આવનારા વર્લ્ડ કપ માટે ભારતીય ટીમનું સિલેક્શન જ્યારથી થયું છે ત્યારથી લોકો એક જ સવાલ પૂછી રહ્યા છે કે બીજા વિકેટકીપર તરીકે દિનેશ કાર્તિક જ કેમ અને રિષભ પંત કેમ નહીં? વિરાટ કોહલીએ આજે એ સવાલનો જવાબ આપી દીધો છે.

મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ આજે છેલ્લા ઘણા દિવસોથી ભારતીય ક્રિકેટ ફેન્સના મનમાં રમી રહેલા સવાલનો જવાબ આપ્યો હતો. આ સવાલ હતો કે ભારતની વર્લ્ડ કપની ટીમમાં દિનેશ કાર્તિકને શા માટે સ્થાન આપવામાં આવ્યું અને તેને સ્થાને ઋષભ પંતને કેમ ન લેવામાં આવ્યો?
એક મુલાકાતમાં વિરાટ કોહલીએ સ્પષ્ટ કર્યું હતું કે જ્યારે અંતિમ સિલેક્શનનો સમય આવ્યો ત્યારે યુવા જોશ સામે અનુભવનું પલ્લું ભારે પડી ગયું હતું. વિરાટ કોહલીએ કહ્યું હતું કે ટીમને એક ફિનીશરની જરૂર હતી જે જરૂરીયાત દિનેશ કાર્તિક પૂર્ણ કરી શકે તેમ છે.
કોહલીના કહેવા અનુસાર ભારતની ટીમ મુખ્ય વિકેટકીપર તરીકે જેને લઇ ગઈ છે તે મહેન્દ્ર સિંહ ધોની તેની ફિનિશિંગ બેટિંગ માટે જાણીતો છે. આટલું જ નહીં પરંતુ તે ભારતનો સહુથી સફળ કપ્તાન પણ રહી ચૂક્યો છે. આવામાં વિકેટકીપિંગ અને ફિનિશિંગની બેવડી જવાબદારીનો ભાર કોઈ અન્ય ખેલાડીને આપવાનો હોય તો તે દિનેશ કાર્તિક જ છે.
દિનેશ કાર્તિક 2004થી વનડે ક્રિકેટ રમે છે જ્યારે રિષભ પંત હજી સાવ નવોસવો છે. દિનેશ કાર્તિકે છેલ્લા અમુક સમયમાં ધોનીની ગેરહાજરીમાં ફિનીશર તરીકે સારી કામગીરી પણ બજાવી છે. જ્યાં સુધી વનડે ક્રિકેટની વાત આવે છે ત્યારે દિનેશ કાર્તિકનું પલ્લું રિષભ પંત કરતા હાલપૂરતું જરૂરથી ભારે લાગે છે.
હાલમાં જ પૂર્ણ થયેલી IPLમાં પણ જ્યારે ઇનિંગ ફિનીશ કરવાની વાત હોય પછી તે પહેલી ઈનિંગમાં મોટો સ્કોર મુકવાની કે પછી બીજી ઇનિંગમાં છેક સુધી બેટિંગ કરીને મેચ જીતાડવાની તો દિનેશ કાર્તિકે રિષભ પંત કરતા મોટેભાગે સારો દેખાવ કર્યો છે. eછાપુંની IPL રિવ્યુ સિરીઝમાં પણ વખતો વખત રિષભ પંતની બેજવાબદાર બેટિંગની ટીકા કરવામાં આવી હતી.
આ પાછળનું એક માત્ર કારણ એક જ હતું કે જ્યારે ટીમ મેચ જીતવાની હોય ત્યારે રિષભ પંત ખોટા શોટ મારીને આઉટ થઇ જતો હતો. તેની આ જ આદત ચેન્નાઈ સુપર કિંગ્સ સામે દિલ્હી કેપિટલ્સની મેચમાં ભારે પડી ગઈ હતી.
આમ વિરાટ કોહ્લીનું માનવું સ્પષ્ટ છે કે અત્યારે તો મહેન્દ્ર સિંહ ધોનીને સ્થાને ઈમરજન્સીમાં કોઈ વિકેટ કિપરને રમાડવો પડે અથવાતો લોઅર મિડલ ઓર્ડરની બેટિંગ મજબૂત કરવી હશે તો ભારતીય ટીમ પાસે દિનેશ કાર્તિક સિવાય બીજો કોઈજ વિકલ્પ નથી. આથી રિષભ પંતે હજી થોડી રાહ જોવાની જરૂર છે.
eછાપું