હેલ્થ ટીપ: ગરદનનો દુઃખાવો દૂર રાખવાના ચાર સરળ રસ્તા

0
374
Photo Courtesy: naturalhealthcourses.com

સતત કમ્પ્યુટર અને લેપટોપ પર કામ કરનારાઓ માટે ગરદનનો દુઃખાવો નવાઈની વાત નથી, પરંતુ તેનાથી પણ બચી શકાય છે, અહીં આપેલી ચાર ટીપ્સનો ઉપયોગ કરીને.

કામકાજી વ્યક્તિઓ માટે ગરદનનો દુઃખાવો આજકાલ સામાન્ય બની ગયો છે. આ પાછળનું કારણ સતત લેપટોપ અથવાતો કોમ્પ્યુટર સામે બેસીને કામ કરવું. આ ઉપરાંત સ્માર્ટફોન્સનો વધારે પડતો ઉપયોગ પણ ગરદનના દુઃખાવામાં વધુ ફાળો આપતો હોય છે. આમ તો લેપટોપ અથવાતો કમ્પ્યુટર તમારી આંખોની રેખાની સમાંતર આવે તે યોગ્ય પોઝીશન કહેવાય છે પરંતુ બધા માટે એ શક્ય નથી હોતું.

બસ આ જ કારણ છે કે ગરદનને વારેવારે ઝુકાવીને કામ કરવાને લીધે અને એક પણ સેકન્ડ માટે ડેસ્ક પરથી ઉભા થવાની આદત ન હોવાને લીધે છેવટે ગરદન દુઃખવાની શરુ થઇ જતી હોય છે. ઘણા લોકોને ગરદનનો દુઃખાવો ગરદનનો ભાગ કઠણ (stiff) થઇ જવાને લીધે પણ થતો હોય છે.

તો ગરદનને દુઃખવાથી બચાવવા માટે કોઈ ઉપાય ખરો કે નહીં? બિલકુલ છે! એક નહીં પરંતુ ચાર ઉપાયો છે. આ ચારેય ઉપાયો અલગ અલગ પ્રકારની ગરદનની કસરતો છે જે તમારે એક પછી એક કરવાની છે. તો ચાલો જાણીએ એ ચાર જુદી જુદી ગરદનની કસરતો.

ગરદનને ડાબે-જમણે વાળવી

  1. ગરદનને સીધી કરીને પછી તેને ધીમે ધીમે ડાબી તરફ વાળો
  2. ફરીથી ગરદન ધીરે ધીરે સીધી કરો
  3. હવે ગરદનને ધીમે ધીમે જમણી તરફ વાળો
  4. ફરી એકવાર ગરદન ધીરે ધીરે સીધી કરો
  5. આ જ પ્રક્રિયા ત્રણ વખત કરો.

ગરદનને ગોળ ગોળ ફેરવવી

  1. પીઠ એકદમ સીધી કરી દો
  2. તમારી દાઢીને તમારી છાતીના ઉપલા હિસ્સા પર અડાડો
  3. ત્યારથી ધીમે ધીમે તમારી દાઢીને જમણે ખભે અડાડવાની કોશિશ કરો
  4. હવે પાછળની તરફ ચહેરાને લઇ જતા છતને જોવો
  5. અહીંથી ગરદન ડાબી તરફ લઇ જઈને ડાબા ખભે અડાડવાની કોશિશ કરો

નોંધ: આ સમગ્ર પ્રક્રિયા એકદમ ધીરેથી અને ગરદનને આંચકો ન આવે તેનું ધ્યાન રાખીને કરવાની છે.

ગરદનની પાછળ મસાજ

  1. તમારા ખભા ઢીલા છોડીને ટટ્ટાર બેસો
  2. બંને હાથ ઊંચા કરો અને તમારા માથાને ધીરે ધીરે નીચે લઇ જાવ
  3. તમારા શરીર સાથે દાઢી અડાડો અને ગરદનને ઢીલી છોડી દો
  4. હવે તમારા બંને હાથને પાછળ લઇ જાવ અને ગરદનના પાછલા ભાગ પર હળવેથી આંગળીઓ દ્વારા મસાજ કરો

ઉપર નીચે જુઓ

એકદમ સરળ કસરત છે આ. તમારે તમારા ચહેરાને ફક્ત ઉપર અને નીચે ધીરે ધીરે લઇ જવાનો છે. એટલું ધ્યાન રાખજો કે ક્યાંક જર્ક ન લાગે.

બસ ઉપર કહેલી કસરતો કામના સમયમાં થોડો સમય કાઢી અને રેગ્યુલર કરતા રહેશો તો ગરદનનો દુઃખાવો કાયમ તમારાથી દૂર રહેશે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here