હિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે (12): ઠાકરેની ધરપકડ અને મુંબઈમાં કર્ફ્યુ

0
330
Photo Courtesy: quora.com

શિવસેનાની સ્થાપના બાદ તેના મરાઠીવાદી વિચારોને લીધે તેનો સતત વિકાસ થતો રહ્યો. બાળાસાહેબ ઠાકરેનું પણ કદ હવે વિસ્તરીને મોટું થયું હતું, એવામાં નાયબ મુખ્યમંત્રી મોરારજી દેસાઈની એક અવગણનાએ મુંબઈ સળગાવ્યું અને બાળાસાહેબની પહેલીવાર ધરપકડ થઇ!

Photo Courtesy: quora.com

ગયા અંકમાં આપણે યુનિયન મિનિસ્ટર યશવંતરાવ ચવ્હાણની પલાયનવૃત્તિ અને શિવસેનાની ‘મૉરલ વિક્ટ્રી’ વિશે વાંચ્યું. જે દિવસે ચવ્હાણ શિવસૈનિકોને જોઈને ડરી ગયા એ જ દિવસે વિજય જશ્ન મનાવવા બાળાસાહેબે શિવાજી પાર્કમાં એક રેલીને સંબોધન કરતા કહ્યું:

પોલિસને એવી સૂચના આપવામાં આવી છે કે શિવસેનાને ખતમ કરી દો, પણ આપણે તૈયાર છીએ. આપણે લાઠીથી કે બુલેટથી ડરવાનું નથી. આપણે કાયદાને હાથમાં નથી લેવો પણ આપણી માંગણીઓ તરફ ધ્યાન નહીં દેવામાં આવે તો આપણે બદલો જરૂર લેશું. શિવસેનાના નેતાઓને જેલમાં પણ જવું પડે તો ગભરાતાં નહીં. આજે હું એક કન્નડ છાપું લઈ આવ્યો છું – તેમાં છપાયેલા ફોટા જુઓ. મરાઠીમાં લખેલા દુકાનોના બોર્ડને તોડીને જે તે દુકાનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. તેમાં લખ્યું છે કે બબન પ્રભુ નામના કલાકારને હુબલીમાં મરાઠી નાટક ભજવવાની પણ ના પાડવામાં આવી.

આ બધું થયું ત્યારે એક પણ પોલિસ કર્મચારી ત્યાં હાજર ન હતો. અને આપણે અહીં ન્યાય માટે લડી રહ્યાં છીએ ત્યારે પોલિસની આખી ફોજ આવી ગઈ. ચવ્હાણ અહીં આવ્યા હતાં ત્યારે પોતાની કારમાંથી ઉતરીને શિવસૈનિકો સાથે વાત કરી હોત તો પણ આપણને થોડો સંતોષ થાત. પણ તે તો બાયલાની જેમ ભાગી નીકળ્યો. નાઈક સારો માણસ છે અને આપણા તેની સાથે સંબંધ પણ સારા છે. જોઈએ હવે શું થાય છે.

7 ફેબ્રુઆરીએ નાયબ મુખ્યમંત્રી મોરારજી દેસાઈ મુંબઈ આવવાના હતા. ઠાકરે મુંબઈના પોલિસ કમિશ્નર ઈમેન્યુઅલ મોડકને મળ્યાં અને ખાત્રી આપી કે શિવસેનાનું આંદોલન શાંતિપૂર્વક હશે. તે લોકોએ નક્કી કર્યું કે શિવસૈનિકો માહિમમાં મોરારજી દેસાઈને એક લખાણ સોંપશે. ઠાકરે અને તેના નેતાઓ કોઈ જ પ્રકારના ભવાડાં રસ્તા પર નહીં કરે અને મોરારજી દેસાઈ તેમનું લખાણ ખાત્રીપૂર્વક સ્વીકારશે!

