નક્કી કરેલા માર્ગને બદલે બીજા માર્ગે દિલ્હી જી રહેલા કરાંચીથી ઉડેલા એક કાર્ગો વિમાનને આજે ભારતીય વાયુસેનાએ જયપુરમાં ઉતરાણ કરવાની ફરજ પાડી હતી.

જયપુર: ભારતીય એરફોર્સના ફાઈટર જેટ્સે આજે પાકિસ્તાનના કરાંચીથી આવી રહેલા એક હેવી કાર્ગો પ્લેનને આજે જયપુર એરપોર્ટ પર ઉતરવાની ફરજ પાડી હતી. આ કાર્ગો પ્લેન એન્ટોનોવ AN-12 પ્લેન હતું જે પાકિસ્તાનની અવકાશી સીમા પરથી આવી રહ્યું હતું.
ઇન્ડિયન એરફોર્સના કહેવા અનુસાર આ કાર્ગો પ્લેન રશિયન સંઘમાં આવેલા જ્યોર્જિયાથી ઉડ્યું હતું અને કરાંચી થઇને દિલ્હી જવાનું હતું. પરંતુ આંતરરાષ્ટ્રીય નિયમો અનુસારના રસ્તાને બદલે આ કાર્ગો પ્લેને કરાંચીથી ઉત્તર ગુજરાતના આકાશમાં ઉડાન ભરી હતી.
પરિણામે એરફોર્સના ફાઈટર જેટ્સ દ્વારા આ પ્લેનનો સંપર્ક સાધવામાં આવ્યો હતો અને તેને જયપુર ઉતરવાની ફરજ પાડવામાં આવી હતી. જયપુર ઉતરાણ કર્યા બાદ પ્લેનના બંને પાયલોટોની હાલમાં ભારતીય અધિકારીઓ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.
પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય એરફોર્સે પાકિસ્તાનમાં આવેલા ખૈબર પખ્તુન્ખવા વિસ્તારમાં આવેલા બાલાકોટમાં જૈશ એ મોહમ્મદના આતંકવાદી કેમ્પ પર એરસ્ટ્રાઈક કરી હતી. તેના બીજા દિવસે પાકિસ્તાની એરફોર્સના વિમાનો ભારતીય સીમામાં ઘુસી આવ્યા હતા અને તેમનું એક F16 પાડી દેવાના સફળ પ્રયાસમાં ભારતના વિંગ કમાન્ડર અભિનંદનને વર્તમાન પાકિસ્તાની સીમામાં તેમનું મિગ 21 તૂટી પડતા પાકિસ્તાની સેના દ્વારા પકડી લેવામાં આવ્યા હતા.
આ ઘટનાઓ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેની વાયુ સીમા પર સતત ટેન્શન રહે છે અને એવામાં આ રીતે કોઈ વિમાન જે પાકિસ્તાની એરપોર્ટ પરથી ઉડીને નક્કી રસ્તા કરતા બીજે જ રસ્તે દિલ્હી જવાનો પ્રયાસ કરે ત્યારે સ્વાભાવિક રીતે ભારતીય એરફોર્સે તેની તપાસ કરવી જ પડે.
આ ઘટના પરથી એ પણ સાબિત થાય છે કે ભારતીય વાયુસેના અત્યંત સાબદી છે અને કોઇપણ ભયનો મુકાબલો કરવા સક્ષમ છે.
eછાપું