અમેરિકા એટલેકે યુનાઈટેડ સ્ટેટ્સ! અહીંની વાનગીઓનો રસથાળ અનોખો છે અને આ વાનગીઓ તો હવે ભારતીયોના જીવનનો પણ હિસ્સો બની ગઈ છે. જાણીએ અમેરિકન કુકિંગના ઈતિહાસ વિષે અને ત્રણ ચટાકેદાર અમેરિકન રેસિપીઝ વિષે.
યુનાઇટેડ સ્ટેટ્સ ની રાંધણકળા તેનો ઇતિહાસ દર્શાવે છે. અમેરિકાના યુરોપિયન વસાહતીકરણે આ દેશને સંખ્યાબંધ સામગ્રીઓનો પરિચય આપ્યો. કૂકિંગની વિવિધ શૈલીઓ 19 મી અને 20 મી સદી પણ સારી રીતે વિસ્તરી, ઘણા વિદેશી દેશો તરફથી ઇમિગ્રન્ટ્સના ધસારાએ આ દેશના ક્વીઝીનમાં એક સમૃદ્ધ વિવિધતા વિકસાવી.
શરૂઆતમાં મૂળ અમેરિકનો અમેરિકન ભોજનમાં સંખ્યાબંધ પદ્ધતિઓ આધારે રસોઈ કરતા જે આગળ જતા યુરોપિયન પદ્ધતિઓ સાથે ભેળવવામાં આવી છે. જયારે વર્જીનીયા, મેસેચ્યુસેટ્સ, અથવા ઉત્તર અમેરિકાના પૂર્વીય સાગરકાંઠાના પ્રદેશને વસાહતીઓ આવ્યા ત્યારે તેમની રસોઈ પદ્ધતિ અગાઉની બ્રિટિશ રસોઈપદ્ધતિ જેવી જ હતી.
18મી અને 19મી સદી દરમિયાન, અમેરિકનોએ ઘણા નવા ખોરાક ‘વિકસાવ્યા’. આ પ્રોગ્રેસિવ એરા (1890-1920) દરમિયાન ખોરાક ઉત્પાદન અને પ્રસ્તુતિ વધુ ઔદ્યોગિક બન્યું. અમેરિકન રસોઈની એક લાક્ષણિકતા એ છે કે તે એક કરતા વધુ પ્રાદેશિક વાનગીઓના ફ્યુઝનથી એક નવી જ વાનગી બનાવે છે. જેમકે હેમ્બર્ગર અને હોટડોગ, કે જે મૂળ જર્મન વાનગીઓ છે તેમાં વિશ્વયુદ્ધ બાદ અમેરિકી રંગ લાગ્યો. આવું જ ઇટાલિયન પિઝ્ઝા જોડે પણ થયું. આજે અમેરિકન પિઝ્ઝા એ મૂળ ઇટાલિયન પિઝ્ઝા કરતા સ્વાદમાં ઘણી અલગ વાનગી છે.
ત્યારબાદ 1970માં જુલિયા ચાઈલ્ડ અને ગ્રેહામ કેરના આવવાથી સેલિબ્રિટી શેફનો જમાનો ચાલુ થયો. ફૂડ નેટવર્ક ચેનલના આવ્યા બાદ આવા અનેક સેલિબ્રિટી શેફ સામે આવ્યા. 1980 દરમિયાન, અપસ્કેલ રેસ્ટોરાં એ વાનગીઓનું મિશ્રણ કરવાની એક શૈલી વિકસાવી જે રસોઈની અમેરિકનાઈઝ્ડ શૈલીઓને વિદેશી તત્વો સાથે ભેળવીને રજુ કરતા. જે ન્યુ અમેરિકન ક્વીઝીન તરીકે ઓળખવામાં આવે છે. ન્યૂ અમેરિકન રાંધણકળા પકવવાની અને સોસનો નવીન રીતે ઉપયોગ કરે છે. મૂળ ફ્રેન્ચ, નુવેલે અને મૂળ અમેરિકન ક્વીઝીનમાં એશિયન, લેટિન અમેરિકન, મેડીટરેનિયન અને અન્ય ક્વીઝીનની વાનગીઓ તથા તત્વો ઉમેરવામાં આવ્યા છે.
ડોનટ્સ અને કપકેક એ પારંપરિક વાનગીઓ હોવા છતાં ઈ.સ. 2000 પછી ટ્રેન્ડી ફૂડ તરીકે ઓળખવા લાગ્યા.
કોર્ન એન્ડ પોટેટો ચાઉડર

