વિવાદ: વાદળો અને રડાર અંગે વડાપ્રધાન મોદી સાચા હતા કારણકે…

1
386
Photo Courtesy: YouTube

એક ટીવી ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાવો કર્યો હતો કે બાલાકોટ એરસ્ટ્રાઈકમાં તે સમયે રહેલા વાદળછાયા વાતાવરણેને લીધે પાકિસ્તાની રડાર આપણા ફાઈટર જેટ્સને ઓળખી શક્યા ન હતા, આ દાવા પાછળના વૈજ્ઞાનિક તથ્યો જાણીએ.

Photo Courtesy: YouTube

લોકસભાની ચૂંટણીના સમગ્ર પ્રચાર દરમ્યાન એવા લોકોના પણ દર્શન થયા છે જે સળી ભાંગીને બે ટૂકડા પણ ન કરતા હોય એ લોકો પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દરેક ઇન્ટરવ્યુ જુએ છે અને એમની એક એક ભૂલનો હિસાબ રાખે છે. એમને હિસાબે વડાપ્રધાનથી એક નાની અમથી પણ ચૂક થાય એટલે એમના દ્વારા સોશિયલ મિડિયામાં તેમની ભદ્દી મજાક શરુ થઇ જાય છે.

આવો જ એક કિસ્સો હાલમાં બન્યો હતો જ્યારે ગત શનિવારે ન્યૂઝ નેશન નામની ન્યૂઝ ચેનલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાલાકોટ એરસ્ટ્રાઈક અંગે વિગતવાર ચર્ચા કરી હતી. આ ચર્ચા દરમ્યાન વડાપ્રધાને એમ કહ્યું હતું કે એ રાત્રે વાદળછાયું વાતાવરણ હોવા છતાં તેમણે વાયુસેનાના વરિષ્ઠ અધિકારીઓની ઈચ્છા ન હોવા છતાં એરસ્ટ્રાઈક કરવા પર ભાર મૂક્યો હતો કારણકે તેમને એવું લાગ્યું કે વાદળોને લીધે પાકિસ્તાનના રડારની ક્ષમતા પર અસર પડશે. બસ એમનું આટલું બોલવું અને પેલા મોદીની નાનકડી ભૂલ શોધનારા એમના દ્વેષીઓ એમના પર તૂટી જ પડ્યા!

વડાપ્રધાને જ્યારે ઉપરોક્ત નિવેદન કર્યું હતું ત્યારે તેમનો ગર્ભિત મતલબ એ હતો કે તેમના ‘સામાન્ય જ્ઞાન અનુસાર’ તેમણે ભારતીય વાયુસેનાના અધિકારીઓને વાદળછાયા વાતાવરણમાં પણ એરસ્ટ્રાઈક કરવાનો આગ્રહ કર્યો હતો. આ પ્રકારે ‘સામાન્ય જ્ઞાન’ આપણે સહુ ધરાવતા હોઈએ છીએ અને જરૂર પડે ત્યારે જેને અંગ્રેજીમાં ‘gut feeling’ કહેવાતી હોય છે અથવાતો ગુજરાતીમાં જેને છઠ્ઠી ઇન્દ્રિય કહેવાય તેને ઉપયોગમાં લઇ કોઈ નિર્ણય લેતી વખતે આ સામાન્ય જ્ઞાન પણ તેમાં સામેલ હોય છે.

હા, વડાપ્રધાનના પદે રહેનાર વ્યક્તિ જેણે એક આતંકવાદી કેમ્પ પર હુમલો કરવો કે નહીં તેનો ગંભીર અને દેશના ભવિષ્યને અસર કરતો નિર્ણય લેવાનો હતો, તે આ રીતે સાવ gut feeling પર નિર્ણય ન લઇ શકે, પરંતુ નરેન્દ્ર મોદીએ આ નિર્ણય લેવાની હિંમત કરી અને કદાચ એટલેજ તેમને સફળતા પણ મળી અને એટલે જ તેઓ અત્યારસુધીના વડાપ્રધાનોમાંથી સાવ અલગ તરી આવે છે.

ચાલો, ફરીથી વાદળ અને રડારની વાત પર આવીએ. જો રડાર ટેક્નોલોજીનો ગંભીર અભ્યાસ કરવામાં આવે તો એ સાબિત કરશે કે વડાપ્રધાન મોદીનું સૂચન તાર્કિક રીતે ખોટું અથવાતો જે રીતે વિપક્ષી પાર્ટીના સમર્થકો તેને હાસ્યાસ્પદ ગણાવવાની કોશિશ કરી રહ્યા છે એવું બિલકુલ ન હતું.

