એક્ઝીટ પોલ્સથી ગભરાયેલા, મૂંઝાયેલા અને ગુસ્સે થયેલા વિપક્ષી નેતાઓ

0
259
Photo Courtesy: newsx.com

રવિવારે જાહેર થયેલા લોકસભા ચૂંટણી 2019ના એક્ઝીટ પોલ્સ બાદ વિપક્ષી નેતાઓ તોળાઈ રહેલી હારને પચાવવા માટે તૈયાર નથી તેવું તેમના નિવેદનો પરથી લાગી રહ્યું છે.

Photo Courtesy: newsx.com

લોકસભાની ચૂંટણીઓ સમાપ્ત થયા બાદ ગઈકાલે સાંજે જાહેર થયેલા મોટાભાગના એક્ઝીટ પોલ્સમાં ભારતીય જનતા પાર્ટી અને તેના નેતૃત્ત્વ હેઠળ લડી રહેલા NDAને માત્ર સ્પષ્ટ જ નહીં પરંતુ જંગી બહુમતી મળવાની આગાહી કરવામાં આવી છે.

સ્વાભાવિક છે ભાજપ અને તેના સાથી પક્ષોને આ એક્ઝીટ પોલ્સના પરિણામોથી અત્યંત આનંદ હોય પરંતુ વિપક્ષી કેમ્પમાં રીતસર બેચેની પ્રસરી ગઈ છે અને વિપક્ષી નેતાઓ મનફાવે તેવા નિવેદનો કરી રહ્યા છે. આ તમામ નેતાઓ એટલી સરળ વાત પણ નથી સમજી શકતા કે આ માત્ર અનુમાન છે અને સાચાં પરિણામો નથી.

બહુજન સમાજ પાર્ટીના સુપ્રિમો માયાવતી જે આજે દિલ્હીમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને મળવાના હતા તેમણે એક્ઝીટ પોલ્સ જોયા બાદ પોતાની મુલાકાત રદ્દ કરી દીધી છે, માયાવતીએ કહ્યું છે કે તેઓ હવે ચૂંટણી પરિણામો આવ્યા બાદ જ આ બંને નેતાઓને મળશે! આ ઘટના સાબિત કરે છે કે માયાવતી એક્ઝીટ પોલ્સને જોઇને ગભરાઈ ગયા છે.

તો કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ તો જાણેકે પોતાની હાર જ સ્વીકારી લીધી છે. રાહુલ ગાંધીએ Tweet કરતા પોતાની અપેક્ષિત હારના દોષનો ટોપલો નમો ટીવી, મોદી સેના એટલેકે મોદીના સોશિયલ સમર્થકો અને EVM પર ઢોળી દીધો છે.

તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ રાજ્યમાં આટલા મોટાપાયે હિંસા આચરવામાં આવી હોવા છતાં એક્ઝીટ પોલ્સમાં ભાજપને થનારા ફાયદાને જોતા ગુસ્સામાં Tweet કરી હતી જેનો સાર એવો છે કે તેઓ એક્ઝીટ પોલ્સમાં માનતા નથી અને આ બધું EVMમાં ઘોંચપરોણા કરવા માટે થઇ રહ્યું છે. તેમણે વિપક્ષોને એક થઈને આ લડાઈ લડવાની હાકલ પણ કરી છે.

બીજી તરફ આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહે તો આખેઆખી ચૂંટણી જ રદ્દ કરી દેવાનું કહ્યું છે. તેમણે ગુજરાત સહીત અન્ય રાજ્યો જેમાં એક્ઝીટ પોલ્સ અનુસાર ભાજપ ક્લીન સ્વિપ કરશે એવી આગાહી કરી છે તેને જ માનવાનો ઇનકાર કરી દીધો છે અને જો મૂળ પરિણામ અને VVPATનો મેળ ન ખાય તો સમગ્ર ચૂંટણી પ્રક્રિયા જ રદ્દ કરી દેવાનું કહ્યું છે. યાદ રહે મોટાભાગના એક્ઝીટ પોલ્સ આમ આદમી પાર્ટીને એક પણ બેઠક આપી નથી રહ્યા!

આમ લાગે છે કે વિપક્ષ હજી પણ ભારતીય મતદાતાની સમજદારીને ઓળખી શક્યો નથી અને પરિણામે તેણે જ આપેલા નિર્ણયનું અપમાન કરવા માટે પોતાની જાતને તૈયાર કરી રહ્યો છે. ખરેખર તો પ્રજાનો નિર્ણય આંખ માથે ચડાવવાનો હોય ભલે તે પોતાની તરફેણમાં ન હોય. પરંતુ જે રીતે આ પ્રકારે રીએક્શન આવી રહ્યા છે તેના પરથી લાગી રહ્યું છે કે 23મી એ જો એક્ઝીટ પોલ્સ અનુસાર જ પરિણામો આવ્યા તો વિપક્ષી પાર્ટીઓ કશુંક નવાજૂની જરૂર ઉભી કરી શકે છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here