રાત્રે 8 વાગ્યે ઠાકરે અને મનોહર જોશી એ સ્થળે પહોંચ્યા, જ્યાં મોરારજીને એ લખાણ સોંપવાનું હતું. રસ્તાની બંને બાજુ હજારો યુવાન શિવસૈનિકોના ઝૂંડ ભગવા વાવટા લઈને લગભગ 100 ફૂટ સુધી ફેલાયેલા હતા. લગભગ સાડા નવ વાગ્યે મોરારજી દેસાઈની કાર આવતી દેખાઈ. લોકોનો ઉત્સાહ વધ્યો અને વચન આપ્યા પ્રમાણે જે સ્થળે કાર થોભવાની હતી એ જગ્યા પર કાર ધીમી પણ ન થઈ. હા, બરાબર વાંચ્યુ, ધીમી પણ ન થઈ!

શિવસેનાની ગીરદીને અવગણીને કાર આગળ વધવા લાગી. એક શિવસૈનિકે હિંમત કરી કારની સામે આવવાની કોશિશ કરી તો અથડાઈને કારના જમણા પૈડા પાસે પડ્યો અને તેને ઈજા થઈ. શિવસેનાના કેમેરામેન (કરંબેળકર)ને પણ કારે અડફેટે લીધો. ગુસ્સે થયેલા માનવ મહેરામણે કાર પર પથ્થરમારો શરૂ કર્યો. મોરારજીની કારનું વિંડશિલ્ડ તૂટી ગયું પણ જેમતેમ તેઓ ત્યાંથી ભાગી છૂટ્યાં.

પોલિસે લોકો પર લાઠીચાર્જ શરૂ કર્યો. માહિમ ચર્ચ અને માહિમ બસ-ડેપો પાસે પણ પોલિસે દંડા ઉઠાવ્યાં અને ટીઅરગેસ છોડ્યો. શિવાજી પાર્કમાં લોકો મોરારજી દેસાઈની રાહ જોતા હતાં ત્યાં મનોહર જોશીએ આવીની સમાચાર આપ્યાં કે મોરારજીએ આપણી સાથે વિશ્વાસઘાત કર્યો છે અને કાડેલ રોડથી ચાલી ગયા. ઠાકરેએ જાહેરાત કરીઃ શિવસૈનિકનું લોહી વહ્યું છે, આપણે આનો બદલો તો લઈને જ રહીશું.

હવે આ પોલિસ અને શિવસેના વચ્ચેનું યુદ્ધ હતું. આખું દાદર યુદ્ધભૂમિમાં પરિવર્તિત થયું. દાદર સ્ટેશન પરની ઘડિયાળ, છાપાનાં સ્ટૉલ, શો-કેસ બધું જ તોડી પાડવામાં આવ્યું. કાડેલ રોડ, લેડી જમશેદજી રોડ અને રાનડે રોડ પર આવેલી પોલિસચોકી, બે બેસ્ટની બસ સળગાવવામાં આવી. રોકવાની દરેક કોશિશ છતાં દાદરથી આ હિંસા ભાયખલા પહોંચી.

અડધી રાત્રે પોલિસે જાહેર કર્યું કે 185 લોકોની ધરપકડ થઈ છે અને બે પોલિસ ઓફિસર તથા 15 હવાલદારને ઈજા થઈ છે. ઠાકરેએ મિડીયામાં સ્ટેટમેન્ટ આપ્યુંઃ પોલિસે અમારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. જે અહંકારથી મોરારજી ભાગી છૂટ્યા છે એ ત્રાસજનક અને ગુસ્સો દેવડાવે એવો છે. હવે કોઈ પણ નુકસાન થાય એની જવાબદારી અમારી નથી.

બીજે દિવસે સવારે પણ આવા હિંસાના બનાવો ચાલુ જ રહ્યાં. શિવસેનાએ એવું જાહેર કર્યું કે સાંજે પરેલના ભોઈવાડા મેદાનમાં ઠાકરે રેલીને સંબોધિત કરશે પણ તેમના બદલે દત્તાજી સાળવી ત્યાં સંબોધન માટે આવ્યાં. આવતાની સાથે જ પોલિસે દત્તાજીને અને બીજા નેતાઓને પકડી જેલમાં નાખ્યાં.