સામગ્રી
1 ટેબલસ્પૂન તેલ
1 ½ કપ સમારેલા લીલા કેપ્સીકમ
1 કપ સમારેલી લીલી ડુંગળી
2 કપ મકાઈના દાણા
1 ¼ કપ પાણી
1 ટીસ્પૂન સીઝનીંગ
1/8 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ
500 ગ્રામ બટાકા ½ ઇંચના ટુકડામાં સમારેલા
1 કપ ક્રીમ
¼ કપ સમારેલી કોથમીર
¾ ટીસ્પૂન મીઠું
½ કપ છીણેલું ચીઝ
રીત:
- એક પેનમાં તેલ લો. તેમાં કેપ્સીકમ અને ૩/4 કપ લીલી ડુંગળી લો અને લગભગ 4 મિનીટ સુધી સાંતળો.
- તેમાં મકાઈના દાણા, પાણી, સીઝનીંગ, લાલ મરચા અને બટાકા નાખી તેને ઉકાળવા દો.
- ઉભરો આવે એટલે ધીમા તાપે લગભગ ૧૦ મિનીટ સુધી અથવા તો બટાકા નરમ થાય ત્યાં સુધી ખદખદવા દો.
- ત્યારબાદ આંચ પરથી દૂર કરી, તેમાં ક્રીમ, મીઠું અને કોથમીર ઉમેરો.
- સૂપને બાઉલમાં કાઢી, ઉપરથી ચીઝ અને લીલી ડુંગળી ભભરાવી ગરમાગરમ સર્વ કરો.
વેજીટેરિયન હેમ્બર્ગર

સામગ્રી
400 ગ્રામ કાબુલી ચણા
350 ગ્રામ મકાઈના દાણા
અડધી ઝૂડી કોથમીર
½ ચમચી પૅપ્રિકા
½ ચમચી ખાંડેલા ધાણા
½ ચમચી ખાંડેલુ જીરું
1 લીંબુની ઝેસ્ટ ( છીણેલી છાલ)
૩ ટેબલસ્પૂન મેંદો
મીઠું, સ્વાદમુજબ
તેલ, તળવા માટે
1 નાની લેટ્યુસ
2 મોટા, પાકેલા ટામેટા
ટોમેટો કેચપ
4 બર્ગર બન
રીત:
- કાબુલી ચણા અને મકાઈના દાણાને ફૂડ પ્રોસેસરમાં લો. લગભગ અડધી કોથમીરને, ડાળખી સાથે તેમાં ઉમેરો. તેમાં બધા જ મસાલા, મેંદો, લેમન ઝેસ્ટ અને મીઠું ઉમેરો. મિશ્રણ સ્મૂધ થાય ત્યાંસુધી ફૂડ પ્રોસેસરમાં ફેરવો.
- મિશ્રણના ચાર સરખા ભાગ કરી તેને પેટીસનો શેપ આપો. ફ્રીજમાં લગભગ ૩૦ મિનીટ માટે સેટ થવા દો.
- એક મોટા ફ્રાઈંગ પેનમાં તેલ ગરમ થવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં પેટીસને ગોલ્ડન બ્રાઉન તળી લો.
- હવે બર્ગર બનને વચ્ચે થી અડધો કરી તેના નીચેના ભાગ પર કેચપ લગાવો. તેના પર પેટીસ મૂકો. તેના પર લેટ્યુસ લીફ, ટામેટાની સ્લાઈસ અને થોડા કોથમીરના પાન મૂકી બનને ઢાંકી દો.
- કેચપ અને મસ્ટર્ડ સોસ સાથે સર્વ કરો.
ચોકલેટ કપકેક

સામગ્રી:
¾ કપ મેંદો
¼ કપ કોકો પાઉડર
3/4 કપ ખાંડ
1 ટીસ્પૂન બેકિંગ પાવડર
½ ટીસ્પૂન બેકિંગ સોડા
1/4 ટીસ્પૂન મીઠું
4 ટેબલસ્પૂન ઘી
2 કપ કેળાની પ્યુરી
½ ટીસ્પૂન વેનીલા એસેન્સ
ગાર્નીશિંગ માટે થોડા અખરોટ, વ્હીપ્ડ ક્રીમ
રીત:
- સૌથી પહેલા ઓવેનને 175° સે. પર પ્રીહીટ કરવા મૂકો અને મફીન પેનમાં પેપર લાઈનર મૂકીને તૈયાર રાખો.
- એક બાઉલમાં મેંદો, કોકો, ખાંડ, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા અને મીઠું લઇ બરાબર મિક્સ કરો.
- હવે તેમાં વચ્ચે થોડો ખાડો પાડી તેમાં ઘી, કેળાની પ્યુરી અને વેનીલા એસેન્સ ઉમેરી, સાચવીને ભેળવી દો.
- આ કેક બેટરને મફીન કપ્સમાં, દરેક કપમાં ¼ કપ જેટલું આવે એ રીતે, વહેંચી દો.
- ઓવેનમાં, વચ્ચે ટૂથપિક ખોસતા એ સાફ બહાર આવે ત્યાંસુધી, લગભગ 25 થી 30 મિનીટ સુધી બેક કરી લો.
- કેકને પેનમાંથી બહાર કાઢી ઠંડી પડે એટલે વ્હીપ્ડ ક્રીમ અને અખરોટથી સજાવીને સર્વ કરો.
eછાપું
Chocolate cup cake awesome
Thanks!😊