CWC 2019: એ 10 ક્રિકેટરો જે પોતાનો અંતિમ વર્લ્ડ કપ રમવાના છે

0
16
Photo Courtesy: icccricketworldcup2019.net

ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2019ને શરુ થવાને હવે ગણતરીના જ દિવસો બાકી છે અને આ વર્લ્ડ કપમાં જુદા જુદા દેશોના એવા 10 ખેલાડીઓ છે જેઓ પોતાનો આખરી વર્લ્ડ કપ રમશે.

Photo Courtesy: icccricketworldcup2019.net

બસ  હવે બે દિવસ અને ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2019નું ‘Get Set Go..’ થઇ જશે. આમ તો વર્લ્ડ કપ રમવા માટે અને તેમાં સારો તો શું શ્રેષ્ઠ દેખાવ કરવા માટે દરેક ક્રિકેટર તૈયાર હોય છે, પરંતુ આ વર્લ્ડ કપ જેનો આખરી વર્લ્ડ કપ બની રહેવાનો છે તેઓ જરૂર યાદગાર રમત રમીને ક્રિકેટને વિદાય આપવા માંગતા હશે.

એક રીતે જોવા જઈએ તો આવનાર વર્લ્ડ કપ એ એક બે નહીં પરંતુ લગભગ દસ ક્રિકેટર્સનો આખરી વર્લ્ડ કપ હશે. આ ક્રિકેટર્સ કયા કયા છે અને તે કયા દેશ સાથે સંબંધ ધરાવે છે તે જોઈએ?

ક્રિસ ગેલ (વેસ્ટ ઇન્ડિઝ)

Photo Courtesy: independent.co.uk

39 વર્ષિય જમૈકન ક્રિસ ગેલે અગાઉથી જ જાહેરાત કરી દીધી છે કે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં રમાનાર વર્લ્ડ કપ તેનો આખરી વર્લ્ડ કપ રહેશે. આમ પણ ક્રિસ ગેલ છેલ્લા ઘણા સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ઓછું અને વૈશ્વિક ટ્વેન્ટી20 લિગ્સમાં વધુ રમે છે. લાગે છે કે તે હજી એકાદ વર્ષ વિવિધ લિગ્સમાં રમતો જોવા મળશે.

ડેલ સ્ટેન (સાઉથ આફ્રિકા)

Photo Courtesy: espncricinfo.com

બેટ્સમેનો પણ જે બોલર્સથી થરથર કાંપે એવા ફાસ્ટ બોલર્સની પેઢીનો કદાચ આખરી બોલર એટલે ડેલ સ્ટેન. ડેલ સ્ટેને ગત વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે અદભુત બોલિંગ કરી હતી પરંતુ બદનસીબે તે મેચ સાઉથ આફ્રિકા જીતી શક્યું ન હતું. આમ પણ સાઉથ આફ્રિકાએ હજી સુધી એક પણ વર્લ્ડ કપ જીત્યો નથી એટલે ‘પ્રોટીયાઝ’ ને એવી જરૂર આશા હશે કે પોતાનું વિદાય ગીત ગાતા અગાઉ ડેલ સ્ટેન તેમને વિશ્વ કપની ભેટ આપીને જાય.

લસિથ મલિંગા (શ્રીલંકા)

Photo Courtesy: espncricinfo.com

એક સમયે ‘ડેથ ઓવર્સ’ એટલેકે આખરી ઓવરોનો માસ્ટર કહેવાતો અને પોતાના સચોટ યોર્કર બોલ્સ માટે વખણાતો શ્રીલંકાનો ફાસ્ટ બોલર લસિથ મલિંગા તેની અનોખી બોલિંગ સ્ટાઈલથી પણ અન્ય બોલર્સથી જુદો તરી આવે છે. હાલમાં પુનરાગમન માટે સંઘર્ષ કરતી શ્રીલંકન ટીમના મહત્ત્વના સભ્ય તરીકે મલિંગા છેલ્લા અમુક સમયથી પોતાની બોલિંગની ધાર ગુમાવી ચૂક્યો છે અને આ વર્લ્ડ કપ બાદ પાંત્રીસ વર્ષીય આ બોલર ક્રિકેટને અલવિદા કરી દેશે તેવી પૂરી શક્યતાઓ છે.

શોએબ મલિક (પાકિસ્તાન)

Photo Courtesy: cricketcountry.com

માન્યામાં ન આવે પરંતુ ભારતમાં હવે ‘જમાઈરાજ’ તરીકે ઓળખાતા શોએબ મલિક છેલ્લા 20 વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમે છે. એક સમયે પાકિસ્તાનના ઓલરાઉન્ડર તરીકે મલિકની ભૂમિકા ટીમમાં મહત્ત્વની રહેતી, પરંતુ હવે છેલ્લા અમુક સમયથી શોએબ બેટિંગ પર વધુ ધ્યાન આપે છે અને પાકિસ્તાની કપ્તાન સરફાઝ અહમદ પણ તેની સલાહ પર ધ્યાન આપતો જોવા મળે છે. હવે સાડત્રીસ વર્ષનો શોએબ આ વર્લ્ડ કપ બાદ પોતાની ક્રિકેટ કીટને કાયમ માટે કબાટમાં બંધ કરી દેશે.

