અત્યારસુધી મરાઠી માણુસ માટે લડતા ઝઘડતા બાળાસાહેબ ઠાકરે અઠંગ હિદુત્વના પ્રયોગો તરફ કેવી રીતે વળ્યા તે સ્પષ્ટ કરતી બે મહત્ત્વની ઘટનાઓ પર એક નજર.

થોડાંક ફ્લેશબૅકમાં જઈએઃ શિવસેનાની એક છૂપી પ્રવૃત્તિ હિંદુત્વની છે એ દર્શાવતી પહેલી ઘટના 1967માં થયેલી. ઠાણે નજીક કલ્યાણમાં હિંદુ અને મુસ્લિમો વચ્ચે ‘દુર્ગાડી’ કિલ્લા માટે કરવામાં આવેલા દાવાઓ પછી કોમવાદી અને સંવેદનશીલ સમસ્યા ઊભી થઈ. સ્થાનિક હિંદુઓ માનતા હતા કે એ કિલ્લાની ઉપર આવેલું મંદિર દેવી દુર્ગાનું હતું જ્યારે મુસ્લિમો માનતા હતા કે તે એક મસ્જિદની જગ્યા છે અને ત્યાં નમાઝનું પ્રદર્શન કરવાનું શરૂ કર્યું.
જ્યારે ઠાકરેને આ બાબતની જાણ થઈ ત્યારે તેમણે જાહેર કર્યું કે તેઓ 8 સપ્ટેમ્બર 1967 ના રોજ દુર્ગાડી કિલ્લા પરના કેસરી ધ્વજને ફરકાવાશે. ઠાકરેએ જાહેરમાં કહ્યું કેઃ
અમે મુસ્લિમોને સ્પષ્ટ કરી દીધું કે આપણે કોઈ સાંપ્રદાયિક મુદ્દાઓ ઉભા કરવા માંગતા નથી. પરંતુ ત્યાં પહેલેથી જ પુરાવાઓ હતા કે મંદિર હિંદુઓનું હતું. ત્યાં ઓમ, સ્વસ્તિક અને ગણપતિ જેવા વિશિષ્ટ હિન્દુ સંકેતો હતા.
નવરાત્રિનો તહેવાર આવવાનો હતો ત્યારે મુખ્ય પ્રધાન વી.પી. નાઇકે એ કિલ્લા પરના મંદિરમાં પૂજા પર પ્રતિબંધ જાહેર કર્યો. ઠાકરેએ ગુસ્સે થઈને કહ્યું: ‘આ પ્રકારના પ્રતિબંધને અમલમાં મુકવામાં નહીં આવે. હું મારી પત્ની સાથે જઇશ અને ત્યાં પૂજા કરીશ. જો કોઈની હિંમત હોય તો, મને જેલમાં પૂરી દો.’
મનોહર જોશી અને દત્તાજી સાળવી સાથે ઠાકરે ગુલાલ ઉડાડતાં, ધાર્મિક ઉત્સાહ દર્શાવતા દુર્ગાદેવી મંદિરની આગળ નાળિયેર તોડશે, એવું પણ જાહેર કર્યું. પોલીસે આ વિસ્તારમાં લોકોના જમા થવા પર પ્રતિબંધ મૂક્યો. છતાં ઠાકરે 8 સપ્ટેમ્બરના રોજ તેમના શિવસૈનિકો સાથે કલ્યાણ પહોંચ્યા. સ્થાનિક હિન્દુઓ દ્વારા કિલ્લાના પ્રવેશદ્વાર પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું. એ લોકોએ કિલ્લા પરના મંદિરમાં જઈ બધાં જ ધાર્મિક સમારંભો કર્યા.
