પરીક્ષાના પરિણામ પર એક સુંદર લઘુકથા: ધો.11 સાયન્સ

0
261

પરીક્ષાનું પરિણામ ગમે તે હોય, ભણવા માટેનો કોર્સ ભલે ગમે તેટલો અઘરો હોય પરંતુ તેનો સામનો હકારાત્મક રીતે કરવા પ્રેરણા આપતી લઘુકથા.

“એકલી છો બેટા?” મેં બાજુની સીટમાં બેઠેલી ફેશનેબલ કન્યાને પૂછ્યું.

“હા અંકલ. મસ્કતમાં CBSE પરીક્ષા પુરી થઈ. હવે મારા દાદા દાદી પાસે અમદાવાદ વેકેશન માણવા જાઉં છું.”

” એમ? તું મસ્કતમાં ઇન્ડિયન સ્કૂલમાં ભણી?”

“હા અંકલ. હવે ઇન્ડિયામાં 11 સાયન્સમાં એડમિશન લીધું છે. 12માં પછી ત્યાં આગળ ભણી શકાય એટલે. નહીતો NRI સીટમાં ખૂબ તગડી ફી ભરવી પડે. મારાં પેરન્ટ્સ તો USAમાં પણ મારું એડમિશન ટ્રાય કરવાનાં છે. પણ પહેલાં 12 સાયન્સમાં સારો સ્કોર કરીએ એટલે. અંકલ, તમે મસ્કત રહો છો?”

હું જવાબ આપું ત્યાં પ્રચંડ ઘરઘરાટી સાથે પ્લેને ટેઇકઓફ કર્યું.

“હું અમદાવાદ છું. મસ્કત .. હોસ્પિટલ થાય છે ત્યાં સેટઅપ માટે આવેલો. અને મારું એક મોટીવેશનલ લેકચર હતું.”

“વાઉ! શાના ઉપર?”

“સાયન્સની કારકિર્દીમાં તૈયારી કરવા ઉપર. ખાસ તો ધો.11 અને 12માં સાયન્સની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને.”

“તમે શું જોબ કરો છો?”

“આઈ એમ  મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ … હોસ્પિટલ.”

(બહુ પંચાત. બોલકી છોકરી છે. મીઠડી છે. કરવા દે પંચાત)

“તો અંકલ, ત્યાં કમ્પ્લીટ ન્યુ એટમોસફિયરમાં જાઉ છું. સહેજ ફિયર પણ છે. કેવું હશે, શું થશે. બટ આઈ એમ રેડી તો ફેઈસ એનિથિંગ.  મારા કઝીનોએ તો જાત જાતની હોરીબલ વાતો કરી છે ત્યાંના ઇલેવંથ, ટ્વેલ્થ ની. તમે એમાંથી પાસ થયા જ હશો. તમારો અનુભવ?”

“લે બેટા. વિગતે વાત કરું. જાણે 20 વર્ષ પહેલાંની દુનિયા.”

મેં આંખ બંધ કરી અને શબ્દોને મારા મુખેથી સરકવા દીધા. હવામાં પ્લેન સરકતું હતું તેમ જ. એ સુંદર કન્યા સીટ પર હડપચી ટેકવી, ભાવવાહી કાળી આંખો મારી આંખોમાં પરોવી આતુરતાથી મને સાંભળી રહી.

 

“બેલ વાગ્યો અને હું પ્રાર્થનામાં બીજા છોકરાઓ સાથે લાઈનમાં ઉભો. હું એક તો લાંબો ને વળી સીનીયર. ધો.11 નો વિદ્યાર્થી. હું છેલ્લેથી બીજી લાઈનમાં ઉભો. આજુબાજુ  તીરછી નજરે જોયું. કોઈ મારી અગાઉની સ્કૂલમાં હતું તેમ મજાક મસ્તી કરતું ન હતું. આગલી હરોળમાં નાનાં ટેણીયાં પાંચમાં ધોરણમાં પ્રવેશેલાં ઊભાં હતાં અને પાછળ, ચારે બાજુ ટગર ટગર જોતાં હતાં. મને પંક્તિ યાદ આવી “નાની મારી આંખ એ જોતી કાંક કાંક..”

