ્યો. ટીમમાં મોટાભાગના ખેલાડીઓ યુવાન છે, પરંતુ તેમનું જોશ અને મેચ જીતવાની તલબ કાબિલે દાદ છે. આ ખેલાડીઓના આ જુસ્સા પાછળ બે જુસ્સેદાર પૂર્વ મહાન ખેલાડીઓ એટલેકે કોચ રિકી પોન્ટિંગ અને મેન્ટર સૌરવ ગાંગુલીનો પણ મોટો હાથ છે એ પણ ભૂલવું ન જોઈએ.

હવે DCની પહેલી સહુથી મોટી પરીક્ષા આવતીકાલે છે જ્યારે તેઓ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમશે. આ ટીમનું ફોર્મ હાલમાં જ નબળું પડ્યું છે જેનો ફાયદો તેમણે ઉઠાવવો રહ્યો, પરંતુ CSK એક એવી ટીમ છે જે પોતાના નબળા ફોર્મને કરો યા મરો જેવી મેચોમાં જ સબળું બનાવીને સામેની ટીમને આઘાત આપી શકવા માટે સક્ષમ છે અને તેના ઉદાહરણો આપણે છેલ્લા અગિયાર વર્ષમાં વારંવાર જોયા પણ છે. એટલે બચ કે રેહના દિલ્લી!

ટૂંકું સ્કોરકાર્ડ

IPL 2019 | એલીમિનેટર 1 | સન રાઈઝર્સ હૈદરાબાદ વિ. દિલ્હી કેપિટલ્સ

ડૉ. વાય એસ રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમ, વિશાખાપટ્ટનમ

ટોસ: દિલ્હી કેપિટલ્સ (બોલિંગ)

સન રાઈઝર્સ હૈદરાબાદ 162/8 (20) રન રેટ: 8.1

માર્ટિન ગપ્તિલ 36 (19)

મનીષ પાંડે 30 (36)

કીમો પોલ 3/32 (4)

ઇશાંત શર્મા 2/34 (4)

દિલ્હી કેપિટલ્સ 165/8 (19.5) રન રેટ: 8.25

પૃથ્વી શૉ 56 (38)

ઋષભ પંત 49 (21)

રશીદ ખાન 2/15 (4)

ખલીલ અહમદ 2/24 (2.5)

પરિણામ: દિલ્હી કેપિટલ્સ 2 વિકેટે જીત્યા અને બીજા એલીમિનેટરમાં પહોંચ્યા

મેન ઓફ ધ મેચ: ઋષભ પંત (દિલ્હી કેપિટલ્સ)

અમ્પાયરો: એસ રવિ અને બ્રુસ ઓક્સેનફર્ડ | અનિલ ચૌધરી (થર્ડ અમ્પાયર)

મેચ રેફરી: એન્ડી પાયક્રોફ્ટ

eછાપું

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here