ભગવાન કહે તો પણ કોંગ્રેસ પાસે અત્યારે રાહુલ સિવાય અન્ય કોઈજ વિકલ્પ નથી

0
281
Photo Courtesy: orissapost.com

કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીએ કોંગ્રેસ પક્ષના અધ્યક્ષપદેથી રાજીનામું આપવાની ઓફર કરી જેને નકારી દેવામાં આવી કારણકે અત્યારે પક્ષ પાસે રાહુલ ગાંધી સિવાય બહેતર વિકલ્પ નથી. જાણીએ કેવી રીતે!

Photo Courtesy: orissapost.com

શનિવારે કોંગ્રેસ વર્કિંગ કમિટીની (CWC) બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં 2019ની લોકસભાની ચૂંટણીઓના પરિણામોએ કોંગ્રેસની કરેલી ભયંકર ખરાબ હાલતનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આ મીટીંગ જ્યારે ચાલી રહી હતી ત્યારે ‘સૂત્રોએ’ બહાર રાહ જોઈ રહેલા પત્રકારોને અંદરથી એવી માહિતી આપી હતી કે રાહુલ ગાંધીએ આ નાલેશીભરી હારની જવાબદારી સ્વીકારીને કોંગ્રેસ પ્રમુખપદેથી રાજીનામું આપવાનો ‘પ્રસ્તાવ’ મૂક્યો હતો.

આ સમાચાર પરિણામના દિવસથી સોશિયલ મિડિયામાં ફરી રહેલા એક જોક જેવા જ હતા કે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ રાહુલ ગાંધીને પ્રમુખપદેથી રાજીનામું આપ્યું અને રાહુલ ગાંધીએ રાહુલ ગાંધીને સમજાવ્યા કે રાહુલ ગાંધી આ રાજીનામું પરત લઇ લે, પરંતુ રાહુલ ગાંધી ન માનતા રાહુલ ગાંધીએ એમનું રાજીનામું નકારી દીધું! જો કે આ સમાચાર આવ્યા કે તરતજ કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પત્રકારોને કહ્યું કે આ વાત સાવ ખોટી છે અને રાહુલ ગાંધી તો છેક છેલ્લે બોલવાના છે.

પરંતુ, છેવટે તો એમ જ થયું જેવી અફવા હતી. CWCની બેઠકમાં નહીં નહીં તો પણ ચારેક કલાક ચાલેલા મનોમંથન બાદ એ જ રણદીપ સુરજેવાલાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે રાહુલ ગાંધીએ કોંગ્રેસ પ્રમુખપદેથી રાજીનામું આપવાની ઓફર કરી હતી પરંતુ CWCએ તેને નકારી દીધું છે. સુરજેવાલાએ એમ પણ ઉમેર્યું હતું કે CWCએ રાહુલ ગાંધીને તેમને યોગ્ય લાગે એ રીતે સમગ્ર કોંગ્રેસી માળખામાં પરિવર્તન લાવવા માટે નિર્ણય લેવાના સંપૂર્ણ હક્ક આપી દીધા છે.

કેટલીક ન્યૂઝ ચેનલોએ CWCના આ નિર્ણયને કોંગ્રેસને ઘોર પરાજય આપવા માટે રાહુલ ગાંધીને મળેલું ઇનામ કહ્યો હતો, પરંતુ શાંતિથી વિચારશો તો એવું જરૂર પ્રતીત થશે કે અત્યાર પુરતું તો કોંગ્રેસ પાસે રાહુલ ગાંધી સિવાય બીજો કોઈજ વિકલ્પ નથી. આ પ્રકારના નિર્ણય પર આવવા માટે રોકેટ સાયન્સના ક્લાસ ભરવાની જરૂર જ નથી, ફક્ત ગઈકાલની CWCની બેઠકમાં હાજર રહેલા ચહેરાઓ પર જ એક નજર ફેરવી લેવાની જરૂર છે.

