Home ટેક્નોલોજી ટેલિકોમ શું સેમ પિત્રોડા ખરેખર ભારતીય મોબાઈલ ક્રાંતિના જનક છે ખરા?

શું સેમ પિત્રોડા ખરેખર ભારતીય મોબાઈલ ક્રાંતિના જનક છે ખરા?

0
143
Photo Courtesy: firstpost.in

કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન સેમ પિત્રોડાને છેલ્લા ઘણા વર્ષોથી ભારતની ટેલિકોમ ક્રાંતિના જનક કહેવાય છે. પરંતુ શું હકીકત આ દલીલને સમર્થન આપે છે ખરી? ચાલો જોઈએ!

Photo Courtesy: firstpost.in

આજકાલ જાણીતા ટેક્નોક્રેટ અને ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના ચેરમેન પોતાની નવી પેટન્ટ્સ કે ટેકનોલોજીના કારણે નહિ પણ પોતાના રાજકીય બફાટ ના કારણે ચર્ચામાં છે. એમના સમર્થકો, તેમજ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનાં અધ્યક્ષ રાહુલ ગાંધી પણ અમુક રેલીઓમાં મોબાઈલ બતાવી બતાવીને કહેતા જોવામાં આવ્યા હતાં કે ભારતમાં મોબાઈલ અને ટેલિકોમ ક્રાંતિ નો શ્રેય તેમના પિતાજી રાજીવ ગાંધીની પોલિસી તેમ જ સેમ પિત્રોડાની ટેકનિકલ એક્સેલેન્સ ને જાય છે. અહીં પ્રમાણમાં ઓછા જાણીતા એવા અમુક તથ્યોને સામે લાવીને આ દાવાનું તટસ્થ મૂલ્યાંકન કરવાનો પ્રયાસ કરેલ છે. લેખ લાંબો લાગી શકે છે તો ધૈર્યથી વાંચવા વિનંતી.

ઘણાને ખબર હશે જ કે ભારતની પહેલી નેશનલ ટેલિકોમ પોલિસી 1994માં લાવવામાં આવી નરસિંહ રાવ સરકાર દ્વારા, મતલબ કે રાજીવ ગાંધીની હત્યાના પાંચ વર્ષ પછી! આ પોલિસી ડોક્યુમેન્ટ વાંચતા ખ્યાલ આવે છે કે આ પોલિસી લાગુ પાડ્યા પહેલા ભારતની ટેલી ડેન્સીટી (આપેલ ક્ષેત્રફળમાં દર સો માણસો દીઠ આપવામાં આવેલ ટેલિફોન, સેલફોન કનેક્શનની સંખ્યા) 0.8% હતી જ્યારે સમગ્ર દુનિયા માટેની સરેરાશ તે સમયે 10% હતી.

ખૂબ મહત્વની વાત એ કે આ સમયે આપણા દેશની ટેલી ડેન્સીટી બીજા વિકાસશીલ દેશો જેવાકે પાકિસ્તાન, મલેશિયા અને ચીન કરતાં પણ ઓછી હતી! આનો મતલબ કે રાજીવ ગાંધી અને સેમ પિત્રોડા દ્વારા લાવવામાં આવેલી કહેવાતી મોબાઈલ ક્રાંતિને તેમની જ પાર્ટીની સરકાર દ્વારા લાગુ કરાયેલ પોલિસીના આંકડા જ ખોટી પુરવાર કરે છે. એક્સપર્ટ એનાલિસિસ કહે છે કે NTP 1994 જોઈએ તેટલી સફળ થવા ન પામી કારણ કે ભલે આ પોલિસીનો આશય સારો હતો પણ હજી તેમાં ખાટલે મોટી ખોડ હતી કે સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણ રીતે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલેકોમ્યુનિકેશન (DoT) ના સજ્જડ જડબામાં હતી.

આ પોલિસી અંતર્ગત ઓપરેટેરે એક અગાઉથી નક્કી કરાયેલ તગડી લાયસન્સ ફી ભરવાની રહેતી હતી અને સરકારી બાબુઓની “ફી” પાછી અલગથી. પરિણામે ઓપરેટર્સ પોતાનો ખર્ચો કાઢવા માટે 16 રૂપિયા પ્રતિ મિનિટ જેવા તગડા ટેરીફ રેટ લાગુ કરવા પડયા જેથી પોલિસીના મુખ્ય ઓબ્જેક્ટિવ એવા “accessible to all” નું ફિન્ડલું વળી ગયું. મનમોહન સિંહની UPA II માટે “નેશનલ ટેલિકોમ પોલિસી 2012” બનાવનાર અને તત્કાલીન નાસકોમ પ્રેસિડેન્ટ આર.ચંદ્રશેખરે 24 જાન્યુઆરી 2017 ના રોજ ઈકોનોમિક ટાઈમ્સને જણાવ્યા મુજબ 1994ની પોલીસી “વોસ બીટ ઓફ એ ડીસાસ્ટર” અને તેનું મુખ્ય કારણ તેમના જણાવ્યા મુજબ હતું પોલિસીમાં સરકારનો વધારે પડતો હસ્તક્ષેપ!

