કોઇપણ મોટી ટુર્નામેન્ટની ફાઈનલનું પરિણામ જો મેચની સાવ છેલ્લી ઓવરમાં નક્કી થાય તો તેનાથી વધુ સારું પરિણામ એક ક્રિકેટ ફેન માટે બીજું કશું જ ન હોય. આ મેચ ક્રિકેટ ફેન્સ માટે અત્યંત માણવાલાયક બની હતી.

એક ક્રિકેટ મેચમાં જરૂરી એવા તમામ આરોહ અને અવરોહ સાથે તેમજ છેલ્લા બોલના પરિણામ સાથે કદાચ આ મેચ IPLની અત્યારસુધીના ઇતિહાસની સહુથી યાદગાર ફાઈનલ બની ગઈ હતી. પહેલી બેટિંગ કરતા મુંબઈ ઇન્ડિયન્સની શરૂઆત તો સારી રહી હતી પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સના ફાસ્ટ બોલરોએ એક પછી એક વિકેટો લેતા તે દબાણમાં આવી ગયું હતું અને ઝડપી શરૂઆત પર બ્રેક લાગી ગઈ હતી.
પહેલી અમુક ઓવરોને બાદ કરતા CSKના બોલરોએ ઓવરઓલ સારી બોલિંગ કરી હતી અને MIના ફટકાબાજ બેટ્સમેનો જેવા કે કૃણાલ અને હાર્દિક પંડ્યા તેમજ અમુક અંશે કાયરન પોલાર્ડ પર પણ અંકુશ જાળવી રાખ્યો હતો. એક સમયે જે મુંબઈ ઇન્ડિયન્સ 170-180+સ્કોર કરી શકવા માટે સક્ષમ લાગતા હતા તેમણે છેવટે આશ્વાસન રૂપી 149 રનના ટોટલ સાથે સંતોષ માનવો પડ્યો હતો.
ચેન્નાઈ સુપર કિંગ્સની શરૂઆત પણ સારી રહી હતી. ગઈ મેચમાં અડધી સદી ફટકારનાર બંને ઓપનીંગ બેટ્સમેનો આજે પણ કશી નવાજૂની કરવાના મૂડમાં લાગતા હતા. તેમાં ફાફ દુ પ્લેસી શરૂઆતમાં વધુ આક્રમક હતો અને તેણે આ વધુ પડતી આક્રમકતાના ભોગે પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ સુરેશ રૈના અને અંબાતી રાયુડુ પણ કોઈ ખાસ પ્રદાન કર્યા વગર આઉટ થઇ જતા CSK પર દબાણ આવી ગયું હતું. એમાંય સુરેશ રૈનાએ તો પોતાની વિકેટ બચાવવા માટે એક આખો રિવ્યુ વેસ્ટ કરી દીધો હતો
આ મેચનો ટર્નિંગ પોઈન્ટ ઘણા લોકો મહેન્દ્ર સિંગ ધોનીના વિવાદાસ્પદ રન આઉટને ગણશે પરંતુ કદાચ તેના કરતા શેન વોટ્સનનો રન આઉટ કદાચ મેચનું પરિણામ નક્કી કરવા માટે વધુ જવાબદાર બન્યો હતો. બેશક મહેન્દ્ર સિંગ ધોનીને શંકાનો લાભ મળવો જોઈતો હતો કારણકે એક રિપ્લે વિરુદ્ધ ચાર રિપ્લેમાં એ નોટ આઉટ દેખાઈ રહ્યો હતો. પરંતુ શેન વોટ્સન જ્યારે રન આઉટ થયો ત્યારે તે સેટ બેટ્સમેન હતો અને તેણે જે રીતે છેલ્લી ઓવરમાં ત્રણ જ બોલ બાકી હતા ત્યારે બીજો રન લેવાની ઉતાવળ કરી તેણે મેચને મુંબઈ ઇન્ડિયન્સ તરફ કરી દીધી હતી.
કારણકે વોટ્સનના આઉટ થવાથી બોલર શાર્દુલ ઠાકુર બેટિંગમાં આવ્યો હતો અને જો વોટ્સને એ બોલ પર માત્ર એક રન લીધો હોત તો સ્ટ્રાઈક પર રવિન્દ્ર જાડેજા હોત જે ઠાકુર કરતા બહેતર ઓલ રાઉન્ડર છે અને ભૂતકાળમાં તેણે આવા કટોકટીના સંજોગોમાં મેચ જીતાડી પણ છે.
પરંતુ, છેવટે તો જો જીતા વોહી સિકંદર! જે લસિથ મલિંગાની વોટ્સને અગાઉની ઓવરોમાં સારીપેઠે ધોલાઈ કરી હતી એ જ મલિંગાને રોહિત શર્માએ છેલ્લી ઓવર આપી. મલિંગાએ ફેરફાર એટલો જ કર્યો કે તેણે પહેલા પાંચ બોલ રાઉન્ડ ધ વિકેટ નાખ્યા જેણે રન બનાવવા અઘરા કરી દીધા અને છેલ્લો બોલ જેમાં જીત માટે CSKને માત્ર 2 રન જોઈતા હતા તે તેણે ઓવર ધ વિકેટ આવીને શાર્દુલ ઠાકુરને યોર્કર નાખ્યો હતો અને તે સાફ LBW આઉટ થઇ ગયો હતો.
તેમ છતાં મુંબઈ ઇન્ડિયન્સના આ વિજયનો શિલ્પી જસપ્રીત બુમરાહ રહ્યો હતો જેની કંજુસાઈભરેલી બોલિંગે ચેન્નાઈ સુપર કિંગ્સના બેટ્સમેનોને બાંધી રાખ્યા હતા અને આ દબાણે છેલ્લી ઓવરોમાં પોતાનું કામ કર્યું હતું. જસપ્રીત બુમરાહની આ બોલિંગ ભારતને આવનારા વર્લ્ડ કપમાં ખૂબ કામમાં આવશે એવી ભારતીય ક્રિકેટ ફેન્સને આશા હશે જ.
ટૂંકું સ્કોરકાર્ડ
IPL 2019 | ફાઈનલ | મુંબઈ ઇન્ડિયન્સ વિ. ચેન્નાઈ સુપર કિંગ્સ
રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, ઉપ્પલ (હૈદરાબાદ)
ટોસ: મુંબઈ ઇન્ડિયન્સ (બેટિંગ)
મુંબઈ ઇન્ડિયન્સ 149/8 (20) રન રેટ: 7.45
કાયરન પોલાર્ડ 41* (25)
ક્વિન્ટન ડી કોક 29 (17)
દીપક ચાહર 3/26 (4)
ઇમરાન તાહિર 2/23 (3)
ચેન્નાઈ સુપર કિંગ્સ 148/7 (20) રન રેટ: 7.4
શેન વોટ્સન 80 (59)
ફાફ દુ પ્લેસી 26 (13)
જસપ્રીત બુમરાહ 2/14 (4)
રાહુલ ચાહર 1/14 (4)
પરિણામ: મુંબઈ ઇન્ડિયન્સ 1 રને જીત્યા અને IPL 2019ના ચેમ્પિયન બન્યા
મેન ઓફ ધ મેચ: જસપ્રીત બુમરાહ (મુંબઈ ઇન્ડિયન્સ)
મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર: આન્દ્રે રસલ (કોલકાતા નાઈટ રાઈડર્સ)
અમ્પાયરો: ઇયાન ગુલ્ડ અને નિતીન મેનન | નાઈજલ લોંગ (થર્ડ અમ્પાયર)
મેચ રેફરી: જવાગલ શ્રીનાથ
eછાપું