કોણ કોણ સામેલ હતું આ બેઠકમાં? આ બેઠકમાં કાં તો એ લોકો હાજર હતા જેમણે આ વખતની લોકસભા ચૂંટણી લડી જ નથી જેમકે પ્રિયંકા ગાંધી, એ કે એન્ટની વગેરે અથવાતો એ લોકો હાજર હતા જેમણે આ ચૂંટણીમાં પરાજય જ નહીં પરંતુ ભવ્ય પરાજયનો સામનો કર્યો છે. ખુદ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી સ્મૃતિ ઈરાની સામે 50 હજારથી પણ વધુ મતથી અમેઠી જે કોંગ્રેસ પરિવારનો ગઢ ગણાતો હતો ત્યાં હારી ગયા છે.

હવે હારેલા સેનાપતિનું સ્થાન કાં તો કોઈ વિજયી સેનાપતિ લઇ શકે અથવાતો સાવ નવો સેનાપતિ લઇ શકે આવી સામાન્ય સમજનો ઉપયોગ અહીં કરી શકાય. તો હારેલા સેનાપતિ જ્યારે આ CWCનું અધ્યક્ષપદ સંભાળી રહ્યા હતા તો તેમની સામે કોણ કોણ હતું? જ્યોતિરાદિત્ય સિંધિયા, શીલા દિક્ષિત, મલ્લિકાર્જુન ખડગે વગેરે વગેરે. આ તમામ પરાજયનો સ્વાદ ચાખી ચૂક્યા છે. તો બહેન પ્રિયંકા કે પછી એ કે એન્ટની વગેરે જે ચૂંટણી લડ્યા જ નથી.

તો પછી આ બધામાં જીતેલું કોણ હતું? ગઈકાલની સમગ્ર CWCમાં સોનિયા ગાંધી અને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંગ જ એવા હતા જેઓ જીત્યા હતા. હવે ખાટલે મોટી ખોડ એ છે કે જો રાહુલ ગાંધી રાજીનામું આપે અને જીતેલી વ્યક્તિ તરીકે સોનિયા ગાંધીને ફરીથી કોંગ્રેસ પ્રમુખ બનાવવામાં આવે તો પણ કોંગ્રેસનું નામ ડૂબે કારણકે આ કોંગ્રેસની ગાડી રિવર્સ ગિયરમાં ગઈ એમ કહેવાય. તો કેપ્ટન સાહેબને જો કોંગ્રેસ ચલાવવા આપે તો તેમના સ્વભાવ અનુસાર એ કોઈની સાડાબારી રાખ્યા વગર પક્ષ ચલાવવાના અધિકાર માંગે જે કોંગ્રેસી સંસ્કૃતિ અનુસાર આવા હક્કો ગાંધી પરિવારની બહાર આપવા એ ક્યારેય શક્ય નથી બનવાનું.

વળી અમરિંદર સિંગને પંજાબનો મોરચો સંભાળવો કદાચ વધુ યોગ્ય લાગે છે કારણકે હવે બે-અઢી વર્ષમાં ત્યાં પણ ચૂંટણી આવશે અને જો યાદદાસ્ત સાથ આપતી હોય તો આ જ કેપ્ટન અમરિંદર સિંગે પંજાબની વિધાનસભા ગત ચૂંટણીમાં મેળવેલા ભવ્ય વિજય બાદ કહ્યું હતું કે આ તેમની છેલ્લી ચૂંટણી હતી! ઠીક છે સમય આવે રાજકારણીઓ તેમના નિવેદનો અને નિર્ણયો બદલતા રહેતા હોય છે, પરંતુ તેમ છતાં આ ફેક્ટર પણ ધ્યાનમાં લેવા જેવું તો ખરું જ.

તો સંપૂર્ણ ચિત્ર જોવા જઈએ તો શનિવારની CWCની બેઠકનો નિર્ણય હાલપૂરતો તો કોંગ્રેસ પાર્ટી માટે યોગ્ય જ હતો. સિવાયકે કોંગ્રેસ એવી હિંમત દેખાડે કે ભલે હાર્યા તો હાર્યા પણ જ્યોતિરાદિત્ય કે પછી જીતીન પ્રસાદ અથવાતો સચિન પાયલટને અમે કોંગ્રેસ પ્રમુખ બનાવીએ છીએ, પરંતુ એમ કોંગ્રેસીઓ ગાંધી પરિવારની છત્રછાયા પોતાના માથેથી દૂર થાય એવું જલ્દીથી સ્વીકારે નહીં જ.