પ્રાર્થના શરૂ થઈ. “વર દે.. વર દે .. વીણાવાદિની વર દે..”

વાતાવરણ  ભક્તિમય તો નહીં પણ સંગીતમય  જરૂર થઈ ગયું. મેં ગાતી સુંદરી સામે જોયું. આ સ્કૂલની રોનક લાગે છે. બિચારી પોકાર પાડી ‘વર દે.. વર દે..’ ગાય છે તે હું અહીં જ ઉભો છું હોં! મને વિચાર આવ્યો. મારા જ વિચાર પર મને હસવું આવ્યું. તુરત મેં આંખ બંધ કરી મારી પ્રાર્થના કરવા માંડી.

“હે ઈશ્વર! રામ, કૃષ્ણ, હનુમાન, સરસ્વતી.. જે હાજર હો તે. કે વિશ્વની ચાલક અને પાલક શક્તિ! હું સાવ નવી શાળામાં આવ્યો છું. સામાન્ય મા બાપના સામાન્ય સપનાં પૂરાં કરવા, કઈંક અસામાન્ય કરી. બારમામાં પણ દસમા જેવા ઉચ્ચ માર્ક્સ આપી ઉચ્ચ કારકિર્દી ઘડજે. ”

ઉચ્ચ એટલે કેવી? હેં? કેવી? હવે તો નક્કી કરવું પડે.

સાવ શૈશવમાં ઘર પાસેથી ટ્રેઈન નીકળતી. અનેક પેસેન્જરો ભરેલી ટ્રેઈન ધમધમાટ લઈ જતો એન્જીન ડ્રાઇવર જોઈ મને એન્જીન ડ્રાઇવર થવાનું મન થતું. પછી રોફથી ચાર રસ્તે સાઈન આપી ટ્રાફિક અટકાવતો ને ભલભલી મોંઘી કારના ચાલકો જેને બે હાથ જોડી સાઈડમાં ઉભી કરગરતા જોતો તે રૂઆબદાર ટ્રાફિક પોલીસ બનવાનું વિચાર્યું. ક્લાસમાં પ્રેમથી સારું ભણાવી લોકપ્રિય થતા શિક્ષક મને સ્વપ્નમાં પણ આવતા. મેં શિક્ષક એન્જીન ડ્રાઇવર કે પોલીસથી વધુ મોભો ધરાવે છે એ સમજતાં શિક્ષક બનવાનું વિચાર્યું. એમ ને એમ આગળ જતાં, દુનિયા જોતાં વૈજ્ઞાનિક, વકીલ, જજ, લેખક, અંતે આસપાસના લોકો પપ્પાને કહેતા કે ‘છોકરો બહુ હોંશિયાર છે. એને ડોક્ટર કે કોમ્પ્યુટર એન્જીનીયર જ બનાવજો.’ એટલે એ બે માંથી એક કારકિર્દી પર મેં પણ ઝીરો ઇન કર્યું.

હવે મારાં તો ગણિત ,વિજ્ઞાન અને બાયોલોજી  બન્ને સારાં હતાં. એક દૂરના કાકાએ કહ્યું કે ડોક્ટરનો રુઆબ અલગ જ હોય છે અને તેઓ પોતે ડોક્ટર બની વિદેશમાં સારું કમાતા હતા. એટલે સેમી ફાઇનલમાં એન્જીનીયર ને બદલે ડોક્ટર જીત્યો. 11મા માં તો એ અને બી ગ્રુપ લેવાં પડે. (મારા પિતાને એના જમાનામાં 11મી એટલે મેટ્રિકમાં ખૂબ સારા માર્ક આવેલા. ત્યારે તો 11મા પછી પ્રી. સાયન્સમાં જઈ તે પછી ડોક્ટર કે એન્જીનીયર ની લાઈન લેવાતી. એમનું શમણું રોળાઈ ગયેલું. કોણ જાણે કેમ, તેમણે બી.એસ.સી. કરી એક ફેક્ટરીમાં સાદી નોકરી લઈ લીધેલી. સાદી એવી માતા એમના જીવનમાં આવી, સાદાઈથી લગ્ન કરી, સાદાઈ પૂર્વક મને ઉછેરેલો. નાની શી ખુશીઓ જ એમનું જીવન હતી.)

