નાણામંત્રી અરુણ જેટલીએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને હાલપૂરતા તેમને કોઇપણ સરકારી જવાબદારીથી મુક્ત રાખવાની વિનંતી કરી છે અને એ અંગેના કારણો પણ તેમાં જણાવ્યા છે.

નવી દિલ્હી: નાણામંત્રી અરુણ જેટલીએ છેલ્લા ઘણા દિવસથી ચાલી રહેલી અટકળોનો આજે જાતે જ અંત આણી દીધો છે. મનોનીત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા એક પત્રમાં અરુણ જેટલીએ તેમને નવી સરકારમાં સામેલ ન કરવાની વિનંતી કરી છે.
પોતાના પત્રમાં અરુણ જેટલીએ લખ્યું છે કે વડાપ્રધાન જ્યારે કેદારનાથની યાત્રાએ જવાના હતા ત્યારે જ તેમણે મૌખિકરીતે તેમને આ અંગે જણાવી દીધું હતું. પરંતુ હવે આવતીકાલે જ્યારે તેમના નેતૃત્ત્વમાં નવી સરકાર શપથ લેવા જઈ રહી છે ત્યારે હવે તેઓ ઔપચારિકરીતે તેમને લેખિતમાં જણાવી રહ્યા છે કે હાલપૂરતું તેમને કોઇપણ સરકારી જવાબદારીથી મુક્ત રાખવામાં આવે.
અરુણ જેટલીના કહેવા અનુસાર છેલ્લા અઢાર મહિનાથી તેઓ તેમના શારીરિક સ્વાસ્થ્ય સાથે સંઘર્ષ કરી રહ્યા છે. ડોક્ટરોએ તેમને મોટાભાગની તકલીફોમાંથી તો બહાર કાઢી લીધા છે પરંતુ હજી પણ તેમને આરામની તેમજ તબિયતનું વધુ ધ્યાન રાખવાની જરૂર છે.
ઉપરોક્ત કારણનો હવાલો આપીને અરુણ જેટલીએ જણાવ્યું છે કે તેઓ કામચલાઉ રીતે કોઇપણ જવાબદારી ન સાંભળીને પોતાના સ્વાસ્થ્ય સુધાર પર વધુ ધ્યાન આપવા માંગે છે. જો કે અરુણ જેટલીએ એમ પણ ઉમેર્યું છે કે તેમની જ્યારે પણ જરૂર હશે ત્યારે તેઓ સરકારના કે પછી પક્ષના કાર્ય માટે અનૌપચારિક રીતે જવાબદારી નિભાવતા રહેશે.
અરુણ જેટલીએ આ પત્રને Tweet કરીને પણ સાર્વજનિક કર્યો છે.
હવે, ઉત્સુકતા એ રહેશે કે જો અરુણ જેટલી દેશના આગામી નાણામંત્રી નહીં હોય તો તેમની જગ્યાએ કોણ? આ સમયે તો ફેબ્રુઆરી મહિનામાં કાર્યકારી નાણામંત્રી તરીકે લોકપ્રિય બજેટ રજુ કરનારા પિયુષ ગોયલનું નામ સહુથી આગળ જણાય છે.
છેલ્લા અઠવાડિયે અરુણ જેટલીની નાદુરસ્ત તબિયત અંગે અનેક અફવાઓ પણ ફેલાઈ હતી જેને તેમને રૂબરૂમાં મળનારા તેમના પત્રકાર મિત્રોએ જ રદિયો આપ્યો હતો.
eછાપું