હવે રાહુલ ગાંધી કહે છે કે તેમને રાફેલ વિષે કોઈજ માહિતી નથી

0
6
Photo Courtesy: republicworld.com

છેલ્લા પાંચ વર્ષથી રાફેલ ફાઈટર જેટ્સના સોદામાં કૌભાંડ થયું છે તેવો પ્રચાર કરી રહેલા રાહુલ ગાંધીએ અચાનક જ પોતાનો સૂર બદલ્યો છે જે તેમની અસલી રણનીતિ ખુલ્લી પાડે છે.

Photo Courtesy: republicworld.com

આજથી લગભગ એક વર્ષ અગાઉ કોંગ્રેસ અને તેના પ્રમુખ રાહુલ ગાંધીએ અત્યારસુધી ધીમા સૂરે ચાલી રહેલા રાફેલ મુદ્દાને અચાનક જ જોર આપ્યું હતું. શું સંસદ કે શું સંસદની બહાર જાણેકે રાફેલ એ નરેન્દ્ર મોદી સરકારનું બોફોર્સ કૌભાંડ હોય એ રીતે તેનો પ્રચાર શરુ કરવામાં આવ્યો. આ પ્રચાર છેક આજની તારીખ સુધી એટલે કે જ્યારે લોકસભાની ચૂંટણીનો છેલ્લો તબક્કો બાકી છે ત્યાં સુધી ચાલી રહ્યો છે.

આ જ રાફેલ મામલે રાહુલ ગાંધીએ ‘ચોકીદાર ચોર હૈ’ નું સૂત્ર ઉભું કર્યું હતું જેનો સીધો ટાર્ગેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હતા જેઓ પોતાને દેશના ચોકીદાર  હોવા પ્રત્યે ગર્વ અનુભવતા હોવાનું કહ્યું હતું. આ રાફેલ મામલો જ હતો જેની અંતર્ગત રાહુલ ગાંધીએ દેશના ઉદ્યોગપતિ અનિલ અંબાણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપોનો મારો ચલાવ્યો હતો.

રાહુલ ગાંધીએ સતત એમ કહ્યે રાખ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ‘મિત્ર’ અનિલ અંબાણીને રાફેલ સોદામાં મોટો ફાયદો કરાવી આપ્યો છે અને ત્રીસ હજાર કરોડ રૂપિયા તેમના ખિસ્સામાં પધરાવી દીધા છે. સંસદમાં આ મામલે સરકાર ચર્ચા કરવા માટે પણ તૈયાર હતી પરંતુ રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિના ભાષણના આભાર પ્રસ્તાવ કે પછી તેમના નિષ્ફળ અવિશ્વાસ પ્રસ્તાવ દરમ્યાન રાફેલ અંગે માત્ર આરોપો જ મૂક્યા હતા.

અગાઉ જેમ કહ્યું તેમ કોંગ્રેસે રાઈનો પહાડ બનાવતા રાફેલ એ મોદી સરકારનું મોટું કૌભાંડ છે એવો દુષ્પ્રચાર કરવાની કોશિશ કરી હતી. આમ કરવા પાછળનો આશય એક જ હતો કે તે સમયે જ્યારે સરકારને ચાર વર્ષ પૂર્ણ થયા હતા ત્યારે પણ પૂર્વ કોંગ્રેસ સરકારોની જેમ સરકાર પર એક પણ કૌભાંડ આચરવાનો આરોપ લાગ્યો ન હતો. આમ મોદી સરકાર જનતાના મનમાં સ્વચ્છ હોવાની છબી બનાવી ચૂકી હતી અને આથી જ તેની છબી ખરાબ કરવા અને આ સરકાર પણ પોતાની પૂર્વ સરકારોથી જરા પણ ઓછી નથી તેવું ઠરાવવું.

પરંતુ પહેલા નાણામંત્રી અરુણ જેટલી અને બાદમાં રક્ષામંત્રી નિર્મલા સિતારામને મુદ્દાસર રાફેલ સોદામાં કેમ એક પણ રૂપિયાની કટકી થઇ નથી તે સંસદમાં જણાવ્યું હતું. આમ થવાથી જનતાના મનમાં સીધો સંદેશ ગયો હતો કે રાહુલ ગાંધી જુઠ્ઠા છે. તેમ છતાં ચૂંટણી આવતાની સાથે હવે રાહુલ ગાંધીએ જાહેરમાં રાફેલનો મુદ્દો ફરીથી ઉપાડ્યો હતો.

