ગૌતમ ગંભીર ને બદનામ કરવા પાછળ આમ આદમી પાર્ટીને શું લાભ છે?

0
180
Photo Courtesy: huffpost.com

દિલ્હીમાં લોકસભાની ચૂંટણીમાં મતદાનને થોડા જ દિવસો બાકી છે એવામાં આમ આદમી પાર્ટીએ પોતાનું મૂળ રૂપ દેખાડતા ગૌતમ ગંભીર ને બદનામ કરવાનો અત્યંત નીચલી હદનો પ્રયાસ કર્યો છે.

ક્રિકેટની રમતને નજીકથી જાણનારાઓ ગૌતમ ગંભીરને અને તેના સ્વભાવને સારી રીતે જાણતા હશે જ. એવી જ રીતે આમ આદમી પાર્ટી અને તેના નેતાઓ વિષે માહિતી રાખનાર વ્યક્તિ એ વાત પણ સારી રીતે જાણે જ છે કે ચૂંટણી જીતવા માટે અથવા તો સમાચારમાં બની રહેવા માટે આ પાર્ટી અને તેના નેતાઓ જેમાં તેના વરિષ્ઠ નેતા અરવિંદ કેજરીવાલ પણ સામેલ છે તે કેટલી હદ સુધી નીચે ઉતરી શકે છે.

હાલમાં દિલ્હીમાં લોકસભાની ચૂંટણીના છઠ્ઠા રાઉન્ડમાં મતદાન થવાનું છે અને ગયે વખતે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં માત્ર ત્રણ સીટ હારનાર આપ માટે દિલ્હીની કોઇપણ ચૂંટણી પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની જતી હોય છે. પરંતુ પોતાની ખુદની પ્રતિષ્ઠા એટલી હદે નીચે જતી રહી છે કે આમ આદમી પાર્ટી હવે કોઇપણ સ્તરે ઉતરવા માટે તૈયાર થઇ ગઈ છે. તેનું તાજું ઉદાહરણ છે દિલ્હીમાં ફેલાવાઈ રહેલી આમ આદમી પાર્ટીના ઉમેદવાર આતિશી માર્લેના વિરુદ્ધની એક પત્રિકા.

Photo Courtesy: opindia.com

આ પત્રિકામાં આતિશી ઉપરાંત અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા વિરુદ્ધ અત્યંત ખરાબ ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગઈકાલે દિલ્હીમાં આપ દ્વારા એક ખાસ પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી હતી જેમાં આ પત્રિકા જાહેર કરવામાં આવી હતી અને આતિશી માર્લેના પોતાનું દુઃખ વ્યક્ત કરતા રડી પડ્યા હતા. પરંતુ આમ આદમી પાર્ટી, તેનું ગઠન અને તેની અત્યારસુધીની પ્રવૃત્તિઓ પર નજર રાખનાર કોઇપણ વ્યક્તિ માટે આ સમગ્ર મામલે તેમજ પ્રેસ કોન્ફરન્સ પાછળ કોઈ કાવતરું જરૂર હશે તેવું માનવા માટે મજબૂર કરી દેતી હતી.

કારણ સ્પષ્ટ છે એક તરફ ગૌતમ ગંભીર છે, જેણે ક્રિકેટ રમતી વખતે કાયમ પોતાના દેશની ટીમના લાભ માટે જ વિચાર્યું છે અને આ માટે તે જરૂર પડે શાહિદ આફ્રિદી અને કામરાન અકમલ સાથે મેદાન પર ઝઘડી ચૂક્યો છે.  ગૌતમ ગંભીર ક્રિકેટના મેદાનની બહાર પણ ખુબ સુંદર કાર્યો કરે છે જેમાં સમાજસેવા મુખ્ય છે. અક્ષય કુમારની જેમ જ દેશના શહીદ સૈનિકોના પરિવારો માટે ગૌતમ ગંભીર સદાય આગળ પડતો ભાગ ભજવતો જોવા મળતો હોય છે.

