લોકસભા ચૂંટણીઓ 2019: શું છેલ્લા તબક્કા પહેલા જ વિપક્ષી મનોબળ તૂટી ગયું છે?

0
291
Photo Courtesy: indianexpress.com

દેશમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણીઓ માટે છેલ્લા તબક્કાનું મતદાન થવાનું બાકી છે એવા સમયે વિપક્ષી કેમ્પમાંથી પાંચ એવા સંકેત મળી રહ્યા છે કે તેમનું મનોબળ અત્યારથી જ તૂટી ગયું છે.

Photo Courtesy: indianexpress.com

લોકસભાની ચૂંટણીઓના છ તબક્કાઓનું મતદાન પૂર્ણ થઇ ગયું છે અને હવે એક તબક્કાનું મતદાન બાકી છે જે 19 મે ના દિવસે થશે. પરંતુ એ પહેલા મળી રહેલા સંકેતો પર જો ધ્યાન આપીએ તો એવું લાગી રહ્યું છે કે ‘ફિર એક બાર મોદી સરકાર’ નો ભારતીય જનતા પાર્ટીનું સૂત્ર સફળ થવા જઈ રહ્યું છે. આ સંકેતો છે વિપક્ષી કેમ્પમાં થઇ રહેલી કેટલીક હલચલ અને એમના હતાશાભર્યા બયાનો. આવા પાંચ સંકેતો પણ અભ્યાસ કરતા એવું જરૂર લાગી રહ્યું છે કે આવશે તો મોદી જ!

ઉત્તર પ્રદેશ કોંગ્રેસમાં પ્રિયંકા વાડ્રા સામે બળવો

ગઈકાલે એવા સમાચાર આવ્યા કે ઉત્તર પ્રદેશના ભદોહી જીલ્લાના કોંગ્રેસ પ્રમુખ ડૉ. નીલમ મિશ્રા સહીત મોટાભાગના પદાધિકારીઓએ કોંગ્રેસમાંથી રાજીનામાં આપી દીધા છે. આ પાછળનું કારણ એ હતું કે કોંગ્રેસના ઉત્તર પ્રદેશના પ્રભારી અને મહાસચિવ પ્રિયંકા વાડ્રા દ્વારા તેમનું કરવામાં આવેલું અપમાન. નીલમ મિશ્રાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે અહીંના કોંગ્રેસી ઉમેદવાર રમાકાંત યાદવ સતત ભદોહીના કોંગ્રેસી કાર્યકર્તાઓ તેમજ પદાધિકારીઓની અવગણના કરી રહ્યા છે.

જ્યારે આ વાતની ફરિયાદ નીલમ મિશ્રાએ પ્રિયંકાને કરી ત્યારે મિશ્રાના કહેવા અનુસાર પ્રિયંકાએ તેમને કહ્યું હતું કે જો તમને યાદવનું આમ કરવું તમારું અપમાન લાગતું હોય તો પછી તેને સહન કરી લો! બસ આ મુદ્દે ડૉ. નીલમ મિશ્રા અને ભદોહી કોંગ્રેસના તમામ પદાધિકારીઓએ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામાં આપી દીધા હતા.

સાર: કોંગ્રેસની અંદર જ પક્ષ વિરુદ્ધ ગુસ્સો છે જેને લીધે પ્રિયંકા વાડ્રા જેવા વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓ પણ સમજી નથી શકતા કે આ પરિસ્થિતિને કેવી રીતે હેન્ડલ કરવી અને પરિણામે તેઓ પોતાના જ આગેવાનોનું અપમાન કરી રહ્યા છે.

અખિલેશની મિર્ઝાપુરની સભા સુપર ફ્લોપ

બે દિવસ અગાઉ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવની સભા હતી. આ સભા જ્યાં આયોજીત કરવામાં આવી હતી તે મેદાનની ક્ષમતા 50 હજારની હતી અને એટલા લોકો માટેની પૂરતી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. પરંતુ જ્યારે આ સભા ભરાઈ ત્યારે માંડ 10 હજાર લોકો જ ઉપસ્થિત રહ્યા હતા અને પાછળની ખુરશીઓ સાવ ખાલી રહી હતી. આમ થવા પાછળ સમાજવાદી પાર્ટીએ ગરમી ખૂબ હોવાનું કહ્યું હતું, પરંતુ નરેન્દ્ર મોદી સહીત અન્ય આગેવાનોની સભાઓમાં બપોરે પણ ભીડ જોવા મળતી હોય છે.

સાર: મહાગઠબંધન અંગેની જે હવા ફેલાવવામાં આવી હતી તેનો ફુગ્ગો ફૂટી ગયો છે. RLDના જયંત યાદવ પણ આ સભામાં હાજર  હોવા છતાં પાંગળી હાજરી બતાવે છે કે મહાગઠબંધનની પાર્ટીઓ કદાચ પોતાના મતોને એકબીજાને ટ્રાન્સફર પણ કરી નહીં શકે એ તેઓ પારખી ગયા છે અને આથી હતાશા તેમને ઘેરી વળી છે.