રાહુલ ગાંધીએ આ સમગ્ર પ્રચાર દરમ્યાન રાફેલ મુદ્દે એટલા તો અભિભૂત થઇ ગયા હતા કે તેમણે સુપ્રિમ કોર્ટની એક યાચિકા પર ફેરવિચાર કરવાના નિર્ણયને પણ મોદી સરકાર ગુનેગાર છે તે રીતે મિડીયામાં જાહેર કરી દીધો હતો. ત્યારબાદ ભાજપના વરિષ્ઠ નેતા મિનાક્ષી લેખીએ રાહુલ ગાંધી પર કોર્ટના ચૂકાદાને ખોટી રીતે રજૂ કરીને કોર્ટના અપમાનનો કેસ દાખલ કરી દીધો હતો.

સુપ્રિમ કોર્ટે પણ માન્યું હતું કે તેમના એ ચૂકાદામાં તેણે એવું કહ્યું જ નથી આ સોદામાં કોઈ કૌભાંડ છે. ત્યારબાદ સુપ્રિમ કોર્ટે રાહુલ ગાંધી પાસે જવાબ માંગ્યો હતો અને રાહુલ ગાંધીએ પહેલા તો માફી માંગવાને બદલે માત્ર અફસોસ જતાવ્યો હતો, પરંતુ સુપ્રિમ કોર્ટે તેનું વલણ કડક કરવાની સાથેજ રાહુલ ગાંધીને છેવટે માફી માંગવી પડી હતી.

આ અગાઉ પણ કોંગ્રેસ સમર્થકો સુપ્રિમ કોર્ટમાં રાફેલ સોદાની વિગતો બહાર લાવવા ગયા હતા ત્યારે સુપ્રિમ કોર્ટે સરકારને ક્લીન ચીટ આપી દીધી હતી. આટલું જ નહીં પરંતુ દેશના કમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલે પણ આ સોદો મનમોહન સિંહ સરકારે નક્કી કરેલી કિંમત કરતા સસ્તામાં પડ્યો હોવાનું પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું. તેમ છતાં રાહુલ ગાંધીને રાફેલ મામલે ચેન પડ્યું ન હતું અને તેઓ આજે પણ સતત રાફેલ અંગે સરકાર વિરુદ્ધ ગમેતેવા આરોપો મૂકી રહ્યા છે.

પરંતુ, બે દિવસ પહેલા ન્યૂઝ નેશન નામની એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં રાહુલ ગાંધીનું જુઠ્ઠાણું પકડાઈ ગયું હતું. જ્યારે તેમને એવો સવાલ પૂછવામાં આવ્યો કે શું તેમની સરકાર આવશે તો તેઓ રાફેલ સોદો રદ્દ કરશે? તો તેના જવાબમાં રાહુલે કહ્યું હતું કે તેમને આ મામલે કોઈજ માહિતી નથી!! અને તેના વિષે કોઇપણ નિર્ણય લેતા અગાઉ તેઓ વાયુસેના અને અન્ય તજજ્ઞોની સલાહ લેશે!

જો રાહુલ ગાંધીને બે દિવસ પહેલા સુધી રાફેલ સોદા અંગે કોઈજ માહિતી ન હતી તો તેઓ છેલ્લા એક વર્ષથી કેમ તે અંગેના ઢોલ પીટી રહ્યા હતા? જવાબ સીધો છે કે જેમ પીળાં ચશ્માં પહેરનારને બધું પીળું જ દેખાય એમ જે કોંગ્રેસનો સમગ્ર ભૂતકાળ વિવિધ કૌભાંડોથી ખરડાયેલો છે તેને અન્યો પણ કૌભાંડી જ લાગે. પરંતુ સોશિયલ મિડિયાના જમાનામાં જુઠ્ઠાણું બહુ લાંબો સમય ચાલતું નથી અને જુઠ્ઠું બોલનાર પાસે પ્રજા હવે સીધો હિસાબ માંગે છે તે રાહુલ ગાંધી ભૂલી ગયા હશે અને આથી જ તેઓ રાફેલનો ફાટી ગયેલો ઢોલ છેલ્લા એક વર્ષથી પીટી રહ્યા હતા!

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here