અરવિંદ કેજરીવાલ ખુલાસો કરે છે કે આજકાલ કોની હવા છે!

0
333
Photo Courtesy: hindustantimes.com

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના બોસ અરવિંદ કેજરીવાલ આ કાલ્પનિક ઇન્ટરવ્યુમાં ખુલાસો કરી રહ્યા છે કે આજકાલ ચાલી રહેલી લોકસભાની ચૂંટણીમાં કોની હવા છે!

Photo Courtesy: hindustantimes.com

મિત્રો,  ચૂંટણી હવે છઠ્ઠા તબક્કામાં પ્રવેશી ચૂકી છે અને આ તબક્કા દરમ્યાન ભારતના પાટનગર દિલ્લીમાં પણ મતદાન છે. અને વાત દિલ્લીની હોય તો આપણે સડજીને કેમ ભૂલી શકીએ ? તો આજના આપણા મહેમાન છે દિલ્લીના PM અને દેશના CM તરીકે પ્રખ્યાત એવા અરવિંદ કેજરીવાલ….

PANKAJ : વેલકમ કેજરી સર…

Kejriwal: આભાર….

P: કેવું લાગી રહ્યું છે અહીં આવીને?

AK: e_ચ્છાપૂ-ર્તિ થઈ ગઈ અહીં આવીને….

P: થેન્ક યુ સર…  લોકસભાની ચૂંટણીમાં તમે કોંગ્રેસ જોડે ગઠબંધન કરવા ખૂબ પ્રયત્નશીલ રહ્યા.. પણ કોંગ્રેસે મચક ના આપી… એની કોમેન્ટ ?

AK: એની કૉમેન્ટ્સ શું કામ? મારી જ કૉમેન્ટ્સ આપું છું…

P: હાહાહાહા….. વેરી ફની…. Fryday fryms નું આ પ્લેટફોર્મ જ નિરાળું છે… અહીં આવીને સૌ કોઈ હાસ્યાસ્પદ…. સોરી.. હાસ્યપ્રદ બની જાય છે. હા.. તો તમારી શું કોમેન્ટ છે આ અંગે ?

AK : કોંગ્રેસ પોતાનો નિર્ણય લેવા સ્વતંત્ર છે… એમનો નિર્ણય મને શિરોમાન્ય છે.

AAP તો પહેલે ઐસે ન થે.. અને આવો નિર્ણય જે તમને શિરોમાન્ય હોય એ ઘણા લોકો માટે લાપશી માન્ય હશે.

AK:  હાહા

P: તમારા પક્ષમાં ચંદા નું ખૂબ મહત્વ છે…. કોઈ ખાસ કારણ????..

AK: જુઓ પંકજભાઈ…. અમારો પક્ષ ઈંટલેક્ચ્યુઅલ લોકોથી ભરેલો છે…. કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં દરેક પાસાં નો અભ્યાસ કરીને એનું સૂક્ષ્મ વિશ્લેષણ કરવામાં આવે છે…. બહુમતિ જે પક્ષે હોય એ નિર્ણય માન્ય રાખવામાં આવે છે…

P: વાહ…. અદ્દભૂત…. તો આ ચંદા પાછળ શું તર્ક છે?

AK: હમને દેશકી એક બડી બેન્કકી સફલતા કા કેસ સ્ટડી કીયા તો પતા ચાલ કિ ઉન્હોને ચંદા કો ચરમ સ્થાન પર બિઠાયા થા…. હમને ભી ચંદા કો અહમ સ્થાન દિયા….

P: વાહ….. સર, એક વાત પૂછું?

AK: એટલા માટે તો હું અહીં તમારી સમક્ષ ઉપસ્થિત છું… પૂછોને જે પૂછવું હોય એ..

P: અત્યારે દેશમાં કોની હવા ચાલી રહી છે?

AK: જુઓ… એમાં એવું છે કે તમે જે માની રહ્યા છો એવા કોઈ વ્યક્તિની દેશમાં હવા ચાલી રહી નથી… મારું નામ અરવિંદ છે… સમજી ગયા?

P: હા… અરવિંદ એટલે કમળ… આ તો મને નાનપણથી જ ખબર છે … કારણ કે મારા નામનો પણ એ જ અર્થ થાય છે.

AK: સરસ… પણ અત્યારે આપણી વાત દેશમાં કોની હવા ચાલી રહી છે એ અંગે છે.. હા.. તો હું શું કહેતો હતો? મારું નામ અરવિંદ છે… Air…wind… હવે તમને એટલી તો ખબર હોવી જ જોઈએ કે air અને wind બંનેનો અર્થ શું થાય છે.

P: હા સર. મને એનો અર્થ પણ ખબર છે અને દેશમાં કોની હવા ચાલે છે એ પણ ખબર પડી ગઇ.

AK: સ્માર્ટ બોય…

P: એ તો હું છું જ… પણ આપણને એનું જરાય અભિમાન નઈ..

AK: હાહાહાહાહા…

P: તમારી ફેવરિટ ડીશ કઈ છે સર?

AK : હું તો એક આમ આદમી છું… મને બિન જરૂરી ભપકા પસંદ નથી. ફાઈવ સ્ટાર હોટલનું ભોજન મને જરાય પસંદ નથી… મને તો દિલ્હી ની ચાટ (અને દેશભરના ચાટા) બહુ પસંદ છે.. હું પોતે પણ ખાઉં અને મારી હાર્દિક ઈચ્છા એવી પણ હોય કે બીજાને પણ ખવડાવું… તમે પેલી કવિતા તો સાંભળી જ હશે… ગમતું મળે તો અલ્યા ગુંજે ના ભરીએ…

P: મને તો બીજું જ કંઈક ગુંજવાનો અવાજ સંભળાઈ રહ્યો છે….

