લોકસભા 2019: પ્રજા જ જ્યારે ચૂંટણી લડે ત્યારે આવું જ અભૂતપૂર્વ પરિણામ આવે!

0
293
Photo Courtesy: thepublicsradio.org

2019ની લોકસભાની ચૂંટણીઓ દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવું સતત કહે રાખતા હતા કે તેઓ કે ભાજપ નહીં પરંતુ જનતા તેમના વતી ચૂંટણી લડી રહી છે. જાણીએ એમની આ વાત કેમ સાચી હતી.

Photo Courtesy: thepublicsradio.org

‘શું લાગે છે?’ છેલ્લા ચારેક મહિનાથી ફક્ત કૌટુંબિક પ્રસંગોએ જ નહીં પરંતુ વિવિધ વોટ્સએપ ગ્રુપ્સમાં પણ આ જ સવાલ પૂછાતો હતો. વળી આપણા ગુજરાતમાંતો મતગણતરીના બરોબર એક મહિના પહેલા જ મતદાન થઇ ગયું હતું એટલે ખરું પરિણામ શું આવશે એ જાણવાની આપણા બધાની ઉતાવળ કન્ટ્રોલ પણ થતી ન હતી. પરંતુ જ્યારે પણ ‘શું લાગે છે?’ નો સવાલ મને પૂછવામાં આવતો ત્યારે હું એટલું જ કહેતો કે ‘મોદીની તરફેણમાં જબરદસ્ત અન્ડર કરંટ છે અને પરિણામો ઐતિહાસિક અને આશ્ચર્યજનક આવશે.’

ગઈકાલે પત્રકાર મિત્ર કિન્નર આચાર્યે eછાપું માટે લખેલા આર્ટિકલમાં એમ કહ્યું હતું કે મોદીની તરફેણમાં અન્ડર કરંટ નહીં પરંતુ અપર કરંટ હતો. પરંતુ તેમનું નિશાન એ લોકો પર હતું જે જાણીજોઈને આ અન્ડર કે અપર કરંટને સમજવા માંગતા ન હતા ફક્ત મોદી દ્વેષને લીધે, બાકી સપાટીની નીચે મોદીની તરફેણમાં જબરદસ્ત લોકપ્રવાહ હતો જ.

પરિણામો કેમ ઐતિહાસિક અને આશ્ચર્યજનક આવશે એ કહેવા પાછળ અથવાતો એવી આગાહી કરવા પાછળ મારી પાસે ઘણા કારણો હતા. હું રાજકીય વિશ્લેષક નથી પરંતુ ભારતના રાજકારણને બહુ નજીકથી જોવું છું કારણકે એ બોલિવુડ અને ક્રિકેટ ઉપરાંત મારા માટે અત્યંત રસનો વિષય છે. તો છેલ્લા એક વર્ષથી દેશભરમાં એવી ઘટનાઓ બનવા લાગી હતી જેણે મને ધીમેધીમે એ વિશ્વાસ અપાવવા માંડ્યો કે ‘આવશે તો મોદી જ!’

યાદ હશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વખતે આપેલા અસંખ્ય ઇન્ટરવ્યુઝમાંથી છેલ્લા તબક્કાના ઇન્ટરવ્યુઝમાં એક વાક્ય કાયમ જોડ્યું હતું અને એ હતું કે, “આ વખતે હું કે ભાજપ ચૂંટણી નથી લડી રહ્યો પરંતુ પ્રજા ખુદ ચૂંટણી લડી રહી છે.” મારા છેલ્લા એક વર્ષના નિરીક્ષણ સાથે વડાપ્રધાનનું આ વાક્ય બરાબર બંધ બેસતું હતું. જાણીએ કેવી રીતે!

પ્રજા એટલેકે આપણા જેવા જ અને આપણામાંથી જ અસંખ્ય એવા લોકો હતા જેઓ આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર  મોદી ફરીથી સત્તા સંભાળે એના માટે કાર્યરત થઇ ગયા હતા અને એ પણ પૂરેપૂરી ગંભીરતા સાથે. અહીં આપણે સોશિયલ મિડિયા પર સ્વેચ્છાએ નરેન્દ્ર મોદી પ્રત્યે પોતાના અપાર પ્રેમને કારણે તેમનો પ્રચાર કરતા લોકો જેમના પર ભાજપ IT સેલ દ્વારા દર મહીને 1500 રૂપિયા પહોંચાડવાનો નિમ્ન કક્ષાનો આરોપ મોદી દ્વેષીઓ દ્વારા મુકવામાં આવે છે તેમની તો વાત જ નથી કરતા. આ ઘટનાઓ એવી હતી જે લોકોના ઘરની બહાર ઘટી હતી.