દસમામાં મારા 95 ટકા આવ્યા એટલે મારી ઠીક ઠીક સારી શાળા છોડી શહેર અને રાજ્યની શ્રેષ્ઠ કહેવાતી સ્કૂલમાં ફોર્મ ભર્યું, પિતાએ એમના ફેક્ટરી માલીક દ્વારા  ટ્રસ્ટી પર ઓળખાણ લાવી, પાછલે બારણે એ સ્કૂલમાં પોતે ખીસ્સે ખાલી થઈ  સ્કૂલનું ફંડ ભરી મને ત્યાં મુકેલો. મેં દસમામાં  ખૂબ ઉચ્ચ માર્ક્સ મેળવેલા ઘણાખરાઓને બારમામાં પછડાટ ખાતા ખૂબ  જોયેલા. હું આજે ડરતો હતો કે બે વર્ષ પછી મારૂં શું થશે?

“હે જે હાજરમાં હો તે ઈશ્વર કે માતાજી! મને મારા પિતાની આશા ભરી આંખો, મા નું માત્ર કાચની બંગડીઓ પહેરેલું કાંડુ અને બેયની આંખમાં અશ્રુ દેખાય છે. એ લોકોને ખાતર મને ચોક્કસ સફળ બનાવજે.”

મેં નમીને બંધ આંખ સામે દેખાતા ઈશ્વરને વંદન કર્યાં. ત્યાં તો લાઈન વર્ગમાં જવા લાગી.

મોટા ભાગના વિદ્યાર્થીઓ એ જ સ્કૂલમાં ભણેલા. હું બહારથી આવેલો. ખૂબ શિસ્ત વાળી સ્કૂલ ને ભણવાનું પણ પહેલા જ દિવસથી નો નોનસેન્સ. ભણવા સિવાય કોઈને કશો વિચાર આવતો હશે? કેમ ખબર પડે? કોઈ કાંઈ વાત કરે તો ને!

એવામાં બે અઠવાડિયા પછી સ્કૂલ પુરી થતાં આગળ સિગ્નલે tvs ઉભું રાખતાં બાજુમાં જ ઉભેલી ‘વર દે..’ સાથે નજર ટકરાઈ. તે હોઠના છાને ખૂણેથી આછું હસી. બંદા પાણી પાણી! એની નાના એકટીવા પર આરૂઢ આકારબદ્ધ પીઠ, પાતળી કમર, છેક એક્ટિવાની પાછલી સીટે પથરાયેલા સુંવાળા, કથ્થાઈ વાળ, ગુલાબી ઝાંય વાળા ગાલ.. ભલું થજો  લાલ સિગ્નલનું. પણ લીલી લાઈટ થઈ અને તે ભાગી.

હવે હું કોઈ પણ રીતે એની પાછળ જતો.  ત્રીજા ચોથા દિવસે તે પેટ્રોલ ભરાવવા ઉભી. હું ઝડપથી લાઈનમાં તેની પાછળ ઉભો.

મેં તેને પૂછ્યું “તમારૂં નામ?”

“રોનક”.

“વાહ. .. સ્કૂલની રોનક છો તમે”  (આવી તક જવા દેવાય?)

તે હસી, શરમાવાનો અભિનય કર્યો.

“તમે?”

“ગૌરવ. ગૌરવ ત્રિવેદી.”

“તો આપણી શાળાનું ગૌરવ ચોક્કસ થશો ને?”

“તારી શુભેચ્છા હશે તો ચોક્કસ. મને મારામાં વિશ્વાસ છે. ”

“11 બી માં નવા આવ્યા છો ને?”

