વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભાઓમાં માલસમાન સપ્લાય કરતા અનેક સપ્લાયરોએ પોતાને મળેલા ચેક બેંકમાં જમા નથી કરાવ્યા તેનું કારણ આશ્ચર્ય પમાડે તેવું છે.

વારાણસી: વારાણસી અથવાતો કાશી જ્યાં લોકસભાની ચૂંટણીઓના અંતિમ તબક્કામાં મતદાન થવા જઈ રહ્યું છે ત્યાં એક કૌતુક સર્જાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બેઠક પરથી ફરીથી ચૂંટણી લડી રહ્યા છે.
સ્વાભાવિક છે અહીં તેઓ અથવાતો તેમના સમર્થનમાં ચૂંટણી સભાઓ આયોજીત થાય જ. ચૂંટણી પંચના નિયમ અનુસાર પ્રચાર માટે જે કોઈ પણ ખર્ચ થાય તેનો હિસાબ જે તે ઉમેદવારના ખાતે જાય છે.
ઉમેદવારે દરરોજના ખર્ચનો હિસાબ પણ ચૂંટણી પંચને આપવાનો હોય છે. પરંતુ વારાણસીમાં વડાપ્રધાનની કે તેમના સમર્થનમાં આયોજીત ચૂંટણી સભાઓમાં માલસામાન સપ્લાય કરતા લોકોને જ્યારે તેમના બીલની સામે ચેક આપવામાં આવ્યા ત્યારે તેમણે પોતાના ચેક બેંકમાં જમા જ ન કરાવ્યા.
અમુક દિવસો બાદ જ્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રચાર વિભાગના વારાણસીના કોઓર્ડિનેટર સુનિલ ઓઝાના ધ્યાનમાં આવ્યું કે બેંક ખાતામાંથી આ ચેકો ડેબિટ નથી થયા ત્યારે તેમણે આ સપ્લાયરોને આ અંગેનું કારણ પૂછ્યું અને તેમને જે જવાબ મળ્યો તે તેમને આશ્ચર્ય પમાડી દે તેવો હતો.
સુનિલ ઓઝાને સપ્લાયરો દ્વારા એમ કહેવામાં આવ્યું કે તમે અમને જે અમારા બીલ સામે ચેક આપ્યો છે તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સહી છે અને આથી અમે આ ચેક જમા કરાવવાના નથી! આમાંથી ઘણા સપ્લાયરોએ તો આ ઓરીજીનલ ચેક્સ મઢાવીને પોતાના ડ્રોઈંગરૂમમાં સજાવીને મૂકી દીધા છે.

આ સપ્લાયરોનું કહેવું છે કે આ તેમનું અહોભાગ્ય છે કે તેમની પાસે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સહી ધરાવતો ચેક છે અને આથી તેઓ તેમને બેંકમાં જમા કરાવવાના નથી. ત્યારબાદ સુનિલ ઓઝાએ તેમને સમજાવ્યું કે બહેતર એ રહેશે કે તેઓ ચેક જમા કરાવે અને એ પહેલા તેની કલર ફોટોકોપી કઢાવે જેને તેઓ પોતાના ડ્રોઈંગરૂમમાં યાદગીરી રૂપે સજાવી શકે છે.
હવે નવા નિર્ણય અનુસાર વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રચાર કાર્યાલયમાંથી જે કોઇપણ સપ્લાયરને ચેક આપવામાં આવે છે તેની સાથે એક કલર ફોટો કોપી પણ એટેચ કરીને જ આપવામાં આવે છે આથી જે કોઈ પણ સપ્લાયરને નરેન્દ્ર મોદીની સહી ધરાવતો ચેક યાદગીરીરૂપે સાચવી રાખવો હોય તે પેલી ફોટોકોપીને મઢાવીને સાચવી શકે છે.
eછાપું
न भूतो न भविष्यति , Unbelievable craze for their Prime Minister.