***
ફેબ્રુઆરી 1970 માં તેમના પ્રથમ કોંકણ પ્રવાસની શરૂઆત કરતા પહેલા ઠાકરેને હજુ એક ધાર્મિક મુદ્દામાં પોતાના વોટબેંકની સુગંધ આવી. મ્હાડમાં મહિકાવટી મંદિર પર હિન્દુઓ અને મુસ્લિમો બંને દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. શિવસેનાના પનવેલ શાખા પ્રમુખ માધવ ભીડેએ આ વાતની જાણ કરી કે અત્યાર સુધી, કોઈ પણ પક્ષે આ વાતની ગંભીરતાથી લીધી નથી. મહિકાવટી મંદિરને વર્ષો પહેલાં તોડી પાડવામાં આવ્યું હતું અને તેમાંની મૂર્તિઓ છૂપાવી દેવામાં આવી હતી, પરંતુ મંદિરના પુનઃનિર્માણનો કોઈએ વિચાર કર્યો નહોતો. હકીકતમાં, મુસ્લિમોએ એક અભિયાન શરૂ કર્યું કે આ મંદિર નથી, પરંતુ મસ્જિદ છે.
શિવસેનાએ એવો દાવો કર્યો કે આપણે અહીં એક મંદિર બનાવવું જોઈએ, અને દેવીની મૂર્તિ ફરીથી સ્થાપિત કરીશું. ઠાકરેએ એક રેલીને સંબોધતા કહ્યું: ‘જેમ મેં દુર્ગાડી દેવીનું મંદિર હિંદુઓને પાછું અપાવ્યું હતું તેમ મહાકાવટી મંદિર પણ પાછું અપાવીશ. હું ત્યાં જઈને નાળિયેર તોડીશ, અને જો કોઈ મારી સામે અવરોધ કરશે તો હું તેના માથા પર નાળિયેર તોડીશ.’ છેવટે 17 જાન્યુઆરી, 1970 ના રોજ, ઠાકરે મહાડમાં પ્રવેશ્યા અને ટેકરી ઉપરના મંદિરમાં જઈ નાળિયેર તોડીને ભગવો ધ્વજ ફરકાવ્યો.
***
ભિવંડી (ઠાણેથી લગભગ 20 કિ.મી. દૂર આવેલું એક ગામ) એ વખતે હેન્ડલૂમના ઉદ્યોગો માટે અને સાંપ્રદાયિક વાતાવરણ માટે જાણીતું હતું. 1896 થી જ આ ગામમાં હિંદુ-મુસ્લિમ રમખાણોનો પ્રારંભ થયો હતો.
મે, 1970માં ‘શિવજયંતી’ના પ્રસંગે આ ચિનગારી ફરી પ્રગટી. ભિવંડી પોલીસ સ્ટેશનથી, 7 મી મેના રોજ શિવ જયંતીની એક શોભાયાત્રા શરૂ થઈ, જેમાં ગુલાલના છંટકાવ અને શિવાજીના જયજયકારના સૂત્રો બોલાતા હતાં. લગભગ 10000 લોકોની આ ભીડ જ્યારે ભુસારી અલીના ફીશમાર્કેટ પાસેથી પસાર થઈ ત્યારે તેમના પર પથ્થર અને બલ્બનો મારો શરૂ થયો.
આ સમાચાર ખૂબ જ ઝડપથી બધે ફેલાયા અને આખા ભિવંડીમાં પથ્થરો અને બલ્બ ફેંકવાના શરૂ થયા. દુકાનો અને મકાનો લૂંટીને બાળી નાખવામાં આવ્યા. (ઈલેક્ટ્રીસીટીનો) પાવર સપ્લાય એ જ સમયે કાપી નાખવામાં આવ્યો અને ચારેકોર અંધકાર હતો. પોલીસે આ હિંસાને અંકુશમાં રાખવા માટે ટીઅરગેસ છોડ્યો અને ગોળીબાર કર્યો પણ હિંસાની આગ ઠંડી થવાને બદલે વધુ ને વધુ ફેલતી ગઈ અને લગભગ આખા ભિવંડીને હિંસક રીતે બાળી નખાયું.
