કોંગ્રેસી નેતા પરેશ ધાનાણીએ ગુજરાતીઓને મૂર્ખ કહ્યા, પોસ્ટ વાયરલ થઇ

0
136
Photo Courtesy: m.dailyhunt.in

ફેસબુક પર અમરેલીથી કોંગ્રેસના ઉમેદવાર અને વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીની એક પોસ્ટે વિવાદ સર્જ્યો છે અને તે ફેસબુક પર ખાસ્સી વાયરલ થઇ ગઈ છે.

Photo Courtesy: m.dailyhunt.in

એક્ઝીટ પોલના પરિણામો એટલા તો જલદ આવ્યા છે કે ખરા પરિણામોની રાહ જોયા વગર વિપક્ષી આગેવાનો અને તેમના સમર્થકો ગમેતેવા નિવેદનો કરી રહ્યા છે. ગુજરાત વિધાનસભામાં વિપક્ષી નેતા અને અત્યારે અમરેલી લોકસભા બેઠકની કોંગ્રેસના ઉમેદવાર એવા પરેશ ધાનાણી પણ તેમાંથી બાકાત નથી.

ગઈકાલે પરેશ ધાનાણીએ ફેસબુક અને Twitter પર એક્ઝીટ પોલ્સ અંગે પોતાનું મંતવ્ય રજૂ કરતા ગુજરાતીઓને મૂર્ખ કહી દીધા હતા કારણકે લગભગ તમામ એક્ઝીટ પોલ્સ ભારતીય જનતા પાર્ટીને સંપૂર્ણ બહુમતી આપી રહ્યા છે. પરેશ ધાનાણી અન્ય કોંગ્રેસી નેતાઓ અને સમર્થકોની માફક એવું માને છે કે ભારતભરમાં સમસ્યાઓ માત્ર 2014થી જ શરુ થઇ છે અને તેમ છતાં લોકો તેને અવગણીને ભાજપને જ મત આપી રહ્યા છે અને માટે તેઓ મૂર્ખ છે.

પરેશ ધાનાણીની આ પોસ્ટ પર ગુજરાતીઓએ અત્યંત ગુસ્સામાં પોતાના રીએક્શન આપ્યા છે અને આ પોસ્ટને અસંખ્ય લોકોએ શેર કરીને પણ ધાનાણી તેમજ કોંગ્રેસ વિરુદ્ધ પોતાના આક્રોશને આગળ વધાર્યો છે.

પરેશ ધાનાણી અને તેમના જેવા અસંખ્ય લોકો એ જ છે જે છેલ્લા પાંચેય વર્ષ એક જ રેકોર્ડ વગાડે રાખે છે કે “પાંચ વર્ષમાં મોદી સરકારે કશું જ નથી કર્યું!” હવે આ ‘કશું જ ન કરવું’ એનો મતલબ અતિશય વ્યાપક છે. કારણકે જો કોઈ સરકાર ‘કશું જ ન કરે’ તો તેની અસર જમીન પર જરૂર દેખાય અને જનતા રસ્તા પર વિરોધ કરવા આવી જાય પરંતુ એવું નથી બન્યું.

આ જ ‘કશું નથી કર્યું’ જ્યારે પૂર્વની કોંગ્રેસી સરકાર માટે કહેવામાં આવે ત્યારે ઉપર જણાવેલી પ્રજા જ બેંકોથી માંડીને, શાળાઓ, એરપોર્ટ્સ અને કમ્પ્યુટર સુદ્ધાં કોંગ્રેસ ભારતમાં લાવી હતી એવો દાવો કરતા થાકતા નથી હોતા. (પેલું કોંગ્રેસે બનાવેલી શાળામાં જઈને ભાજપને મત આપતા શરમ નથી આવતી? એવો મેસેજ યાદ આવે છે ને?) એટલે સમસ્યાઓ માત્ર જે-તે સરકારના સમયમાં જ ઉભી થઇ હતી એમ કહેવું બિલકુલ યોગ્ય નથી.