રડાર જો કે વાદળછાયા વાતાવરણમાં પણ વસ્તુઓને પકડી પાડવા માટે સમર્થ હોય છે પરંતુ વાદળો અને વરસાદી વાતાવરણમાં તેનીચોકસાઈ પર જરૂર અસર પડતી હોય છે. એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકામાં રડાર ટેક્નોલોજી અંગે પણ એક લીટી લખવામાં આવી છે જે આ મુજબ છે…

વરસાદ અને અન્ય પ્રકારના ભેજ ઇકો સિગ્નલ્સ ઉભા કરતા હોય છે જે ઈચ્છિત લક્ષિત ઇકો પર માસ્ક ચડાવી દે છે.

રડાર સિસ્ટમ ટ્રાન્સમીટ થતી પહોળી ફ્રિકવન્સીઝ પર કાર્ય કરતા હોય છે અને રડારની જેટલી ફ્રિકવન્સી વધુ એટલી તેના પર વાદળો અને વરસાદની અસર વધુ. પરંતુ ટ્રાન્સમીટ થયેલી ફ્રિકવન્સીની સંખ્યા જેટલી વધુ એટલી રડારની ચોકસાઈ પણ વધુ. આ પ્રકારની સાદી સમજ રડાર ટ્યુટોરીયલમાં પણ આપવામાં આવી છે, પરંતુ જેના મનમાં ભરપૂર દ્વેષ જ ભરેલો હોય એમની પાસે આટલું રિસર્ચ કરવાનો સમય જ ક્યાં છે?

આ તો થઇ વૈજ્ઞાનિક સાબિતી કે વડાપ્રધાન મોદીની ન્યૂઝ નેશનને આપેલા ઇન્ટરવ્યુમાં કહેલી વાત બિલકુલ હાસ્યાસ્પદ ન હતી. હવે વાત કરીએ તથ્યોની. તો તથ્ય એમ કહે છે એ રાત્રીના વાદળછાયા વાતાવરણમાં ભારતના મિરાજ 2000 પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ એટલેકે રડારને ચીરીને છેક અંદર સુધી ગયા, પોતાનું લક્ષ્ય સિદ્ધ કર્યું અને કોઇપણ પ્રકારના વિરોધ વગર પરત પણ આવી ગયા! તો શું વાદળછાયા વાતાવરણને લીધે પાકિસ્તાની રડાર આપણા આટલા બધા ફાઈટર જેટ્સને ઓળખી ન શક્યા એ હકીકત સાબિત નથી થતી?

બીજું, એરસ્ટ્રાઈકના બીજા જ દિવસે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી પરવેઝ ખટ્ટકે જણાવ્યું હતું કે એમના રડાર ભારતીય વાયુસેનાના વિમાનોને એટલે ન પકડી શક્યા કારણકે ‘અંધારું હતું’! આ સમયે ઘણા લોકોએ આ નિવેદનને હસી કાઢ્યું હતું, પરંતુ હવે જ્યારે આપણે રડાર ટેક્નોલોજી અંગે બેઝિક જ્ઞાન પ્રાપ્ત કરી ચૂક્યા છીએ તો ખટ્ટકના અંધારાને એ રીતે ન લઇ શકીએ કે ‘અંધારું ઉપરાંત વાદળછાયું વાતાવરણ એમાં અમારા રડાર ભારતીય ફાઈટર જેટ્સને પકડી ન શક્યા?’

જો કે આ બધું જ્ઞાન એ લોકો માટે છે જેમને માટે હકીકત અને વૈજ્ઞાનિક પૂરાવાનું મહત્ત્વ છે અને એના પર આધારિત પોતાના મંતવ્યો બાંધવા હોય છે. એ લોકો માટે નહીં જેઓ પહેલા તો એરસ્ટ્રાઈક થઇ હોવાના પૂરાવા માંગતા હતા અને હવે એ જ એરસ્ટ્રાઈક અંગે વૈજ્ઞાનિક તથ્યો આધારિત દલીલ હોવા છતાં મોદીની હાંસી ઉડાવી રહ્યા છે.

eછાપું

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here