IPL 2019 | ક્વોલિફાયર 2 | DCના ઉત્સાહ સામે CSKનો અનુભવ જીત્યો

0
302
Photo Courtesy: twitter.com/IPL

રવિવારની IPL ફાઈનલમાં સ્થાન પામવા માટે ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેના મુકાબલામાં સ્પષ્ટપણે ઉત્સાહ સામે અનુભવ કેમ વધુ કાર્યક્ષમ હોય છે તે સાબિત થયું હતું.

Photo Courtesy: twitter.com/IPL

કોઇપણ કાર્ય ઉત્સાહ સાથે કરવું જ જોઈએ અને તો જ એ કાર્ય કરનારને તેમાં આનંદ પણ આવે અને એ કાર્ય સફળ પણ જાય. તેમ છતાં ઉત્સાહની સામે અનુભવની ઠંડકનું મહત્ત્વ પણ ઓછું ન જ આંકી શકાય. IPL 2019ની બીજા ક્વોલિફાયરમાં દિલ્હી કેપિટલ્સના યુવા ખેલાડીઓના ઉત્સાહ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સના અનુભવી ખેલાડીઓનો અનુભવ જીતી ગયો હતો.

DCની રણનીતિ કદાચ એવી હતી કે 20 ઓવર બાદ બને તેટલા રન સ્કોર બોર્ડ પર મૂકી દેવા જેથી તેમની સારી બોલિંગ એ સ્કોરનું રક્ષણ કરી શકે. પરંતુ આ રણનીતિને અમલી બનાવવા જતા દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓ કેટલાક ખરાબ શોટ્સ રમી ગયા અને વળી તરત આઉટ થતા ગયા જેથી તેમની આ રણનીતિ છેલ્લે સાવ નકામી નીવડી.

શરૂઆતથી જ ઝડપી રમવાની કોશિશના પરિણામે વિકેટો પણ પડવા લાગી અને તેને કારણે રન ગતિ સતત ધીમી રહેવા લાગી. જો વિશાખાપટ્ટનમની પીચમાં કોઈ વાંધો હોત તો છેલ્લી ઓવરમાં રવિન્દ્ર જાડેજાની ઓવરમાં ઇશાંત શર્માએ એક ફોર અને એક સિક્સર ન મારી હોત! ઇશાંત શર્માએ આ સિક્સર મારીને એક અનોખો રેકોર્ડ તેને નામે કર્યો હતો. ઇશાંતે તેની પહેલી T20 સિક્સર 2009માં મારી હતી અને બીજી T20 સિક્સર આ મેચમાં એટલેકે દસ વર્ષ બાદ 2019માં મારી છે!

જે પીચ પર 160-165 રનનો પીછો કરવાની અપેક્ષા હોય તેના પર 148 રન કરવાના આવે તો પછી પોતાની પાસે જેટલો અનુભવ હોય તેને કામે લગાડીને ટીમ મેચ જીતી જતી હોય છે. ચેન્નાઈ સુપર કિંગ્સે પણ આવું જ કશુંક કર્યું. હા! શરૂઆતમાં સેમીફાઈનલ મેચનું દબાણ ફાફ દુ પ્લેસી અને શેન વોટ્સન અનુભવી રહ્યા હતા એવું સાફ લાગ્યું હતું કારણકે એક સમયે તેઓ બંને એક જ બોલ પર રન આઉટ થઇ શકે એવી પરિસ્થિતિ ઉભી થઇ ગઈ હતી.

તેમ છતાં પહેલા ફાફ દુ પ્લેસીએ આ દબાણ કેટલાક આકર્ષક શોટ્સ લગાવીને ઘટાડ્યું અને તેને મુક્ત મને રમતો જોઇને શેન વોટ્સને પણ હાથ ખોલ્યા અને બરોબર IPL ફાઈનલ પહેલા જ પોતાનું ભટકી ગયેલું ફોર્મ પરત મેળવતા તેણે આ સિઝનની બીજી હાફ સેન્ચુરી પૂર્ણ કરી હતી. ફાફ અને વોટ્સન બંને પોતપોતાની અડધી સદી બનાવીને આઉટ થઇ ગયા હતા અને બાકીનું કામ અંબાતી રાયુડુ, સુરેશ રૈના અને કેપ્ટન મહેન્દ્ર સિંગ ધોનીએ પૂરું કર્યું હતું.

