અલ્પેશ ઠાકોરનો દાવો: ટૂંક સમયમાં કોંગ્રેસના 15-20 વિધાનસભ્યો પક્ષ છોડશે

0
125
Photo Courtesy: zeenews.com

પૂર્વ કોંગ્રેસ વિધાનસભ્ય અને લોકસભાની ચૂંટણીના દિવસો અગાઉ જ કોંગ્રેસ છોડી દેનાર અલ્પેશ ઠાકોરે એક ન્યૂઝ સંસ્થાને આપેલી મુલાકાતમાં દાવો કર્યો છે કે ગુજરાત કોંગ્રેસમાં હજી પણ ભંગાણ શક્ય છે.

Photo Courtesy: zeenews.com

અમદાવાદ: કોંગ્રેસના ભૂતપૂર્વ આગેવાન અને ઠાકોર આગેવાન અલ્પેશ ઠાકોર ગઈકાલે ઉપમુખ્યમંત્રી નીતિન પટેલને ગાંધીનગરમાં મળ્યા હતા. આ મીટીંગ લગભગ એક કલાક ચાલી હતી, ત્યારબાદ અલ્પેશ ઠાકોર બહુ જલ્દીથી ભાજપમાં જોડાઈ જશે તેવી અટકળો ચાલવા લાગી હતી.

પરંતુ આજે ન્યૂઝ એજન્સી ANI સાથે ચર્ચા કરતા અલ્પેશ ઠાકોરે ધડાકો કર્યો છે કે આવનારા થોડા દિવસોમાં કોંગ્રેસના લગભગ 15થી 20 વિધાનસભ્યો પક્ષ છોડી દેશે. અલ્પેશના કહેવા અનુસાર ગુજરાત કોંગ્રેસમાં હાલમાં નેતાગીરીનો અભાવ છે અને તેને લીધે પક્ષના વિધાનસભ્યો નિરાશ છે.

અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે ગુજરાત કોંગ્રેસમાં જો અત્યારે છે એમ જ બધું ચાલતું રહેશે તો આવનારા દસ વર્ષમાં પણ તે સત્તામાં આવી શકશે નહીં. કોંગ્રેસમાંથી પોતે આપેલા રાજીનામા બાબતે અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે અમારા અંતરાત્માનો અવાજ સાંભળીને અમે એ નિર્ણય કર્યો હતો.

અલ્પેશ ઠાકોર અનુસાર હવે તેઓ ગરીબો માટે કાર્ય કરવા માંગે છે અને તેના માટે તે સરકારની મદદથી આ કાર્ય પાર પાડવા માંગે છે. એક સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર અનોખો આરોપ મુકનાર અલ્પેશ ઠાકોરે માન્યું હતું કે ગુજરાતમાં દરેક લોકો વડાપ્રધાન મોદીનું સન્માન કરે છે અને પોતે પણ તેમના લાગણીશીલ સ્વભાવથી પ્રેરણા મેળવે છે.

રાહુલ ગાંધી સાથે પણ પોતાના સારા સંબંધો હોવાનો દાવો કરતા અલ્પેશે કહ્યું હતું કે રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી વચ્ચે નેતૃત્ત્વના મામલે કોઈજ સ્પર્ધા નથી અને તેમણે આ બાબતે કોઈનું સર્ટીફીકેટ લેવાની જરૂર નથી.

2017માં અલ્પેશ ઠાકોરે કોંગ્રેસની ટીકીટ પરથી ચૂંટણી લડીને રાધનપુર બેઠક પર વિજય મેળવ્યો હતો. પરંતુ ત્યારબાદ ધીરેધીરે તેમનો કોંગ્રેસથી મોહભંગ થવા લાગ્યો હતો. લોકસભાની ચૂંટણી થવાના થોડા જ દિવસો અગાઉ માન-સન્માનના પ્રશ્નને આગળ ધરીને તેમણે કોંગ્રેસ છોડી દીધી હતી પરંતુ પોતાનું વિધાનસભ્ય પદ હજી પણ જાળવી રાખ્યું છે.

જો કે કોંગ્રેસના સૂત્રો અનુસાર અલ્પેશ ઠાકોરનું કોંગ્રેસ છોડવા પાછળનું મૂળ કારણ તેમને પાટણની બેઠક પરથી ટીકીટ ન આપવાનું હતું. આ બેઠક પર જગદીશ ઠાકોરને કોંગ્રેસે ટીકીટ આપી હતી, જો કે જગદીશ ઠાકોર ચૂંટણી હારી ગયા હતા.

કોંગ્રેસે અલ્પેશ ઠાકોરનું વિધાનસભાના સભ્યપદને રદ્દ કરવાની સ્પિકર પાસે અરજી કરી છે જેના પર હજીસુધી કોઈજ નિર્ણય નથી આવ્યો.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here