લગભગ એકાદ વર્ષ અગાઉ ઉત્તર પ્રદેશના અમુક સાયકલીસ્ટ્સ ‘નમામિ ગંગે’ નો સંદેશ ફેલાવવા માટે પહેલા વડાપ્રધાન મોદીને દિલ્હીમાં મળ્યા હતા અને પછી તેઓએ સમગ્ર ગંગા નદીના પટ્ટા પર સાઈકલ પર ફરીને ગંગાને સ્વચ્છ રાખવાનો સંદેશ ફેલાવ્યો હતો. એક સરકારી યોજનાનો પ્રચાર સામાન્ય માણસો પોતાની રીતે કરતા હોય એવું ક્યારે જોવા મળ્યું છે?

બદ્રીનાથ મંદિર જવાના રસ્તે એક નાનકડી હોટલ ચલાવતા વ્યક્તિએ છેલ્લા અમુક વર્ષથી પોતાની હોટલમાં ‘મોદીજી થાલી’ શરુ કરી છે. આ થાળીમાં ખીચડી, દાલ, સબ્જી, સલાડ, રોટી અને દહીં પીરસવામાં આવે છે અને નરેન્દ્ર મોદી પોતે પોતાના રોજીંદા ભોજનમાં આવી સાદી વાનગીઓ જ ખાય છે તેને ધ્યાનમાં લઈને આ પ્રકારની થાલી ડિઝાઈન કરવામાં આવી હતી.

કાશ્મીરની કેટલીક મહિલાઓએ ગત રમઝાન મહિનામાં દરરોજ નરેન્દ્ર મોદી માટે રોજા છોડતી વખતે દુઆ માંગી હતી. શા માટે? કારણકે નરેન્દ્ર મોદીની ઉજ્જવલા યોજનાથી તેમને ઘરના પ્રદુષણથી તો મુક્તિ મળી જ હતી પરંતુ રસોઈમાં સમય બચવાને લીધે તેઓએ સાઈડમાં ભરતકામ કરીને વધારાની આવક કમાવવાનું શરુ કરી દીધું હતું.

ત્યારબાદ લગભગ ગત વર્ષના અંતમાં કે પછી આ વર્ષની શરૂઆતમાં સુરતના લગ્ન કરવા જઈ રહેલા એક કપલે પોતાની કંકોત્રીમાં ખાસ નોંધ લખાવી કે અમને તમે લગ્નની ભેંટ અથવાતો ચાંદલો ન આપતા બસ આવનારી લોકસભાની ચૂંટણીઓમાં નરેન્દ્ર મોદીને મત આપજો અમારા માટે એ જ લગ્નભેટ છે!

આ કંકોત્રી સંદેશની ઘટના તો એટલી બધી વાયરલ થઇ ગઈ કે સુરતમાં જ આવા બે થી ત્રણ કિસ્સા જોવા મળ્યા હતા એટલુંજ નહીં પરંતુ બેંગ્લોર, મેંગલોર, ઉત્તર પ્રદેશ અને બિહારમાં પણ આ જ રીતે પોતાનું નવું જીવન શરુ કરવા જઈ રહેલા યુવાનો અને યુવતીઓ પોતપોતાના લગ્નની આમંત્રણ પત્રિકાઓમાં મોદીને મત આપવાની અપીલ કરવા લાગ્યા હતા.

દક્ષિણ ભારતની ગિનેસ બૂકમાં નામ લખાવનાર એક યુવતિએ તમિલનાડુથી લદાખ સુધી પોતાની મોટર બાઈક પર પોતાનું પેટ્રોલ ભરાવીને સફર કરી, શેને માટે? તે પોતાના સમગ્ર માર્ગમાં આવતા ગામડે ગામડે જઈને ફક્ત એટલો જ સંદેશ આપતી હતી કે મત તો મોદીને જ આપજો. આપણું સુરત ફરીથી અહીં પણ પાછળ નહોતું રહ્યું અને અહીનો એક યુવાન પણ સુરતથી નાશિક આ જ સંદેશ લઈને પોતાની બાઈક પર ઉપડ્યો હતો એવા સમાચાર પણ સામે આવ્યા હતા.

