પરીક્ષાનું પરિણામ: અપને મન કા હો તો અચ્છા, ન હો તો ઔર ભી અચ્છા!

3
366
Photo Courtesy: indiatoday.in

પરીક્ષાઓ પત્યા બાદ હવે પરિણામની સીઝન ચાલુ થઇ છે. એવામાં દસમા અને બારમા ધોરણના અતિમહત્ત્વના પરિણામ બાદ માતાપિતાનો બાળક પ્રત્યે કોઇપણ પ્રકારના પરિણામ બાદ શો પ્રતિભાવ હોવો જોઈએ?

Photo Courtesy: indiatoday.in

બોર્ડનાં પરિણામો ઘણી જિંદગીઓની દિશા બદલી શકે છે, પણ સારી કે ખરાબ રીતે તે નક્કી થાય કે તમે કેવી રીતે તમારા પરિણામની અસર તમારા મન-મસ્તિષ્ક પર થવા દો છો તેના પરથી. ખાસ કરીને જ્યારે પરિણામ અપેક્ષાથી વિપરીત હોય. આ પરિસ્થિતિમાં ઘણી વખત વિદ્યાર્થીઓ અથવા તેમના મા-બાપ ખૂબ જ ઘેરી નિરાશા નો ભોગ બને છે. જે કદાચ કંઈક અંશે કુદરતી પણ છે, સપના એ નાજુક કાચ સમા હોય છે અને જો કાચ તૂટે તો તેની કરચો ક્યાંય સુધી દિલને કોરી ખાતી હોય છે! આ ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે અને આનો ભોગ બનેલા ઘણા પરિવારો માં આજીવન ન તૂટી શકે તેવી અદ્રશ્ય દીવાલો ઉભી થઈ જવાની શક્યતા રહેલી છે. તો આજે બોર્ડ (અથવા એવી કોઈ પણ મહત્વની પરીક્ષા માટે પણ) નું પરિણામ આવ્યા બાદ મારે વિદ્યાર્થી તેમજ વાલીઓ ને કંઈક જણાવવું છે. પહેલા મા-બાપ થી શરૂ કરીએ કારણ કે તમે મોટા છો અને એટલે સમજુ પણ!

પ્રિય વાલી મિત્ર,

બળબળતો ઉનાળો મીઠી મધુરી કેરીઓની સાથે સાથે ખટમીઠાં પરિણામો ની પણ સીઝન લઈને આવે છે! ખેડૂત માટે જેમ કેરીઓમાં છે એવું જ કંઈ વિદ્યાર્થીઓ માટે પરિણામ નું પણ હોય છે, આપણા હાથમાં માત્ર અને માત્ર મહેનત કરવું જ હોય છે, પરિણામ નહી. ખરી રીતે જોતાં પરિણામ કદી સારું કે ખરાબ નથી હોતું બસ હોય છે ઓછા કે પૂરતાં પ્રયત્નો! ઘણી વાર જેમ આપણે કોઈ વસ્તુ કે ચિત્ર ને ખૂબ જ નજીકથી જોતા રહીએ તો પછી એનાં ઘણાં પરિમાણ જે માત્ર દૂર થી જોવાથી જ ખ્યાલ આવે એ ચૂકી જવાતાં હોય છે તેવું દરેક માતા-પિતા માટે પણ કહી શકાય. આપણે આપણા બાળકોને ખૂબ જ નજીકથી જોતા હોઇએ છીએ અને પરિણામે આપણે એ જ જોવાનો પ્રયત્ન કરતા હોઈએ છે કે જે આપણે જોવા માંગીએ છીએ, એ નહી કે જે હકીકતમાં છે!

વાસ્તવિકતા નું સ્થાન આ સમયે તર્કહીન અપેક્ષાઓ લઈ લે છે અને પછી શરૂ થાય છે દ્વંદ્વ, વાસ્તવિકતા અને અપેક્ષાઓ વચ્ચે. આપણે ઘણી વાર પોતાની નિષ્ફળતાઓ અને પોતાના અધૂરાં રહી ગયેલા સપનાનો  મોટો કોથળો માથે મૂકી ફરતાં હોઈએ છીએ અને જ્યારે બાળક બોર્ડ જેવા કોઈ નિર્ણાયક વર્ષમાં આવવાનું હોય ત્યારે તેને તેની મરજી પૂછવાને બદલે સીધું જ આ મસમોટું ભારેખમ પોટલું તેનાં નાજુક ખભા પર સરકાવી દેતા હોઈએ છીએ! બાળક બિચારું અજાણતાં જ આ બહાર વેંઢાર્યે જાય છે અને જો બાળક નાં નાજુક ખભા આ બહાર ઊંચકવા અસમર્થ રહે તો આપણે તેને ના કહેવાના શબ્દો કહેવાનું શરૂ કરી દઈએ છીએ.