આટલી જબરી હાર પછી પણ કોંગ્રેસ પાસે રાહુલ ગાંધીનો જો કોઈજ વિકલ્પ નથી તો એ માટે કોંગ્રેસ ખુદ જવાબદાર છે એ પણ એટલું જ સત્ય છે. બે સેકન્ડ માટે એવું વિચારી લઈએ કે  જો ભાજપ આ ચૂંટણીઓ બાદ સત્તામાં પરત ન આવત અને અમિત શાહ નૈતિક જવાબદારી લઈને ભાજપનું પ્રમુખપદ છોડી દેત તો ભાજપ પાસે રામ માધવ કે પછી જય પ્રકાશ નડ્ડા જેવા ઘણા વિકલ્પો હોત પોતાના પક્ષ પ્રમુખ માટે.

તો હવે રાહુલ ગાંધી પાસે જ્યારે તમામ હક્ક ઉપલબ્ધ છે તો તેઓ એવું શું કરી શકે કે જેનાથી કોંગ્રેસ ઉભી થઇ શકે. ગઈકાલે આ બેઠક દરમ્યાન વિવિધ ન્યૂઝ ચેનલો પર ચાલતી ચર્ચામાં ભાગ લેનાર કોંગ્રેસ સમર્થક તટસ્થ વિદ્વાનોની દલીલો પરથી એક વાત સ્પષ્ટ દેખાઈ કે રાહુલ ગાંધીએ તેમનું ઇનર સર્કલ એટલે કે એમને સલાહ આપનાર વ્યક્તિઓને તુરંત કાઢી મુકવાની જરૂર છે.

એવું કહેવાય છે કે રાહુલ ગાંધી વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓ પાસેથી સલાહ તો લે છે પરંતુ આ સલાહ પર અમલ કરવો કે નહીં એની સલાહ વળી એ ચાર પાંચ લોકો પાસેથી લે છે જે તેમની કોટરી એટલેકે કિચન કેબિનેટના સભ્યો છે. મજાની વાત એ છે કે આ કોટરીના તમામ સભ્યોને રાજકારણનો શૂન્ય અનુભવ છે અને તમામ વિદેશોની મોટી મોટી યુનિવર્સીટીઓમાં ભણેલા ગ્રેજ્યુએટ્સ છે. રાહુલ ગાંધી પોતાના તમામ રાજકીય અંતિમ નિર્ણયો આ લોકોની સલાહ લઈને કરતા હોય છે જેમણે પોતાના સમગ્ર જીવનમાં કોર્પોરેશનની ચૂંટણી પણ નથી લડી.

જે વ્યક્તિ રસોડામાં ઘુસ્યો પણ ન હોય તેની પાસેથી તમે દાળ ઢોકળી કેમ બનાવવી એ શીખો તો પછી એ દાળ ઢોકળી એવી જ બેસ્વાદ બને જેવું પરિણામ કોંગ્રેસે આ વખતની લોકસભાની ચૂંટણીઓમાં મેળવ્યું છે. તો પહેલા તો રાહુલ ગાંધીએ આ કિચન કેબિનેટમાં ધરખમ ફેરફાર કરીને યુવાનો અને અનુભવીઓનું મિશ્રણ કરવાની જરૂર જેઓ ચૂંટણી લડ્યા છે પછી ભલે હાર્યા હોય કે જીત્યા હોય તે અલગ બાબત છે.