આમ CSK એક ઔર IPL ફાઈનલ્સમાં પ્રવેશી ગયું હતું જ્યાં તેને પહેલા ક્વોલિફાયરની હારનો બદલો લેવાનો મોકો પણ મળશે અને પોતાનું ચેમ્પિયન પદ જાળવી રાખવાની તક પણ. દિલ્હી કેપિટલ્સ માટે આ સિઝન યાદગાર બની રહેશે કારણકે તેઓ પહેલીવાર IPL પ્લેઓફ્સમાં પ્રવેશ પામ્યા હતા અને એ પણ ત્યારે જ્યારે તેઓનું સ્થાન છેલ્લી અમુક સિઝન્સની શરૂઆતથી જ છેલ્લા બે સ્થાનોમાં પાક્કું ગણાતું હતું.

મેનેજમેન્ટે ટીમનું નામ બદલ્યું અને કોચિંગ સ્ટાફમાં રિકી પોન્ટિંગ અને સૌરવ ગાંગુલી જેવા ધુરંધરોને સ્થાન આપ્યું જેને લીધે ઉત્સાહી ખેલાડીઓનો ઉત્સાહ યોગ્ય ચેનલમાં વાળી શકાય અને આ નિર્ણય લેવામાં તેઓ મહદઅંશે સાચા પણ ઠર્યા. એક મોટું કામ દિલ્હી કેપિટલ્સના મેનેજમેન્ટે એ કર્યું કે શ્રેયસ ઐયરને કપ્તાન બનાવી રાખવામાં આવ્યો. તેણે દરેક પરિસ્થિતિમાં ઠંડકથી કપ્તાની તો કરી જ પરંતુ ટીમની લગભગ દરેક જીતમાં બેટિંગ દ્વારા પોતાનું પ્રદાન પણ આપ્યું. હવે આવનારી સિઝનમાં આ જ ટીમ સાથે આગળ વધીને DC IPL જીતવાના પ્રયાસો પણ કરી શકે છે.

રવિવારે હૈદરાબાદમાં રમાનારી IPL ફાઈનલમાં ફરીથી મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની ભિડંત જોવાની અને માણવાની મજા આવશે કારણકે આ બંને IPLની એવી ખડૂસ ટીમો છે જે પોતાની ભૂમિનો એક ઇંચ પણ ક્યારેય જતો કરવામાં માનતી નથી!

ટૂંકું સ્કોરકાર્ડ

IPL 2019 | Qualifier 2 | ચેન્નાઈ સુપર કિંગ્સ વિ. દિલ્હી કેપિટલ્સ

ડૉ. વાય એસ રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમ, વિશાખાપટ્ટનમ

ટોસ: ચેન્નાઈ સુપર કિંગ્સ (બોલિંગ)

દિલ્હી કેપિટલ્સ 147/9 (20) રન રેટ: 7.35

રિષભ પંત 38 (25)

કોલિન મનરો 27 (24)

ડ્વેન બ્રાવો 2/19 (4)

રવિન્દ્ર જાડેજા 2/23 (4)

ચેન્નાઈ સુપર કિંગ્સ 151/4 (19.0) રન રેટ: 7.94

શેન વોટ્સન 50 (32)

ફાફ દુ પ્લેસી 50 (39)

ટ્રેન્ટ બુલ્ટ 1/20 (4)

અમિત મિશ્રા 1/21 (4)

પરિણામ: ચેન્નાઈ સુપર કિંગ્સ 6 વિકેટે જીત્યા અને IPL ફાઈનલમાં પ્રવેશ્યા

મેન ઓફ ધ  મેચ: ફાફ દુ પ્લેસી (ચેન્નાઈ સુપર કિંગ્સ)

અમ્પાયરો: એસ રવિ અને બ્રુસ ઓક્સેનફર્ડ | સી શમ્સુદ્દીન (થર્ડ અમ્પાયર)

મેચ રેફરી: એન્ડી પાયક્રોફ્ટ

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here