“હા. .. સ્કૂલ માંથી. તું?”

“પહેલા ધોરણથી અહીં જ ભણી છું.’

બે ચાર દિવસ આમ જ ચાલ્યું. વળી એક દિવસ એક ટર્ન પાસે એ ધીમી પડતાં  કહ્યું ” મયંક સર કહેતા હતા કે  રોનક બહુ સરસ ગાય છે.”

તેણે વળી સુંદરતમ સ્મિત આપ્યું. આજે બે કલાક વધારે ભણાશે.

“તો તું કઈ ગાય? કાંકરેજી, ગીર કે..”

પહેલાં તે ગુસ્સે થઈ લાગી પછી હસી પડી.

“ઢીંક મારતી ગાય. ચાલ બાય..”

 

વર્ગમાં દેડકાનું પાચનતંત્ર  દોરવાનું કહેવાયું.મારો તો આમેય ડ્રોઈંગ પર હાથ બેઠેલો. મારૂં ડ્રોઇંગ શિક્ષકે વખાણ્યું. રોનકનું  જોઈ સર ખિજાયા. એણે આશા ભર્યું મારી સામે જોયું. મારી એક માત્ર ફ્રેન્ડને મેં દોરી આપ્યું. પછી તો બીજી બે ચાર આકૃતિઓ એણે દોરાવી. અરે એ મારા ડ્રોઈંગ પર એટલી ફિદા થઈ ગઈ કે એની બહેનના લગ્નમાં ઘરની ભીંતે ગણપતિ અને પછી પોતાના હાથે મહેંદી પણ મારા હાથમાં સળી પકડાવી દોરાવી. જે એનો હાથ પકડવા ને પંપાળવા મળ્યો! એ પ્રસંગે એની ફ્રેન્ડ આરોહી સાથે પણ દોસ્તી થઈ.

અમને અમુક ટ્યુશનમાં સાથે જતાં જોઈ એ બહાને એને જોઈ લેવા સ્તો કેટલાક છોકરાઓ પણ મારા દોસ્ત બન્યા. હું કપડે સાદો અને કોઈને ખાસ ઈમ્પ્રેસ કરવા પ્રયત્નો નહોતો કરતો. ભણતાં અને ટ્યુશન કરતાં મને માબાપની આશભરી આંખો દેખાતી.

પ્રથમ ટેસ્ટ આવી.  સ્કૂલે લોકો વધારે મહેનત કરે એમ કહીને (અને ટ્યુશનિયા સરો પાસે લોકો દોડે એ હેતુથી) ઘણા ખરાને બે ત્રણ વિષયમાં ફેઈલ કર્યા અને ઉપરથી ‘હજુ સમય છે. કોમર્સ લઇ લો’, ‘આગળ રાતે પાણીએ રોશો’ એવું કહી પુરી તાકાતથી નાસીપાસ કર્યા. મેં તો પપ્પાને સ્થિતિ કહી જ દીધેલી.  એકમાં ફેઈલ. રોનક બે પણ  બે માં. એણે પ્રાર્થના ગાવાનું છેક સાતમાથી ગાતી આવેલી એ બંધ કર્યું. ગુલાબી મુખ પીળું નિસ્તેજ બની ચુકેલું. મેં એને ઘેર જઈ નજીક દાલવડાની લારીએ લઈ જઈ સમજાવ્યું કે તમને તમારો આશરો હોવો જોઈએ. હિંમત રાખવી જોઈએ. પ્રાથમીકમાં ભણેલ કવિતા કહી “છેલ્લા સાથી બે ખરા હિમત ને વિશ્વાસ,

એ વિણ બીજા બધા થાય નકામા ખાસ.”

એને એ વાત સ્પર્શી ગઈ.

અમારા ટ્યુશનના સર અલગ હતા પણ નજીક નજીક. એતળે રોજ સાથે સ્કૂલથી આવવાનું, સાથે ટ્યુશનમાં આવવા જવાનું. મારા સર તો સસ્તા ને સારા. અમે હવે મળીએ ત્યારે ભણવા સિવાય બીજી વાત કરતાં નહીં.