રાવ સરકાર બાદ 1999માં વાજપેયીની સરકારે કમ્યુનિકેશન ના મુદ્દાને ખૂબ જ ગંભીરતાથી લઈ 3માર્ચ 1999 એ “ન્યુ ટેલિકોમ પોલિસી 1999″ ની જાહેરાત કરી. આ વખતે જાહેર કરાયેલા આંકડા જોઈએ તો રાજીવ ગાંધીની હત્યા નાં દસ વર્ષ પછી ભારતમાં 10 લાખ થી વધુ મોબાઈલ ધારકો હતાં અને ટેલિ ડેન્સીટી 1999માં 2.8% હતી જે 1989ની સરખામણી એ લગભગ 400% કરતાં પણ વધવા પામી હતી! આ સમયે સેમ પિત્રોડા ને અમેરિકા પાછા ફરે આઠ વર્ષ વીતી ગયા હતા, એટલે કે તેઓનો આ વધારામાં કોઈ રોલ હતો નહિ.

NTP 1999 મુજબ ટેલિકોમ પેનિટ્રેશન રેટ નો ટાર્ગેટ 2010 સુધીમાં 15% નો રાખવામાં આવેલો હતો જે ત્યારનાં મીડિયામાં હાંસીનું પાત્ર પણ બનેલો. પણ 2012 ના ડેટા મુજબ આ રેટ જે 1999 માં 3% થી પણ ઓછો હતો તે વધી ને 70% થી પણ પાર નીકળી જવા પામ્યો હતો! હવે આ બધા નો શ્રેય શું એક એવા માણસને આપવો યોગ્ય છે કે જેનો આ આખી પોલિસી મેકિંગ થી લઈ એના એક્ઝીક્યુશન સુધી કોઈ રોલ જ નથી!? આનો જવાબ આપણે આઈડિયા સેલ્યુલરના તે વખતના મેનેજીંગ ડિરેક્ટર સંજીવ આગા પાસેથી જાણીએ. ડિસેમ્બર 2009માં તેમને કોઈ ફંક્શનમાં પૂછવામાં આવ્યું કે તેમના મતે ભારતમાં સેલ્યુલર ક્રાન્તિ આણવામાં સૌથી મહત્વનું પરિબળ કયું!? તેમનો જવાબ તેમના જ શબ્દોમાં” આ દિશામાં સૌથી મહત્વનું પગલું હતું 1999 માં લાવવામાં આવેલ NTP, હું આજે પણ જ્યારે તે વાંચું છું તો તે એટલીજ સમાયોચિત અને અર્થપૂર્ણ લાગે છે, ઈટ વોસ એ વોટરશેડ ઈવેન્ટ”.

હવે આ જ મુદ્દો એક બીજા એક્સપર્ટના ઓપિનિયનથી જોવાનો પ્રયત્ન કરીએ. પ્રિંસ્ટન યુનિવર્સીટી થી અર્થશાસ્ત્ર માં ડૉક્ટરેટ, કોલંબિયા યુનિવર્સીટીનાં પ્રોફેસર, એશિયન ડેવલપમેન્ટ બેન્કના ચીફ ઇકોનોમિસ્ટ, વર્લ્ડ બેન્ક તેમ જ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથે કામ કરી ચૂકેલા તેમજ પાછળ થી નીતિ આયોગનાં વાઈસ ચેરમેન રહી ચૂકેલા એવા શ્રી અરવિંદ પાનગરિયા એ 2011માં એક પુસ્તક લખેલું, ઈન્ડિયા-ધ ઈમરજીંગ જાયન્ટ. આ પુસ્તકમાં અતિ ચિવટપૂર્વકના અભ્યાસ બાદ આ મુદ્દાને મુલાવવામાં આવેલો છે તેનો નિચોડ જોઈએ.

