કમલનાથ સરકાર લઘુમતીમાં છે; ગવર્નરને કહેતું ભાજપ

0
149
Photo Courtesy: Scroll.in

મધ્ય પ્રદેશની કમલનાથના નેતૃત્ત્વ હેઠળની કોંગ્રેસ સરકાર જે એકદમ પાતળી બહુમતી ધરાવે છે તેના પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે અને ભાજપનો દાવો છે કે સરકાર હાલમાં લઘુમતીમાં આવી ગઈ છે.

Photo Courtesy: Scroll.in

એક્ઝીટ પોલની આગાહી અનુસાર કોંગ્રેસ મધ્ય પ્રદેશમાં માત્ર 1 થી 2 જ બેઠકો મેળવે તેવી પરિસ્થિતિમાં છે. આવામાં માત્ર છ જ મહિનામાં અહિની કોંગ્રેસ સરકારની લોકપ્રિયતા ઘટી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. થોડા દિવસ અગાઉ મધ્ય પ્રદેશ ભાજપના વરિષ્ઠ નેતા કૈલાશ વિજયવર્ગીયએ જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ કમલનાથ સરકાર 22 દિવસથી વધુ નહીં ટકે.

હવે મધ્ય પ્રદેશ વિધાનસભામાં વિપક્ષના નેતા ગોપાલ ભાર્ગવે રાજ્યપાલ આનંદીબેન પટેલને લખેલા એક પત્રમાં દાવો કર્યો છે કે મધ્ય પ્રદેશની કમલનાથ સરકાર હવે લઘુમતીમાં આવી ગઈ છે આથી બને તેટલું જલ્દી વિધાનસભાનું સત્ર બોલાવવામાં આવે અને સરકારને વિશ્વાસનો મત લેવાનું કહેવામાં આવે.

મધ્ય પ્રદેશની વિધાનસભામાં કુલ સભ્ય સંખ્યા 231ની છે જેમાં એક નોમિનેટેડ મેમ્બર છે જ્યારે એક બેઠક ખાલી છે. બહુમત પૂરવાર કરવા માટે સરકાર પાસે 120 સભ્યો હોવા જરૂરી છે. હાલમાં કોંગ્રેસ પાસે 113, 4 અપક્ષો 2 બહુજન સમાજ પાર્ટી અને 1 સમાજવાદી પાર્ટીનો ધારાસભ્ય છે. આવામાં કોંગ્રેસ પાસે બહુમતી  માટે જોઈતા બરોબર 120 સભ્યો છે જ્યારે ભાજપના 109 સભ્યો છે.

ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત એક અહેવાલમાં વિપક્ષી નેતા ગોપાલ ભાર્ગવે કહ્યું છે કે મધ્ય પ્રદેશમાં લોકસભાની 2014ની ચૂંટણીનું પુનરાવર્તન થવા જઈ રહ્યું છે અને આથી ગવર્નરે તાત્કાલિક વિધાનસભાનું ખાસ અધિવેશન બોલાવીને કમલનાથ સરકારને તેની બહુમતી સાબિત કરવાનું કહેવું જોઈએ.

અહીં એ વાત પણ નોંધપાત્ર છે કે બહુજન સમાજ પાર્ટીના સુપ્રિમો માયાવતીએ લોકસભાની ચૂંટણી દરમ્યાન રાજસ્થાનના અલવરમાં થયેલી ગેંગરેપની ઘટના બાદ કહ્યું હતું ક લોકસભાની ચૂંટણી સમાપ્ત થયા બાદ તેઓ રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને કર્ણાટકની કોંગ્રેસ સરકારોને આપેલા સમર્થન પર પુનઃવિચાર કરશે.

આમ, જો એક્ઝીટ પોલ અનુસાર જ ચૂંટણી પરિણામો આવ્યા તો માયાવતી પાસે અન્ય સરકારો સહીત મધ્ય પ્રદેશની સરકારને પણ આપેલો ટેકો પરત ખેંચવા સિવાય અન્ય કોઈજ માર્ગ નહીં રહી જાય.

બીજી તરફ કમલનાથે આ મામલે કહ્યું હતું કે 23મી તારીખે ભારતીય જનતા પાર્ટીની આ તમામ જુમલાબાજીઓનો અંત આવી જશે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here