AK : હાહાહાહા… તમે ખૂબ હસાવો છો… મને હસવાનો બહુ શોખ છે… હું લાફિંગ ક્લબનો કાયમી સદસ્ય છું….

P: લાફિંગ પરથી યાદ આવ્યું… હમણાં થોડા દિવસ ઉપર સુરેશ નામના કોઈ શખ્સે તમને લાફો ઝીંકી દીધેલો…. કોઈ કારણ ?

AK : મિસઅંડરસ્ટેન્ડિંગ…

P:  મિસઅંડરસ્ટેન્ડિંગ? કેવી મિસઅંડરસ્ટેન્ડિંગ ?

AK : એણે મને પૂછેલું કે દિલ્હીમે આપ ગૌતમ ગંભીર કે સામને કિસકો મેદાન મેં ઉતાર રહે હો ?  અને મેં જવાબ આપ્યો કે… મારલેના…. એટલે એણે મને લાફો મારી દીધો..

P: ઓહ…. તમે એને ક્યારેય માફ ના કરી શકો…

AK : ના રે… એવું જરાય નથી… સુરેશ (વિષ્ણુ ભગવાન)નો અરવિંદ(કમળ) પર એટલો પણ હક નહિ ?

P: ખૂબ સરસ .. તમારી વાતોમાં સાદગી વર્તાઈ આવે છે…  સર, આમ તો તમારી પાર્ટી એકદમ હટકે છે….પણ એક વાત થોડી ખટકે છે… તમારા પક્ષના અમુક તમુક  સભ્યો ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે… યે બાત કુછ હજમ નહિ હુઈ..

AK: એમાં એવું છે કે જ્યારે અમે પાર્ટીનું ગઠન કરી રહ્યા હતા ત્યારે એક વાત પર ખાસ ધ્યાન આપતા હતા કે પાર્ટીના નામ પ્રમાણે તેનો દરેક સદસ્ય શુદ્ધ અણિશુદ્ધ આમ આદમી હોય…. પણ આપણે કોઈ પણ કાર્ય કરતા હોઈએ એટલે  સારાની જોડે નરસું પણ ભળી જાય… એમ કેટલાંક અનિષ્ટ તત્વો પણ પક્ષમાં ઘૂસી ગયા હોઈ શકે.

P: પણ સર… આમાં તો શુદ્ધ આમની જોડે બદ આમ ભળે તો બદામ બની જાય…

AK : બદામ પરથી યાદ આવ્યું… અમે જનતા પાસે એવી સુખાકારી આપવા માંગીએ છીએ કે એમની માટે માત્ર બદામ જ નહીં… પરંતુ કાજુ, કિશમિશ, અખરોટ, ખારેક, દ્રાક્ષ, અંજીર એમ બધા જ પ્રકારના મેવાણી…. સોરી… મેવાની રેલમછેલ હોય…

P: ઉચ્ચ કોટીના વિચારો છે તમારા…  તમે તમારા નામ પ્રમાણે કમળના ફૂલ જેવા જ છો…

AK : એવું કંઈ નથી… હું કમળનું ફૂલ તો નહીં પણ એની એક પાંદડી થવાનો પ્રયત્ન કરી રહ્યો છું… પાંદડીને અંગેજીમાં શું કહે છે? હા… યાદ આવ્યું… પિટલ… (petel) અને મારા સદનસીબે મને દેશના કેપિટલ સીટી સ્ટેટની ગાદી સંભાળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે…

P: વાહ…. હમણાંથી તમે કોઈ ફિલ્મનો રીવ્યુ નથી લખ્યો…

AK: ફિલ્મો જોવાનું થોડું ઓછું કરી દીધું છે.. ગયા મહિને એક ફિલ્મ જોયેલી પણ થોડું કન્ફ્યુઝન થઈ ગયેલું એટલે એના વિશે લખવાનું માંડી વાળેલું?

P: અરે વાહ.. કઇ ફિલ્મ જોયેલી?

AK: ટાઇગર જિંદા હૈ….

P: અને વ્હોટ અબાઉટ કન્ફ્યુઝન?

AK: મેં આ ફિલ્મ પહેલાં એક થા ટાઇગર પણ જોયેલી અને એમાં બતાવેલું કે સલમાન જે પાત્ર ભજવે છે એ ટાઇગર ફિલ્મના અંતમાં મોતને ભેટે છે એટલે આ ફિલ્મ જોઈને થયું કે સાચું શુ છે? ટાઇગર જિંદા હૈ કે પછી ટાઇગર દા જિન હૈ….

P: સરસ… આભાર….

AK : તમે એમ છટકી નહીં શકો… હજી સંદેશ બાકી છે… મેં બધા એપિસોડ જોયા છે…

P: તમે છટકવા નહીં દો તો પછી છૂટકો છે? થવા દો. .

AK :  જીભને હાડકાં નથી હોતાં એટલે ગમે ત્યાં લપસી પડે અને ભાંગરો વાટે ત્યારે સર્જરી કરાવીને જીભમાં નાનું અમથું હાડકું ફિટ કરાવી દેવાથી ઘણી રાહત રહે છે…

P: ખરેખર ઉમદા સંદેશ છે…. સૌને કંઇક શીખ મળશે…. આભાર….

(Disclaimer : The contains here are absolutely imaginary and has nothing to do with reality.. There is no intention to hurt anyone  as it has only created for pun and fun by default… If someone is still hurt, please take care)

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here