હાલમાં જ પૂર્ણ થયેલી લોકસભાની ચૂંટણીઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતને દેશભરમાં લોકો જુદીજુદી રીતે ઉજવી રહ્યા છે, તેમાં સુરતના એક આઈસ્ક્રીમ પાર્લરના માલિકે અનોખી કુલ્ફી બનાવી છે.

સુરત: સુરતમાં આઈસ્ક્રીમ પાર્લર ચલાવતા વિવેક અજમેરાએ લોકસભાની ચૂંટણીમાં અભૂતપૂર્વ જીત મેળવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સન્માનમાં તેમજ આ જીતની ઉજવણી કરવા માટે એક અનોખો પ્રયોગ હાથ ધર્યો છે. અજમેરા પોતાના પાર્લરમાં આજકાલ ખાસ મોદી સીતાફળ કુલ્ફી વેંચી રહ્યા છે.
આ મોદી સીતાફળ કુલ્ફી ખાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બીજી વખત વડાપ્રધાન બનવાની ખુશાલીમાં જ બનાવવામાં આવી છે. આ કુલ્ફીનું વેચાણ ગુરુવારે જ્યારે નરેન્દ્ર મોદી બીજી વખત વડાપ્રધાન પદના શપથ લેશે ત્યાંસુધી જ ઉપલબ્ધ રહેશે.
મોદી સીતાફળ કુલ્ફીની ખાસિયત એ છે કે તેની ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આકૃતિ ચિતરવામાં આવી છે. આશ્ચર્યની વાત એ છે કે આ આકૃતિને બનાવવા માટે અજમેરાએ કોઈ ખાસ મોલ્ડ કે મશીન નહોતું બનાવ્યું અને તેને ખાસ હાથેથી દોરવામાં આવી છે.
અજમેરા અને તેમના કારીગરોને આ આકૃતિ બનાવવા માટે અને પછી તેને પાસ કરવા માટે લગભગ 24 કલાક જેટલો સમય લાગ્યો હતો. અજમેરા મોદી સીતાફળ કુલ્ફીને પચાસ ટકા ડિસ્કાઉન્ટ પર વેંચી રહ્યા છે અને સુરતમાં તે ખાસ્સી લોકપ્રિય પણ થઇ છે.
કુલ્ફી 100% કુદરતી તત્વોથી બનેલી છે અને તેને બનાવવા માટે કોઇપણ પ્રકારના એસેન્સ નાખવામાં નથી આવ્યા તેમ અજમેરાએ ભારપૂર્વક કહ્યું હતું.
આ અગાઉ પણ દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા કેટલી બધી છે તે દર્શાવતી મોદી સાડી, મોદીજી થાલી અને મોદી પેંડા જેવા ઉદાહરણો પણ સામે આવ્યા હતા.
eછાપું