મુંબઇ અને ઠાણેથી પોલીસની ટુકડીઓ ભિવંડી મોકલવામાં આવી હતી, અને રાત્રે 10 વાગે, અનિશ્ચિત કાળ માટે કર્ફ્યુ લાદવામાં આવ્યું. આઇજીપી ઇ.એસ. મોડક પરિસ્થિતિ પારખવા માટે રાત્રે 11 વાગ્યે ભિવંડી પહોંચ્યા ત્યારે 300 થી વધુ લોકો ઘાયલ થયા અને 105ની ધરપકડ કરવામાં આવી હતી. કર્ફ્યૂ હોવા છતાં, બીજા દિવસે પણ હુલ્લડો ચાલુ રહ્યાં. લોકોએ ઘરે બનાવેલા બૉમ્બ પણ ઉપયોગમાં લીધા. ઓછામાં ઓછા 100 ઘરોને બાળીને સોમનગર, માધવનગર, વેતલપાડા અને દરગાહ રોડની ઝૂંપડપટ્ટીઓ નાશ પામી. ઓછામાં ઓછા 5000 લોકો બેઘર થઈ ગયાં. તે જ દિવસે, આ હિંસા જલગાંવ અને મહાડમાં પણ ફેલાઇ ગઈ. જલગાંવમાં, એક લગ્નની ઉજવણી દરમિયાન થયેલાં હુમલામાં 20 લોકો માર્યા ગયા. 11 મે, 1970 સુધીમાં જ્યારે હિંદુ-મુસ્લિમ દુશ્મનાવટ બંધ થવા આવી ત્યારે ભિવંડીમાં મૃત્યુદર 43 ની સપાટીએ પહોંચ્યો હતો અને તે જલગાંવમાં 39 નો હતો.
એ વખતે વિધાનસભાનું સત્ર ચાલુ હતું અને વિરોધપક્ષે હોબાળો શરૂ કર્યોં. શિવસેના અને જનસંઘ તરફ આરોપ લગાવીને સરકારને કાર્યવાહી કરવાની અરજી કરવામાં આવી. કૉંગ્રેસ સરકારે બોમ્બે હાઈકોર્ટના ન્યાયમૂર્તિ ડી.પી. મૅડનની આગેવાની હેઠળ એક તપાસસમિતિની સ્થાપના કરી. કમિશનની કાર્યવાહી દરમિયાન, અચ્યુત ચાફેકર શિવસેનાના સલાહકાર તરીકે નીમાયા. વાત એમ હતી કેઃ
શિવજયંતીના ચાર દિવસ પહેલા ભિવંડીમાં મુસ્લિમોએ ધમકી આપી હતી કે તેઓ શિવજયંતીની ઉજવણી કરવાની પરવાનગી આપશે નહીં. મરાઠી લેખક અને હિન્દુત્વના આગેવાન પુ.ભા.ભાવેએ શિવજયંતીના એક દિવસ પહેલા જ ભિવંડીમાં એક ભાષણ આપ્યું હતું જેમાં તેણે કથિત રીતે કહ્યું હતું કે શિવાજીએ ભિવંડીમાં એક મસ્જિદ તોડી પાડી હતી અને લોકોને દેશના દુશ્મનો સામે એવા જ ઉદાહરણનું અનુકરણ કરવા કહ્યું હતું. ઠાકરેએ બીજા એક ભાષણમાં એવું પણ કહેલું કે જે રીતે હું દરેક જગ્યાએ માતાજીની સામે નારિયેળ તોડી રહ્યો છું એ મુસ્લિમોનું માથું છે.