આ ઉપરાંત ગૌતમ ગંભીરની ક્રિકેટ કારકિર્દી તેના નબળા ફોર્મ ઉપરાંત ટીમના કેટલાક આંતરિક મતભેદને લીધે વહેલી પૂરી થઇ ગઈ હતી, તેમ છતાં તેણે ક્યારેય એ સમયના કપ્તાન કે પછી BCCI વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ નથી કર્યો, હા તેણે આ બાબતે પોતાનો વિરોધ કે દુઃખ વ્યક્ત કરવા પોતાની રીતે તેને મળેલા વિવિધ પ્લેટફોર્મ્સનો યોગ્ય ઉપયોગ જરૂર કર્યો છે.

તો બીજી તરફ આમ આદમી પાર્ટી અને તેના નેતાઓ ક્યારેય પોતાની વાત પર મક્કમ નથી રહ્યા. બહુ દુરનો ઈતિહાસ ન ઉખાળીયે તો પણ, છેલ્લે પંજાબ વિધાનસભાની ચૂંટણી વખતે પંજાબ જાણેકે ડ્રગ્સના દાવાનળમાં ફસાઈ ગયું હોય એવો દુષ્પ્રચાર કરીને આમ આદમી પાર્ટી એ ચૂંટણી લડી હતી, પરંતુ જેવા પરિણામ આવી ગયા અને પોતે સત્તા તો ન મેળવી શક્યા પરંતુ સાવ ત્રીજા નંબરે આવતા પેલી ડ્રગ્સ વાળી વાત સાવ ભૂલી ગયા.

દિલ્હીના મુખ્ય સચિવને લાફા મારવાની વાત હોય કે પછી દિલ્હી સરકારના અધિકારીઓને ધમકી આપવાના મામલે અધિકારીઓ દ્વારા પાડવામાં આવેલી હડતાલની  વાત હોય આમ આદમી પાર્ટી કાયમ નકારાત્મક બાબતોને લીધે જ સમાચારમાં રહી છે. દિલ્હી વિધાનસભાની છેલ્લી ચૂંટણી દરમ્યાન આપેલું એક પણ વચન તેમણે પૂર્ણ નથી કર્યું એ તો આપણે અહીં ઉમેરતા જ નથી. વળી આ જ આતિશી માર્લેનાએ થોડા દિવસ અગાઉ ગૌતમ ગંભીર પર બે-બે વોટર ID ધરાવવાનો ખોટો આરોપ મૂક્યો હતો એ પણ ન ભૂલવું જોઈએ.

આમ આદમી પાર્ટીની માનસિકતા જ નકારાત્મકતા પર ઉભી છે અને આથી તેઓ આ પ્રકારનું કોઈ કાવતરું રચીને ગૌતમ ગંભીરની ઈમેજને ખરાબ કરીને ચૂંટણી જીતવા માંગતા હોય તો એ અંગે કોઈને પણ શંકા ન હોવી જોઈએ. જો આમ આદમી પાર્ટી ખરેખર સાચી છે તો તેણે આ મામલે ગંભીર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કેમ ન કરી? શું ચૂંટણી સુધી મામલો ગરમ રાખ્યા બાદ તે આપોઆપ ઠંડો પડી જઈને ભુલાઈ જશે એવું આપ ના નેતાઓ વિચારી રહ્યા છે?

તો સામે પક્ષે ગૌતમ ગંભીર આ મામલે એકદમ ગંભીર છે અને તેણે અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને આતિશી માર્લેના વિરુદ્ધ બદનક્ષીના દાવાની નોટિસ મોકલી આપી છે. ટૂંકમાં જે વ્યક્તિ સત્યની તરફે હોય તે તરત જ કાયદાનો સહારો લેતો હોય છે તે સ્પષ્ટ છે. જો કે આ જ અરવિંદ કેજરીવાલ આણી કંપનીને  આ પ્રકારની નોટીસોની આદત પડી ગઈ છે. દરવખતે તેઓ આવી નોટીસ અંગે કેસને કોર્ટમાં લઇ જવા દે છે અને પછી માફી માંગીને છૂટા થઇ જાય છે.

આશા છે ગૌતમ આ મામલે છેક સુધી ગંભીર રહેશે અને જ્યાં સુધી કોર્ટ ઉપરોક્ત ત્રણેય આપ નેતાઓને દોષી ઠેરવી ન લે ત્યાં સુધી શ્વાસ નીચો નહીં મુકે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here