ના, સપના જોવામાં કે પોતાના બાળક પાસે સફળતાની આશા રાખવામાં કંઈ જ ખોટું નથી એ દરેક માબાપનો હક છે, પણ તકલીફ ત્યારે શરૂ થઈ જાય કે રેસમાં ઢગલાબંધ રૂપિયા જે ઘોડા પર લાગી ચૂક્યા હોય એ ઘોડા ને જ ખબર ન હોય કે કેમ અને કઈ તરફ દોડવાનું છે! મારા શિક્ષક તરીકેના અનુભવે મેં એક વાત જોઈ છે કે બાળક જયારે 11 સાયન્સ માં આવે ત્યારે એ ઘણા અંશે પોતાની મરજીથી ત્યાં નથી આવતું, ઘણા એવા બાળકો અમને ખાનગીમાં કહેતા હોય છે કે “સર, મારે તો આર્ટ્સ (કે અન્ય કંઈ) કરવું હતું પણ મમ્મી કે પપ્પા કહે છે ડોકટર કે એન્જીનીયર જ બનવું પડશે!”.

આ બહુ મોટી પારિવારિક વિટમ્બણા છે, કારણ કે બંનેમાંથી કોઈ પક્ષ ખોટો નથી, માબાપ પોતાની જગ્યા એ સાચા છે, કારણ કે એમનો દુનિયાનો અનુભવ કહે છે કે પૈસા વગર દુનિયામાં કંઈ જ નથી અને અત્યારે પૈસા કમાવા સારી પ્રોફેશનલ ડિગ્રી હોવી અનિવાર્ય છે. પણ જરા બાળક ની પરિસ્થિતિ પણ સમજવાનો પ્રયત્ન અહીં કરવા જેવો છે, બાળક કે જેને ફિઝીક્સ, કેમિસ્ટ્રિ, મેથ્સ કે બાયોલોજી જેવા પ્રમાણમાં અઘરાં વિષયો તદ્દન બાઉન્સર જય છે કારણ કે તેને આ વિષયો નીરસ લાગે છે.

આવું બાળક રોજે રોજ 8 કલાક એવી જગ્યાએ (સ્કુલ) બેસી રહે છે કે જે એને પસંદ નથી અને એવા વિષયોનાં લેકચર્સ એટેન્ડ કરે છે કે જે તેને બિલકુલ સમજમાં આવતાં નથી! આટઆટલું ‘સહન’ કરીને બાળક જ્યારે ઘરે પહોંચે ત્યારે કાં તો ટ્યુશન જવાનું હોય અથવા વિકલી ટેસ્ટ્સ ની લાઈન લાગેલી હોય.જરા કલ્પના કરી જુઓ બાળક કેટલી હદે મનમાં મૂંઝારો અનુભવતું હશે! આવી માનસિક પરિસ્થિતિ માં બાળક પાસે સારા પરિણામની અપેક્ષા કઈ રીતે રાખી શકાય!?

અત્યારે ઘણા લોકો આ વાંચતા વાંચતા વિચારતા હશે કે “તો શું અમારે બાળકોને સાયન્સ ભણાવવાનું છોડી દેવાનું!? એને મન ફાવે એમ કરવા દેવાનું!? અમારો કોઈ હક જ નહીં..વગેરે…”.ના અહીં કહેવાનો મતલબ આ બિલકુલ નથી. બાળક કરતાં તમારામાં દુનિયાદારી અને સમાજનું ભાન વધારે જ હોવાનું અને બાળકને એવું કંઈક ભણાવવું કે જેથી એની આગળની જિંદગી સરળ રહે એ વિચારવું એ દરેક માબાપની જવાબદારી છે. પણ મારો કહેવાનો માત્ર આશય એટલો જ છે કે આ નિર્ણય તમારે તો માત્ર લેવાનો જ છે બાળકે ક્ષણે ક્ષણ રોજે રોજ જીવવાનો છે! તો બાળકને પણ આ નિર્ણય પાછળનું આર્થિક અને સામાજિક લોજીક સમજવાનો મોકો આપવો જોઈએ, પોતાનો નિર્ણય બાળક પર થોપવાને બદલે જો આપણે બાળક ની સમજણશક્તિ પર વિશ્વાસ રાખી એને સમજવા તેમ જ સમજાવવાની કોશિશ કરીએ તો કદાચ બાળક પોતે જ ભણવામાં રસ લેવાનાં પ્રયત્નો ચાલુ કરી દેશે.