જસ્ટીસ મૅડને બળવાખોર ભાષણોના આરોપસર ભાવે અને ઠાકરે બંનેને બોલાવ્યા. ભાવેને જુદા જુદા જૂથોમાં દુશ્મનાવટ પેદા કરવા માટે પકડવામાં આવ્યાં. ઠાકરેનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું: 13 મી મે, 1969 ના રોજ ઠાણેમાં જાહેર ભાષણમાં શિવસેનાના પ્રમુખ બાળ ઠાકરેએ ભિવંડી પર ખાસ હુમલો કર્યો હતો, જેમાં તેમણે ભિવંડીને ‘બીજા પાકિસ્તાન’ તરીકે ઓળખાવ્યું હતું.
***
આ રીતે હિંદુત્વના પ્ર્યોગો કરતાં કરતાં મુંબઇના લાલબાગ-પરેલ વિસ્તારમાં પણ શિવસેનાનો વ્યાપ વધ્યો. ડાબેરીઓએ દાયકાઓ સુધી જે ઇમારત પર કબજો કરેલો એ સામ્યવાદી ગઢમાં તિરાડો વધતી ગઈ.
જો શિવસેનાના વિકાસમાં સતત વધારો થાય તો તેઓ ઇતિહાસના પાનામાં ક્યાંક ખોવાઈ જશે. એવી ધારણા સાથે સામ્યવાદીઓએ લોક સેવા દળને સંચાલિત કર્યા. તેમના લાલ વાવટા સામે શિવસેનાનો જવાબ હતો – ભગવો વાવટો.
એ વખતે મુંબઈના દિલાઈ રોડ વિસ્તારમાં, ગુંડાઓ હાથમાં તલવાર લઈને ફરતાં. ઠાકરેના માણસો એક નાની બ્લેડ લઈને પકડાય તો પણ તેમની ધરપકડ કરવામાં આવતી પણ આ ગુંડાઓ ખુલેઆમ બજારમાં ફરતાં. આવા ગુંડાઓ સામે લડવા માટે ઠાકરેએ 5000 યુવાનોની એક વિશેષ ટુકડી રચવાનો નિર્ણય કર્યો છે.
ઠાકરેના નિવેદન પછી, લિંક મેગેઝિને કમ્યુનિસ્ટ નેતા બી.એસ.ધુમેનો ઈન્ટરવ્યુ કરીને એક અહેવાલ બનાવ્યો. તેમાં ધૂમે પણ 500 યુવાનોની ટુકડી બનાવશે એવું બહાર આવ્યું.
ઠાકરેએ કહ્યું: હું ધૂમે સામે પડકાર ફેંકું છું. શા માટે 500 જ? તેમણે તો 1000 યુવાનોની એક ટીમની સ્થાપના કરવી જોઈએ. મારા 10 શિવસૈનિકો અને સામે તેના હજાર. જોઈએ કોણ ટકે છે અને કોણ બટકે છે.
ભગવા રક્ષકની ટીમ ટૂંક સમયમાં જ ઓપરેટિવ બની, કેસરી વાવટાઓ લઈને બાઇક પર મુંબઈના રસ્તાઓ પર ફરવા લાગ્યાં. તેની પ્રતિક્રિયામાં, ધારાસભ્ય ક્રિષ્ના દેસાઈની આગેવાની હેઠળ પરેલ અને લાલબાગમાં સામ્યવાદીઓએ તેમના રેડ ગાર્ડની ગતિવિધિઓને આગળ ધપાવ્યું.
અને એક દિવસ આ સંઘર્ષે એક ગંભીર વળાંક લીધો. 5 જૂન, 1970 ના રોજ કૃષ્ણ દેસાઈની હત્યા થઈ.
પડઘોઃ
આખા ભારતમાં આવેલા કિલ્લાઓમાંથી મહારાષ્ટ્રમાં સૌથી વધુ કુલ 60 કિલ્લાઓ છે.
હિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે સિરીઝ: ભાગ 1 | ભાગ 2 | ભાગ 3 | ભાગ 4 | ભાગ 5 | ભાગ 6 | ભાગ 7 | ભાગ 8 | ભાગ 9 | ભાગ 10 | ભાગ 11 | ભાગ 12
eછાપું