એવામાં એક દિવસ રોનક ગાભરી ગાભરી આવી. કહે કે આરોહીએ ઝેરી દવા પી લીધી છે.

એના પેરંટસ પોતાની.ઓફિસોમાં દીકરી ડોક્ટર બનશે જ તેવી બડાશ ઠોકયે રાખતાં હતાં એમાં તે એક સિવાય બધામાં ફેઈલ થઈ. વધુ ને વધુ ભણવાનું, કોઈ ‘હિતેચ્છુ’ કહે તેમ માબાપનું કરાવવું, રાત્રે અઢી વાગે સુઈ પાંચ વાગે ઉઠવું, સતત પ્રેશર અને એમાં નિષ્ફળતા મળતાં પોતે પેરેન્ટ્સને નીચું જોવરાવ્યું, પોતે અપેક્ષા પુરી નથી કરી શકતી, આર્થિક બોજો છે, એટલે નકામી છે અને નકામી ચીજ તો ફેંકી દેવાની હોય એટલે પોતે પોતાની જાતને ફેંકી દેવા આપઘાતનો પ્રયાસ કર્યો.

હું રોનકને કહીને આરોહીની હોસ્પિટલમાં પહોંચી ગયો. તેની પાસે બેસી  મારા હંમેશના જોક કર્યા કર્યા. તેનાં પેરેન્ટ્સને ઘેર જઈ સવારે આવવા કહ્યું. એમને સ્થિતિ સમજાવી કે આ ફેઈલ થવું સામાન્ય છે. તેઓ કદાચ બહાર પેસેજમાં સૂતાં હશે. મોડી રાત્રે  મેં આરોહીનો હાથ પકડ્યો. નાડ અતિ ધીમી હતી. કદાચ અટકીને ચાલતી હતી. મેં દોડીને ઇન્ચાર્જ નર્સ, ડોક્ટરને બોલાવ્યાં. સાચે તે કોમામાં જઈ રહેલી કે હૃદય બંધ પડી રહેલું. ડોક્ટરે મસાજ કર્યો. એ સાથે એનું જોઈ મેં પણ. શીખવા મળે. ડોક્ટરે કરવા દીધું.

સવારે તેણે ધીમેથી આંખ ખોલી. મેં તેનો હાથ મૃદુતાથી પસવારતા કહ્યું “આરોહીનો ક્યારેય અવરોહ ન હોય. કપરામાં કપરું આરોહણ આરોહી ચડશે જ. લે, પગ ચલાવ, માર મને લાત!”  મેં તેના પગના તળિયે ગલી કરી  પગ પાછા ખેંચાયા. મગજમાં સેન્સેશન હતું. બાયોલોજીમાં હું પાસ થયેલો.

હવે આરોહી મારી જાણે ભક્ત બની ગઈ.

 

મને પીઠ પાછળ ‘ઉંદર બે પૂંછડીયો’  કહેવાવા લાગ્યું.

 

બધા હવે એટલા સિરિયસ હતા કે સિરિયસ શબ્દ પણ શરમાય. એવામાં પણ, એક ઠીક ઠીક હોંશિયાર છોકરો ખારડુંગલા પાસ કોઈ ગ્રુપ સાથે જવા નીકળ્યો. એ પછી બીજા કોઈ ગ્રુપ સાથે ભૂતાન કોરિયા થઈ બ્રિટન કાર દ્વારા જવા જોડાયો. એ  સાવ મધ્યમ વર્ગનો ન હતો પણ અમીર પણ નહીં. મેં પૂછ્યું તો કહે “જિંદગી ના મિલેગી દોબારા”. પરીક્ષા તે આવતે વર્ષે આપવાનો હતો. આવો પણ સ્પિરિટ હોય છે!

