વેકેશન માણવાના મામલામાં જ્યોતિરાદિત્ય સિંધિયાએ રાહુલને પણ પાછળ છોડ્યા!

0
253
Photo Courtesy: azadmanoj.com

કોંગ્રેસના મહાસચિવ એવા જ્યોતિરાદિત્ય સિંધિયાએ વિદેશમાં વેકેશન માણવા વાંરવાર જતા રાહુલ ગાંધીનો પણ રેકોર્ડ તોડી નાખ્યો છે એવા સમાચાર આવી રહ્યા છે!

Photo Courtesy: azadmanoj.com

આપણે જાણીએ છીએ કે કોઇપણ ચૂંટણી પત્યા બાદ અને કોંગ્રેસની હાર જોયા બાદ ગણતરીના કલાકોમાં જ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી વેકેશન પર નીકળી જતા હોય છે. જ્યારે પક્ષ હારનો સામનો કર્યા બાદ અત્યંત દુઃખી હોય અને નિરાશ હોય ત્યારે પક્ષના પ્રમુખની જવાબદારી હોય છે કે તે તેમની સાથે રહે અને તેમની હિંમત વધારે. પરંતુ રાહુલ ગાંધી એવું કરતા નથી. તેઓ હાર ખાધા પછી તુરંત જ વેકેશન માણવા વિદેશ જતા રહે છે.

પરંતુ મધ્ય પ્રદેશથી કોંગ્રેસના સાંસદ અને ગુનાથી કોંગ્રેસના ઉમેદવાર તેમજ પક્ષના મહાસચિવ તેવા જ્યોતિરાદિત્ય સિંધિયા તો પોતાના પક્ષ પ્રમુખ કરતા પણ બે ડગલાં આગળ નીકળી ગયા છે. તાજા સમાચાર અનુસાર સિંધિયા આજકાલ અમેરિકાના પ્રવાસે છે! યાદ રહે હજી લોકસભાની ચૂંટણીના છેલ્લા તબક્કામાં સિંધિયાના ગૃહ રાજ્ય મધ્ય પ્રદેશમાં પણ મતદાન થવાનું બાકી છે અને તેમને જે રાજ્યનો હવાલો સોંપવામાં આવ્યો છે તે ઉત્તર પ્રદેશમાં પણ ચૂંટણી થવાની બાકી છે. તેમ છતાં તેઓ પોતાનું કામ અધવચ્ચે છોડીને વેકેશન માણવા અમેરિકા જતા રહ્યા છે!

જે રીતે બે તબક્કાના મતદાન બાદ કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓ અને તેમના નેતાઓ વર્તન કરી રહ્યા છે કે નિવેદનો આપી રહ્યા છે તેના પરથી તો સાફ દેખાય છે કે તેઓ અત્યારથી જ પોતાની હાર સ્વીકારી ચૂક્યા છે. એમનેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ પ્રમુખ અમિત શાહ કે પછી કેન્દ્ર સરકારના વિવિધ મંત્રીઓ પોતાનો પક્ષ અને NDA ગત સમય કરતા પણ વધુ બેઠકો લાવશે તેવો વિશ્વાસ વ્યક્ત નથી કરી રહ્યા.

જ્યોતિરાદિત્ય સિંધિયાનું આમ અધવચ્ચે પ્રચાર છોડીને વેકેશન માણવા અમેરિકા જતા રહેવા અંગે બે કારણો જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. પહેલું કારણ તો એ છે કે મધ્ય પ્રદેશની ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષે પાતળી બહુમતિ મેળવ્યા બાદ જ્યોતિરાદિત્યને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી થવું હતું, પરંતુ તેમને બદલે કમલનાથને મુખ્યમંત્રી બનાવી દેવામાં આવ્યા હતા અને આને લઈને જ્યોતિરાદિત્ય સિંધિયા પક્ષ પ્રમુખ રાહુલ ગાંધીથી નારાજ થયા હતા તેવા સમાચારો એ સમયે આવ્યા હતા.

બીજું કારણ એ હતું કે કમલનાથના કહેવાથી જ રાહુલ ગાંધીએ જ્યોતિરાદિત્યને મધ્ય પ્રદેશથી દૂર રાખવા ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવી દીધા હતા જે પદ સ્વીકારવાની જ્યોતિરાદિત્યની બિલકુલ પણ ઈચ્છા ન હતી. તેમ છતાં પ્રિયંકા વાડ્રાને પણ તેમની જેમ જ ઉત્તર પ્રદેશનો ભાર સોંપવામાં આવતા સિંધિયા કમને ઉત્તર પ્રદેશ ગયા હતા. અહીં પણ જો કે તેમણે પૂર્વ કોંગ્રેસી પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીનું અપમાન કરનાર કોંગ્રેસી કાર્યકર્તાઓને બે દિવસ સસ્પેન્ડ રાખ્યા બાદ પક્ષમાં પરત લેવાનો આદેશ કરીને પોતાની નારાજગી દેખાડી દીધી હતી.

પરંતુ, આમ પ્રચારકાર્યની વચ્ચે અને એક તબક્કાનું મતદાન હજી તો બાકી હોય ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓમાંથી એક એવા જ્યોતિરાદિત્ય દેશ છોડીને અમેરિકા વેકેશન માણવા જતા રહે તે કોંગ્રેસ હાર સ્વીકારી ચૂકી હોવા સિવાય બીજો કોઈજ સંકેત આપતું નથી.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here