કદાચ માની લો કે ધાર્યું પરિણામ નથી પણ આવતું તો પણ બાળક આગળનું ભણતર જવાબદારીથી  નિભાવવાનો પ્રામાણિક પ્રયત્ન તો કરશે જ. જો પરિણામ ના પણ આવે તો પણ બાળક તે માટે તમને તો જવાબદાર નહીં જ ઠેરવે અને તમે પોતાના જ બાળકના કુમળાં માનસિક કેનવાસમાં આજીવન વિલન તરીકે ચિતરાવાથી બચી જશો. પોતાનાં બાળક ઉપર વિશ્વાસ રાખી તમારો નિર્ણય ગમે તેટલો સાચો હોય તો પણ તેને બાળક પર થોપવા કરતાં એવી રીતે રજૂ કરો કે બાળક પોતે જ એ પ્રમાણે વર્તન કરતુ થાય.

બીજી મોટી એક ભૂલ આપણા સમાજમાં એ થઈ રહી છે કે આપણે પરીક્ષાના પરિણામો ને અમસ્તો જ સામાજિક આબરૂ નો વિષય બનાવી દીધો છે. આપણે આપણા બાળકોને જેવા છે તેવા સ્વીકારવા તૈયાર નથી, આપણે બધાને બસ ઘરમાં ટોપર્સ જ જોઈએ છે. એટલી સામાન્ય વાત આપણે સમજતાં નથી કે કેરી અને કારેલા ની કોઈ સરખામણી ના થઈ શકે, કોઈ એમ કહે કે કારેલું તો નકામું છે કારણ કે તેમાં કોઈ રસ નથી અને થોડો ઘણો છે તો તે કડવો વખ જેવો છે તો તે પોતાની જ બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યું છે! કારણ કે કેરી અને કારેલું બન્ને અલગ છે અને બન્ને ના ઉપયોગો તેમ જ રંગ રૂપ અને ભાવ અલગ જ હોય, આમ તમારું બાળક એ પ્રભુનું એક અનુઠું સર્જન છે, તે ભગવાને તમને આપેલી ભેટ છે તેને બીજા સાથે કંપેર કરીને પોતાનું, બાળકનું અને ભગવાન નું અપમાન મહેરબાની કરી ના કરો.

આ બધું કર્યા બાદ પણ જો તમે ધારેલું રિઝલ્ટ બાળક નથી લાવી શકતું તો શું કરવું? મારા મતે કોઈપણ કામમાં પોતાનું 100% આપવું એ જે તે કામનાં આઉટકામ કરતાં વધુ અગત્યનું છે. જો તમને લાગતું હોય કે તમે અને તમારા બાળકે પોતાનાથી બનતા બધા પ્રયત્નો કર્યા છે પણ જોઈતું રિઝલ્ટ મળ્યું નથી તો જે રિઝલ્ટ છે તેને હસતા મોઢે સ્વીકાર કરો. પોતાના બાળકને તેની નિર્બળતા અને તમને દુઃખી કરવાના અપરાધબોધથી મુક્ત કરવા પ્રયત્ન કરો. તેના માથા પર હાથ મૂકી કહો “શાબાશ બેટા, મને ખબર જ છે તે તારાથી બનતું બધું જ કર્યું પણ પરિણામ આપણા હાથમાં નથી. જરા પણ મૂંઝાઈશ નહીં અમે તારી સાથે જ છીએ!” આ સાંભળી ને તમારું બાળક જે રીતે ખીલી ઉઠશે તે કોઈપણ પરિણામ કરતા તમને વધુ આનંદ આપશે અને આ વિશ્વાસ તેનામાં ફરીથી કોઈ પણ પરીક્ષામાં વધુ સારું કરવા પ્રેરણા આપશે.

પણ આપણે જોઈએ છીએ કે ઘણા માબાપની, ખાસ કરી મમ્મીઓની એવી આદત હોય છે કે આવેશમાં આવી પોતાના બાળકને ના બોલવાનું બોલી જવાય છે. યાદ રાખો, જિંદગીમાં કોઈ Ctrl+Z નું બટન નથી હોતું અને બોલેલા શબ્દો પાછા લઈ શકાતા નથી! મહેરબાની કરીને આવેશમાં આવી જઈ કંઈ પણ એવું ના બોલી બેસો કે જેનો પસ્તાવો તમને આજીવન રહે.