આ કારણથી દાદરના દરેક રસ્તા પરની લાઈટ તોડવામાં આવી, સ્વાન મિલ પાસેની પોલિસચોકી સળાગાવી, બેસ્ટની બસ સર્વિસ રોકવામાં આવી, ભાયખલા વિસ્તારની દુકાનો બંધ કરવામાં આવી. લગભગ રાત્રે 10 વાગ્યે, દાદરની ચિત્રા ટોકિઝ પાસેના પેટ્રોલપંપને સળગાવવાની તૈયારી શરૂ હતી ત્યારે પોલિસે આવીને લોકોની ધરપકડ કરી. લોકોએ તેમની સામે પણ પથ્થરમારો કર્યો. છેવટે કંટાળીને પોલિસકર્મીઓએ ગોળીબાર કર્યો.

9 ફેબ્રુઆરી 1969ના દિવસે રાજ્ય સરકારે નક્કી કર્યું કે આ બધું બંધ કરાવવા શિવસેનાના વડાની ધરપકડ કરવી જરૂરી છે. વહેલી સવારે બાળ ઠાકરે અને મનોહર જોશીને Preventive Detention act હેઠળ ધરપકડ કરી જેલમાં ધકેલવામાં આવ્યાં.

બળતામાં ઘી હોમાયું. સવારે 8 વાગ્યા સુધી તો ઠાકરેની ધરપકડના સમાચાર વાયુવેગે પ્રસરી ગયા. શિવસૈનિકો વધુ વિફર્યા. દૂધના બૂથ, દુકાનો, હોટલો બધું સળગવા માંડ્યું. દાદરના એન. સી. કેલકર રોડ પરની હોટલ વિસાવાને ભસ્મીભૂત કરી ત્યારે તેની આજુબાજુની પાંચ દુકાનો પણ સળગી. શિવસૈનિક અને પોલિસ હવે બથોબથ આવ્યાં. માટુંગામાં એક હોટલ, સેન્ચૂરી બજારની પ્રોપેર્ટી, લેમિંગટન રોડ પરના બે પેટ્રોલપંપ અને માહિમ સ્ટેશન પાસે પણ આગ ચાંપવામાં આવી. શિવડી પોલિસચોકી પાસે ડેપ્યુટી પોલિસ કમિશ્નર કુલકર્ણીને લોકોએ ઘેર્યા તો પોલિસકર્મીઓએ ત્યાં પણ ગોળીબાર કર્યો. સાંજે 5 વાગ્યા સુધી સુધીર જોશી, અરુણ મહેતા, ભાઈ શીંગ્રે, સાટમ ગુરુજી આવા શિવસેનાના નેતાઓની પણ ધરપકડ કરવામાં આવી.

છેલ્લે, વર્લી નાકાથી લઈને માહિમ સુધી પોલિસે 3 દિવસ માટે કર્ફ્યુ લાદ્યું. મુખ્યમંત્રી નાઈકે લોકોને શાંતિ રાખવા અપીલ કરી પરંતુ લોકો વધુ ભડ્ક્યા. આથી, મહારાષ્ટ્ર સરકારે યેરવડા જેલમાં ઠાકરેને લેખિત અપીલ માટે કહ્યું. ઠાકરેએ શાંતિ જાળવવા માટે અપીલ કરીઃ

અહીં મને અખબારો વાંચીને ખ્યાલ આવી ગયો છે કે કાયદા અને વ્યવસ્થાને પુનઃસ્થાપિત કરવા આર્મીને બોલાવવામાં આવી છે. વ્યાપક રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને અને તમામ રાષ્ટ્રવાદી ભારતીયોએ શાંતિ સ્થાપિત કરવા માટે સૈન્યની આવશ્યકતા ન હોવી જોઈએ. ભારતીય સૈન્યનું દેશની સરહદોની રક્ષા કરવી એ મુખ્ય કામ છે. મુંબઇમાં કાયદો અને વ્યવસ્થાની તુરંત જ સ્થાપના કરવામાં આવે એવી હું બધા શિવસૈનિકોને અપીલ કરું છું. પણ ધ્યાન રહે, કમ્યુનિસ્ટો આપણાઅ આ સંઘર્ષનો લાભ ન લઈ જાય.