તો સામે પક્ષે આ પ્રકારની સરકારે ‘કશું જ નથી કર્યું’ પ્રકારની દલીલનો જવાબ જ્યારે મોદી કે ભાજપ સમર્થકો મોદી સરકારની જનધન, કે ઉજ્જવલા કે પછી મુદ્રા યોજના વગેરેના આંકડાઓ રજૂ કરીને આપે ત્યારે યોગ્ય અને તાર્કિક દલીલ કર્યા વગર સહુથી પહેલા તેમને અંધ ભક્તો કહીને ઉતારી પાડવામાં આવે છે અથવાતો આ તો સરકારી આંકડા છે એટલે તેનો વિશ્વાસ ન કરાય એવી પાતળી ગલી પકડીને આ જ લોકો તેમાંથી ભાગી જતા હોય છે પણ એક નાનકડી RTI કરીને સરકારના દાવાઓ ખોટા છે એ સાબિત કરવાની હિંમત આ લોકો ક્યારેય નથી કરતા.

તો વાત કરીએ ભાજપને મત આપનારા મૂર્ખાઓની જે પરેશ ધાનાણી કહી રહ્યા છે. ધાનાણીનો કહેવાનો સીધો મતલબ એ જ થયો કે જે મતદાર કોંગ્રેસને મત નથી આપતો એનામાં અક્કલ નથી. તો પછી જો આ જ લોજીક હોય તો ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી અકલમઠા જ જન્મ લે છે જે આંખો બંધ કરીને ભાજપને મત આપે છે અને કાયમ બહુમતીથી જીતાડે છે.

કે પછી એવું છે કે ગુજરાતની પ્રજા અને હવે જો એક્ઝીટ પોલ્સની આગાહી સાચી પડે તો ભારતની પ્રજાની અક્કલના દરવાજા ખુલી ગયા છે કે તે કોંગ્રેસી તુષ્ટિકરણની, કે પછી માત્ર સરકારી નોકરી પાછળની દોટ લગાવવાની કે પછી અનામતની અથવાતો ઘેરબેઠાં વાર્ષિક 72,000 કમાઈ લેવાની લાલચમાં ફસાતી નથી અને અક્કલ વાપરીને મતદાન કરવા લાગી છે?

ખરેખર તો મૂર્ખ કોણ છે એ સવાલ કોંગ્રેસને થવો જોઈએ. જ્યારે 25 વર્ષ એટલેકે એક આખી પેઢી જન્મી, જુવાન થઇ અને નોકરીએ લાગી ગઈ અને કદાચ પરણીને તેણે સંસાર પણ વસાવી લીધો ત્યાં સુધી કોંગ્રેસને સત્તા નથી મળી તો તેની પાછળનું કારણ શું હોઈ શકે? ક્યારેય ગુજરાત કોંગ્રેસના આગેવાનોએ કોર્પોરેશનથી માંડીને વિધાનસભા અને લોકસભામાં મળતી હાર બાદ મનોમંથન કરવાનો ગંભીર પ્રયાસ કર્યો છે? ક્યારેય ભાજપ કરતા કશું અલગ, કશું નવું, કશું વધારે પોઝીટીવ ગુજરાતની પ્રજા સામે લાવવાની કોશિશ કરી છે? ના!

જીતવા માટે માત્ર અનામતનો સસ્તો મુદ્દો ઉભો થઈને અમુક બેઠકો વધારી શકાય પરંતુ તેનાથી સત્તા ન મળે કારણકે પેટ ચોળીને શૂળ ઉભું કરવા જેવા આંદોલનો છેવટે તો પ્રજાને જ નુકશાન કરતું હોય છે અને જ્યારે પ્રજા તમારી માન્યતા અનુસાર મૂર્ખ નથી હોય એટલે તમને બહુમતી તો ન જ મળે.

તમારી અંગત હતાશા જ્યારે તમે જાહેરમાં વ્યક્ત કરીને પ્રજા પર તેને ઠોકી બેસાડો ત્યારે એ વાત પણ સાબિત થાય છે કે તમે પીઢ રાજકારણી તો નથી જ. કદાચ એટલેજ નરેન્દ્ર મોદી અને અમિત શાહ આટલા સફળ છે અને કદાચ આવનારા દાયકા સુધી પણ રહેશે.

સોશિયલ મિડિયા અત્યંત ક્રૂર છે, પરેશ ધાનાણીની આ ‘ભૂલ’ હવે તેમને અને કોંગ્રેસને 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી સુધી નડશે કારણકે હવે આ અપમાનથી ગુસ્સે ભરાયેલા ગુજરાતીઓ જેમની આ પોસ્ટ પરની કમેન્ટ્સ તેમનો રોષ દર્શાવે છે તેઓ તેમને વારેવારે આ પોસ્ટને યાદ દેવડાવીને ડંખ મારતા રહેશે.

કરો તેવું પામો!

eછાપું

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here