ગોધરા તેમજ ઉત્તર પ્રદેશના કોઈ શહેરમાં ખાસ મોદી સાડી પ્રિન્ટ કરવામાં આવી અને એટલુંજ નહીં તેને મહિલાઓનો જબરદસ્ત પ્રતિસાદ પણ મળ્યો. આ પ્રકારની મોદીના ફોટો ધરાવતી શુભ પ્રસંગોએ સાડી પહેરેલી મહિલાઓના ફોટોગ્રાફ્સ પણ ખાસ વાયરલ થયા હતા. તો જામનગરના પ્રખ્યાત શ્રીખંડ સમ્રાટના માલિકે ગુજરાતના મતદાન અગાઉ મોદી પેંડા ચાલુ કર્યા હતા. આ અનોખા પેંડા પર નરેન્દ્ર મોદીની છાપ હતી અને તેના માટે તેમણે ખાસ પોતાના ખર્ચે ડાઈ તૈયાર કરાવી હતી. આટલુંજ નહીં તેઓ દરરોજ આ પેંડા મફતમાં જામનગરના શહેરીઓને વહેંચતા હતા. કોઇપણ રાજકીય પક્ષ માટે કોઈ સામાન્ય માણસ શા માટે એક પૈસો પણ રોકે અને વળી તેનો મફતમાં પ્રચાર પણ કરે?

ઉત્તરાખંડ જ્યાં ભાજપે તમામ બેઠકો જીતી છે અહીં એક ગામડામાં ગ્રામવાસીઓએ ગામડાના દરવાજે જ મોટું બેનર ચડાવી દીધું હતું કે અહીં ફક્ત મોદીના ફેન્સ જ રહે છે એટલે મહામિલાવટી પાર્ટીઓએ અહીં પ્રચાર કરવા માટે પ્રવેશ કરવો નહીં. ઉત્તર પ્રદેશના કોઈ હોટેલના વેઈટર્સ પૂરેપૂરા જોશથી અને એકદમ સૂરમાં ઢોલક અને મંજીરા વગાડતા વગાડતા ‘આયેગા તો મોદી હી!’ જેવું ભજન ગાતા હોય એવો વાયરલ થયેલો વિડીયો તમે પણ જોયો હશે.

વારાણસી, જ્યાં નરેન્દ્ર મોદી ખુદ ચૂંટણી લડ્યા હતા અને જીત્યા છે, ત્યાં એમની સભાઓ માટે મંડપ અને અન્ય સુવિધાઓ પૂરી પાડનારા સપ્લાયર્સે પોતાના બિલ્સની ચૂકવણી માટે નરેન્દ્ર મોદીની સહી ધરાવતા ચેક્સ બેંકમાં જમા સુદ્ધાં નહોતા કરાવ્યા!! અને આ રકમ નાનીસૂની ન હતી.

આ તો પ્રચાર શરુ થયો એ પહેલા કે એ દરમ્યાનની ઘટનાઓ હતી. નરેન્દ્ર મોદી પ્રત્યેનો સમાન્ય માનવીનો પ્રેમ એટલો બધો હતો કે મતદાન કર્યા પછી કે પછી પરિણામોની રાહ જોતી વખતે પણ તેઓ એ સુનિશ્ચિત કરી રહ્યા હતા કે ‘આવશે તો મોદી જ’.

રાજસ્થાનના એક ગામડામાં મતદાન થયા પછી પણ એક લગ્નના મંડપમાં ચારે તરફ મોદી સરકારની યોજનાના બેનર હતા. એક મોટા LED પર નરેન્દ્ર મોદીની વિવિધ સભાઓ, વિદેશી આગેવાનો સાથેની તેમની મુલાકાતો અને અન્ય બાબતોના ફોટા સતત ડિસ્પ્લે થઇ રહ્યા હતા. તો મોટાભાગના જાનૈયાઓ તેમજ કન્યાપક્ષના સગાઓએ મોદીની તસ્વીર ધરાવતા ટીશર્ટ પહેર્યા હતા અને આ બધાએ ‘મોદી મોદી મોદી મોદી’ બોલીને ડાન્સ પણ કર્યો હતો.

પરિણામના દિવસે પણ દેશના અનેક ભાગોમાં લોકોએ મોદી ફરીથી વડાપ્રધાન બને તે માટે પોતાના ઘરના મંદિરમાં અખંડ દીવો રાખ્યો હતો, અમુક મંદિરોમાં અખંડ ધૂન થઇ હતી. ઉત્તરાખંડના એક ગામડામાં એક વૃદ્ધે મતગણતરીના દિવસે જ્યાં સુધી નરેન્દ્ર મોદીની જીત પાક્કી ન થાય ત્યાં સુધી અન્નજળનો ત્યાગ કર્યો હતો.