લોકો પર આની અસર પડી. શિવસૈનિકોએ પોતે જ રાખેલા પોલિસ માટેના રસ્તા પરના બંધનો ખોલવા લાગ્યાં. 12 ફેબ્રુઆરીએ થોડાં વિસ્તારોમાં અને 13 ફ્રેબ્રુઆરીએ બધાં જ સ્થળેથી કર્ફ્યુ હટાવવામાં આવ્યું.

બીજે જ દિવસે મુખ્યમંત્રી નાઈક, વડાપ્રધાન ઈંદિરા ગાંધીને મળ્યા અને તેમને એક અહેવાલ આપ્યો. તેમાં લખેલું કે મુંબઈ રમખાણમાં 59 લોકો મૃત્યુ પામ્યાં, જેમાં 56 તો પોલિસની ગોળીઓથી જ મર્યા. કરોડોની મિલ્કતનું પણ નુકસાન થયું. એ બાદ સંસદમાં ચવ્હાણ અને નાઈકના રાજીનામા માટેની માંગણી ઊઠી. કેરળના મુખ્યમંત્રી નામ્બૂદીરીપદ, તામિળનાડુના મુખ્યમંત્રી કરૂણાનિધિ અને મૈસુરના મુખ્યમંત્રી વીરેન્દ્ર પાટિલે પણ પોતાની પ્રતિક્રિયાઓ આપી. દરેકે પોતાના રાજ્યના મુંબઈમાં રહેતાં લોકોની સેફ્ટી માટે વડાપ્રધાનને અરજી કરી.

ઈંદિરા ગાંધીએ સંસદમાં કહ્યું:  શિવસેના એ દેશની એકતા અને પ્રગતિ માટે જોખમી છે. ખેદજનક વાત છે કે વીર પુરુષ શિવાજીનું નામ આવી પાર્ટી સાથે જોડાયેલું છે. શિવાજી ફક્ત મહારાષ્ટ્રના નહીં પણ સમગ્ર રાષ્ટ્ના નાયક હતા. ભારતના વિવિધ ભાગોમાંથી લોકો નાણાં, વેપાર અને વ્યવસાયિક પ્રવૃત્તિઓ મુંબઈમાં લાવ્યા છે. મુંબઇને આ રીતે એક નાના આંદોલનથી સ્થાયી કરી નાખવું એ આ શહેરને માટે શરમજનક વાત છે. આપણે બધાએ શિવસેના જેવી ચળવળો શા માટે થઈ એ વિષયમાં ઊંડા ઊતરવાની જરૂર છે.

યે તો સબ શુરુઆત હૈ, આગે આગે દેખિયે હોતા હૈ ક્યા!

પડઘો

અમેરિકાના ઘણા મૉલમાં એવી નીતિઓ છે જેમાં નાનાં બાળકોને ચોક્કસ સમય પછી મૉલમાં પ્રવેશવાથી પ્રતિબંધિત કરે છે. આવા સમયે તેઓ માતાપિતા અથવા બીજા પુખ્ત વયના લોકો સાથે હોય એ જરૂરી છે. આવી નીતિને ‘મૉલ કર્ફ્યુ’ તરીકે ઓળખાય છે.

eછાપું 

હિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે સિરીઝ: ભાગ 1 | ભાગ 2 | ભાગ 3 | ભાગ 4 | ભાગ 5 | ભાગ 6 | ભાગ 7 | ભાગ 8 | ભાગ 9 | ભાગ 10 | ભાગ 11 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here