2019ની લોકસભાની ચૂંટણીની બરોબર પહેલા NDA છોડીને મહાગઠબંધનમાં સામેલ થયેલા ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીની હાલત ચૂંટણીના પરિણામો આવ્યા બાદ કફોડી થઇ ગઈ છે.

પટના: એક્ઝીટ પોલ્સના પરિણામો આવ્યા બાદ વિપક્ષી પાર્ટીઓએ જબરદસ્ત હંગામો કર્યો હતો. આ હંગામા દરમ્યાન બિહારની રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાએ ધમકી આપી હતી કે પરિણામ જો ‘પ્રજાની મરજીની’ વિરુદ્ધમાં આવ્યા તો લોહીની નદીઓ વહેશે. પરંતુ જે રીતે બિહારમાં NDA દ્વારા મહાગઠબંધનનો સફાયો કરી દેવામાં આવ્યો છે કુશવાહાની ખુદની પાર્ટીના અસ્તિત્ત્વ પર જોખમ તોળાઈ રહ્યું છે.
મહાગઠબંધન દ્વારા ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટીને 5 બેઠકો ફાળવવામાં આવી હતી જેમાંથી બે બેઠકો ઉજીયારપુર અને કારાકાટ પર કુશવાહા ખુદ લડ્યા હતા અને બંને હાર્યા હતા. હવે કુશવાહાની પાર્ટીના બિહાર વિધાનસભાના બે વિધાનસભ્યો અને એક MLC શાસક જનતા દલ યુનાઇટેડમાં સામેલ થઇ ગયા છે.
વિધાનસભ્યો લલન પાસવાન અને સુધાંશુ શેખર અને MLC સંજીવ સિંહ શ્યામ દ્વારા પોતે જનતા દલ યુનાઇટેડમાં સામેલ થઇ રહ્યા હોવાની આધિકારિક ઘોષણા ગઈકાલે કરવામાં આવી હતી. આ ઘટના બાદ જનતા દલ યુનાઇટેડની વિધાનસભામાં હવે સભ્ય સંખ્યા 73 થઇ ગઈ છે.
ઉપેન્દ્ર કુશવાહાને 2014માં ફાળવવામાં આવેલી ત્રણેય બેઠકો પર વિજય મળ્યો હતો. લોકસભાની ચૂંટણીઓ અગાઉ જ તેમનું જૂથ જનતા દલ યુનાઇટેડમાંથી છુટું પડીને NDAમાં સામેલ થયું હતું.
ઉપેન્દ્ર કુશવાહાને બાદમાં નરેન્દ્ર મોદીની પ્રથમ સરકારમાં મંત્રી પણ બનાવવામાં આવ્યા હતા. સાડા ચાર વર્ષ મંત્રી પદ ભોગવ્યા બાદ જ્યારે 2019ની ચૂંટણીઓ માટે બેઠકની ફાળવણીની વાત આવી ત્યારે નારાજ થયેલા કુશવાહાએ NDA છોડીને મહાગઠબંધનનો હાથ પકડ્યો હતો.
જાણવા મળ્યા અનુસાર ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટીના સભ્યો જ આ નવી વ્યવસ્થાથી ખુશ ન હતા. હવે જ્યારે લોકસભાની ચૂંટણીઓમાં પક્ષનો સંપૂર્ણ સફાયો થઇ ગયો છે ત્યારે તેમના બે વિધાનસભ્યોએ ફરીથી પોતાની પૈતૃક પાર્ટીમાં સામેલ થઇ જવાનો નિર્ણય કર્યો હતો અને રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી તેમજ ઉપેન્દ્ર કુશવાહાની હાલત કફોડી થઇ ગઈ છે.
eછાપું