મેં પણ સ્કૂલના વાર્ષિક ફંક્શનમાં એકપાત્રિય અભિનય કર્યો. રોનક સાથે એક યુગલગીત એક સર ગાવા તલપાપડ હતા તે  પ્રિન્સિપાલને કહી આંચકી લીધું. રોનકે જ મને પ્રેક્ટિસ કરાવી. થોડું ફ્રેશ થઈ ગયા. મને ખબર હતી કે  સારા ટકા લાવવા ક્યાં કેટલી મહેનત કરવી. એમાં હું હળવાશ લેતો ન હતો. સહેજ ઢીલો પડું કે બાપનું ઝળી ગયેલું પેન્ટ અને મા નો એકલી કાચની બંગડીવાળો હાથ આંખ સામે જોતો.

પ્રિલિમિનરી  આવી ને ગઈ. ભાગ્યે જ કોઈ પાસ. લોકોને નાપાસ કરીને શિક્ષકો પાશવી આનંદ અનુભવતા હતા. મારાં મા બાપ પણ હતપ્રભ. રોનક તો રોતી રોતી આવી. મેં કહ્યું “તારું નામ રોનક છે કે રોતું નાક?”

“મને બીક લાગે છે કે હું બોર્ડમાં  ફેઈલ થઈશ. પપ્પાના લાખેક રૂપિયા બગડશે.”

“નેગેટિવ, નકારાત્મક વિચારને કાઢી નાખ.  તારા અંતરનો અવાજ સાંભળ.”

“તે અંતરનો અવાજ કાંઈ પાસ કરાવશે?”

“જરૂર. તારી નૈયા પાર ઉતરાવશે. મહેનત કર. જાત નિચોવાય એટલી કર. પણ જાતને કહેતી રહે કે હું સફળ થવા જ જન્મી છું. હું મારા મા બાપની રોનક છું.  હું સારામાં સારા ટકા લાવીશ. મનમાં માર્કશીટ જો. બોલ કે હું ડોક્ટર બનીશ જ. દર્દીઓના જીવનમાં રોનક લાવીશ જ.”

જાણે તેને હિપ્નોટાઇઝ કરતો હોઉં તેમ તેની આંખમાં ત્રાટક કર્યું. તેની બિંદી કે આજ્ઞાચક્ર જે કહો, ત્યાં હાથ રાખી નાટક કર્યું. તે માંરી છાતી પર માથું નાખી રોઈ પડી. તે મારી છાતીમાં માથું  ખોસી રહી. મેં તેના સુંવાળા વાળ  પસવાર્યા કર્યા.  મારાથી તેનું મસ્તક ચુમાઈ ગયું. પહેલો પ્રેમ કેવો હોય તેનો મને અનુભવ થયો.

માર્ચ નજીક આવ્યો. એવા પણ ટ્યુશનીયા સર હતા કે બોર્ડનું પેપર 10 વાગે હોય તો સવારે 9 વાગે આખી રાત ભણાવી છોડે. હું ને મારા સરો એનાથી દૂર હતા. હવે હું પણ જમવા સિવાય એક ક્ષણ બગાડતો નહીં. રોજ બે ત્રણ પેપર લખતો. આરોહી, રોનક ક્યારેક મારાં પેપર વાંચતાં, હું તેમનાં. કષ્ટ તો પડતું. છતાં કાળી, બ્રાઉન જે કહો તે, હદ બહારની મહેનત કરતાં.

આપણે જ આપણા શિલ્પી બની જાતને ટાંકણા મારવાં પડે. આશા તો જ મૂર્તિમંત થાય.

 

વળી અંતિમ દિવસોમાં એક છોકરાએ રહી રહીને આપઘાતનો પ્રયત્ન કર્યો. મેં તેને મળી કહ્યું કે બોર્ડનું રિઝલ્ટ જો પછી  આપઘાત બાપઘાત નું વિચાર. બોર્ડનું એટલે તારા છોકરાના બોર્ડનું.