એમના મતે  ભારતમાં ટેલિકોમ ક્ષેત્રે આવેલ ક્રાંતિની આખી પ્રક્રિયામાં ઉદ્દીપકનું કાર્ય કરનાર જો કોઈ એક ઘટના જે સૌથી વધુ નોંધપાત્ર હોય તો તે હતી વાજપેયી સરકાર દ્વારા લાવવામાં આવેલ નેશનલ ટેલિકોમ પોલિસી 1999. આ પોલિસી અંતર્ગત સૌથી અગત્યનું જો કોઈ કામ થયું હોય તો એ હતું પોલિસી મેકિંગ અને સર્વિસ પ્રોવાઈડિંગ એજન્સીઓ ને અલગ કરવાનું! ટેલિકોમ ક્ષેત્રે પોલિસી બનાવવાનું અને સર્વિસ પ્રોવાઈડ કરવાનું બંને કામ પહેલા ડિપાર્ટમેન્ટ ઓફ ટેલેકોમ્યુનિકેશન અંતર્ગત જ ચાલતું જે સુધારામાં મુખ્ય અડચણ હતી, આના જ ભાગ રૂપે 1 ઓક્ટોબર 2000 માં ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન સર્વિસીઝ ની રચના કરવામાં આવી કે જે કોર્પોરેટ રીતે માત્ર સર્વિસ જ આપવાનું કામ કરે અને પોલિસી મેકિંગ DoT પાસે જ રાખવામાં આવ્યું. આ જ સંસ્થા આગળ જતાં BSNL બની. સર્વિસ પ્રોવાઈડિંગ માટે અલગ કંપની બનાવવાથી ટેલિકોમ સર્વિસ ક્ષેત્રે પહેલા જે રાજકીય સ્થાપિત હિતોની અડચણો હતી તે ઘણા અંશે દૂર થવા પામી.

આ ઉપરાંત NTP અંતર્ગત ટેલિકોમ ડિસ્પ્યુટ સેટલમેન્ટ અપીલેટ ટ્રીબ્યુનલ ની રચના કરવામાં આવી અને ફરીથી DoT ની રેડ ટેપીઝમ અને રાજકીય આટાપાટાઓ થી સર્વિસ સેક્ટરને મુક્ત કરવામાં આવ્યું. ધ્યાન રહે NTP 1994 નિષ્ફળ રહેવાનું એક કારણ એ પણ હતું કે સર્વિસ ને લાગતી વળગતી ફરિયાદો નું નિરાકરણ કરવાની કોઈ અલાયદી સ્થાયી વ્યવસ્થા હતી નહિ અને જે હતી એ એટલી કાર્યક્ષમ નહોતી!

15 ઓગસ્ટ 2000ના રોજ સરકારે પોતાનીજ મોનોપોલી તોડીને “અનલિમિટેડ કમ્પિટિશન” પોલિસી અપનાવી અને ઓપરેટર્સ ને લાયસંસિંગ ના બદલે રેવન્યુ શેરિંગ પદ્ધતિ અપનાવી જેના પરિણામે લોકલ લોન્ગ ડીસ્ટેન્સ કોલિંગ સસ્તું થઈ જવા પામ્યું.

વર્ષ 2000 ના બજેટમાં તત્કાલીન નાણામંત્રી યશવંત સિંહાએ જાહેર કર્યા મુજબ મોબાઈલ હેન્ડસેટ પર લગાવવામાં આવતી અધધ 25% ડ્યુટીમાં થી ઘટાડી માત્ર 5% કરી દેવામાં આવી.

પહેલા વિદેશમાં કોલ કરવાની સમગ્ર મોનોપોલી વિદેશ સંચાર નિગમ લિમિટેડ (VSNL) પાસે હતી જેના કારણે વિદેશ માં વાત કરવી તે અગવડ ભર્યું તેમજ ખૂબ મોંઘુ પણ હતું. જેને 1 એપ્રિલ 2002 થી પુરી કરી વિદેશ કોલિંગ પ્રાઈવેટ સેક્ટર માટે ઓપન કરવામાં આવ્યું અને પ્રોફે. પાનગરિયા ના મતે આ બધાનું યોગદાન ભારતીય ટેલિકોમ ક્ષેત્રે ક્રાંતિ લાવવામાં સૌથી વધારે હતું.

પ્રોફેસર પાનગરિયાએ તેમના પુસ્તકમાં જણાવ્યા મુજબ અને 2013માં લાઈવ મિન્ટ અખબારમાં છપાયેલા રાજીવ મહેતા અને હર્ષ ગુપ્તાના રિપોર્ટ મુજબ તો સેમ પિત્રોડા એ 1987માં ભારતમાં મોબાઈલ નેટવર્ક ના વિસ્તારમાં જાણીને પોતાના સ્થાપિત હિતો સાચવવા જ અડચણો ઉભી કરેલી! સેમ પિત્રોડા ના કહેવાથી શ્રીમતી ઇન્દિરા ગાંધીની સરકારે ઓગસ્ટ 1984 માં સેન્ટર ફોર ડેવલેપમેન્ટ ઓફ ટેલિમેટિક્સ (CDoT) ની રચના કરેલી.

