કપિલ શર્મા સાથે વિવાદ થયા બાદ શો છોડી ચૂકેલા સુનિલ ગ્રોવરે હાલમાં જ પત્રકારો સાથે વાતચીતમાં કારણ આપવાની સાથે કહ્યું હતું કે તે શો છોડ્યા બાદ તેને જોતો પણ નથી.

મુંબઈ: સુનિલ ગ્રોવર પહેલીવાર ધ કપિલ શર્મા શો દ્વારા લોકપ્રિયતા પામ્યો હતો તે આજકાલ આ શો જોતો પણ નથી. 2017માં ઓસ્ટ્રેલિયામાં લાઈવ શો પતાવીને ભારત પરત થતી વખતે પ્લેનમાં જાણવા મળ્યા અનુસાર નશાની હાલતમાં કપિલ શર્માએ સુનિલ ગ્રોવર તેમજ અન્ય સાથી કલાકારોનું અપમાન કર્યું હતું.
આ ઘટના બાદ સુનિલ ગ્રોવર અને બીજા કેટલાક કલાકારોએ આ શો છોડી દીધો હતો. હાલમાં સલમાન ખાનની ફિલ્મ ભારતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહેલા સુનિલ ગ્રોવરે પત્રકારોને જણાવ્યું હતું કે સલમાન ખાન જે હવે ધ કપિલ શર્મા શોનો પ્રોડ્યુસર પણ છે તેણે પણ સુનિલ ગ્રોવરને શોમાં પરત આવવા બદલ મનાવવાની કોશિશ કરી હતી.
સુનિલ ગ્રોવરના કહેવા અનુસાર સલમાન ખાને જોકે તેના પર શો માં પરત થવા અંગે કોઈ દબાણ નહોતું કર્યું માત્ર તેને સૂચન કર્યું હતું પરંતુ તેણે આ અંગે સાફ ઇનકાર કરી દીધો હતો. ત્યારબાદ પત્રકારોએ સુનિલ ગ્રોવરને પૂછ્યું હતું કે શું તે હજી પણ આ શો જોવે છે?
આ પ્રશ્નના જવાબમાં સુનિલ ગ્રોવરે કહ્યું હતું કે તે જે શો નો હિસ્સો નથી હોતો તેને તે જોતો નથી. સુનિલ ગ્રોવરનું ધ કપિલ શર્મા શો ન જોવા પાછળનું આ કારણ કોઈને ગળે ઉતરે તેવું તો નથી જ પરંતુ તેના આ નિવેદનથી તેના શો માં પરત ફરવાની શક્યતાઓ પર હાલ પુરતું તો પૂર્ણવિરામ લાગી ગયું છે.
કપિલ શર્મા સાથે વિવાદ થયા બાદ તેનો શો છોડી ચૂકેલા સુનિલ ગ્રોવરે પણ વિવિધ ચેનલો પર પોતાના શો શરુ કરીને પ્રયાસો કર્યા હતા પરંતુ તેમાં તે નિષ્ફળ નીવડ્યો હતો. તો બીજી તરફ ધ કપિલ શર્મા શોની નવી સિઝનમાં કપિલ શર્માએ તેના કટ્ટર પ્રતિસ્પર્ધી ક્રિશ્નાને લઈને આશ્ચર્ય સર્જ્યું હતું અને આજકાલ આ બંનેની જોડી ધૂમ પણ મચાવી રહી છે.
આમ હાલમાં તો કોઇપણ કારણોસર સુનિલ ગ્રોવર ધ કપિલ શર્મા શો માં પરત આવે તેવી કોઈજ શક્યતાઓ લાગતી નથી. જો કે તેની હાજરીએ આ શોને માણવાલાયક જરૂર બનાવ્યો હતો તે અંગે બેમત ન હોઈ શકે.
eછાપું