તેને સમજાવ્યું કે બધા બોર્ડમાં નેવું ટકા ઉપર લાવે તો જ સફળ થાય એવું નથી. રાજ્યમાં એટલી કોલેજો ખાલી પડી રહે છે કે કીડીને કણ હાથીને મણ મળી જ રહે. અને મેડિકલ કે ડેન્ટિસ્ટ્રી કરી એટલે ગંગા પર ઉતર્યા એમ નહીં. આગળ માર્ગ વધુ ને વધુ કાંટાળો બનશે. કેટલી વાર મરી જશું?

આમ વ્યસ્તતા વચ્ચે પણ દસ બાર કાઉન્સેલિંગ કરી  નાખ્યાં.

બોર્ડની પરીક્ષા વખતે તો મારા મોટા  ધબકારા મને  સંભળાતા હતા. મારો શ્વાસ ઝડપથી ચાલતો હતો.

‘છેલ્લા સાથી બે ખરા હિંમત ને વિશ્વાસ..’ મેં જ મને કહ્યું અને પેપર પૂરું વાંચી જે ભગવાન હાજરમાં હોય તેને સહાય કરવા કહી પેન ઉપાડી.

બહાર આતુરતાથી માબાપો સંતાનોને તેમની આશાઓની પૂર્તિ કરતાં, જાણે વિધાતા બની હવે પછીની જિંદગીના લેખ લખતાં જોઈ રહેલાં.

 

રિઝલ્ટ આવ્યું. કોઈ જીતા કોઈ હારા.. મને મેડીકલમાં પેમેન્ટ સીટ મળી. રજામાં કરેલ કેટલાંક પેઇન્ટિંગ અને હવે કોડીલી કન્યાઓને મુકેલી મેંદીની કમાણીએ ટેકો કર્યો.

જિંદગી વિતતી રહી.

 

સાતેક વર્ષ પછી એક  હિમાલય ટ્રેકિંગ વખતે એક સાથી લપસ્યો. એને કૃત્રિમ શ્વાસ અને હાર્ટ મસાજ કર્યો. એમ કરતાં આરોહી યાદ આવી. સાથીને જરૂર હતી તાત્કાલિક ઓર્થોપેડિકની. બીજી ટુકડીમાં  આવેલ એક ફિઝિઓથેરાપીસ્ટએ થોડી ટ્રીટમેન્ટ આપી. તેનો આભાર માનતાં સાથીએ નામ પૂછ્યું. “આરોહી દવે”.

હું ચકકર ખાઈ ગયો. મેં કહ્યું પણ ખરું “થીંક ઓફ ડેવિલ.. સોરી, દેવી …”

 

મેં તુરત પૂછ્યું “તો મિસ ડો. આરોહી દવે, શું કરશું હવે?”

“શું કરવાનું હોય? આ બાજુમાં ઊંઘે તારી આંટી આરોહી દવે ત્રિવેદી.”

“તો અંકલ, ગ્લેડ ટુ સી યુ.  યોર એન્ડ માય ફર્સ્ટ લવ ઇઝ ધ સેઇમ.. ડો. રોનક, ચીફ ગાયનેકોલોજિસ્ટ  એટ અલ સવા હોસ્પિટલ, મસ્કત! તમારી વાત કરતી હોય છે.”

એનાઉન્સમેન્ટ થયું ” થોડી હી દેર મેં હમ અહમદાબાદ ઉતરને વાલે હૈ. કૃપયા આપ અપની પટ્ટી બાંધલે”.

હું જોઈ રહ્યો. એ જ ગુલાબી સુરખી ભર્યા ગાલ, એ જ લાંબા વાળ.. પણ સહેજ પુષ્ટ.

“અંકલ, સવાબે કલાક ક્યાં ગયા તે ખબર ન પડી. ઘણું શીખવા મળ્યું. એટલે જ હું મમ્મીનું નામ આવતાં ચૂપ રહી.”

“બેટા, તેં મને ધો.11 ના મારા દિવસોની સફર કરાવી.”

 

સફર પુરી. વિમાને એક થડકા સાથે રનવે પર દોડવા માંડ્યું અને મારા મગજે ફરી  … હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટમાં કાયા પ્રવેશ કર્યો.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here