1987માં વર્લ્ડ બેંકે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન (DoT) ને 500 કરોડ રૂપિયા આપેલા મુંબઈમાં મોબાઈલ નેટવર્ક ડેવલપ કરવા માટે, જેનો કોન્ટ્રાકટ સ્વિડનની એરિકસન કંપની ને મળેલો હતો. આ વખતે CDoT ના હેડ તરીકે હતા સેમ પિત્રોડા! તેઓને આ સુવર્ણ તક નેચરલી મળી હતી પોતાનું યોગદાન મોબાઈલ નેટવર્ક ના વિકાસમાં નોંધાવવા માટે, પણ એનાથી વિપરીત સેમ પિત્રોડા એ મીડિયા માં સ્ટેટમેન્ટ આપ્યું હતું કે “જે દેશની અડધા ઉપરની પ્રજા ભૂખે મરતી હોય તે દેશમાં લકઝરી કાર ફોન આપવામાં કામ કરવું એ Obscene(અશ્લીલ!!) છે.” પિત્રોડા પોતાની પ્રધાનમંત્રી સાથેની નિકટતા નો દુરુપયોગ કરીને આ આખો પ્રોજેકટ કેન્સલ કરાવ્યો! કારણ માત્ર એટલું જ કે જો ભારતમાં મોબાઈલ નેટવર્ક ની શરૂઆત આ પ્રોજેકટ થી થઈ જાત તો પાનગરિયા ના કહેવા મુજબ CDoT પોતે જ આઉટ ઓફ ડેટ થઈ જાત અને જે ભારતીય ટિલિકોમમાં તેમનું એકહથ્થુ શાસન હતું તેના પર પૂર્ણવિરામ મુકાઈ જાત!

તો આખી વાતનો નિષ્કર્ષ એ છે કે આપણા દેશમાં આવેલ મોબાઈલ ક્રાંતિ એ ઘણા વર્ષો અને અનેક સરકારોએ અપનાવેલ અલગ અલગ ટેલિકોમ પોલિસીસ નો પરિપાક છે. પણ રાજકારણની આદત મુજબ જો કોઈ એક જ વ્યક્તિ કે સરકારને શ્રેય આપવો જ હોય તો NTP 1999 લાગુ કરવા માટે શ્રી અટલ બિહારી વાજપેયી ની સરકારને આપવો જોઈએ, રાજીવ ગાંધી ની સરકારનો ફાળો મોબાઈલ રિવોલ્યુશન ક્ષેત્રે લગભગ નગણ્ય છે! જો આ બધું જ વાંચી વિચારીને પણ જો કોઈને એમ લાગતું હોય કે ભારતમાં મોબાઈલ ક્રાંતિ લાવનાર રાજીવ-પિત્રોડા બેલડી જ છે, તો એ કાં તો મૂરખ હોઈ શકે અથવા પ્યોર ચમચા હોઈ શકે અથવા બંને હોઈ શકે!

તો આ સેમ પિત્રોડા ને જે શ્રેય આપવામાં આવે છે તે શું સાવ ખોટું છે!? ના બિલકુલ નહિ, પણ જે કારણથી એમને શ્રેય આપવામાં આવે છે એ જરૂર ખોટું છે.એમના રાજકીય વિચારો જે હોય તે પણ એક ટેક્નોક્રેટ અને વિઝનરી એન્જીનીયર તરીકે તેમની સિદ્ધિઓ નોંધપાત્ર છે જ. તેમના નામે 100 થી વધુ પેટન્ટ્સ નોંધાયેલી છે. તેમનું ભારતીય ટેલિકોમ્યુનિકેશન માં યોગદાન હતું તેમણે બનાવેલી લો કોસ્ટ સ્વિચ, જેની શોધ તેઓએ પોતે જ કરી હતી. ડિજિટલ કોમ્યુનિકેશનમાં સ્વીચિંગનું આગવું મહત્વ હોય છે અને તેમણે તૈયાર કરેલ સ્વીચ વધુ કાર્યક્ષમ અને એ પણ એર કંડીશનિંગ ની જરૂરિયાત વગર.

તેમણે તત્કાલીન પ્રધાનમંત્રી રાજીવ ગાંધીને પોતાની આ ટેકનોલોજી ઓફર કરી અને સરકાર સાથે મળીને ભારતીય મેન્યુફેકચર્સ ને આ ટેકનોલોજી ટ્રાન્સફર કરી જેથી ઘણી બધી લો કોસ્ટ ટેલિફોન એકસેન્જ ઉભી કરી શકાઈ એ પણ એર કન્ડિશનિંગ ની વ્યવસ્થા વગર! જેના પરિણામે દેશના ખૂણે ખૂણે PCO ની સગવડ આપી શકાઈ. આમ જેમ પિત્રોડા નું યોગદાન ભારતના લોકલ કોલિંગ પી.સી.ઓ ક્ષેત્રે નકારી ના શકાય તેમજ તેમને મોબાઈલ ક્રાંતિના જનક તરીકે નું સમ્માન પરાણે આપી પણ ન જ શકાય!

eછાપું

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!