બસ આટલું યાદ રાખો કે દુનિયાની કોઈ પણ સફળતા કે પ્રસિધ્ધિ કરતાં તમારું બાળક વધારે મહત્વનું છે. ભણતર અને એમાં સફળતા જરૂરી છે જ પણ એ જીવનનો એક મૂલ્યવાન પણ નાનો ભાગ માત્ર છે તેને સમગ્ર જીવન માની લેવાની ભૂલ ન કરો. તો જો પરિણામ તમારા પક્ષમાં ના આવ્યું હોય તો તમારા બાળકને હજી વધુ પ્રેમ કરો કારણ કે અત્યારે તેને એની વધારે જરૂર છે. જેટલો પ્રેમ તમે તમારા બાળકને કરો છો તે પણ તમને એટલો જ પ્રેમ કરે છે, અરે તમે એના સૌ પહેલા હીરો છો.

આ તમારું એ જ બાળક છે કે જે કોઈએ માત્ર તમારા વિશે અપશબ્દ કહેલો ત્યારે પોતાની અલ્પ તાકાતની પરવા કર્યા વિના આખી સ્કુલ સાથે લડવા તૈયાર થઈ ગયેલું! એની પર વિશ્વાસ મુકો અને એની આગળની લડાઈમાં એની સાથે તમે પણ લડવા તૈયાર છો એવો એને વિશ્વાસ અપાવો.

અંતમાં લેબનીઝ કવિ શ્રી ખલિલ જિબ્રાનની એક સુંદર કવિતા ટાંકીશ, કે જે દરેક માબાપે વાંચવી મને જરૂરી લાગે છે.

તમારાં બાળકો તે તમારાં બાળકો નથી.

પણ, જગજીવનની પોતા માટેની કામનાનાં તે સંતાનો છે.

તે તમારી દ્વારા આવે છે પણ તમારામાંથી નહીં.

તેઓ તમારી સોડમા ભલે રહે છે, છતાં તે તમારાં નથી.

 તમે એમને તમારો પ્રેમ ભલે આપો પણ તમારી કલ્પનાઓ નહીં;

કારણ તેમને એમની પોતાની કલ્પનાઓ છે.

તમે ભલે એમના દેહને ઘર આપો, પણ એમના આત્માને નહીં;

કારણ તેમના આત્મા તો ભવિષ્યના ઘરમાં રહે છે,

જેની તમે કદી સ્વપ્નમાંયે ઝાંખી કરી શકવાના નથી.

* તમે તેમના જેવાં થવા ભલે પ્રયત્ન કરજો, પણ તેમને તમારા જેવાં કરવા ફાંફા મારશો નહીં;

કારણ જીવન ગયેલે માર્ગે પાછું જતું નથી, અને ભૂતકાળ જોડે રોકાઈ રહેતું નથી.

બાળકો રૂપી સજીવ બાણો છોડવાના તમે ધનુષ્યમાત્ર છો

અનુવાદ: કિશોરલાલ ઘ. મશરૂવાળા

શીર્ષક પંક્તિ: એક વાર એક ટીનેજર છોકરાને બોર્ડિંગ સ્કૂલમાં કોઈ નાટકમાં મુખ્ય કિરદાર નિભાવવાનો મોકો મળ્યો હતો અને પ્રેક્ટિસ પણ ખૂબ કરેલી પણ જ્યારે ખરેખર નાટક ભજવવાનો દિવસ નજીક આવ્યો તો તે છોકરો ખૂબ બીમાર થઈ ગયો અને એનો રોલ કોઈ અન્ય ને મળ્યો. જ્યારે તેના પિતા તેને મળવા આવ્યા ત્યારે તે છોકરો તેમને વળગીને આ વાત કરી રડવા લાગ્યો, ત્યારે તેના પિતાએ તેના માથે હાથ મૂકી કહેલું કે “અપને મન કા હો તો અચ્છા, ના હો તો ઔર ભી અચ્છા ક્યોંકી અબ જો હોગા વો ઈશ્વર કે મન કા હોગા ઔર ઈશ્વર કભી તુમ્હારા બુરા નહિ સોચેગા!” આ છોકરો આગળ જઈ સદી ના મહાનાયક અમિતાભ બચ્ચન તરીકે જાણીતો બન્યો અને તેમના પિતા હતાં હિન્દીના પ્રખ્યાત કવિ શ્રી હરિવંશરાય બચ્ચન

eછાપું

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here