મલ્લિકાર્જુન ખડગેએ સાબિત કર્યું કે કોંગ્રેસ બહુમત માટે નથી લડી રહી

થોડા દિવસ અગાઉ એક ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ વખતે કોંગ્રેસને 40 બેઠકો પણ નહીં મળે. ભલે મોદીની દલીલ સંપૂર્ણ ચૂંટણીલક્ષી જ હતી, પરંતુ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન અને લોકસભામાં અત્યારે કોંગ્રેસના નેતા એવા મલ્લિકાર્જુન ખડગેએ બેંગ્લોરમાં એક સભામાં કહ્યું હતું કે જો કોંગ્રેસ 40થી વધુ બેઠકો મેળવશે તો શું નરેન્દ્ર મોદી દિલ્હીના વિજય ચોક ખાતે પોતાને ફાંસી લગાવી દેશે? તેમનું આ નિવેદન પણ કોંગ્રેસની આ ચૂંટણીઓ માટેની અસલી રણનીતિ છતી કરી દે છે.

સાર: મલ્લિકાર્જુન ખડગે જેવા વરિષ્ઠ આગેવાન જો આવી વાત કરે તો તેના પરથી સાબિત થાય છે કે કોંગ્રેસ ભાજપની જેમ પૂર્ણ બહુમત માટે નથી લડી રહી તેને તો તેની હાલની બેઠક સંખ્યામાં જેમ તેમ વધારો થાય તેમાં જ રસ છે. આથી કોંગ્રેસ પણ મહાગઠબંધન અને અન્ય ક્ષેત્રીય પાર્ટીઓની જેમ જ સ્થિરતા માટે નહીં પરંતુ ત્રિશંકુ લોકસભા માટે જ લડી રહી છે.

દિગ્વિજય સિંહે મતદાન ન કર્યું

દિગ્વિજય સિંહે આશ્ચર્ય પમાડતા રવિવારના છઠ્ઠા તબક્કાના મતદાનમાં રાજગઢ જઈને મતદાન કર્યું ન હતું. તેઓ પોતે જ્યાંથી ચૂંટણી લડી રહ્યા છે તે ભોપાલમાં જ રહીને લોકોને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરતા રહ્યા. આનો સીધો મતલબ એ જ થાય છે કે ભોપાલથી જીતવા માટે દિગ્વિજય સિંહ આશ્વસ્ત નથી અને આથી તેઓ મતદાનના દિવસે પણ મહેનત કરવા માટે મજબૂર થઇ ગયા હતા. પરંતુ જ્યારે એક એક મત મહત્ત્વનો હોય તો પછી તેમણે રાજગઢ જઈને પોતાનો મત આપવો જોઈતો હતો.

સાર: દિગ્વિજય સિંહ જેવા વરિષ્ઠ નેતા તો મતદાનનું મહત્ત્વ ન સમજતા હોય અને મતદાન કરવામાં જ નિરાશા દેખાડી રહ્યા હોય તેનો મતલબ એ જ છે કે કોંગ્રેસ સમજી ગઈ છે કે મધ્ય પ્રદેશમાં ચૂંટણી જીતવી અથવાતો મહત્તમ બેઠકો જીતવી એ લગભગ અશક્ય છે અને એ પણ સરકાર બનાવ્યાના છ મહિનાની અંદર અંદર.

મહાગઠબંધનની પરિણામ પહેલાની બેઠકનું સુરસુરિયું

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ દિલ્હીમાં 20મી તારીખે મહાગઠબંધનની એક બેઠક બોલાવવાના પ્રયાસો કર્યા હતા. આ માટે તેઓ દિલ્હીમાં રાહુલ ગાંધી અને કોલકાતામાં મમતા બેનરજીને પણ મળ્યા હતા. કોંગ્રેસ તો આ બેઠક માટે તૈયાર થઇ ગઈ હતી કારણકે નાયડુએ તેને ‘મોટા ભા’ બનાવીને બેઠકમાં રજુ કરવાની વાત કરી હતી. પરંતુ મમતા બેનરજીએ આ મીટીંગમાં આવવાની એમ કહીને ના પાડી દીધી કે જ્યાં સુધી 23 મે ના દિવસે ચિત્ર સ્પષ્ટ ન થાય ત્યાં સુધી આવી બેઠકનો કોઈજ મતલબ નથી રહેતો.

બીજી તરફ નાયડુના કટ્ટર વિરોધી તેલંગાણાના મુખ્યમંત્રી રાજશેખર રાવ અલગ રીતે ગઠબંધન બનાવવાની કોશિશમાં લાગી ગયા છે. તેઓ વિપક્ષી મુખ્યમંત્રીઓને (નાયડુ અને બેનરજી સિવાય) મળી રહ્યા છે અને ત્રિશંકુ લોકસભાની પરીસ્થિતિમાં પોતે નાયબ વડાપ્રધાન બને તેની મહેનત કરી રહ્યા છે.

સાર: ચૂંટણીના પરિણામો વિષે ખુદ મહાગઠબંધનના આશ્વસ્ત નથી. મમતા બેનરજી જેવા મહત્ત્વના આગેવાન હવે ક્યારેય કોંગ્રેસની આગેવાનીમાં આવે તેવી શક્યતા નથી અને આથી જ તેમણે આ મીટીંગમાં આવવાની ના પાડી દીધી હતી. જો અત્યારથી જ આવું વાતાવરણ હોય અને ચન્દ્રશેખર રાવ પોતાનો અલગ ચોકો ઉભો કરી રહ્યા હોય તો આ કહેવાતા મહાગઠબંધનનું મનોબળ કેટલું ટકાઉ હશે એની કલ્પના આસાનીથી થઇ શકે તેમ છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here