તો, આ બધું શું હતું? આ તદ્દન બિનરાજકીય પ્રચાર હતો જે ભારતની જનતા સ્વયંભૂ કરી રહી હતી નરેન્દ્ર મોદીને ફરીથી દેશનું સુકાન સોંપવા માટે અને એ પણ છેલ્લા એક વર્ષથી. શું ખેડૂતો તકલીફમાં હોય, કે મધ્યમવર્ગ દુઃખી હોય, વેપારીવર્ગ પીસાઈ રહ્યો હોય, લઘુમતી ભયમાં હોય તો એ બધા એ વ્યક્તિ માટે આટલું બધું પોતાની રીતે અને નિસ્વાર્થભાવે કરે જેના પર તેમને તકલીફો આપવાનો આરોપ લાગતો હોય?

દ્વેષ બહુ જ હાનીકારક વસ્તુ છે જે વ્યક્તિને છેવટે કશું પણ હકારાત્મક સ્વીકારતા, નિહારતા કે પછી વિચારતા રોકી દે છે અને અહીં જ તેનું અધ:પતન શરુ થઇ જાય છે. છેક છેલ્લે સુધી નરેન્દ્ર મોદીની હારનો દાવો કરતા અને તેમને હ્રદયથી સમર્થન કરતા લોકોની ભદ્દી મજાક ઉડાવતા ફેસબુક સમ્રાટો અને સામ્રાજ્ઞીઓ અને પત્રકારો એક માત્ર નરેન્દ્ર મોદી પ્રત્યેના દ્વેષથી એટલા બધા પીડાય છે કે તેમને એવું લાગવા લાગ્યું હતું કે તેઓ જે વિચારે છે કે જે વ્યક્ત કરે છે એમ જ થવાનું છે.

કદાચ આ જ કારણસર તેઓએ આ તમામ ઘટનાઓ જે આ આર્ટિકલમાં વર્ણવી છે તેને અવગણી હતી અથવાતો તેને મોદી ભક્તિ કહીને હસી કાઢી હતી. પરંતુ સાચું કહીએ તો આ મોદી ભક્તિ ન હતી, આ મોદી વિશ્વાસ હતો. જે વ્યક્તિએ ગામડા ગામની મહિલાઓને વર્ષો પછી ધુમ્રરહિત રસોઈ આપી હોય, જે વ્યક્તિએ પહેલીવાર ગામડામાં વીજળી આપી હોય અને જે વ્યક્તિએ માત્ર 1%ના વ્યાજે ઘરનું ઘર બનાવવા માટે લગભગ દોઢથી બે લાખ રૂપિયાની મદદ કરી હોય એના પર એ લોકો વિશ્વાસ કેમ ન કરે અને એ જ લોકો એ સુનિશ્ચિત કરવા પોતાનાથી બનતું બધું જ કેમ ન કરે કે એ વ્યક્તિ ફરીથી સત્તાનું સુકાન સંભાળે?

આ બધી સમસ્યાઓ ઉપરાંત પાંચ વર્ષ પહેલા દરેક ભારતીય આતંકવાદની સમસ્યાથી પીડાતો હતો અને એક અજાણ્યા ભય હેઠળ જીવતો હતો. એ ભય કે ક્યાંક આજે સાંજે હું પરત ઘરે આવીશ કે કોઈ બોમ્બ ધડાકો મને ભરખી જશે? પરંતુ નરેન્દ્દ મોદી સરકારની જડબેસલાક વિદેશનીતિ અને પાકિસ્તાનના બે-બે મોટા આતંકવાદી હુમલાઓનો તેને જડબાતોડ જવાબ આપવાથી સામાન્ય વ્યક્તિને પણ નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વ હેઠળના દેશમાં સુરક્ષિત હોવાનો અનુભવ થયો.

નરેન્દ્ર મોદીના ટીકાકારો (કે પછી દ્વેષીઓ?) સમગ્ર ચૂંટણી પ્રચાર દરમ્યાન તેમની રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે જ ચર્ચા કરવા બદલ ટીકા કરતા હતા, પરંતુ સામાન્ય માનવી એ જરૂર સમજી ગયો હતો કે જો દેશ સુરક્ષિત હશે તો હું સુરક્ષિત રહીશ અને તો જ હું શાંતિથી કમાઈ શકીશ અને મારા કુટુંબને સુખી રાખી શકીશ, અને આ બધું ત્યારે જ થશે જ્યારે નરેન્દ્ર મોદી નામનો વ્યક્તિ બીજા પાંચ વર્ષ વડાપ્રધાન બને.

બસ, આ જ બધા કારણોસર પ્રજાએ વિપક્ષ વિરુદ્ધ ચૂંટણી પ્રચાર કરવાનું અને ચૂંટણી લડવાનું કામ પોતાના હાથમાં લઇ લીધું અને છેવટે એ સુનિશ્ચિત કર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજા પાંચ વર્ષ માટે દિલ્હીના 7, લોકકલ્યાણ માર્ગ છોડીને બીજે ક્યાંય ન જાય!

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here