બીજું કાર્ય રાહુલ ગાંધીએ એ કરવું જોઈએ કે અત્યારના તમામ પ્રદેશ પ્રમુખો અને વારંવાર બફાટ કરતા પ્રવક્તાઓનું રાજીનામું લઇ લેવું જોઈએ. એક સહુથી મોટો ફેરફાર રાહુલ ગાંધી કરવાની જરૂર છે એ છે કોંગ્રેસની હિંદુ વિરોધી છબી દૂર કરવાની જે માત્ર મંદિરોની મુલાકાતોથી દૂર નથી થવાની. કોંગ્રેસે લેફ્ટના કેન્દ્રમાંથી હટીને જો રાઈટના કેન્દ્રમાં ન આવવું હોય તો એ બંનેની વચ્ચે રહેવાની જરૂર છે. આમ કરવાથી કોંગ્રેસમાં લોકોનો વિશ્વાસ ધીમેધીમે વધશે.

ત્રીજું અને કદાચ સહુથી મહત્ત્વનું કામ રાહુલ ગાંધીએ એ કરવાનું છે કે ઉત્તર પ્રદેશ અને બિહાર જ્યાં કુલ 120 લોકસભા બેઠકો છે ત્યાં હવે ક્ષેત્રીય પાર્ટીઓના ખભે બેસવાનું બંધ કરીને ભલે એક દોઢ દાયકા નીકળી જાય પણ એકલે હાથે આ બંને રાજ્યોમાં મહત્તમ બેઠકો જીતવાના પ્રયાસો અત્યારથી જ આદરવા પડશે. આવનારા મહિનાઓમાં મહારાષ્ટ્ર વિધાનસભાની થનારીને ચૂંટણીઓને ટેસ્ટ કેસ તરીકે લઈને અને ફક્ત તેના પર ધ્યાન આપીને કેવી રીતે આ વિધાનસભામાં તે પોતાના સાથીદાર NCP કરતા પણ વધુ બેઠકો મેળવશે તેની રણનીતિ બનાવવી પડશે કારણકે મહારાષ્ટ્રમાં હજી પણ કોંગ્રેસ એક તાકાતવર પક્ષ છે.

અને પ્રજામાં જો ધીમેધીમે વિશ્વાસ વધારવો હોય તો દેશના ભલા માટે વિચારવું પડશે. સેનાની ત્રણેય પાંખો પર વિશ્વાસ કરવો પડશે. સેનાના કોઇપણ પરાક્રમ સમયે પહેલા દિવસે તેની સાથે અને બીજા દિવસે મત ગુમાવવાના ડરે તેનાથી વિરુદ્ધ નિવેદનો કરવાથી દૂર રહેવું પડશે. રાષ્ટ્રીય આફતો સમયે સરકારની પડખે ઉભું રહેવું પડશે અને જો એ અંગે કોઈ તકલીફ હોય તો પ્રેસ કોન્ફરન્સમાં નહીં પરંતુ ચાર સાડા ચાર વર્ષ સંસદમાં અને પછી પ્રચારમાં એ મુદ્દો જાહેરમાં ઉપાડવો પડશે.

આમ જોઈએ તો કોંગ્રેસને ફરીથી બેઠી કરવા માટે અસંખ્ય સલાહો છે, પરંતુ જો કોંગ્રેસીઓ જ હિંમત કરીને એ સલાહો રાહુલ ગાંધીને પહોંચતી કરશે તો વધુ યોગ્ય ગણાશે. લોકશાહીમાં મજબૂત વિપક્ષની જરૂર હોય જ છે, પરંતુ એ વિપક્ષે જાતે નક્કી કરવાનું  હોય છે કે  તેણે કેવી રીતે એ મજબૂતી મેળવવી, કારણકે એ શાસક પક્ષની જવાબદારી નથી કે એ વિપક્ષને મોટી સંખ્યામાં ચૂંટાવા માટે મહેનત કરે. જો એક જ પ્રકારની ટીકાઓ અને પાયાવિહોણા આક્ષેપો કરીને કે પછી દેશની સુરક્ષાના મામલે ખોટા પૂરાવાઓ માંગશે તો પ્રજા ખુદ એ વિપક્ષને નબળો જ રાખવામાં દેશનું ભલું સમજશે.

આશા છે રાહુલ ગાંધી આ મામલે ગહન મનન કરીને કોંગ્રેસને ધીરેધીરે ઉભી કરશે.

૨૬.૦૫.૨૦૧૯, રવિવાર

અમદાવાદ

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here