જોં પોલ ડુમિની (સાઉથ આફિકા)

Photo Courtesy: zeenews.com

જે પી ડુમિનીના નામે વધુ લોકપ્રિય એવા ડુમિની એ એક સમયે સાઉથ આફ્રિકાના સહુથી ટેલેન્ટેડ ક્રિકેટર્સમાંથી એક હતો, પરંતુ તેણે પોતાની સમગ્ર કારકિર્દી દરમ્યાન આ ટેલેન્ટને પૂરતો ન્યાય નથી આપ્યો એમ જરૂર કહી શકાય. ડુમિની પણ પોતાનો અંતિમ વર્લ્ડ કપ રમવા જઈ રહ્યો છે.

રોસ ટેલર (ન્યુઝીલેન્ડ)

Photo Courtesy: indiatoday.in

‘રોસ્કો’ ના ઉપનામથી પ્રખ્યાત રોસ ટેલર હવે 35 વર્ષનો થયો છે અને ન્યુઝીલેન્ડમાં ભાગ્યે જ કોઈ ક્રિકેટર આટલું લાંબુ રમતો હોય છે. ન્યુઝીલેન્ડના મધ્યમક્રમના આ બેટ્સમેનને પણ આપણે આ વખતના વર્લ્ડ કપમાં અંતિમ વખત રમતો જોઈશું તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે.

હાશિમ આમલા (સાઉથ આફ્રિકા)

Photo Courtesy: zeenews.com

છત્રીસ વર્ષીય બેટ્સમેન હાશિમ આમલા એ ટેસ્ટ અને વનડે ક્રિકેટ બંને ફોર્મેટ માટે સાઉથ આફ્રિકાનો આધારભૂત બેટ્સમેન છે. જો કે છેલ્લા અમુક સમયથી આમલાનું ફોર્મ ઉપર નીચે થઇ રહ્યું છે પરંતુ તેમ છતાં સાઉથ આફ્રિકાના સિલેક્ટરોએ તેના પર વિશ્વાસ મૂક્યો છે અને તેને પોતાના અંતિમ વર્લ્ડ કપ રમવા માટે ટીમમાં પસંદ કર્યો છે.

મશરફે મોર્તઝા (બાંગ્લાદેશ)

Photo Courtesy: zeenews.com

ગત વર્લ્ડ કપમાં બાંગ્લાદેશની કપ્તાની કરનાર અને હવે બાંગ્લાદેશની સંસદમાં સંસદ સભ્ય એવા મશરફે મોર્તઝા પણ આ વર્લ્ડ કપ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતો જોવા નહીં  મળે. પાંત્રીસ વર્ષીય મોર્તઝા 2015માં ટીમને વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઈનલ સુધી લઇ જવા માટે હંમેશા યાદ રહેશે.

ઇમરાન તાહિર (સાઉથ આફ્રિકા)

Photo Courtesy: dnaindia.com

સાઉથ આફ્રિકાનો ચોથો એવો ક્રિકેટર એવો ઇમરાન તાહિર જે આ વર્લ્ડ કપ બાદ રિટાયર થઇ જશે. કદાચ અત્યારે તે પોતાના શ્રેષ્ઠ બોલિંગ ફોર્મમાં પણ છે જેની ઝલક આપણે આ વર્ષની IPLમાં જોઈ હતી. ઇમરાન તાહિરે મહિનાઓ અગાઉ આવનાર વર્લ્ડ કપ તેનો અંતિમ વર્લ્ડ કપ હશે તેવી જાહેરાત કરી દીધી છે.

મહેન્દ્ર સિંહ ધોની (ભારત)

Photo Courtesy: indiatoday.in

જેની પ્રશંસા કરવા માટે ગમે તેટલા વિશેષણો વાપરો તો પણ ઓછા પડે એવા પૂર્વ ભારતીય કપ્તાન અને અદભુત વિકેટકીપર બેટ્સમેન, ફિનીશર અને બે-બે વર્લ્ડ કપ, ચેમ્પિયન્સ ટ્રોફી વિજેતા તેમજ ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારતને ટોચ પર પહોંચાડનાર મહેન્દ્ર સિંહ ધોની પણ પોતાનો આખરી વર્લ્ડ કપ રમી રહ્યો છે. 2014માં ધોનીએ આ વર્લ્ડ કપ રમવા માટે જ અચાનક જ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લીધી હતી. પોતાની નિવૃત્તિ પોતાના સમયે અને પોતાની ઈચ્છા પ્રમાણે નક્કી કરવા માટે જાણીતા ‘MSD’ એ હજી સુધી વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ ક્યારે લેશે એ કહ્યું નથી પરંતુ આ વર્લ્ડ કપનું પરિણામ જે પણ આવે ધોની ત્યારબાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને જરૂરથી અલવિદા કરી દેશે એ નક્કી છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here